ભાવનગરના રત્નકલાકારના પુત્ર ડૉ. આશિષ વિરડીયા સાથે મુલાકાત : બાળપણમાં જ સપનું જોયેલું એક મોટી હોસ્પિટલ બનાવીશ, આજે 5 ઊભી કરી દીધી

નિઃસંતાન દંપતિના જીવનમાં ખુશીઓનો મહાસાગર છલકાવતા, એક IVF સર્જન, જેમણે 25,000 પ્રસુતાઓને ડિલિવરી કરાવીને તેમના ચહેરા પર ખુશી લાવ્યા

Dr Ashish Viradiya Vyakti Vishesh Article Rajesh Shah Diamond City Newspaper Issue 396-1
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE SIDDHI VINAYAK LASER

DIAMOND CITY NEWS, SURAT

  • ઘરમાં ખાવાના ફાંફા હતા, પરંતુ નાનપણથી જ સપના ઊંચા જોયા હતા.
  • પહેલા ધોરણથી ક્લાસમાં ફર્સ્ટ આવતા અને ગાયનેકમાં MS પણ ગોલ્ડ મેડલ સાથે કર્યું.
  • માત્ર 28 વર્ષની ઉંમરે IVFના ક્ષેત્રમાં આવનારા ગુજરાતના સૌથી યુવાન ડૉકટર.
  • 11 વર્ષમાં 25,000 નિઃસંતાન દંપતિને વ્યંધત્વમાંથી મુક્તિ અપાવી.
  • દુબઈ – અમેરિકામાં પણ હોસ્પિટલ ખોલવાની યોજના.

દરેક દંપતિના એવા સપના હોય છે કે તેમને પણ એક સુંદર મજાનું સંતાન હોય,તેમના ઘરમાં પણ ખોળાના ખુંદનાર હોય, તેમના ઘરમાં પણ કિકિયારીઓ ગુંજતી હોય. પ્રત્યેક દંપતિ માટે જીવનની સૌથી અમૂલ્ય ભેટ એટલે પોતાનું સંતાન, પણ કોઇ સંજોગામાં દંપતિના સપના સાકાર ન થાય ત્યારે બધા જ સ્વપ્નો રગદોળાઇ જાય છે અને જીવન નિરાશાથી ઘેરાઇ જાય છે. વંધ્યત્વ – વાંઝીયાપણું એ ખૂબ જ નિરાશાજનક અને ડરામણો શબ્દ છે. ખાસ કરીને સ્ત્રીઓ માટે તે સામાજિક અને વ્યવહારિક પ્રસંગોમાં સગાં-સંબંધી દ્વારા બોલતાં કડવા વેણ અસહ્ય બની જતા હોય છે. આવા નિઃસંતાન દંપતિના જીવનમાં ખુશીઓનો મહાસાગર છલકાવતા, તેમનું વંધ્યત્વ દુર કરતા એક IVF સર્જન છે, જેમણે 25,000 પ્રસુતાઓને ડિલિવરી કરાવીને તેમના ચહેરા પર ખુશી લાવ્યા છે.

દેશના સૌથી સન્માનીય વૈજ્ઞાનિક અને પૂર્વ રાષ્ટ્રપતિ દિવંગત ડૉ. અબ્દુલ કલામ હંમેશા પોતાના સપના પર વિશ્વાસ રાખવાની વાત કરતા હતા. તેમને પોતાના સપના પર વિશ્વાસ હતો અને એટલે જ અનેક વિપરીત પરિસ્થિતિઓ અને પડકારોને પાર કરીને સફળતાની ઊંચાઈએ પહોંચ્યા હતા. ડૉ. કલામ હંમેશા કહેતા કે સપના એ નથી કે જે તમે સુતી વખતે જુઓ છો, પરંતુ સપના તો એ છે કે જે તમને સુવા ન દે. આજે એક એવા જ વ્યક્તિની વાત કરવી છે જેમણે દારુણ ગરીબાઈ હોવા છતા જાગતા સપના જોયા અને તેને પામવા માટે મંડી પડ્યા અને આજે ગુજરાતમાં IVFમાં સૌથી નાની વયના અને ટોચના તબીબ તરીકે જાણીતા બન્યા છે. રત્નકલાકારના આ પુત્રએ બાળપણમાં જ સપનું જોયું હતું કે, મારે મારી પોતાની એક મોટી હોસ્પિટલ બનાવવી છે. આજે તેમની સુરતમાં 3, એક અમદાવાદ અને જુનાગઢ એમ કુલ 5 હોસ્પિટલો છે. તેઓ આ ઊંચાઇ પર એમનેમ પહોંચ્યા નથી, ઘણા પાપડ પેલવા પડ્યા, પડકારો આવ્યા, મુશ્કેલીઓ આવી, પરંતુ તેઓ આ બધાને પાર કરીને આગળ વધતાં ગયા. બહુ ઓછા લોકો એવા હોય છે, જે જાગતી આંખોએ સપના જોઇને તેને પાર કરી શકતા હોય છે.

ડાયમંડ સિટીની ‘વ્યક્તિ વિશેષ’ કોલમમાં ટ્રીનીટિ ટેસ્ટ ટ્યૂબ બેબીના ડૉ. આશિષ વિરડીયાની લાઇફ સ્ટોરી વિશે વાત કરીશું

ડૉ. આશિષ માત્ર 28 વર્ષની વયે IVFના ક્ષેત્રમાં આવનારા સૌથી પહેલા યુવાન ડૉક્ટર હતા. ડૉ. આશિષ વિરડીયાનો જન્મ ભાવનગરમાં થયો હતો અને તેમના પિતા રત્નકલાકાર અને માતા ગૃહિણી હતા. તેમના પિતાને બે સંતાન અને તેમાં ડૉ. આશિષ સૌથી નાના હતા. તેમના પરિવારમાં દુર દુર સુધી ભણવા સાથે કોઈને નાતો નહોતો. એ સમયે તેમના પરિવારની આર્થિક સ્થિતિ સાવ નબળી હતી. પિતા સાયકલ પર જતા અને ટ્યૂશન કે બીજા કોઇ ખર્ચ કરવાનો તો વિચાર પણ ન કરી શકાય. સારું શિક્ષણ મેળવવાનો કે ઊંચા સપના જોવાનો માહોલ નહોતો. એમ કહી શકાય કે ડૉ. આશિષનું બાળપણ દારુણ ગરીબીમાં વિત્યું. પરંતુ કદાચ, ગોડ ગિફ્ટ હશે કે આંતર સુઝ, પરંતુ ડૉ. આશિષ ભણવામાં ખૂબ જ હોંશિયાર હતા અને પહેલાં ધોરણથી જ ક્લાસમાં પહેલા નંબરે આવતા. જ્યારથી સમજતા થયા ત્યારથી તેમણે ઊંચા સપના જોવાનું શરૂ કર્યું હતું અને મનમાં નક્કી કર્યું હતું કે મોટા ડૉક્ટર બનવું છે અને મોટી હોસ્પિટલ બનાવવી છે. ડૉ. આશિષે જ્યારે 12માં ધોરણની પરીક્ષા પાસ કરી ત્યારે તેમના 97 ટકા માર્ક્સ આવેલા. એ જમાનામાં કોઇપણ જાતની સુવિધા ટ્યૂશન વગર આટલા માર્ક્સ લાવવા એ મોટી વાત હતી.

Dr Ashish Viradiya Vyakti Vishesh Article Rajesh Shah Diamond City Newspaper Issue 396-4

એશિયાની સૌથી મોટી અને પ્રસિદ્ધ મેડિકલ કોલેજમાં એડમિશન લીધું

ડૉ. આશિષ ધો. 12 સુધી ભાવનગરની ગુરુકુળ સ્કુલમાં જ ભણ્યા. લગભગ 18 વર્ષની ઉંમર સુધી તો તેમણે ભાવનગર સિવાયની કોઇ દુનિયા જોઇ નહોતી. 12માં ધોરણમાં 97 ટકા માર્ક્સ આવવાને કારણે તેમને એશિયાની સૌથી મોટી અને પ્રસિદ્ધ અમદાવાદની બી.જે. મેડિકલ હોસ્પિટલમાં પ્રવેશ મળી ગયો હતો. આ અમદાવાદની જાણીતી સિવિલ હોસ્પિટલ છે. મેડિકલ કોલેજમાં પ્રવેશ લેવાનો હતો ત્યાં સુધી તેમના પિતા સાયકલ પર જ ફરતા હતા. બી.જે. મેડિકલ કોલેજમાં પ્રવેશ મેળવવો એ સિદ્ધિ ગણાતી અને માલેતુજાર પરિવારના સંતાનો કાર લઇને કોલેજમાં આવતા. ડૉ. આશિષે કહ્યું કે મારી પાસે તો કોઇ સાધનની સુવિધા નહોતી, પરંતુ તેનો મને વસવસો નહોતો. હું તો એસ.ટી. બસમાં ભાવનગર થી અમદાવાદ આવ્યો હતો. તે વખતે મારે મેડિકલ કોલેજમાં વર્ષની 400 રૂપિયા ફી ભરવાની હતી. એ પછી અમદાવાદની જાણીતી વાડીલાલ હોસ્પિટલમાં ગાયનેકમાં MS કર્યું અને તે પણ ગોલ્ડ મેડલ મેળવીને. વર્ષ 2001 થી વર્ષ 2011 સુધી 10 વર્ષ સુધી MBBSથી માંડીને MS સુધી ભણ્યા.

વર્ષ 2011માં સુરત આવીને ગાયનેક હોસ્પિટલ શરૂ કરી

જેવું ભણવાનું પુરું થયું કે ડૉ. આશિષ બે જોડી કપડાં લઇને સુરત આવી ગયા હતા અને તેમણે બાળપણમાં જોયેલું હોસ્પિટલ બનાવવાનું સપનું ચરિતાર્થ થવાનું હતું. તેમણે સુરતના યોગી ચોક વિસ્તારમાં હોસ્પિટલ બનાવવાનું વિચાર્યું, પરંતુ પૈસા તો હતા નહીં. તેમણે એક સહકારી બેંકનો સંપર્ક કર્યો અને બેંકની તેમની ડીગ્રીને આધારે લોન આપવાની વિનંતી કરી હતી. કદાચ તેમના નસીબના દરવાજા ખુલવાના હશે તો બેંકે પણ તેમને લોન આપી દીધી. 1 ઓક્ટોબર 2012માં વિરડીયા હોસ્પિટલ અને પ્રસૂતિ ગૃહની શરૂઆત કરી.

IVFમાં પ્રેક્ટિસ કરનારા ગુજરાતના સૌથી યુવાન ડૉક્ટર છે

In Vitro Fertilization (IVF)ની તે વખતે શરૂઆત હતી. ડૉ. આશિષને ગાયનેકનો અનુભવ હતો એટલે તેમણે માત્ર ઓર્બ્ઝેવેશન અને વીડિયો જોઇને જાતે જ IVFની પ્રોસેસ શીખી ગયા અને વર્ષ 2022માં તેમણે લાલદરવાજા વિસ્તારમાં ટ્રીનીટી ટેસ્ટ ટ્યૂબ બેબી હોસ્પિટલની શરૂઆત કરી હતી. વર્ષ 2022માં અઠવાગેટ વિસ્તારમાં ટ્રીનીટી વુમન કેર હોસ્પિટલની શરૂઆત કરી. આ દરમિયાન તેમણે અમદાવાદ અને જુનાગઢમાં પણ હોસ્પિટલ શરૂ કરી. મતલબ કે બાળપણમાં એક હોસ્પિટલ બનાવવાનું સપનું જોનાર ડૉ. આશિષે માત્ર 11 વર્ષમાં 5 હોસ્પિટલ ખોલી નાખી. જોકે આ પહેલાં તેમણે IVFની અવેરનેસ વિશે ગામડે ગામડે જઇને કેમ્પ કર્યા હતા, કારણ કે લોકો IVF ઓપરેશન કરાવવાથી ડરતા હતા. પરંતુ હવે લોકોમાં ખાસ્સી અવેરનેસ આવી છે. આજકાલ દરેક જગ્યાએ IVF કે ટેસ્ટ ટ્યૂબ બેબી દ્વારા વંધ્યત્વ નિવારણની સારવાર ખૂબ જ પ્રચલિત છે. અને તેને કારણે ઘણાં નિઃસંતાન દંપતિને સંતાન પ્રાપ્તિ થઇ શકે છે અને તેને કારણે આ સારવાર પદ્ધતિ વધારે પ્રચલિત બની છે.

એક 48 વર્ષની મહિલાના એકનો એક 18 વર્ષના પુત્રનું મોત થયું હતું, IVFથી ફરી માતા બન્યા

ડૉ. આશિષ વિરડીયાને અમે પૂછ્યું કે, તમે 12 વર્ષમાં 25,000 ડિલિવરી કરાવી છે તો તેમાંથી કોઇ ખાસ ડિલિવરી કરાવી હોય તેવો કોઇ પ્રસંગ ખરો? તો તેમણે કહ્યું કે આજે જ એક એવી ડિલિવરી કરાવી. એક 48 વર્ષના મહિલાનો એકના એક છોકરાનું ગયા વર્ષે મોત થયું હતું. તેમનો સંસાર સુનો થઇ ગયો હતો. એ મહિલાએ IVF દ્વારા ટ્વીન્સને જન્મ આપ્યો.એવા તો અનેક દાખલા છે કોઇ દંપતિને 35 વર્ષ બાદ સંતાન પ્રાપ્તિ થઇ છે, તો કોઈને 30 વર્ષ બાદ અમારી હોસ્પિટલમાં એક 62 વર્ષના મહિલાને પણ સંતાન પ્રાપ્તિ થઇ હતી. જો કે, હવે સરકારે નિયમ બનાવ્યો છે કે 50 વર્ષની ઉપરની ઉંમરની મહિલાનું IVF કરી શકાશે નહી.

Dr Ashish Viradiya Vyakti Vishesh Article Rajesh Shah Diamond City Newspaper Issue 396-6

ટેસ્ટ ટયુબ બેબીથી એક સાથે 26 બાળકોનો જન્મ લિમ્કા બુક ઓફ રેકોર્ડસમાં નોંધાયો છે

ડૉક્ટરે કહ્યું કે, 15 ઓગસ્ટ, 2017માં અમારી હોસ્પિટલમાં 26 નિઃસંતાન દંપતિને વ્યંધત્વમાંથી આઝાદી મળી હતી. આ ખુશી લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં પણ નોંધાઈ છે.

ગુજરાત પછી વિદેશમાં પણ હોસ્પિટલ ખોલવાની યોજના છે

ડૉ. વિરડીયાએ કહ્યું કે નજીકના વર્ષોમાં ભાવનગર, રાજકોટ, ઉત્તર ગુજરાતમાં પહેલાં હોસ્પિટલ શરૂ કરવાની યોજના છે, એ પછી મુંબઈ અને ત્યારબાદ દુબઈ, અમેરિકા અને યુ.કે.માં પણ હોસ્પિટલ શરૂ કરવાની યોજના છે.

ડૉ. આશિષ વિરડીયા પાસેથી આ શિખવા જેવું છે

તેમની લાઇફની સંઘર્ષ ગાથા સાંભળ્યા પછી ઘણી એવી વાતો છે જે આજની યુવા પેઢીએ શિખવા જેવી છે. તમારી પાસે સુખ સુવિધા ન હોય. તમે ગરીબ પરિવારમાં જન્મ્યાં હોવા છતા જો તમારામાં ડેડિકેશન હોય, તમારામાં મહેનત કરવાની ખેવના હોય, પડકારો સામે લડવાની તાકાત હોય તો આગળ વધતાં, સફળતાના શિખરો ચઢતા કોઇ રોકી શકે નહીં. ડૉ. વિરડીયાએ કહ્યુ કે જેટલી સફળતા મેળવવી જરૂરી છે એટલી જ તેને જાળવી રાખવી કે પચાવવી પણ એટલી જ જરૂરી છે. આજે અમારી પાસે સુખ સુવિધા છે, પરંતુ જે નિયમો અને સંસ્કારો હતા તે જાળવી રાખ્યા છે. આજે પણ હું સવારે 6 વાગ્યે ઊઠીને કામ પર લાગી જાઉં છું.

Dr Ashish Viradiya Vyakti Vishesh Article Rajesh Shah Diamond City Newspaper Issue 396-5

યુવાનોએ હંમેશા સપના ઊંચા રાખવા અને મહેનત કરવી

આજની યુવા પેઢીને અને બિઝનેસમાં પગરવ માંડતા લોકો માટે ડૉ. આશિષે પ્રેરણાત્મક સંદેશો આપ્યો છે. તેમણે કહ્યું કે, જો તમારે જીવનમાં સફળ થવું હોય તો સૌથી પહેલાં ઊંચા સપના જુઓ, ભલે તમારી પાસે એ સમયે કશું ન હોય. પછી એ સપનાને સાકાર કરવા માટે દિવસ-રાત મહેનત કરવા મંડી પડો. સફળતા માટે ડેડિકેશન ખૂબ જ જરૂરી છે. તમારા કામમાં વિશ્વાસ રાખો અને તેના પ્રત્યે પ્રમાણિક રહો. આટલું દિલ દઇને કરશો તો સફળતા તમને સામેથી આવીને મળશે.

ઘરમાં ખોળાનો ખુંદનાર ન હોય તે પરિવારનો માળો સુનો થઇ જાય છે, અમે ખુશી ભરીએ છીએ…

પ્રત્યેક દંપતિ માટે જીવનની સૌથી અમૂલ્ય ભેટ એટલે પોતાનું સંતાન, પણ કેટલાક દંપતિને જો ખોળાનો ખુંદનાર ન મળે જીવન જાણે વેરાન બની જાય છે અને જીવન નિરાશાથી ઘેરાઇ જાય છે. વંધ્યત્વ – વાંઝીયાપણું એ ખૂબ જ નિરાશાજનક અને ડરામણો અનુભવ છે. ખાસ કરીને સ્ત્રીઓ માટે તે સામાજિક અને વ્યવહારિક પ્રસંગોમાં સગાં-સંબંધી દ્વારા કરવામાં આવતા મેણાંટોણાં અત્યંત ત્રાસદાયક બની રહે છે. અને ત્યાંથી શરૂ થાય છે વ્યથાની એક સફર. પરંતુ IVF તેમને આ કપરા માહોલમાંથી બહાર લાવે છે અને તેમને સંતાન સુખ મળે છે. સંતાન મળવાને કારણે મમતાનો એ મહાસાગર હિલોળાં લેવા માંડે છે. ડૉ. આશિષે કહ્યું કે, આ વ્યવસાયમાં આવવાની મને ખુશી અને આનંદ છે, કારણ કે ઇશ્વરે એવું કામ સોંપ્યું છે કે અમે લોકોની જિંદગીમાં ખુશીના રંગ ભરવા માટે નિમિત્ત બનીએ છીએ. જ્યારે પણ અમારી હોસ્પિટલમાં કોઇ પ્રસૂતા બાળકને જન્મ આપે છે ત્યારે અમે સેલિબ્રેશન કરીએ છીએ, કારણ કે તે અમારા માટે એનર્જિ છે. અને સંતાન મેળવનાર દંપતિના ચહેરા પર જે ખુશી જોવા મળે છે તે અમારા માટે અમૂલ્ય ભાથું છે.

Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

______________________________________________________

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM

વધુ સમાચાર વાંચો :

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant
  • Nippon Rare Metal Inc
  • SGL LABS