રશિયા-યુક્રેન યુદ્ધ અને મિડલ ઇસ્ટમાં ઇઝરાયલ-રશિયા વચ્ચે યુદ્ધની સ્થિતિ અને વૈશ્વિક મંદીના માહોલની અસર સુરત સહિતના હીરા ઉદ્યોગ પર પણ પડી છે.
કિરણ જેમ્સ જેવી મોટી કંપની દ્વારા માર્કેટની નબળી માંગને ધ્યાને રાખી શ્રાવણ માસમાં તા.18 થી 27 ઓગસ્ટ સુધી કિરણ જેમ્સ ગ્રુપની ફેક્ટરીઓ બંધ રાખવાની જાહેરાત પછી બીજી કંપનીઓએ પણ વીકમાં બે-ત્રણ દિવસની રજા જાહેર કરી છે.
ત્યારે ડાયમંડ વર્કર યુનિયન ગુજરાતના પ્રમુખ રમેશ જિલરિયા અને ઉપપ્રમુખ ભાવેશ ટાંકે જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (GJEPC) ગુજરાતના રિજનલ ડિરેક્ટર વિજય માંગુકિયાને આવેદનપત્ર મોકલી વિકટ પરિસ્થિતિમાં કાઉન્સિલ રત્નકલાકારોને મદદ કરે એવી માંગ કરી છે.
આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું છે કે, હીરા ઉદ્યોગમાં અત્યારે મંદીના કારણે મોટી સંખ્યામાં રત્નકલાકારો બેરોજગાર બન્યા છે. ઘણાં એકમોએ પ્રોડક્શન કાપ મૂક્યો છે. કેટલાકે વીકમાં બે-ત્રણ દિવસ કારખાનાં બંધ રાખી કારીગરોના મજૂરી દર અને પગાર ઓછા કર્યા છે.
છેલ્લા 8 મહિનામાં ઘણા રત્નકલાકારોએ આર્થિક સંકટથી ત્રાસી જઈ આપઘાત કરી લીધો છે. આપઘાતના બનાવો સતત ચિંતાજનક રીતે વધી રહ્યા છે. હીરા ઉદ્યોગમાં બેરોજગારી સતત વધી રહી છે અને મોટા ભાગના રત્નકલાકારો આર્થિક રીતે પાયમાલ થઈ ગયા છે. ત્યારે તેમને આપઘાત કરતા રોકવા માટે ડાયમંડ વર્કર યુનિયન ગુજરાત દ્વારા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.
હીરાઉદ્યોગનાં રત્નકલાકારોને આપઘાત કરતા રોકવા એ સૌની સહિયારી જવાબદારી છે. માટે અભિયાનના પહેલા દિવસે મોટી સંખ્યામાં બેરોજગાર રત્નકલાકારોએ હેલ્પલાઇન નંબર પર ફોન કરી નોકરીની તથા આર્થિક સહાય અને અનાજ-કરિયાણાની કિટ તથા ઘણા લોકો પોતાનાં બાળકોની શિક્ષણ ફી ભરવાની માંગણી કરી છે.
જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ એન્ડ પ્રમોશન કાઉન્સિલ ઓફ ઇન્ડિયા (GJEPC) દ્વારા રત્નકલાકારોને અગાઉના મંદીના સમયગાળામાં સાથ સહકાર રહ્યો છે. રત્નકલાકારોનાં બાળકોને નોટબુક વિતરણ કરવામાં આવી હતી. અત્યારે સૌથી વિકટ સ્થિતિ છે ત્યારે કાઉન્સિલે આર્થિક સહયોગ આપવો જોઈએ.
______________________________________________________
Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp | YouTube