જે સમયનું સન્માન કરતા નથી તેમને ભગવાન પણ મદદ કરતા નથી : ગોવિંદભાઇ ધોળકીયા

God does not help those who do not respect time - Govindbhai Dholakia-1
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE SIDDHI VINAYAK LASER

ગોવિંદભાઇ ધોળકીયાની આત્મકથા પર લખાયેલા પુસ્તક Diamonds are Forever, So are Moralsનું 6ટ્ઠી મેના દિવસે સુરતના અડાજણ વિસ્તારમા આવેલા પરર્ફોમિંગ આર્ટ સેન્ટરમાં વિમોચન થયું હતું.

ડો. અબ્દુલ કલામના શિષ્ય અને સુરતની સાર્વજનિક એજયૂકેશન સોસાયટીના પ્રમુખ કમલેશ યાજ્ઞિક આ પુસ્તકના સંયુક્ત લેખક છે. આ કાર્યક્રમમાં ISROના પૂર્વ ચેરમેન એ.એસ. કિરણકુમાર અને દેશના ચૂંટણી કમિશ્નર રહી ચૂકેલા એન. ગોપાલાસ્વામી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

સાવ સાદાઇથી અને મર્યાદિત મહેમાનોની હાજરીમાં યોજાયેલા આ કાર્યક્રમમાં ઉડીને આંખે વળગે એવી વાત એ હતી કે એક જ પ્લેટફોર્મ પર માતા સરસ્વતીના પૂજકો અને લક્ષ્મી પૂજક એક સાથે હાજર હતા. કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનોએ તેમના પ્રવચનમાં ગોવિંદભાઇ વિશે અને પુસ્તક વિશે વાત કરી હતી. પરંતુ હોલમાં હાસ્યની છોળો ત્યારે ઉડી જયારે ગોવિંદભાઇ સાથે પ્રશ્નોતરીનો કાર્યક્રમ થયો.

કાર્યક્રમમાં એક મહિલા એન્કરે જાહેરાત કરી કે ગોવિંદભાઇને અમે સવાલ પુછીશું અને તેના તેઓ જવાબ આપશે. સવાલ પુછવામાં શહેરના જાણીતા ડોકટર મુકુલ ચોકસી પણ હતા.

એન્કરે સવાલ પુછવાની જાહેરાત કરી તેની સાથે જ ગોવિંદભાઇએ કહ્યું કે, એવું નક્કી થયું હતું કે 7:00 વાગ્યા થી 7:30 વાગ્યા સુધીનો સમય સવાલ-જવાબ માટે રહેશે, પરંતુ અત્યારે 7:30 તો વાગી ચૂક્યા છે એટલે હું સવાલોના જવાબો  હવે નહીં આપું. ગોવિંદભાઇએ કહ્યું કે જે સમયનું સન્માન ન જાળવે તેને ભગવાન પણ મદદ કરતો નથી.

જો કે, તે પછી ગોવિંદભાઇ કહ્યું કે આમ છતા હું તમારા એક સવાલનો અને મુકુલભાઇના એક સવાલનો જવાબ આપીશ. મહિલા એન્કરે સવાલ પુછ્યો કે આમ તો તમારા પુસ્તકમાં તમારા જીવન વિશે ઘણું બધું લખાયું છે, પરંતુ એવી કોઇ વાત છે જે હજુ સુધી લોકો નથી જાણતા?.

ગોવિંદભાઇએ જવાબ આપતા કહ્યું હતુ કે મારું જીવન તો ખુલ્લી કિતાબ જેવું છે. હું કશું છુપાવતો નથી. આમ છતા એક વાત કહેવા માંગુ છું કે મારા પત્ની ચંપા ધોળકીયા, જેને લોકો ચંપા કાકી તરીકે ઓળખે છે.

એક વખત એક મોટા વ્યકિત અમારા મહેમાન બન્યા હતા, મેં તેમને મારા પત્ની ચંપાની ઓળખાણ કરાવી અને કહ્યું કે આ મારા પત્ની ચંપા, અનપઢ, અભણ છે.

એ મહેમાન ત્યારે તો કશું ન બોલ્યા, પરંતુ 3 દિવસ પુરા થયા પછી જતી વખતે મને અને ચંપાને સાથે ઉભા રાખીને કહ્યું કે, ગોવિંદભાઇ, જયારે શરૂઆતમાં તમે મને તમારી પત્નીની ઓળખાણ કરાવી હતી ત્યારે કહ્યું હતું કે તે અભણ છે.

પરંતુ આ 3 દિવસમાં મેં જોયું પછી હું તેમને Ph.D.ની ડિગ્રી આપવા માંગુ છું, કારણકે ફેમિલીને કેવી રીતે સાચવવું અને કેવી રીતે સાથે રાખીને ચાલવું તે ખુબી મેં તેમનામાં જોઇ છે. માટે ચંપાબેનને અનપઢ કહી શકાય નહી.

એ પછી ડો. મુકુલ ચોકસીએ સવાલ પુછયો કે ગીતામાં તો પાંડવો અને કૌરવો સામે લડાઇની વાત કરેલી છે જે તેમના સ્વજનો હતા. પરંતુ તમે તો કયારેય કોઇની સાથે લડાઇ કરી નથી તો ગીતાનું આચરણ તમરામાં કયાં આવ્યું? 

ગોવિંદભાઇએ કહ્યું કે ગીતામાંઆસૂરી લોકોને આસૂરી તત્વોને મારવાનું કહ્યું છે, પરંતુ મને તો કોઇ આસૂરી મળ્યું જ નથી તો પછી લડાઇ કરવાની વાત જ કયાં આવે.મારા સ્વજનો કે મારા પરિવારમાંથી કોઇ પણ આસૂરી સ્વભાવ ધરાવતું નથી.

આમ તો ગોવિંદભાઇએ ડો. મુકુલ ચોકસીને એક જ સવાલ પુછવાની પરવાનગી આપી હતી, પરંતુ ડો. મુકુલ ચોકસીએ બીજો સવાલ પુછી નાંખ્યો હતો કે આ પુસ્તક દ્વારા લોકોને શું સંદેશો આપશો?

ગોવિંદભાઇ ધોળકીયાએ કહ્યું કે, આ હોલમાં જે મારી ઉંમરના લોકો બેઠાં છે તે બધાને મારે કહેવું છે કે આ પુસ્તક તમારા માટે નથી. તમે બધા અત્યાર સુધી સારું જીવન જ જીવ્યા છો, તમને સુધારવા માટે આ બુક નથી. આ પુસ્તક યુવાનો માટે છે, હેપીનેસ માટે છે. એટલું ચોક્કસ કહીશ કે આ પુસ્તક યુવાનોને રાહ ચિંધી શકશે.

ગોવિંદભાઇએ કહ્યું કે મારી કંપનીનું ટર્નઓવર 52 કરોડ રૂપિયાથી માંડીને આજે 14,000 કરોડ રૂપિયા પર પહોંચ્યું છે તેમાં અમારા પરિવારની સેકન્ડ જનરેશનનો મોટો ફાળો છે. અમારો ફેમિલી બિઝનેસ છે અને મારી બહેનના દિકરા જયંતિભાઇ નારોલા જે 27 વર્ષથી મારી સાથે છે, તે હવે બિઝનેસ સંભાળે છે.

કાર્યક્રમનું સંચાલન કરનાર ડો. મુકુલ ચોકસીએ કહ્યું હતું કે ગોવિંદભાઇની આત્મકથા પર લખાયેલું આ પુસ્તક વેચાણ માટે રાખ્યું છે અને આજે રાહતદરે 500 રૂપિયા કિંમત રાખવામાં આવી છે.

ડો. મુકુલ ચોકસીએ કહ્યું કે જયારે પુસ્તક વેચાણની વાત કરવામાં આવી ત્યારે ગોવિંદભાઇએ ખચકાટ અનુભવ્યો હતો કે પુસ્તકનું વેચાણ કરીને રૂપિયા ઉભા કરવા યોગ્ય નથી લાગતું. જો કે બધાએ તેમને સમજાવ્યા કે ખરીદીને પુસ્તક લેશે તો જ લોકો વાંચશે.

સામાન્ય રીતે મફતમાં આપેલા પુસ્તકની લોકોને કદર નથી હોતી. ગોવિંદભાઇ માન્યા ખરા, પરંતુ તેમણે એક રસ્તો કાઢયો કે પુસ્તક વેચાણ દ્વારા જે રકમ ઉભી થશે તે પુરેપુરી રકમ અંધજન શાળામાં આપી દેવામાં આવશે.

God does not help those who do not respect time - Govindbhai Dholakia-Kamlesh Yagnik

કમલેશભાઇએ કહ્યું કે…

આ પુસ્તક અંગ્રેજી ભાષામાં છે. જેનો ગુજરાતમાં અર્થ થાય છે હીરો શાશ્વત છે, મૂલ્યો પણ શાશ્વત. આ પુસ્તકમાં ભગવદગીતા અને ઉપનિષદ જેવા શાસ્ત્રોના અવતરણો ટાંકીને સરળ શૈલીમાં રજૂઆત કરવામાં આવી છે. આ પુસ્તક લખવામાં લગભગ દોઢ વર્ષ જેટલો સમય લાગ્યો. કોરોના મહામારીના સમયમાં રૂબરૂ કે વીડિયો કોન્ફરન્સથી દરરોજ 4 થી 5 કલાક ફાળવવામાં આવતા હતા. British Publishing House Penguin Books દ્વારા આ પુસ્તક પ્રકાશિત કરવામાં આવ્યું છે.

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant
  • Nippon Rare Metal Inc
  • SGL LABS