આખું વિશ્વ હાલમાં સમસ્યાનું વાતો કરી રહ્યું છે. સતત બે વર્ષ કોરોના મહામારી, એક વર્ષ રશિયા યુક્રેન યુદ્ધનો સામનો કર્યા બાદ હવે વિશ્વને આર્થિક મંદીનો ડર સતાવી રહ્યો છે. વર્ષ ૨૦૨૩ના પ્રારંભથી જ મંદીના ભણકારા વાગવાના શરૂ પણ થઈ ગયા.
ગૂગલ જેવી દિગ્ગજ આઈટી કંપનીઓ દ્વારા મોટી સંખ્યામાં કર્મચારીઓને નોકરીમાંથી છૂટા કરવાની એક બાદ એક ઘોષણાઓ થવા માંડી. લેપટોપના ઉત્પાદન માટે જાણીતી કંપની ડેલ દ્વારા પણ ૬૦૦૦થી વધુ કર્મચારીઓની છટણી છેલ્લે જાહેરાત કરાઈ.
આવા સમાચાર સાંભળીએ ત્યારે આઘાત લાગે. શું થશે? તેવા વિચારો આવે. હજુ તો કોરોનાની કળ વળી નથી. રશિયા યુક્રેનના યુદ્ધના લીધે પેટ્રોલ અને ગેસ મોંઘો થયો તેનો ભાર સહન કરી શકે તેટલી ગજવાએ શક્તિ કેળવી નથી, ત્યાં તો હવે આર્થિક ક્ષેત્રના પંડિતો મંદીની વાતો કરીને ગભરાવી રહ્યાં છે.
ક્યારેક તો આ ભવિષ્યવાણી કરતા આર્થિક પંડિતોને કહેવાનું મન થાય કે, ભાઈ તમને કોઈ બીજો કામ ધંધો છે કે નહીં? લોકોનો કામ ધંધો બંધ થઈ જશે તેવી આગાહીઓ કરી કરીને તમે તમારો ધંધો વધારવા માંગો છો કે શું? ક્યારેક તો એવું લાગે કે દરેક વ્યવસાયી, વેપારી, ધંધાર્થી, ઉદ્યોગકારની સ્થિતિ કુરુક્ષેત્રના યુદ્ધ પહેલાંના અર્જુન જેવી જ છે. સાવ બ્લેન્ક. અર્જુનનો કિસ્સો તો ખબર જ હશે. ભાઈ કન્ફ્યૂઝ અર્જુનને ભગવાન શ્રી કૃષ્ણએ આખી ભાગવત ગીતા સંભળાવી હતી. તે ભૂલી ગયા.
બન્યું એવું હતું કે યુદ્ધ શરૂ થાય તે પહેલાં અર્જુને યુદ્ધ મેદાનની વચ્ચોવચ જવાની ઈચ્છા સારથી શ્રી કૃષ્ણ સમક્ષ વ્યક્ત કરી. પ્રભુશ્રી કૃષ્ણને એમ કે અર્જુન કોઈ રણનીતિ ઘડવા માંગતો હશે એટલે એ તો અર્જુનને વચ્ચોવચ લઈ ગયા. અર્જુનના રથને વચ્ચોવચ જોઈને ઘડીક તો કૌરવો પણ આશ્ચર્યમાં મુકાય ગયા હતા. કે આ શું યુદ્ધ પહેલાં અર્જુનનું ચસકી ગયું કે શું?
જોકે, કૌરવોએ કોઈ રિએક્શન આપ્યું નહીં. બીજી તરફ અર્જુનને તો કૃષ્ણ ભગવાન વિચારતાં હતા તેનાથી સાવ ઉલટું જ રિએક્શન આપ્યું. શ્રેષ્ઠ અરે શ્રેષ્ઠ નહીં તે સમયનો સર્વશ્રેષ્ઠ ધર્નુધર અર્જુન તો સાવ પાણીમાં બેસી ગયો. ભગવાનને કહે હે મુરલીધર આ હું શું અનર્થ કરવા જઈ રહ્યો છું? મારા જ ભાઈ, ગુરુ, દાદાને મારવા નીકળ્યો છું. આ પાપ મારાથી થાય નહીં. અર્જુનની ઢીલી-ઢીલી વાતો સાંભળીને મુરલીધર પણ ચોંક્યા.
આ તો ફિલ્મ (યુદ્ધ) શરૂ થવા પહેલાં જ હીરોએ સરેન્ડર કરી દીધું. હવે શું કરવું? લાખો લોકો તીર, કામઠા, ગદા લઈને ભેગા થઈ ગયા છે અને અર્જુન તો લડવાની જ ના પાડે છે. આ તો કેમ ચાલે? હવે અહીં ગિરધર ગોપાલે મોટીવેશનનું પત્તું બહાર કાઢ્યું. (કૃષ્ણ જ જગતના પહેલાં મોટીવેશન ગુરુ છે, યંગસ્ટર્સ ઈન્સ્ટા રીલ્સમાં જુએ તે નહીં.) અને રચાઈ ભાગવત ગીતા.
કૃષ્ણ અર્જુનને કહે છે, હે પાર્થ… આમ, તો ઘણું બધું કહે છે. એ લખવા રહું તો કાગળ ઓછા પડે અને પેનમાં શાહી ખૂટી પડે. જોકે, ઓવરઓલ સારાંશ એ હતો કે ભાઈ તું તારું કામ કર. તું ક્ષત્રિય છે. તારું કામ યુદ્ધ કરવાનું છે. સામે કોણ છે? યુદ્ધ જીતીશ કે નહીં? સગાને જ મારીને શું પામીશ? આવા વેવલાવેડા કરીને પાછી પાની નહીં કર… બસ, પછી શું? ભગવાન સમજાવે અને કોઈ ન સમજે તેવું તો બને જ નહીં. અર્જુન યુદ્ધ લડ્યા અને જીત્યા.
વાંચકોને એમ થતું હશે કે કોરોના અને મંદીની વાતો વચ્ચે આ ભાગવત ગીતા ક્યાંથી આવી ગઈ? તો ભાઈ ગીતાનો સહારો એટલા માટે લેવો પડ્યો કે દુનિયાના દેશોની જે આર્થિક અને લોકોની જે માનસિક સ્થિતિ છે, તેમાંથી બહાર નીકળવાં માટે મોટીવેશન અથવા તો પોઝિટિવીટીની જ જરૂર છે અને તે મોટીવેશન અને પોઝિટીવિટી માટે અત્યારે વિશ્વ ભારત પર નજર રાખીને બેઠું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે રીતે કાર્ય કરી રહ્યાં છે તે જોતાં વિશ્વ આખું ભારત પર નજર માંડીને બેઠું છે. બહુ પાછળ નહીં જઈએ તો કોરોના મહામારીમાં યુરોપિયન દેશોની હાલત કફોડી થઈ હતી.
ચીન હજુ સુધી કોરોના રોગ સામે લડી રહ્યું છે, જ્યારે 140 કરોડની વિશાળ વસતી ધરાવતા ભારતમાં રસીકરણ થયું. મૃત્યુઆંક કંટ્રોલમાં રહ્યો. તે નાની સૂની વાત નથી. કોરોના પછી ભારતની શક્તિનો પરચો રશિયા યુક્રેન યુદ્ધ વખતે જોવા મળ્યો. ભારત સરકારે નરોવા કુંજોરવા વલણ રાખી રશિયા સાથેની દોસ્તી પણ જાળવી રાખી અને યુરોપ-અમેરિકા સાથેના સંબંધો પણ બગડવા દીધા નહીં. ભારતની તાકાતનો પરચો એના પરથી મળે કે યુક્રેન પણ મધ્યસ્થી માટે ભારતને વિનંતી કરતું રહ્યું.
કોરોના, રશિયા-યુક્રેન યુદ્ધ બાદ છેલ્લે બજેટ ૨૦૨૩માં પણ વિશ્વને રાહ ચીંધતો સકારાત્મક અભિગમ જોવા મળ્યો. અમેરિકા, યુરોપ, ચીન જેવા દેશો મોંઘવારી, મંદીનો સામનો કરી રહ્યાં છે, તો એવું નથી કે ભારતમાં તકલીફ નથી. ભારત પણ મંદી અને મોંઘવારીનો સામનો કરી જ રહ્યું છે. પરંતુ ભારતનો અભિગમ અલગ છે.
પાડોશમાં બાંગ્લાદેશ, શ્રીલંકા અને પાકિસ્તાન દેવાળું ફૂંકી રહ્યાં છે, ત્યારે ભારતના પોટેન્શિયલ પર આખા વિશ્વને વિશ્વાસ છે. તેનું કારણ છે કે અહીંની મોદી સરકારનો પોઝિટિવ એટીટ્યૂડ. જુઓને જ્યારે વિશ્વ મંદીમાં પ્રવેશી રહ્યું હોવાની ડિપ્રેસીવ વાતો કરી રહ્યું છે ત્યારે ભારતના કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટમાં એવી જાહેરાત કરી કે ભારત અમૃતકાલમાં પ્રવેશી રહ્યું છે અને ૨૦૨૩નું બજેટ એ અમૃતકાલનું પહેલું બજેટ છે. સોલિડ કોન્ફીડન્સ.
આપણે નક્કી કરી દીધું છે કે આપણે વિકાસ કરવાનો છે બસ. તકલીફ કેવી પણ હોય? રસ્તામાં અવરોધો કેવા પણ આવે? આપણે તો આગળ વધવાનું જ છે. આપણે અટકીશું નહીં. કહેવું પડે… એક રીતે જોવા જઈએ તો બજેટમાં નાણામંત્રીએ દેશના ઉદ્યોગ સાહસિકોને બીટવીન ધી લાઈન્સ એવો મેસેજ આપ્યો કે ગભરાતા નહીં. સાથે મળીને બધી મુશ્કેલીનો સામનો કરીશું. આવનારો સમય આપણો એટલે કે ભારતનો જ છે.
વળી, નાણામંત્રીએ બજેટમાં સપ્તઋષિ મંત્ર આપ્યો તેનો પણ અભ્યાસ કરવા જેવો છે. પહેલાં એ જાણીએ કે નાણામંત્રીએ બજેટમાં જે સપ્તઋષિની વાત કરી તે શું છે? આ સપ્તઋષિઓ કોણ છે? અને નાણામંત્રીએ કેમ સપ્તઋષિનો ઉલ્લેખ બજેટમાં કર્યો?
બજેટ સ્પીચમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું, “અમૃતકાલમાં આ પહેલું બજેટ છે. વિશ્વએ ભારતીય અર્થવ્યવસ્થાને એક ચમકતા સિતારા તરીકે ઓળખી છે. અમૃતકાલ એ ભારતની આઝાદીની શતાબ્દી સુધીના આગામી 25 વર્ષનો ઉલ્લેખ કરે છે. નરેન્દ્ર મોદી સરકાર એવા સમયે છે જ્યારે ભારત એક વિકસિત દેશ બનવા તરફ કદમ ઉઠાવી રહ્યું છે. સીતારમણે સરકારને માર્ગદર્શન આપવા માટે સાત ફોકસ ક્ષેત્રોની વાત કરતા તે સાત ક્ષેત્રોને ‘સપ્તઋષિ’ તરીકે ઓળખાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે અમૃતકાલ એ એક એવી પરિસ્થિતિ છે જેમાં ભારતના ઈન્ફાસ્ટ્રક્ચર, મેન્યુફેકચર, ડિજીટલ અને સોશિયલ ડેવલપમેન્ટનો સમાવેશ થાય છે. આ તમામ બાબતો ભારતને આત્મનિર્ભર બનાવે છે. ભારતની માત્ર વિકસિત દેશોમાં જ નહીં પરંતુ વૈશ્વિક સ્તરે ત્રીજા સ્થાને મુકવાની દિશામાં આ કદમ છે. તેના માટે નાણામંત્રીએ સપ્તઋષિઓનું ઉદાહરણ આપ્યું હતું. ઘણા લોકોને ખબર નહીં હશે કે આ સપ્તઋષિ કોણ છે?
ભારત અમૃતકાળમાં પ્રવેશી રહ્યું છે અને ૨૦૨૩નું બજેટ એ અમૃત કાલનું પહેલું બજેટ છે. સોલિડ કોન્ફીડન્સ. આપણે નક્કી કરી દીધું છે કે આપણે વિકાસ કરવાનો છે બસ. તકલીફ કેવી પણ હોય? રસ્તામાં અવરોધો કેવા પણ આવે? આપણે તો આગળ વધવાનું જ છે. આપણે અટકીશું નહીં. કહેવું પડે.. એક રીતે જોવા જઈએ તો બજેટમાં નાણામંત્રીએ દેશના ઉદ્યોગ સાહસિકોને બીટવીન ધી લાઈન્સ એવો મેસેજ આપ્યો કે ગભરાતા નહીં. સાથે મળીને બધી મુશ્કેલીનો સામનો કરીશું. આવનારો સમય આપણો એટલે કે ભારતનો જ છે…
આ શ્લોકમાં ઋષિ કશ્યપ, ઋષિ અત્રિ, ઋષિ ભારદ્વાજ, ઋષિ વિશ્વામિત્ર, ઋષિ ગૌતમ, ઋષિ જમદગ્નિ અને ઋષિ વશિષ્ઠના નામનો ઉલ્લેખ છે. કશ્યપ, અત્રિ, વશિષ્ઠ, વિશ્વામિત્ર, ગૌતમ, જમદગ્નિ અને ભારદ્વાજ, આ સાત ઋષિઓને સપ્તઋષિ કહેવામાં આવે છે.
દરેક યુગમાં જુદા-જુદા સપ્તર્ષિઓ હોય છે, આ સપ્તર્ષિઓ વર્તમાન યુગના છે. હિંદુ માન્યતાઓ અનુસાર, સાત ઋષિઓની ઉત્પત્તિ ભગવાન બ્રહ્માના મગજમાંથી થઈ હતી. એવું માનવામાં આવે છે કે શિવજી શિક્ષક બન્યા અને સપ્તર્ષિઓને જ્ઞાન આપ્યું.
હિન્દુ માન્યતાઓ અનુસાર, સપ્તર્ષિની ઉત્પત્તિ આ બ્રહ્માંડ પર સંતુલન બનાવવા માટે થઈ હતી. તેમનું કાર્ય ધર્મ અને પ્રતિષ્ઠાનું રક્ષણ કરવાનું છે અને વિશ્વના તમામ કાર્યો સરળતાથી થવા દેવાનું છે. સપ્તઋષિઓ તેમની તપસ્યા દ્વારા સંસારમાં સુખ અને શાંતિની સ્થાપના કરે છે.
બસ સંસારમાં સુખ અને શાંતિ સ્થાપવાના હેતુથી જ ભારત સરકારના નાણામંત્રી દ્વારા બજેટ સ્પીચમાં સપ્તઋષિઓનો ઉલ્લેખ કરાયો છે. એક રીતે જોવા જઈએ તો મોદી સરકારનો આ માસ્ટર શોટ છે. વિશ્વમાં છવાયેલા મંદી, યુદ્ધ, માનસિક અશાંતિના વાદળોને દૂર કરવા માટે તેમજ ભારતને વિશ્વના નકશાનો ઝળહળતો સિતારો બનાવવા માટે ભારત સરકારે એક બ્લ્યુ પ્રિન્ટ બનાવી દીધી છે અને તે રોડમેપ પર ચાલીને આગામી દાયકાઓમાં ભારત વિશ્વમાં આર્થિક મહાસત્તા બનવાનું પોતાનું સપનું પુરું કરશે.
છેલ્લે ભાગવત ગીતાના જ્ઞાનની વાત કરીએ તો જેમ ભગવાન કૃષ્ણએ અર્જુનને કહ્યું કે તું પરિણામની ચિંતા કર્યા વિના કામ કર્યા કર. તે જ રીતે કોરોના હોય કે ઓમીક્રોન. તેજી હોય કે મંદી. રોજ સવાર પડે ને સૂર્ય ઊગે તેમ આપણે આપણું કામ નિષ્ઠાથી કરતા રહેવાનું છે. તકલીફ આવે ને જાય સકારાત્મક અભિગમ સાથે લક્ષ્ય તરફ મક્કમતાથી આગળ વધતાં રહેશો તો કોઈ મુશ્કેલી કોઈ નુકસાન નહીં કરી શકે.
____________________________________________________________
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM