વરાછા-કતારગામ જ્વેલર્સ એસોસિએશન તથા સુરત જ્વેલરી હોલસેલ એસોસિએશન દ્વારા તા. 9-4-2023ને રવિવારના રોજ એક પારિવારીક સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં અધ્યક્ષ સ્થાને સાંસદ તથા પ્રદેશ પ્રમુખશ્રી સી. આર. પાટીલ સાહેબે ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત આ સમારોહમાં મુખ્ય મહેમાનો તરીકે ગુજરાત રાજ્યના ગૃહમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવી, પર્યાવરણ મંત્રીશ્રી મુકેશભાઈ પટેલ, સુરત શહેર ભાજપના પ્રમુખશ્રી નિરજભાઈ ઝાંઝમેરા એ હાજરી આપી હતી. આ ઉપરાંત અતિથિ વિશેષશ્રીઓમાં સ્ટેન્ડિંગ કમિટીના ચૅરમૅન શ્રી પરેશભાઈ પટેલ, શાસક પક્ષના નેતા શ્રી અમિતસિંહ રાજપુત, ગોપીન ગૃપના શ્રી લવજીભાઈ બાદશાહ, પૂરો ઇન્ડિયા શ્રી મનહરભાઈ સાચપરા ઉપરાંત શ્રી દિનેશભાઈ નાવડિયા, શ્રી રમેશભાઈ વઘાસિયા, શ્રી બાબુભાઈ જીરાવાળા, ચૅમ્બર ઓફ કોમર્સના ઉપપ્રમુખશ્રી રમેશભાઈ વઘાસીયા વગેરે મહેમાનોએ હાજરી આપીને આ પ્રસંગને દિપાવ્યો હતો.
સમારોહની શરૂઆત રાષ્ટ્રગીતથી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં શ્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, સુરત શહેર તો સાચા વેપારીઓનું શહેર છે. વિશ્વસનીયતા સાથે વેપારને જાળવી રાખવો એ તો સુરત શહેરનો સ્વભાવ છે. શ્રી સંઘવીએ વેપારીને ઉદ્દેશીને કહ્યું હતું કે જ્વેલર્સને નડતી સમસ્યાઓને પહોંચીવાળવા માટે ગુજરાત પોલિસ હંમેશા સતર્ક રહેશે. બીજા રાજ્યોના ઘણા વેપારીઓ સુરતમાંથી માલ લઈને નિકળી ગયા પછી પેમેન્ટ પહોંચાડતા નથી. પહેલે થી જ છેતરપીંડી કરવાના ઇરાદે આપણા વેપારીઓ સાથે વિશ્વાસઘાત કરે છે ત્યારે આવા 400થી વધુ ક્રિમીનલ કેસ દાખલ કરીને બીજા રાજ્યોના વેપારીઓને અહિંયા લાવિને ન્યાયપૂર્ણ કાર્યવાહી કરવામાં સુરત શહેર પોલિસને સફળતા મળી છે. ચોરી અને લૂટનો સૌથી વધુ ડર જ્વેલર્સનો હોય છે અને જ્યારે આવા બનાવો બને ત્યારે એ માલ-મિલકત પાછી આવશે કે નહીં તેની ચિંતા પણ રહે છે. પરંતુ હવે એ ચિંતા ઓછી થઈ ગઈ છે. સુરત પોલિસ તે માટે સંપૂર્ણ સક્રિય બનીને વહેલી તકે એક્શનમાં આવે છે અને પરિણામ પણ આપે છે. છેલ્લા થોડાક સમયમાં જ ગુજરાતમાં 14 ઘટનાઓમાં કેસ ઉકેલાયા છે.
શ્રી સંઘવીએ કહ્યું હતું કે, સુરતના વિકાસમાં પણ સુરતના જ્વેલર્સ વેપારીઓનો મહત્તમ ફાળો છે. પરંતુ દરેક વેપારીઓએ થોડું સતર્કતાથી કામ લેવું જરૂરી છે. પૂર્ણ જાણકારી વગર માલનું ધિરાણ કરી લેવું, જોખમ આપી દેવું એ સમસ્યાઓને ઊભી કરે છે. જેને કારણે પોલિસને પણ ખૂબ મહેનત કરવી પડે છે. શ્રી હર્ષભાઈ એ તમામને સંબોધાતાં કહ્યું હતું કે, અમારા લાયક અડધી રાતે કામ હોય તો પણ યાદ કરજો. અમે હંમેશા તમારી સાથે છીએ.
પ્રમુખશ્રી પ્રતાપભાઈ જીરાવાળાએ તમામ વેપારીઓને સંબોધાતાં કહ્યું હતું કે, પહેલા જે પ્રમાણે ધંધો ચાલતો હતો હવે તે મુજબ નહી ચાલે. હવે આપણે પણ સમયની સાથે, નવા નિતીનીયમોની સાથે કામ કરવું પડશે. હવે ઘરેણામાં HUIDનો 6 આંકડાનો નંબર આવી ગયો છે. એટલે હવે ખૂબ જ ધ્યાન રાખીને ધંધો કરવો પડશે. તેમણે કહ્યું હતું કે આપણા કસ્ટમર આપણા ભગવાન છે અને તેની સાથે ક્યારેય છલકપટ કરવું નહીં, તેમણે તમામ વેપારીઓને નિમાણસપૂર્વક કહ્યું હતું કે GST હોય કે INCOME TAX જે કઈ ટેક્સ આવે છે તે 100 % ભરો. આ ઉપરાંત તેમણે કહ્યું હતું કે આ આપણું સંગઠન સર્વજ્ઞાતિઓ માટે છે આપણે સૌએ ભાઈચારાથી કામ કરવાનું છે. ધંધો હળીમળીને કરવાનો છે. એસોસિએશન તરફથી જે કંઈ નિર્ણય લેવામાં આવે તે નિર્ણયોનું સૌએ પાલન કરવાનું છે. તેમણે ઉપસ્થિત તમામ પરિવારોનો આભાર વ્યક્ત કર્યો હતો. અને ઉપસ્થિત મહેમાનોને આવકાર્યા હતા. તેમણે સી. આર. પાટીલ સાહેબને આવકારતા કહ્યું કે ભારતની 100 શક્તિશાળી વ્યક્તિઓમાં સાહેબશ્રી 46માં સ્થાને છે તે ખૂબ મોટી સિદ્ધિ છે અને આ સિદ્ધિ પ્રાપ્ત કરનાર વ્યક્તિ આપણા કાર્યક્રમમાં ઉપસ્થિત છે તેનો આપણને સૌને આનંદ હોય તે સ્વાભાવિક છે.
શ્રી. સી. આર. પાટીલે પોતાના વક્તવ્યમાં જણાવ્યું કે, જેમ દર્દી ડોક્ટરને પોતાનું શરીર વિશ્વાસ સાથે સોંપી દે છે અને પોતાની તંદુરસ્તી માટે ડૉક્ટર પર પૂર્ણ ભરોસો રાખે છે તેવી જ રીતે આપણી બહેનો સોની પર વિશ્વાસ રાખીને પોતાનો દાગીનો આપી દે છે અથવા ખરીદી કરે છે. આ વિશ્વાસને અકબંધ રાખવા બદલ તમામ જ્વેલર્સ ભાઈઓને અભિનંદન પાઠવું છું.
શ્રી પાટીલે વડાપ્રધાનશ્રી મોદી સાહેબ વિશે પોતાની લાગણી વ્યક્ત કરતા કહ્યું હતું કે, આજે એક વિકાસ પુરૂષ તરીકે આપણને વડાપ્રધાન તરીકે મોદી સાહેબ મળ્યા છે એ આપણું સૌભાગ્ય છે. તેમણે જનતાને શાંતિથી જીવવા માટેનું વાતાવરણ ઉભુ કર્યું છે. આંતરિક તેમજ બાહ્ય સુરક્ષા પૂરી પાડી છે. ગુજરાત અને ગુજરાતીઓની વિશેષતાઓને જણાવતા તેમણે કહ્યું કે જે પોતાનો હાથ માંગવા માટે નહી પણ આપવા માટે લંબાવે તે ગુજરાતી અને એટલે જ ભગવાને ગુજરાતના વેપારીઓને આગળ વધવા માટેની શક્તિ આપી છે. સોનાના ભાવો વધ્યા છે તેમ છતાંય લોકોની ખરીદશક્તિ ઘટી નથી. કારણ કે મોટાભાગના લોકો સોનામાં રોકાણ કરવામાં પોતાને સુરક્ષીત મહેસુસ કરે છે. આ ઉપરાંત તેમણે જ્વેલર્સ એસો. ના પદાધિકારોને અનુલક્ષીને કહ્યું હતું કે આપણા બિઝનેસમાં નિતીઓમાં પણ ક્યાંય ફેરફાર કરવાની જરૂર પડે તો ચોક્કસ પણે કહેશે. આ બિઝનેસમાં ક્યાંય પણ તકલિફ પડે તો ચોક્કસ જણાવજો. યોગ્ય નિર્ણયો લઈશું. સરકાર હંમેશા આપની સાથે છે. શ્રી. સી.આર. પાટીલ સાહેબે સૌનો આભાર પણ વ્યક્ત કર્યો હતો.
આ સમારોહમાં જ્વેલરી બિઝનેસ સાથે જોડાયેલા વેપારીઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. ઉપરાંત જ્વેલર્સના પરિવારોમાં જેમની ઉંમર 80 વર્ષથી વધું હોય તેવા તમામ વડિલોનું પણ બહુમાન કરવામાં આવ્યું. આ સાથે જ્વેલરી બિઝનેસમાં મહિલાઓ પણ કાર્યરત છે તેવી નારીશક્તિને પણ સન્માનતી બિરદાવવામાં આવી હતી. સાથોસાથ સોનાના વેપાર સાથે સંકળાયેલા દરેક જ્ઞાતિના પ્રમુખશ્રીઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.
સાંજે 5 થી 8 ભોજન સમારંભ પૂર્ણ થયા પછી મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું અને ત્યારબાદ હાસ્ય કલાકાર શ્રી માયાભાઈ આહિરના ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમને લોકગાયિકા શ્રી અપેક્ષા પંડ્યાએ સાથ આપ્યો હતો. હજારોની મેદનીએ આ ડાયરકાને ખૂબ જ મોજ-મજા અને મસ્તીથી માણ્યો હતો.
આ કાર્યક્રમના મુખ્ય સ્પોન્સર શ્રી મનીષભાઈ સુહાગિયા (હરીકલા બુલીયન), રવી ચાંદગઢીયા, આકાશ ઘોરી (શુભમ ગોલ્ડ) હતા. તેમજ કો. સ્પોન્સર ચિંતન શાહ, અંકિત ઘેવરીયા (સીએનસી બેન્ગલ) હતા. સપોર્ટીંગ સ્પોન્સર તરીકે મુકેશ બલર (મીલન ગોલ્ડ), હીતેશ ગોયાણી, પ્રતાપ ચોડવડીયા (પ્રીસીયસ), રજનીકાંત ચાંચડ (નીત્યાસ), રમેશ લીંબાણી (યોગી ગોલ્ડ), પરેશ કથિરીયા, કૌશિક કથિરીયા (શ્રી હરી ઓર્નામેન્ટ્સ) દ્વારા સહયોગ પ્રાપ્ત થયો હતો.
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે વરાછા-કતારગામ જ્વેલર્સ એસોસિએશન તેમજ સુરત જ્વેલરી હોલસેલ એસોસિએશનના પ્રમુખશ્રી પ્રતાપભાઈ ચોડવડીયા (જીરાવાળા) અરિહંત જ્વેલર્સ અને તેમની ટીમે ખૂબ જ જહેમત ઉઠાવી હતી. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન મનીષ વઘાસીયાએ કર્યું હતું.
______________________________________________________
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM