દીકરી જગત જનની લગ્નઉત્સવ બન્યો, કન્યાદાન, અંગદાન અને વિદ્યાદાનનો ત્રિવેણી સંગમ…

પી.પી.સવાણી પરિવાર અને સહયોગી દાતાઓ દ્વારા આજ સુધી લગભગ ૪૫૭૨ દીકરીઓનું કરિયાવર સાથે કન્યાદાન કરવામાં આવ્યું છે.

Dikari Jagat Janani marriage ceremony becomes, a Triveni Sangam of Kanyadan, Organdan and Vidhyadan-1
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને મહાનુભાવોએ દીકરી પૂજન કર્યું
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE SIDDHI VINAYAK LASER

DIAMOND CITY NEWS, SURAT

છેલ્લા એક દાયકાથી પિતાવિહોણી દીકરીઓને ભવ્ય લગ્ન સમારોહ યોજીને વિદાઈ આપવા માટે જાણીતા સમાજસેવી એવા પી.પી.સવાણી પરીવારના આંગણે આજે રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સહિતના આગેવાનોના હસ્તે કન્યાદાન કરીને ૧૫૦ દીકરીને સાસરે વળાવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ૧૫૦ નવદંપતિઓને સુખમય દામ્પત્યજીવનના આશીર્વચન પાઠવ્યા હતા. પિતાની હૂંફ સાથે હિંદુ, મુસ્લિમ, ઈસાઈ ધર્મ સહિત સર્વ જ્ઞાતિઓની પિતાવિહોણી દીકરીઓએ પ્રભુતામાં પગલા પાડ્યા હતા.

Dikari Jagat Janani marriage ceremony becomes, a Triveni Sangam of Kanyadan, Organdan and Vidhyadan-2

મુખ્યમંત્રીશ્રી સહિત કેન્દ્ર અને રાજ્ય સરકારના મંત્રીગણની ઉપસ્થિતિમાં એક લાખથી વધુ લોકોએ સ્વૈચ્છિક અંગદાનનો સંકલ્પ લઈને અનોખો વિક્રમ નોંધાવી ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે. આ સાથે મુખ્યમંત્રીશ્રીના હસ્તે માતાપિતા વિહોણા, દિવ્યાંગ અને આર્થિક રીતે નબળા જરૂરિયાતમંદ ૧,૦૦૦ વિદ્યાર્થીઓ માટે ‘વિદ્યાર્થી દત્તક યોજના’નો પ્રારંભ થયો હતો. જેમાં CFE-કોટા સાથે મળીને અનાથ, દિવ્યાંગ કે આર્થિક રીતે નબળા પરિવારના ૧૦૦૦ બાળકોને દત્તક લઈને એમને મેડિકલ, એન્જિનીયરીંગ, સીએના ઉચ્ચઅભ્યાસ માટેની પ્રવેશપરીક્ષાની તૈયારી કરાવાશે. વિશેષત: આઝાદીના અમૃત મહોત્સવ તેમજ પ્રમુખ સ્વામીજીના શતાબ્દી વર્ષ નિમિતે ‘દીકરી જગત જનની લગ્નોત્સવ’ પૂ. શ્રી પ્રમુખસ્વામી મહારાજને સાદર અર્પણ કરવામાં આવ્યો છે.

Dikari Jagat Janani marriage ceremony becomes, a Triveni Sangam of Kanyadan, Organdan and Vidhyadan-9

આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, પિતાની છત્રછાયા વિનાની હજારો દીકરીઓના લગ્નથી લઈને આજીવન જવાબદારી નિભાવવી એ સમાજ સેવાનું વિરલ ઉદાહરણ છે. ‘કન્યાદાન મહાદાન’ના સૂત્રને સાર્થક કરીને અન્ય લોકો માટે, શ્રેષ્ઠીઓ માટે દાખલારૂપ બનેલા સવાણી પરિવાર આયોજિત આ લગ્નોત્સવ સદ્દભાવ, સમભાવ અને મમભાવનું પ્રેરણા કેન્દ્ર બનશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. પીપી સવાણી ગ્રુપ અને જાનવી લેબગ્રોન ગ્રુપ આયોજિત દીકરી જગત જનની સમૂહ લગ્ન અંતર્ગત પીપી સવાણી સ્કૂલ નજીક અબ્રામા ગામના વિશાળ પટાંગણમાં શનિવારે પ્રથમ ચરણમાં 150 દીકરીઓના ધામધૂમ પૂર્વક લગ્ન યોજાયા હતા. જેમાં બે મુસ્લિમ અને એક ખ્રિસ્તી યુગલે પણ નવજીવનમાં ડગ માંડ્યા હતા. લગ્ન પ્રસંગને માણવા લાખોની સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડ્યો હતો. ઢબુકતા ઢોલ સાથે સમી સાંજે 6 વાગ્યે વર-વધુનું લગ્નમંડપમાં આગમન થયુ હતુ. અને બાદમાં વેદોક્ત મંત્રોચ્ચાર સાથે લગ્નવિધિ શરૂ થઇ હતી. સાથે આ પ્રસંગે સ્ટેજ પરથી પધારેલા રાજકીય અને સામાજિક અગ્રણીઓનું સન્માન કરવામાં આવ્યુ હતુ.

ડિસેમ્બર ૨૪ શનિવારને રાતના 9 વાગ્યાનો સમય છે… એક તરફ તાપીનું ખળ ખળ વહેતું પાણી વાતાવરણને ઠંડુગાર કરી રહ્યુ હતુ તો બીજીતરફ એની નજીકમાં જ એક સાથે દોઢ સો દીકરીની આંખોમાંથી અશ્રુની ધારા વહી રહી હતી, જે વાતાવરણમાં કરૂણતા પ્રસરાવી રહી હતી. હકીકતમાં આ પ્રસંગ હતો, દીકરી જગત જનની સમૂહ લગ્નના કન્યા વિદાયનો. દીકરીઓ સાથે હજારો આંખો ભીની હતી અને દરેક આંખોમાં લગ્નની ભવ્યતા દીપી રહી હતી…

શ્રી મહેશભાઈ સવાણી અત્યાર સુધીમાં પિતાની છત્રછાયા ગુમાવી ચુકેલી હજારો દીકરીઓના પાલક પિતા બની વર્ષ ૨૦૧૨થી સામૂહિક લગ્નોત્સવ બાદ હવે આ વર્ષે પણ સપ્તાહમાં જાનવી લેબગ્રોન ગ્રુપના રમેશભાઈ લખાણી પરિવારના સહયોગથી તેઓ ‘દીકરી જગત જનની’ યોજી રહ્યા છે, જેનો સહર્ષ ઉલ્લેખ કરતા મુખ્યમંત્રીશ્રીએ સવાણી અને લખાણી પરિવારને અભિનંદન પાઠવ્યા હતા. તેમની સેવાકીય પ્રવૃત્તિઓની સરાહના કરતા જણાવ્યું કે, જાતે કમાઈને જાતે ખાવું એ પ્રકૃતિ છે, પણ જાતે કમાઈને અન્યને ખવડાવવું એ સંસ્કૃતિ છે. જેની પ્રતીતિ સવાણી અને લખાણી પરિવારે કરાવી છે. આઝાદીના અમૃત કાળના અવસરે દામ્પત્યજીવનનો પ્રારંભ કરી રહેલી દીકરીઓ સાસરે સુખ, સમૃદ્ધિ, એકતા, સંપ અને કાર્યદક્ષતાના અમૃત કાળનું સર્જન કરે એવી અપેક્ષા તેમણે વ્યક્ત કરી હતી.

આ પ્રસંગે પ્રદેશ ભાજપ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલે જણાવ્યું કે, પિતા વિહોણી દીકરીઓની ધામધૂમથી લગ્ન જીવનની બક્ષિસ આપીને સમાજને નવો સંદેશ આપ્યો છે. સુરત આંગણે એક જ દિવસમાં એક લાખ વ્યક્તિઓ સંકલ્પબધ્ધ થઈને અંગદાનમાં જોડાયા એ સુરતના નામે વધુ એક સિધ્ધી છે. આ સમૂહ લગ્ન થકી નવા, ઉમદા વિચારો દ્વારા સમાજના દરેક વર્ગના લોકોને એક સાથે જોડીને પરિવારને એક તાંતણે બાંધ્યો છે તેનું ઉત્તમ ઉદાહરણ છે. આ પ્રસંગે કેન્દ્રીય રેલવે અને ટેક્ષટાઈલ રાજ્ય મંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશ, ગૃહ,રમતગમત રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવી, વન અને પર્યાવરણ, પાણી પુરવઠા રાજ્યમંત્રીશ્રી મુકેશભાઈ પટેલ, સંસદીય બાબતો, પ્રાથમિક,માધ્યમિક, ઉચ્ચ શિક્ષણ રાજ્યમંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરિયા, પ્રદેશ સંગઠન અધ્યક્ષશ્રી સી.આર.પાટીલ, સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ,સુરતના અધ્યક્ષશ્રી કાનજીભાઈ ભાલાળા, પદ્મશ્રી મથુરભાઈ સવાણી સહિત ધારાસભ્ય સર્વશ્રી વિનોદભાઈ મોરડીયા, પુર્ણેશ મોદી, જીતુભાઈ વાઘાણી, મનુભાઈ પટેલ, પ્રવિણભાઈ ઘોઘારી, સંદિપ દેસાઈ, મોહનભાઈ ઢોડિયા, કાંતિભાઈ બલર, સંગીતા પાટીલ, મેયર શ્રીમતી હેમાલી બોઘાવાલા, અગ્રણીઓ, સંતો મહંતો સહીત અનેક મહાનુભાવો  ઉપસ્થિત રહ્યા હતા.

1,38,283 લોકોએ અંગદાનનો સંકલ્પ કર્યો

સુરત : પીપી સવાણી ગ્રુપ અને જાનવી લેબગ્રો ગ્રુપ આયોજિત “દીકરી જગત જનની” ભવ્ય લગ્નોત્સવમાં શનિવારે 150 દીકરીઓના લગ્ન બાદ રવિવારે પણ 150 દીકરીઓએ પ્રભુતામાં પગલાં પાડયાં હતાં. આ સાથે કુલ 300 યુગલની લગ્નવિધિ સંપન્ન થઇ હતી. નવ દંપતીને આશીર્વાદ આપવા કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા, ડૉ. મહેન્દ્ર મુંજપરા સહિતના રાજકીય અગ્રણીઓ, અધિકારીઓ, સમાજ અગ્રણીઓ, સંતો ઉપસ્થિત રહ્યા હતા. આજે સવાણી પરિવારના બે દીકરા મોનાર્ક અને સ્નેહ સવાણી પણ દીકરી જગત જનનીના આંગણે માંડવા રોપાયા હતા.

સવાણી પરિવારના બે દીકરા સ્નેહ રાજુભાઈ સવાણી અને મોનાર્ક રમેશભાઈ સવાણી પણ આ જ માંડવે લગ્નગ્રંથિથી જોડાયા હતા.

તમામ નવદંપતીને આશીર્વાદ આપવા માટે પધારેલા કેન્દ્રના મત્સ્ય અને પશુપાલન મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ મંચ પરથી આશીર્વચન આપતા ડાયરાને રામ રામ કરીને જણાવ્યુ હતુ કે, “સવાણી પરિવારને આંગણે આ અતિ વિશિષ્ટ સમૂહલગ્નનું આયોજન છે. આ સમૂહ લગ્ન સુરતની ઓળખ અને પરંપરા બની ગયા છે. મહેશભાઈના આ ભગીરથ કાર્યને ભોળાનાથ ક્યારેય અટકવા નહિ દે એવી હું પ્રાર્થના કરૂ છુ. અને ભારત સરકાર વતી હું મહેશભાઈએ આ સુંદર સેવાકાર્ય બદલ અભિનંદન પાઠવું છું.”

સમૂહલગ્નમાં અંગદાનની પ્રવૃત્તિને બિરદાવતા મંત્રીએ કહ્યુ કે, સમૂહલગ્ન સાથે અંગદાનની આ પ્રવૃત્તિ દેશને નવી દિશા આપશે. લોકોએ મહેશ ભાઇને એમની દરેક સેવાકીય પ્રવૃત્તિ માટે ખુબ સમર્થન આપ્યુ છે. ઘરના છોકરાઓને પણ સમૂહ લગ્નમાં જોડવા એ ખુબ અઘરૂ અને ક્રાંતિકારી કામ છે જે મહેશભાઈ કરી રહ્યા છે.

કેન્દ્રીય મંત્રીએ વધુમાં જણાવ્યુ હતુ કે મહેશ ભાઇએ નાની ઉંમરમાં આ પ્રવૃત્તિ ઊભી કરી અને વિકસાવી એની પાછળ વલ્લભભાઈ સવાણીનો સહયોગ છે. વલ્લભભાઈનો સરળ પોષાક, સરળ સ્વભાવ એમને માર્ગદર્શન આપે છે.

કેન્દ્રીય મંત્રી ડૉ. મહેન્દ્ર મુંજપરાએ જણાવ્યુ હતુ કે સર્વ ધર્મ અને સમાજની દીકરીઓના સમૂહ લગ્નનો અવસર નોંધનીય છે. એમણે દીકરીઓને સલાહ આપતા કહ્યું કે, સાસુ સસરાને જ તમારા માતા પિતા માનજો.

ઉલ્લેખનીય છે કે આ વર્ષેનો સમગ્ર લગ્ન સમારોહ પરમ પૂજ્ય શ્રી પ્રમુખ સ્વામી મહારાજની જન્મ શતાબ્દી પર્વને સાદર અર્પણ કરાયો છે. બે દિવસ ચાલેલા ભવ્ય લગ્ન સમારોહ દીકરી જગત જનનીમા સમગ્ર ગુજરાત અને દેશભરમાંથી મહેમાનો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આજે બીજા દિવસે પૂજ્ય નૌતમ સ્વામી, પૂજ્ય ગુરુપ્રસાદ સ્વામી, પૂજ્ય પીપી સ્વામી, સ્વરાજ આશ્રમના નિરંજના બા, પૂર્વ કુલપતિ ડૉ. દક્ષેશ ઠાકર,જેવા અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

____________________________________________________________

ઈન્ડસ્ટ્રીના લેટેસ્ટ ન્યૂઝ માટે ડાયમંડ સિટી ન્યુઝપેપરના સોશ્યિલ મીડિયા સાથે જોડાઓ

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM

વધુ સંબંધિત સમાચાર જુઓ :

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant
  • Nippon Rare Metal Inc
  • SGL LABS