અંગ્રેજોએ ભારતમાંથી કોહિનૂર હીરા સહિત અનેક અદ્ભુત કલાકૃતિઓ કબજે કરી હતી અને તેમને તેમના દેશ બ્રિટન લઈ ગયા હતા. આજે પણ ત્યાંના સંગ્રહાલયોમાં ભારતની ઘણી દુર્લભ અને અમૂલ્ય વસ્તુઓ રાખવામાં આવી છે. આમાં બ્રિટિશ રાજા અને રાણી ખાસ પ્રસંગોએ કોહિનૂર હીરાનો તાજ પહેરે છે.
આ વસ્તુઓને ભારત પરત લાવવાની માંગ ઘણી વખત ઊઠી છે. જોકે, બ્રિટિશ સરકારે તેમને પરત કરવાનો ઇનકાર કર્યો હતો. હવે ફરી એકવાર આ વસ્તુઓને બ્રિટનથી ભારતમાં પરત કરવાની ચર્ચા શરૂ થઈ છે. શનિવાર, 13 મેના રોજ, બ્રિટિશ મીડિયામાં આ અંગેના સમાચાર આવ્યા, જેમાં કહેવામાં આવ્યું હતું કે ભારત કોહિનૂર હીરા અને અન્ય મૂર્તિઓ સાથે વસાહતી યુગની કલાકૃતિઓને પરત લાવવા માટે પ્રત્યાવર્તન અભિયાનની યોજના બનાવી રહ્યું છે.
બ્રિટિશ અખબારે અહેવાલ આપ્યો છે કે દુર્લભ હીરા કોહિનૂરને બ્રિટનથી ભારત પરત લાવવાનો મુદ્દો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની સરકારની પ્રાથમિકતાઓમાંનો એક છે અને બંને દેશો વચ્ચે રાજદ્વારી અને વેપાર સંબંધો પણ હવે સારા છે. તેથી અદ્ભુત કલાકૃતિઓને પરત લેવા માટે એક અભિયાન ચલાવવામાં આવશે. મોદી સરકારના શાસનમાં અત્યાર સુધીમાં બ્રિટન અને ઓસ્ટ્રેલિયા સહિતના દેશોમાંથી અષ્ટધાતુની મૂર્તિઓ, શિલ્પો, ઘડિયાળો અને પ્રાચીન વસ્તુઓ સહિતની ઘણી ભારતીય કલાકૃતિઓ ભારત પરત લાવવામાં આવી છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ભારતીય સંસ્કૃતિ મંત્રાલયના સચિવ ગોવિંદ મોહને બ્રિટનથી પ્રાચીન વસ્તુઓ પરત કરવાની વાત કરી હતી. તેમણે કહ્યું કે, પ્રાચીન વસ્તુઓ પરત કરવી એ ભારતના નીતિ-નિર્માણનો મહત્વનો ભાગ હશે. “તે સરકાર માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે,” તેમણે કહ્યું. આ પછી આ ચર્ચાઓએ જોર પકડ્યું છે કે શું કોહિનૂર ભારત પરત આવશે? બાય ધ વે, યુકે સરકાર પહેલા પણ આ વાતને નકારી ચૂકી છે.
જોકે, કિંગ ચાર્લ્સ ત્રીજાના રાજ્યાભિષેક બાદ કોહિનૂરને ભારતમાં પરત લાવવા માટે ભારત સરકાર દ્વારા બ્રિટન પર દબાણ વધારવામાં આવ્યું છે. રાણી કેમિલા આ હીરાને પોતાના તાજમાં પહેરવા માગતી નહીં હોય ભારતે હીરાને પરત મેળવવા માટે એડીચોટીનું જોર લગાવવાનું શરૂ કર્યું છે. હાલમાં બ્રિટનમાં વડાપ્રધાન ભારતીય મૂળના ઋષિ સૂનક હોવાથી ભારતે દબાણ વધાર્યું છે. સૂનક તેના પૂર્વોગામી વડાપ્રધાનોની સરખામણીએ આ મામલે ભારત પ્રત્યે સકારાત્મક અભિગમ દર્શાવે તેવી આશા છે.
બ્રિટનના એક વર્તમાન પત્રના અહેવાલ અનુસાર ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત બ્રિટનમાં રહેલી તેમની કલાકૃતિના વારસાને પરત લઈ જવા માટે પ્રતિબદ્ધ છે. કોહિનૂર તેમની પ્રાથમિકતા છે. લંડનમાં ભારતીય રાજદ્વારીઓ આ વર્ષના અંત સુધીમાં ઔપચારિક રીતે બ્રિટનમાં રહેલી તેમની હિન્દુ પ્રતિમાઓના કલેક્શન તથા અન્ય કિંમતી ચીજવસ્તુઓને પરત માંગે તેવી અપેક્ષા છે. ભારત પર 1858 થી 1947 દરમિયાન બ્રિટિશ રૂલ હતો ત્યારે કોહિનૂર સહિત અનેક કિંમતી કલાકૃતિ, ચીજવસ્તુનો વારસો અંગ્રેજો પોતાની સાથે બ્રિટનમાં લઈ ગયા હતા તે તમામ ભારત પરત માંગે તેવી શક્યતા આ વર્તમાનપત્રએ વ્યક્ત કરી છે.
રાણી કેમિલાએ પોતાના તાજમાં ન પહેર્યો કોહિનૂર
બ્રિટનની મહારાણી એલિઝાબેથ દ્વિતીયના નિધન બાદ રાજવી પરિવારમાં મોટો બદલાવ આવ્યો છે. કિંગ જ્યોર્જ III હવે ઈંગ્લેન્ડના નવા રાજા છે અને તેમની પત્ની કેમિલા નવી રાણી છે. રાજકીય સંવેદનશીલતાના કારણે નવી રાણીને રાજ્યાભિષેક દરમિયાન કોહિનૂર હીરાનો તાજ પહેરાવવામાં આવ્યો નહીં. 105-કેરેટ કિંમતી કોહિનૂર હીરા બ્રિટિશ રાણીના તાજમાં સમાવિષ્ટ છે. શાહી પરિવારના પુરુષ સભ્યો તેને ‘શ્રાપિત’ હોવાની અફવાને કારણે પહેરતા નથી.
બ્રિટને કોહિનુરને વિજયના પ્રતિક તરીકે રજૂ કરી કૂટનીતિ રમી
ભારતના વિશ્વ પ્રસિદ્ધ કોહિનૂર હીરાને લઈને બ્રિટને એક જઘન્ય યુક્તિ રમી છે. વિવાદાસ્પદ વસાહતી યુગના હીરા કોહિનૂરને મે મહિનામાં ટાવર ઓફ લંડન ખાતે જાહેર પ્રદર્શનમાં ‘વિજયના પ્રતીક’ તરીકે પ્રદર્શિત કરવામાં આવ્યો. એક તરફ ભારત કોહિનૂર પર પોતાનો દાવો મક્કમ કરી રહ્યું છે અને બીજી તરફ બ્રિટન તેને વિજયના પ્રતિક તરીકે દર્શાવી રહ્યું છે. બ્રિટનના મહેલોના સંચાલનની દેખરેખ રાખનારી સંસ્થા ધ હિસ્ટોરિક રોયલ પેલેસીસ (HRP)એ આ અઠવાડિયે જણાવ્યું હતું કે કોહિનૂરનો ઇતિહાસ પણ પ્રદર્શનમાં પ્રદર્શિત કરવામાં આવ્યો. હીરા સ્વર્ગસ્થ રાણી એલિઝાબેથ II ના તાજનો ભાગ હતો, જેને નવી રાણી કેમિલાએ પહેરવાનો ઇનકાર કર્યા બાદ આ કિંમતી હીરાને વિજયના પ્રતીક તરીકે રજૂ કરવાની ચાલ રમવામાં આવી છે.
કોહિનૂર અંગ્રેજો પાસે કેવી રીતે પહોંચ્યો?
ફારસી ભાષામાં કોહિનૂરનો અર્થ થાય છે પ્રકાશનો પર્વત. આ હીરાનો મહારાજા રણજીત સિંહના તિજોરીમાં સમાવેશ કરવામાં આવ્યો હતો, પરંતુ રાણી વિક્ટોરિયાને ભારતની મહારાણી બનાવવામાં આવ્યા તેના થોડા વર્ષો પહેલા તે તેમના કબજામાં ગયો હતો. ભૂતકાળમાં બ્રિટનમાં રાજ્યાભિષેક માટે આ હીરા આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે. કિંગ ચાર્લ્સ II અને તેમની પત્ની કેમિલાના રાજ્યાભિષેક બાદ ટાવર ઓફ લંડન ખાતે આ હીરા આકર્ષણનું કેન્દ્ર બનશે.
ભૂતકાળમાં, બ્રિટનની રાણી તેને પહેરે તેવી શક્યતા હતી, જેનો ભારતના લોકોએ ઉગ્ર વિરોધ કર્યો હતો. આ પછી બ્રિટનની રાણીએ પોતાનો ઈરાદો છોડી દીધો. આ હીરા ભારતના આંધ્ર પ્રદેશ રાજ્યમાં ગોલકોંડાની ખાણમાંથી મળી આવ્યો હતો. તે સમયે તેનું વજન 793 કેરેટ હતું. જોકે હવે તે ઘણો નાનો થઈ ગયો છે. બ્રિટનનો દાવો છે કે તે પંજાબના રાજા દુલીપ સિંહ દ્વારા સંધિ બાદ આપવામાં આવ્યો હતો. વાસ્તવિકતા એ છે કે તે સમયે દુલીપ સિંહની ઉંમર માત્ર 10 વર્ષ હતી. બ્રિટને તેમની પાસેથી આ હીરો આંચકી લીધો હતો.
______________________________________________________
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM