હીરા ઉદ્યોગની સ્થિતિ સારી નથી તે સૌ કોઈ જાણે છે. હાલમાં વિશ્વના બે છેડે યુદ્ધ ચાલી રહ્યાં છે. 2022ના ફેબ્રુઆરી મહિનામાં રશિયાએ યુક્રેન પર હુમલો કર્યો ત્યારથી જ હીરા ઉદ્યોગની માઠી દશા બેઠી છે. રશિયાની અલરોઝા ખાણ વિશ્વની સૌથી મોટી રફ ડાયમંડનું ઉત્પાદન કરતી ખાણો પૈકીની એક છે.
ભારતમાં હીરાના વેપારમાં અલરોઝાની ખાણની 30 ટકા રફનો હિસ્સો હતો. રશિયા યુક્રેન યુદ્ધના લીધે ભારતના હીરા ઉદ્યોગના વેપાર પર સીધી કે આડકતરી રીતે 30 ટકા જેટલો ફટકો પડ્યો હતો. આ નુકસાની ભારતીય હીરા ઉદ્યોગકારો સહન કરે ત્યાં યુરોપિયન દેશોમાં બેન્કિંગ કટોકટી બાદ આર્થિક અનિશ્ચતતાનું વાતાવરણ ઊભું થયું.
વિશ્વના અન્ય દેશોની પણ આર્થિક માંદી સ્થિતિ હોવાના લીધે તમામ સેગમેન્ટના કન્ઝ્યમર માર્કેટમાં ડિમાન્ડ તળિયે પહોંચી હતી. તેમાંય યુરોપ ઉપરાંત ચીન જેવા મોટા બજારોમાં લક્ઝુરીયસ આઈટમના વેચાણ સાવ ઘટી ગયા હતા, જેના લીધે ભારતીય હીરા ઉદ્યોગને માઠી અસર પહોંચી.
એક તરફ ડિમાન્ડ નહીં હોવાના લીધે માલ વેચાય નહીં. વેચાય તો કિંમત ન મળે. વળી, પેમેન્ટ માટે પણ લાંબો ઈન્તજાર શરૂ થયો. તેમાં વળી હવે ઇઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધ છેડાયું. તેના લીધે વૈશ્વિક સ્તરે તમામ સેગમેન્ટના બજારો પર જોખમ ઊભું થયું છે.
આવી વિકટ પરિસ્થિતિમાં સુરતનું હીરા બજાર બાકાત રહ્યું નથી. માલ વેચીને પણ વેપારીઓ કમાઈ રહ્યાં નહીં હોવાના લીધે વટાવનો જૂનો ધારો ફરી બજારોમાં અમલમાં મુકાયો છે.
હાલ વિશ્વમાં બે છેડે યુદ્ધ ચાલી રહ્યું છે. વૈશ્વિક સ્તરે કામકાજ હોલ્ડ પર મુકાઈ ગયા છે. તમામ સેક્ટર પર આ યુદ્ધોની અસર પડી છે. હીરા ઉદ્યોગ પણ તેમાંથી બાકાત નથી. હીરા બજારમાં વેપારીઓ અને દલાલો સમય કાઢી રહ્યાં છે, તૈયાર માલમાં કોઈ પૂછપરછ નથી અને ખપપૂરતી જરૂરિયાત હોય તો માલ મળી પણ જાય છે.
હીરા ઉદ્યોગમાં છેલ્લાં કેટલાંય સમયથી મંદી ચાલી રહી છે, તેના લીધે કારખાનેદાર, વેપારી અને દલાલ બધા જ મુશ્કેલીમાં મુકાયા છે. વેપાર થતો નહીં હોવાના લીધે આર્થિક તકલીફો વધી છે. મંદીના લીધે કામકાજ ઘટી ગયા છે.
હાલમાં મંદીના લીધે વેપારીઓ 6 ટકા ઓછામાં માલ માંગે છે. આ ઉપરાંત 7 થી 10 ટકા ઓછા ભાવે માલ વેચાઈ રહ્યો છે. 50 હજારનો માલ 44 હજારમાં પડે છે. જોકે, આ ભાવે પણ બાયર્સ મળતા નથી. મંદીના બહાને વેપારીઓ પેમેન્ટમાં પણ બહાના કરવા લાગ્યા છે, તેના લીધે હવે ફરી એકવાર હીરા ઉદ્યોગમાં પેમેન્ટનો જૂનો નિયમ પરત ફર્યો છે.
મંદીના લીધે પેમેન્ટ અટવાતા હોય હીરા બજારમાં વટાવનો જૂનો ધારો પાછો લાગુ થઈ ગયો છે. અઢી ત્રણ મહિના પહેલાં રફ અને પોલિશ્ટ નેટ ટુ નેટ પેમેન્ટ કન્ડીશનમાં વેચાતું હતું, અત્યારે અનુક્રમે 4 થી 6 ટકા જેટલો વટાવ ધારો થઈ ગયો છે.
પોલિશ્ડ ડાયમંડમાં કામકાજ ખૂબ ઓછા છે, તેથી 8થી 10 ટકા ઓછા ભાવે માલ વેચવાની સ્થિતિ બજારમાં ઉદ્દભવી છે. માલ તો વેચાઈ જાય છે પરંતુ કોઈ કમાતું નથી. કારણ કે પોલિશ્ડમાં ડિમાન્ડ નથી.
તેના જ લીધે મંદીના આ સમયમાં છેલ્લાં ત્રણ મહિનામાં વટાવનો ધારો પાછો આવી ગયો છે. પોલિશ્ડમાં 6 ટકા ઓછો થાય છે અને રફમાં 4 ટકા ઘટાડે સોદા થાય છે. તેજી હતી ત્યારે કશું બાદ થતું ન હતું અને નેટ ટુ નેટ પેમેન્ટ થતું હતું. હવે ફરી જૂનો ધારો અમલમાં મુકાયો છે.
ડે ટુ નેટ મળતું હતું ત્યારે બધા કમાતા હતા. તેજીના સમયે આંગડીયું પણ કપાતું નહોતું. જોકે, હવે સ્થિતિ બદલાઈ ગઈ છે.
વેપારીઓ કહે છે કે કપરાં દિવસો ચાલી રહ્યાં છે. કારખાનાઓમાં ઉત્પાદન ધીમું કરવામાં આવ્યું છે. કામકાજના કલાકો ઘટ્યા છે. પોલિશ્ડનો જૂનો સ્ટૉક નિકાલ વગરનો પડ્યો છે અને તેમાં પણ ભાવ ઘટી રહ્યાં હોવાના લીધે સ્ટોકના વેલ્યુએશનમાં મોટો ફટકો પડ્યો છે. દિવાળી સુધી કારખાના જેમ તેમ ચાલુ રાખવાના પ્રયાસો થઈ રહ્યાં છે.
Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.
______________________________________________________
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM
વધુ સમાચાર વાંચો :
Google ન્યૂઝમાં જોડાવા માટે અહીં ક્લિક કરો :