Exclusive interview with Anjana Patel Deputy Mayor of Harrow Municipality Britain Diamond City 423-1
- Advertisement -Decent Technology Corporation

DIAMOND CITY NEWS, SURAT

8 માર્ચ, આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ સમાજમાં, રાજકારણમાં અને આર્થિક ક્ષેત્રમાં મહિલાઓની પ્રગતિ અને ગૃહિણીઓના સન્માનની ઉજવણી કરવાનો દિવસ છે. આજના સમયમાં નારી બધા ક્ષેત્રોમા પુરુષ સમોવડી બની ગઇ છે. આવા જ એક પાટીદાર મહિલા કે જેમણે બ્રિટનના રાજકારણમાં પોતાની મહેનતથી પોતાનું એક સન્માન ઊભું કર્યું છે. આ વખતના વ્યક્તિ વિશેષમાં તેમને સ્થાન આપ્યું છે.

અંજના કન્ઝર્વેટિવ પાર્ટી સાથે જોડાયેલા છે જેમાં રિશી સુનક, બોરીસ જોન્સન જેવા નેતા છે

ગુજરાતની પાલિકામાં કોર્પોરેટર હોય તેમ બ્રિટનમાં કોર્પોરેટરને કાઉન્સિલર કહેવામાં આવે છે. અંજના કન્ઝર્વેટિવ પાર્ટી સાથે જોડાયેલા છે. આ પાર્ટીમાં બ્રિટનના તત્કાલીન પ્રધાનમંત્રી રિશી સુનક અને બોરિસ જોન્સન જેવા નેતા છે. અંજના આ બંને દિગ્ગજ નેતાને મળ્યા છે.

તેઓ ડિસેમ્બર 2019માં બ્રિટનમાં યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં બ્રેન્ટ નોર્થ મત વિસ્તાર માટે સંસદીય ઉમેદવાર હતા, જીત ન મેળવી શક્યા, પરંતુ સામેના ઉમેદવારની લીડ અડધી કરી નાંખી હતી.

અંજનાએ હેરોમાં યુકેની પ્રથમ રાજ્ય ભંડોળવાળી હિંદુ શાળા ક્રિષ્ણા અવંતીની સ્થાપના કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. અંજનાએ લંડન કાઉન્સિલમાં સમાનતા અને વિવિધતા માટે લીડ મેમ્બર તરીકે તેમના લંડન વ્યાપી અભિયાન “Be A કાઉન્સિલર” દ્વારા મહિલાઓ, વંશીય લઘુમતીઓ અને યુવાનોને કાઉન્સિલર બનવા પ્રોત્સાહિત અને સશક્તિકરણ કર્યું છે.

શિક્ષકની પુત્રી હોવાને કારણે અંજનાની વિશેષ રુચિ હંમેશા શિક્ષણમાં રહી છે. તેણી શાળાઓ અને બાળકોની સેવાઓના અને સમુદાય અને સંસ્કૃતિના પૉર્ટફોલિયો ધરાવતા હતા. તેણી હેરો અને તેનાથી આગળના ઘણા સમુદાયોના સંપર્કમાં છે.

કન્ઝર્વેટિવ ગ્રુપની ચીફ વ્હીપ બનનાર તે પ્રથમ એશિયન મહિલા હતા. તેણી આર્ટ કાઉન્સિલ લંડન રિજન, હેરો મેનકાપ, હેરોમાં માઇન્ડ, નેશનલ કોંગ્રેસ ઓફ ગુજરાતી ઓર્ગેનાઈઝેશન, સરદાર પટેલ મેમોરિયલ સોસાયટી યુકે, એશિયન ફાઉન્ડેશન ફોર હેલ્પ અને ઘણી વધુની બોર્ડ મેમ્બર રહ્યા છે.

તેણીએ હંમેશા તેના બાળકોના શિક્ષણમાં ઊંડો રસ લીધો છે અને 1992માં શાળાના ગવર્નર બન્યા હતા. તેણીએ 16 વર્ષ શાળા અને કોલેજના ગવર્નર તરીકે સેવા આપી છે. અંજના ભારતના બોચાસણમાં એક શાળા સાથે પણ કામ કરી રહ્યા છે જેથી વંચિત પૃષ્ઠભૂમિના બાળકો અને છોકરીઓને તેના પરિવારના ટ્રસ્ટ તરફથી શિક્ષિત કરવામાં મદદ મળે. મેયર બરોના પ્રથમ નાગરિક છે અને રાજાનું પ્રતિનિધિત્વ કરે છે.

સફળતાની ટોચ પર પહોંચતાં પહેલા અંજના પટેલે ઘણા પડકારોનો સામનો કર્યો

બ્રિટનના પ્રથમ મહિલા વડાપ્રધાન માર્ગારેટ થેચર કે જેમને આર્યન લેડી તરીકે ઓળખવામાં આવે છે તેમણે પરુષ આધિપત્ય વાળા સમાજની વચ્ચે આખા બ્રિટનની કાયાપલટ કરી નાંખી હતી.

આ વાત અમે એટલા માટે કહી રહ્યા છે કારણ કે, મૂળ ગુજરાતના પાટીદાર સમાજની દીકરી બ્રિટનના Harrow પાલિકામાં ડેપ્યુટી મેયર બની છે અને આવતા વર્ષે મેયર બનવા જઈ રહી છે.

આ મહિલાએ ક્યારેય સપનામાયે વિચાર્યું નહોતું કે, રાજકારણમાં જવાનું થશે, પરંતુ નિયતિ તેમને પોલિટિક્સમાં લઇ આવી.અહીં સુધી પહોંચવા તેણીએ અનેક સંઘર્ષો, પડકારો અને કાંટાળા પંથકોને પાર કર્યા.

એમની લાઈફ જર્ની અનેક યુવાનો અને ખાસ કરીને પાટીદાર સમાજની દીકરીઓને પ્રેરણારૂપ બને તેવી છે. અનેક લોકોએ તેમને ડાઉન કરવાની કોશિશ કરી, પરંતુ તેઓ એટલી જ મજબૂતાઈથી ઉપર આવ્યા.

રાજકારણમાં જવાનું સપનેય વિચાર્યું નહોતું, પરંતુ નિયતિ તેમને લઇ ગઇ

Exclusive interview with Anjana Patel Deputy Mayor of Harrow Municipality Britain Diamond City 423-3

કાઉન્સિલર અંજના પટેલનો પરિવાર મૂળ ગુજરાતના બોચાસણનો છે. બોચાસણ ચરોતરમાં આવેલા આણંદ જિલ્લામાં આવેલા કૂલ ૮ (આઠ) તાલુકાઓ પૈકીના એક એવા બોરસદ તાલુકામાં આવેલું એક ગામ છે.

બોચાસણવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામીનારાયણ સંસ્થા (BAPS)ની સ્થાપના આ ગામમાં ૧૯૦૭માં શાસ્ત્રીજી મહારાજે કરી હતી. અંજનાનો જન્મ અને ઉછેર દાર-એસ-સલામ, પૂર્વ આફ્રિકામાં થયો હતો. 1975થી તેઓ લંડનમાં રહે છે.

કાઉન્સિલર અંજના પટેલ તેમના માતાની સારવાર માટે અને કુંભ મેળાની મુલાકાત લેવા માટે ઇન્ડિયા આવ્યા છે. તેઓ તાજેતરમાં સુરત પણ આવ્યા હતા ત્યારે તેમની લાઈફ વિશેની ઘણી બધી વાતો થઇ.

તેમની સાથે વાત કરતા બિલકુલ એવું લાગ્યું નહીં કે કોઇ રાજકારણી સાથે વાત થઇ રહી છે, એકદમ નિખાલસતાથી અને પ્રમાણિકતાથી તેમણે વાત કરી. એકદમ સોબર વ્યક્તિત્વ અને સાથે મુશ્કેલી સામે બાથ ભીડનારા ફાઇટર છે.

પાટીદાર દીકરી અંજના બે પુત્રોની માતા અને 4 પૌત્રની દાદી છે. તેણીએ બ્રિટનમાં 30 વર્ષ બાર્કલેસ બેંક ઇન્ટરનેશનલમાં કામ કર્યું છે. બેંકમાં કલાર્કથી શરૂઆત કરીને અંજના મેનેજરના પદ સુધી પહોંચ્યા હતા.

અંજના પ્રથમ વખત 2002માં લંડન બરો ઓફ હેરોમાં કન્ઝર્વેટિવ પાર્ટીમાંથી કાઉન્સિલર તરીકે ચૂંટાઈ આવ્યા હતા. તેઓ હાઈવે, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને કોમ્યુનિટી સેફ્ટી માટે કેબિનેટ સભ્ય હતા. હાલમાં તેઓ Harrow પાલિકામાં ડેપ્યુટી મેયર છે અને Belmont Wardના કાઉન્સીલર છે.

પિતાનું અચાનક દુનિયા છોડીને ચાલી જવું એ કારમો ઘા હતો જે હજુ રૂઝાયો નથી

અંજનાએ પોતાની લાઈફ વિશે કહ્યું કે, જન્મ અને પ્રાથમિક એજ્યુકેશન ઇસ્ટ આફ્રિકામાં થયું, પછી 1970માં આખા પરિવાર સાથે ગુજરાત આવ્યા અને ગુજરાત યુનિવર્સિટીની બોરસદ કોલેજમાંથી બી.કોમ.નો અભ્યાસ કર્યો.

એ પછી પિતા ભારતથી લંડન ચાલ્યા ગયા હતા અને હજુ તો 6 જ દિવસ થયા હતા અને એક દિવસ ફોન આવ્યો કે અમને તાત્કાલિક લંડન બોલાવ્યા છે.

અમને ફાડ પડી, એ વખતે પહેલીવાર વિમાનમાં બેઠી હતી છતા મને તે વખતની કોઇ વાત યાદ નથી, હું કેવી રીતે પહોંચી તે પણ મને ખબર નથી, કારણ કે પિતા દુનિયા છોડીને ચાલી ગયા હતા એ વાતનો એટલો મોટો સદમો હતો કે એ કારમાં ઘામાંથી હજુ પણ હું બહાર આવી શકી નથી.

મારા પિતા મારા માટે એક પિતા કરતા પણ વધારે મિત્ર જેવા હતા. મારી અંગતમાં અંગત વાત પણ હું મારા પિતા સાથે શેર કરતી. એ મારા હીરો હતા. મારા પિતા અમને દાર-એસસલામમાં દરિયા કિનારાની સફરે લઇ જતા અને આઈસક્રીમ ખવડાવતા, ઇટ વોઝ એ ગોલ્ડન મેમરી ધેટ આઇ વિલ નેવર ફરગેટ.

એ જમાનામા સિંગલ મધર તરીકે સંતાનોને ઉછેર કરવો મોટો પડકાર હતો

અંજનાએ કહ્યું કે, મારા પિતા માત્ર 51 વર્ષની વયે અમને છોડીને ચાલ્યા ગયા હતા અને મારી માતાની ઉંમર તે વખતે માત્ર 40 વર્ષના હતા. અમે 3 બહેનો અને 1 ભાઇ એમ આખો પરિવાર લંડન શિફ્ટ થઇ ગયા હતા.

એ દરમિયાન મારા મેરેજ થયા પરંતુ લાંબો સમય ટક્યા નહીં અને મેં મારા બે સંતાનો તેમાં એક 7 વર્ષનો અને બીજો 1 જ વર્ષનો હતો તેમને કપરા સમયમાં મેં સિંગલ મધર તરીકે ઉછેર્યા. તે વખતે આર્થિક હાલત પણ એટલી સધ્ધર નહોતી અને એ રૂઢિચુસ્ત સમાજનો સમયગાળો હતો.

પરિવારમાં પુરુષ મોભી વગર એકલી મહિલાઓએ રહેવું ખૂબ કપરું હતું. મારી માતાએ અને મારે ઘણા મ્હેંણા-ટોણાં સહન કરવા પડ્યા. ઘણી વખત આંખમાંથી આંસુ સરી પડતા કે કેવી રીતે જીવાશે?

મારી માતા એક વખત ડે-સેનટરમાં ગયા તો ત્યાં કેટલીક મહિલાઓએ મારી માતાને કડવી વાતો કહી. મારી માતા એકદમ ધાર્મિક પ્રવૃત્તિના અને નરમ મહિલા છે. તેઓ ઘરે આવીને કશું બોલ્યા નહીં, પરંતુ ગુમસુમ હતા, એટલે મેં પૂછ્યું, મમ્મી શું થયું? તેમણે જવાબ ન આપ્યો અને આંખમાંથી આંસુ પડતા હતા.

હું સમજી ગઇ કે ડે-સેનટરમાં કોઇક કશું બોલ્યું હશે. હું મમ્મીને લઇને ગઇ અને ડે-સેનટરમાં એ મહિલાઓને ખખડાવી, અનુભવે મને ઘડી અને તે વખતે મારામાં આત્મવિશ્વાસ આવી ગયો કે કોઇ આપણી મદદે આવતું નથી તો એવા લોકોનું શું કામ સાંભળવાનું. એ પછી હું મજબુત થઇ ગઇ અને જે આડું તેડું બોલે તેને જવાબ આપી દેતી. એ પછી કોઈએ મને બોલવાની હિંમત કરી નથી.

The Most Alluring Thing A Woman Can Have Is Confidence. આજના જમાનામા હવે લોકો પંચાત કરતા નથી કારણ કે, ઘરે ઘરે આવા પ્રશ્નો હોય છે. છૂટાછેડા, કે તેમની દીકરી બીજી જ્ઞાતિ તો ઠીક બીજા ધર્મમાં પણ લગ્ન કરી રહી છે તો એવા સંજોગોમાં કોણ કોને ટોણાં મારે

પ્રમુખ સ્વામી મહારાજ અને માર્ગારેટ થેચર મારી જિંદગીમાં પ્રેરણારૂપ રહ્યા

અંજના પટેલે કહ્યું કે, હું માનું છું અને મારા ગુરુ પ્રમુખ સ્વામીના ઉપદેશો અનુસાર જીવવાનો પ્રયત્ન કરું છું “બીજાના ભલામાં આપણું ભલું”. મેં મારી જિંદગીમાં અનેક વખત ગુરુ શોધવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ મારા આત્માને સંતોષ થાય તેવા એકેય ગુરુ મળતા નહોતા.

મારો દીકરો 14 વર્ષનો હતો અને તે સ્વામીનારાયણ મંદિરે જતો થયો અને મારા દીકરાની પ્રેરણાથી હું પણ સ્વામીનારાયણ મંદિર જતી થઇ અને પ્રમુખ સ્વામી મહારાજ બાપા આવતા ત્યારે મેં અનુભવ કર્યો કે મને સાચા ગુરુ મળી ગયા છે.

ઉપરાંત માર્ગારેટ થેચર બ્રિટનના પ્રથમ મહિલા વડાપ્રધાન હતા. તેમના દ્વારા લેવામાં આવેલા નિર્ણયોને કારણે, વિશ્વએ તેમને 11 જૂન, 1987ના રોજ આયર્ન લેડી તરીકે ઓળખાવી, તેઓ સતત ત્રીજી વખત બ્રિટનના વડા પ્રધાન બન્યા અને આ ઇતિહાસના પાનાઓમાં નોંધાયેલું છે.

જ્યારે તેઓ બ્રિટનમાં માત્ર મંત્રી હતા ત્યારે પણ તે માત્ર દેશની સમસ્યાઓ પર જ નહીં પરંતુ વિદેશી બાબતો પર પણ સ્પષ્ટ વલણ ધરાવતા હતા.

વર્ષ 1976માં, તેમણે સોવિયેત સંઘની નીતિઓની સખત ટીકા કરી, તેમને દમનકારી ગણાવી. પછી સોવિયત યુનિયનના અખબારે તેણીને આયર્ન લેડી તરીકે ઓળખાવી. અને પછી આ બિરુદ જીવનભર તેની સાથે રહ્યું. બ્રિટનમાં તેમને ઘણા પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

તેમણે 8 એપ્રિલ 2013ના રોજ 87 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા હતા. માર્ગારેટ થેચર 4 મે 1979 થી 28 નવેમ્બર 1990 સુધી સતત બ્રિટનના વડા પ્રધાન હતા. પુરુષ પ્રધાન સમાજમાં માર્ગારેટે જગ્યા બનાવી અને આખા બ્રિટનની કાયાપલટ કરી નાંખી.

એમની જિંદગીમાંથી મેં ઘણી પ્રેરણા લીધી છે. પરંતુ મારી સફળતામાં મારી માતાનો રોલ સૌથી મોટો છે. એવું કહેવાય છે કે બિહાઇન્ડ એવરી સક્સેસફુલ મેન ધેર ઇઝ એ વુમન, પણ હું કહીશ કે, મારી જિંદગીનો, મારી સફળતાનો, મારા સુખનો બધો શ્રેય મારી માતાને અને આખા મારા પરિવારને જાય છે. મારો પરિવાર હમેંશા મારા સપોર્ટમાં સાથે રહ્યો હતા.

રાજકારણમાં જવાનું જિંદગીમાં સપનેય નહોતું વિચાર્યું, પરંતુ બે પ્રસંગોને કારણે શક્ય બન્યુ

Exclusive interview with Anjana Patel Deputy Mayor of Harrow Municipality Britain Diamond City 423-4

અંજનાએ કહ્યું કે, રાજકારણમાં જવાનું ક્યાંયે મારા રડાર પર નહોતું, જિંદગીમાં સપનેય નહોતું વિચાર્યું કે કોઇક દિવસ રાજકારણમાં જવાનું થશે. અમારા પરિવારમાંથી પણ કોઇ રાજકારણમાં નહોતું. પરંતુ નિયતિએ કઇંક જુદું વિચાર્યું હશે એટલે રાજકારણમાં આવી. તેની પાછળ બે કારણો છે.

એક તો નિસ્ડનમાં BAPS સ્વામીનારાયણ મંદિર આવેલું છે અને ત્યાં પાર્કિંગનો ઇશ્યુ હતો અને કાઉન્સિલે વાહનો પાર્કિંગ કરવાની ના પાડી હતી. મંદિરના ટ્રસ્ટીઓએ અનેક વિનંતી કરી, પરંતુ કાઉન્સિલે વાત ન સ્વીકારી તે વખતે મને લાગ્યું હતું કે કાઉન્સિલનો નિર્ણય ખોટો છે.

કારણ કે પાર્કિગને કારણે કોઈને કોઇ સમસ્યા નડતી નહોતી. બીજો પ્રસંગ એ બન્યો કે મારા સંતાનના એજ્યુકેશન માટે હું ઇસ્ટર્ન લંડનથી હેરોમાં શિફ્ટ થઇ અને મારા સંતાનને જે શાળામાં એડમિશન જોઈતું હતું તે શાળામાં એડમિશન ન મળ્યું. મેં બે વર્ષ ફાઇટ આપી અને આખરે મારા સંતાનને એડમિશન મળી ગયું.

એ સમયગાળામાં મારે અનેક લોકોને મળવાનું થયું. અનેક કાઉન્સિલરો સાથે પણ મુલાકાત થઇ. આ બધા લોકોને મળ્યા પછી મારો આત્મવિશ્વાસ ચરમસીમા પર હતો, પરંતુ રાજકારણમાં જવાનો ખ્યાલ નહોતો.

તે વખતે કાઉન્સિલની ચૂંટણી આવી અને મને અનેક લોકોએ ચૂંટણીમાં ઊભા રહેવા માટે દબાણ કર્યું અને આખરે એ ચૂંટણી હું લડી અને જીતી ગઇ. ફોર્મ ભર્યું ત્યારે જ વિશ્વાસ હતો કે પ્રમુખ સ્વામી મહારાજ બાપાના આશીર્વાદ મારી સાથે છે. 2018માં બેલમોન્ટ વોર્ડમાંથી ચૂંટણી જીતી અને 2022માં ફરી ચૂંટણીમાં જીત મળી અને ડેપ્યુટી મેયર બની.

અંજના ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત અનેક લોકોને મળ્યા

Exclusive interview with Anjana Patel Deputy Mayor of Harrow Municipality Britain Diamond City 423-2

અંજના પટેલ અત્યારે ગુજરાતની મુલાકાતે આવ્યા છે અને તેમણે અનેક નેતાઓ સાથે મુલાકાત કરી છે. સુરતમાં તેઓ પાટીદાર સમાજના યુવાન કાર્યકર મનીષ કાપડીયાને મળ્યા એ પછી સુરત મહાનગર પાલિકાના મેયર દક્ષેશ માવાણી, સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન રાજન પટેલ સહિત સુરત મહાનગર પાલિકાના અનેક પદાધિકારીઓને મળ્યા. અંજનાએ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ સાથે પણ મુલાકાત કરી.

દુનિયાની નવી પેઢીએ માનવતાનું સિંચન કરવાનું છે, એ ખૂબ જરૂરી છે

કાઉન્સિલર અંજના પટેલને અમે પૂછ્યું કે તમે નવી પેઢીને અને ખાસ કરીને મહિલાઓને શું મેસેજ આપશો? તેમણે કહ્યું કે હું યુવાનોને કહીશ કે Humanity રાખજો, મતલબ કે માનવતા. મારે યુવાનોને કહેવું છે કે આજના યુગમાં માનવતા ઘટી રહી છે, જેને જીવાડવાનું કામ તમારું છે.

માનવ જીવનમાં સારામાં સારો સંસ્કાર એટલે માનવતા. માનવ જીવનનો શણગાર એટલે જ માનવતા. માનવતાનો ખરો અર્થ સમજાય અને જીવનમાં વણાય જાય ત્યારે માનવીનો અવતાર સાર્થક થયો કહેવાય. અનેક જન્મો પછી મળેલ મનુષ્ય અવતાર સર્વ અવતારોમાં શ્રેષ્ઠ ગણાય છે.

કુદરતે બુદ્ધિ આપીને માનવીને સારા નરસાનું ભાન કરાવ્યું છે. વિવેક, વિનય , ભાવના, દયા, સહિષ્ણુતા અને માનવતાનો અનુભવ કરાવ્યો છે. માનવતા જેવા મહાન અને અમૂલ્ય સંસ્કારોનો નાશ થઈ રહ્યો છે. માનવતા લુપ્ત થતી જાય છે.

અંજનાએ કહ્યું કે, મહિલાઓને કહીશ કે, If your actions create a legacy that inspires others to dream more, learn more, do more and become more, then, you are an excellent leader. મતલબ કે જો તમારી ક્રિયાઓ એક વારસો બનાવે છે જે અન્ય લોકોને વધુ સ્વપ્ન જોવા, વધુ શીખવા, વધુ કરવા અને વધુ બનવાની પ્રેરણા આપે છે, તો તમે એક ઉત્તમ નેતા છો.

Nothing Is Impossible For Brave Women

______________________________________________________

Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp Channel

વધુ સમાચાર વાંચો :

- Advertisement -SGL LABS