તાજેતરમાં થયેલા એક સર્વેક્ષણ મુજબ ભારતનાં આંત્રપ્રિન્યોરની અસફળતાને સફળતામાં બદલાવ કરવા માટે કેટલાક બદલાવની વાત કરવામાં આવી છે. જેમાં ઇનસિક્યોરિટીને કોન્ફિડન્સમાં, ઇગ્નોરન્સને નોલેજમાં અને ઇગોને હ્યુમિનિટીમાં બદલવામાં આવે તો સરળતાથી સફળ થઇ શકાય એ બાબત પર ભાર મૂકવાની સલાહ આપવામાં આવી છે. તમારી અંદર જ્ઞાનનું હોવું મુશ્કેલી નથી પરંતુ મારામાં બધું જ્ઞાન છે એવો ભ્રમ મુશ્કેલીજનક છે.
દરેક વ્યક્તિને ત્રણ વસ્તુઓ જન્મથી જ મળે છે જેમાં ઇન્ટલેક્ટ, ફ્રિડમ ઓફ સ્પિચ અને ફ્રિડમ ઓફ ચોઇસનો સમાવેશ થાય છે. આ સર્વેમાં ભાગ લેનારા કેટલાક નિષ્ણાંતોના મત મુજબ દરેક ઉદ્યોગકરોએ કંપનીમાં કાર્યરત એમ્પ્લોયને ઇન્ટલેક્ટ, ફ્રિડમ ઓફ સ્પિચ અને ફ્રિડમ ઓફ ચોઇસનો કર્મચારીઓની મરજી મુજબ ઉપયોગ કરવાની છૂટ આપવી જોઇએ. પરંતુ મુશ્કેલી એવી છે કે મોટાભાગના ભારતીય બિઝનેસમેન કે ઉદ્યોગકારોનો ઇગો વધારે હોય છે. આ ઈગો ઉદ્યોગકારો-વેપારીઓને આગળ લઇ જતા રોકે છે.
જાણકારોના કહેવા મુજબ કેટલાક ભારતીય બિઝનેસમેનમાં ઈગો ખૂબ વધારે હોય છે. તેમને કોઈ સલાહ આપે ત્યારે તેઓ આ શિખામણને નકારાત્મક રીતે લેતા હોય છે. મોટાભાગના ઉદ્યોગ સાહસિકોને જ્યારે કોઇ સલાહ કે સૂચન આપે ત્યારે તેઓ વિચારે છે કે અમે કંઈ નબળા થોડા છીએ? અમારામાં વિઝનની કોઇ કમી થોડી છે? અથવા તો યોગ્ય કે ત્વરીત નિર્ણય શક્તિનો લેશમાત્ર પણ અભાવ નથી. પરિણામે અમારે કોઇની સલાહ કે શિખામણની શી જરૂર છે?
આ પ્રકારના ઈગોને કારણે કોઈ વ્યક્તિ તેમના આઈડિયાને ચેલેન્જ કરે તે તેમનાથી સહન થતું નથી. આ પ્રકારની મનોવૃત્તિ ધરાવતા વેપારીઓ કે ઉદ્યોગ સાહસિકો તેમની કંપનીમાં હંમેશા માલિકની વાતમાં હા એ હા નો સૂર પુરાવે તેવા પોતાનાથી કમજોર માણસને કામ પર રાખે છે. ઉપરોક્ત ખુલાસા જાણ્યા પછી એમ કહી શકાય કે ભારતીય બિઝનેસમેન પાસે જ્ઞાન હોવું એ મુખ્ય સમસ્યા નથી પરંતુ જ્ઞાન છે એવો ભ્રમ મોટી સમસ્યા છે. એક જ બિઝનેસને અન્ય 1000 અલગ અલગ મેથડથી કરી શકાય છે એવી જાણકારી હોવા છતા પણ ભારતીય ઉદ્યોગ સાહસિકો ફક્ત મની મોનોપોલીને વળગી રહે છે અને નવું શિખવા ઈચ્છતા જ નથી!!
સર્વેમાં થયેલા ખુલાસામાં એવું પણ તારણ બહાર આવ્યું છે કે ભારતીય બિઝનેસમેન ખૂબ પઝેસિવ છે. તેઓ વિચારે છે કે મારી માલિકીની કંપની છે. હું આ કંપનીનો માલિક છું પરિણામે તમામ નિર્ણયો હું મારી મરજી મુજબના જાતે જ લઈશ. મારા સિવાય કોઇને નિર્ણય લેવાનો હક નથી. આવા બિઝનેસમેન તેમના એમ્પ્લોયને વિચારવાની પણ ફ્રિડમ આપતા નથી. આથી એમ્પ્લોય પણ આઇડિયાઝ શેર કરતા નથી કે તેનામાં રહેલા ક્રીએટીવ વિચાર માલિક સમક્ષ રજૂ કરતા નથી. વધુમાં એવું પણ તારણ બહાર આવ્યું છે કે ભારતીય બિઝનેસમેન ખૂબ ડરપોક છે. તેમને હંમેશા તેમના આઈડિયા ચોરાઈ જવાનો ભય રહે છે. આથી તેઓ કંપનીમાં તેમના એમ્પ્લોય સાથે ડેટા કે અન્ય કોઈ ઈન્ફર્મેશન શેર કરતા નથી.
પરિણામે ખુલ્લા મને તે તેમના કર્મચારીઓ સાથે ચર્ચા કરી શકતા નથી. બિઝનેસમેનના આવા બિહેવિયરને કારણે કંપની વર્ષો સુધી પરંપરાગત એક જ મેથડને અનુસરતા રહે છે. સરવાળે એવી સ્થિતિ પેદા થાય છે કે જે કામ ફક્ત થોડી કલાકોમાં થઈ શકે તેમ હોય એ કામ પૂર્ણ કરવામાં ઘણી વાર દિવસો નીકળી જાય છે. આ મુખ્ય કારણથી મોટા ભાગના સાહસિકો અસફળ થાય છે.
દુનિયામાં ઘણાય સફળ માણસો વિશે લોકો જાત જાતની ચર્ચા વિચારણ કરતા રહે છે. કેટલાક એવું પણ કહે છે કે સમય અને સંજોગો એવા બન્યા કે અચાનક જ બધું બની ગયું અને એ લોકો સફળતાના ઉચ્ચત્તમ શિખરે પહોંચી ગયા. આ બધા તર્ક-વિતર્કોની વચ્ચે વાસ્તવિકતા કાંઈક અલગ હોય છે. સફળતાનો કોઈ શોર્ટકટ હોતો નથી અને પરિશ્રમનો કોઈ વિકલ્પ હોતો નથી. જીવનમાં કોઈ પણ સફળતા મેળવવા માટે સતત પ્રયત્ન, પરિશ્રમ અને છેલ્લે પ્રતિક્ષા ખૂબ જ અનિવાર્ય છે. કુદરતનો પણ આ જ નિયમ છે. જમીનમાં વાવવામાં આવેલા બીજમાંથી અંકુર બહાર આવતા સમય લાગે છે અને એમાંથી અનાજ મેળવવા માટે થોડી વધારે મહેનત અને સમય લાગે છે.
આજે દુનિયાના ધનિક લોકોની વાત કરીએ તો એ કાંઈ લોટરી લાગી ને ધનિક નથી બન્યા. કાંઈક કરવાની અભિલાષા, સખત મહેનત અને એ બધા માટે સતત પ્રયત્નશીલતાની સાથે સાથે હજારો સપનાઓ સાથે જ્યારે માનવી લોકો વચ્ચે આવે છે ત્યારે તે સફળ થાય જ છે. અનેક નિષ્ફળતાઓમાંથી પોતાની જાતને ઉગારી તમામ મુશ્કેલીઓનો સામનો કરી સામે આવતા દરેકે દરેક વિપરિત સંજોગોમાં અડીખમ ઊભા રહી સતત પરિશ્રમ એ જ સફળતાની ચાવી છે.
દુનિયાના ખ્યાતનામ અને સફળ ઉદ્યોગપતિઓ સફળતા બાબતે અલગ અલગ મત ધરાવતા હોય છે. બિલ ગેટસ માને છે કે મોટી જીત માટે કયારેક તમારે મોટું જોખમ લેવું પડે છે. ધીરુભાઈ અંબાણી કહેતા કે જો તમે પોતાના સપના પૂરા નહીં કરો તો તમને કોઈ પોતાના સપના પૂરા કરવા માટે નોકરીએ રાખશે. અઝીમ પ્રેમજીએ કહ્યું હતું કે તમે તમારા લક્ષ્ય પર હસી રહ્યા નથી તો તેનો અર્થ છે કે તમારું લક્ષ્ય ખૂબ નાનું છે. વળી નિર્ણય બાબતે રતન ટાટા એમ કહેતા કે હું નિર્ણયો લેવામાં માનતો નથી પરતું પોતાના નિર્ણયોને યોગ્ય સાબિત કરું છું. બિલ ગેટસ પણ કર્મચારીઓની મહત્તા બતાવતા કહે છે કે બિઝનેસમાં મહાન કાર્ય કોઈ એક વ્યક્તિ દ્વારા થતું નથી પરંતુ ટીમ વર્કથી જ શકય બને છે. બિલ ગેટ્સના વિચારો સાથે સામ્ય ધરાવતા વોરેન બફેટ કહે છે કે કર્મચારીઓની આગળ રહો કારણ કે તેમની જીંદગી તમારી સફળતા પર નિર્ભર છે.