સોનાના દાણચારો માટે સુરત એરપોર્ટ સ્વર્ગ સમાન બની ગયું છે. અહીં છાશવારે દાણચોરોના કુરિયર બોય પકડાઈ રહ્યાં છે, તેમ છતાં કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી રહી નથી. તાજેતરમાં સુરત એરપોર્ટ પર દાણચોરોને પકડવાની જેમની ડ્યૂટી છે તે કસ્ટમના અધિકારીઓની હાજરીમાં બે શખ્સો બિન્ધાસ્ત દાણચોરીનું સોનું સુરતમાં ઘુસાડી રહ્યાં હતાં ત્યારે સુરત ડીઆરઆઈના અધિકારીઓ તે બંનેને ઝડપી પાડ્યા હતા.
સુરત એરપોર્ટ પર કસ્ટમ વિભાગની એર ઇન્ટેલિજન્સ વિંગના નાક નીચે ગઈકાલે ડિરેક્ટોરેટ રેવન્યુ ઇન્ટેલિજન્સ (ડીઆરઆઈ) સુરતે પૂર્વ બાતમીના આધારે શારજાહથી સુરત આવેલી એર ઇન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટમાંથી ઉતરેલા બે પેસેન્જરોને ડિટેન કર્યા હતા. ઇમ્તિયાઝ રઝબ અને યાસ્મીન ફાટીવાલાની એરપોર્ટ પર જ પૂછપરછ કરતા બંને શકમંદોએ ગુદા માર્ગમાં કુલ 800 ગ્રામ લિક્વીડ સોનું ભરેલી બે કૅપ્સ્યુલ સંતાડી લાવ્યા હોવાની કબૂલાત કરી હતી.
ડીઆરઆઈનાં અધિકારીઓએ પંચનામું અને ડેકલેરેશનની કાર્યવાહી પૂર્ણ કરી બંનેને હોસ્પિટલ મોકલી મેડિકલ ચેકઅપ કરાવ્યું હતું. એ પછી 48 લાખની કિંમતની કુલ 800 ગ્રામ વજનનું લિકવિડ સોનુ જપ્ત કર્યું હતું. બંને વ્યક્તિઓ પાસે જુદા જુદા વજનની બે કૅપ્સ્યુલ પકડાઈ હોવાથી બે કેસ નોંધી ડીઆરઆઈએ બંને આરોપીઓનો કબજો મુદ્દામાલ સાથે કસ્ટમ વિભાગને સોંપ્યો હતો.
સોનું 50 લાખથી ઓછી કિંમતનું હોવાથી ઇમ્તિયાઝ રઝબ અને યાસ્મીન ફાટીવાલાને કેસ નોટિસ ઇશ્યુ કર્યા પછી નિયમ મુજબ જવા દીધા હતા. ક્વોલિટી કેસ ન હોવાથી બંનેની ધરપકડ કરવામાં આવી ન હતી. ડીઆરઆઈ અને કસ્ટમ વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે, ઇમ્તિયાઝ રઝબ અને યાસ્મીન ફાટીવાલા બંને પ્રથમ દર્શનીય રીતે કેરિયર હોય એવું જણાય છે. બંને કોના માટે સોનું લાવ્યા હતાં એની તપાસ ચાલી રહી છે.
અહીં ઉલ્લેખનીય છે કે,એર ઇન્ડિયા એકસપ્રેસની સુરત એરપોર્ટથી ઓપરેટ થતી એકમાત્ર ઇન્ટરનેશનલ ફ્લાઈટમાં દુબઈથી શારજાહ એરપોર્ટ પહોંચી સોનાની ખેપ મારવાના બનાવો વધી રહ્યાં છે. સોનાના વેચાણ પર દુબઈમાં 5 % વેટ લાગુ પડે છે, જે પૈકી 4.85% એરપોર્ટ પર કેશ અથવા એકાઉન્ટમાં રિફંડ મળે છે. જ્યારે ભારતમાં સોના પર બેઝિક કસ્ટમ ડ્યુટી 12.5 ટકા છે. 2.5 ટકાનો એગ્રીકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ સેસ (AIDC) સામેલ છે. વેટ, સેસ અને ઇમ્પોર્ટ ડ્યુટી મળી ટેક્સ 15% સુધી પહોંચે છે. આ ટેક્સ ચોરી કરવાથી કેરિયર અને સોનું મંગાવનાર બંનેને લાભ થાય છે. ચેક મુંબઈ, દિલ્હીના કેરિયર સોનાની દાણચોરી માટે સુરતની એકમાત્ર ફ્લાઈટનો ઉપયોગ કરી રહ્યાં છે. કારણ કે અહીં સર્વેલન્સનાં આધુનિક સાધનો ઉપલબ્ધ નથી.
______________________________________________________
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM