DIAMOND CITY NEWS, SURAT
જિંદગીની સફરમાં Without Expecting Anything In Return, God Has His Way Of Paying Back And God Never Forgets! મતલબ કે જ્યારે તમે બદલામાં કંઈપણ અપેક્ષા રાખ્યા વિના કોઈને બિનશરતી મદદ કરો છો, ત્યારે ભગવાન પાસે વળતર ચૂકવવાની તેમની રીત છે અને ભગવાન ક્યારેય મદદ કરવાનું ભૂલતા નથી. સુરતની SVNITમાંથી ઇલેક્ટ્રોનિક એન્જિનિયરિંગમાં ગોલ્ડમેડાલિસ્ટ સુરતી યુવાનની જિંદગીમાં એવું જ બન્યું.
એ જમાનાની પ્રતિષ્ઠિત નોકરી એક સિધ્ધાંતને કારણે છોડી દીધી ત્યારે પરિવાર સહિત અનેક લોકો ચોંકી ગયા હતા કે હવે એક મોટી તકનો દરવાજો બંધ થઇ ગયો. પરંતુ યુવાનને વિશ્વાસ હતો કે ઇશ્વરે મારા માટે કોઇ બીજો પ્લાન બનાવ્યો હશે. આ યુવાને સપનામાં પણ વિચાર્યું નહોતું કે એક દિવસ ડાયમંડ ઉદ્યોગમાં મોટું નામ હશે અને ડાયમંડ ઉદ્યોગની ટેક્નોલૉજી ક્રાંતિમાં મોટો ફાળો આપશે.
અમે વાત કરી રહ્યા છે ભારતની ટેક્નોલૉજી ક્રાંતિમાં મોખરે સુરત સ્થિત Lexus ગ્રુપના ડિરેક્ટર ઉત્પલ મિસ્ત્રીની, ગ્રુપની સ્થાપના 1992માં ઉત્પલ મિસ્ત્રી અને તેમના ભાઇઓ દ્વારા કરવામાં આવી હતી. કંપનીએ તેના ભાગીદારો ઓક્ટોનસ (CUTWISE.COM) ગ્રુપ સાથે મળીને અનેક હાઈ-ટેક ડાયમંડ મશીનોની શોધ, પેટન્ટ અને લૉન્ચ કર્યા છે. લેક્સસ ગ્રુપના મૂળમાં હ્યુમન આસિસ્ટેડ આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (HAAI) અને ડિજીટલ ટેક્નોલૉજીઓ દ્વારા સપોર્ટેડ છે. ઉત્પલ મિસ્ત્રીની સફળતાની જર્ની અનેક લોકોને પ્રેરણા આપે તેવી છે, કારણ કે તેમણે ભગવદ્દ ગીતાના કર્મ યોગ, જ્ઞાન યોગ, ભક્તિ યોગ, અનાસક્તિ યોગને પચાવેલા છે. તમે એમને મળો તો હમેંશા હસતો ચહેરો અને ભરપૂર ઉર્જા જોવા મળે. આટલી સફળતા મેળવ્યા પછી પણ આ માણસ સાવ નિખાલસતાથી વાત કરે.
ડાયમંડ સિટીની ‘વ્યક્તિ વિશેષ’ કોલમમાં આ વખતે Lexus ગ્રુપના ડિરેક્ટર ઉત્પલ મિસ્ત્રીની સક્સેસ જર્ની વિશે વાત કરીશું. ઉત્પલનો જન્મ 15 ડિસેમ્બર 1967માં સુરતના સગરામપરા વિસ્તારમાં થયો હતો. પિતાનું નાનું મોટું મિકેનિકલ વર્કશૉપ હતું અને પરિવારની આર્થિક સ્થિતિ એટલી સારી નહોતી. માતા માત્ર 8 ચોપડી જ ભણેલાં પણ ઉત્પલની જિંદગીમાં સૌથી મોટા પ્રેરણામૂર્તિ રહ્યા. ઉત્પલ મિસ્ત્રીએ કહ્યું કે, ભલે પરિવારની સ્થિતિ નબળી હતી, પરંતુ પિતા અને માતા અમે સારું શિક્ષણ મેળવીએ તેવું ઇચ્છતા હતા. 1થી 9 ધોરણ સુધી તો હું એક નોર્મલ વિદ્યાર્થી હતો, પરંતુ મારી માતાના ગુરુ મંત્ર પછી 10 ધોરણથી કોલેજ સુધી પહેલો નંબર આવતો થઇ ગયેલો. મારી માતા કહેતી કે, તું મહેનત કર અને પરીક્ષા વખતે ભગવાન પાસે બે હાથ જોડીને ઊભો રહે અને કહે કે મારો પહેલો નંબર આપજો, જોજે, ભગવાન તને નિરાશ નહીં કરે. હું ભણતો તો મારી માતા સામે બેસી રહેતી.
લગભગ 40 વર્ષ પહેલાં ઉત્પલે એ જમાનામાં ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગમાં ગોલ્ડમેડલ મેળવ્યો હતો. એ સમય એવો હતો કે ભારતના વિદ્યાર્થીઓ એન્જિનિયર બનીને વધુ કમાણી માટે કે વધુ અભ્યાસ માટે અમેરિકા કે વિદેશમાં અન્ય દેશોમાં ચાલ્યા જતા હતા. ઉત્પલે કહ્યું કે, તે વખતે મને પણ એવી ઇચ્છા હતી કે હું પણ અમેરિકા જાઉં. મેં અમેરિકાની ઘણી પ્રતિષ્ઠિત યુનિવર્સિટીમાં પ્રવેશ અને સ્કૉલરશિપ માટે અરજી પણ કરી હતી. પરંતુ તે વખતે મારા પિતાએ અમેરિકા જવાની ઘસીને ના પાડી દીધી હતી. તે વખતે મારા માટે નિરાશાજનક સમય હતો અને પિતા પર ગુસ્સો પણ આવ્યો હતો, પરંતુ આજે એમ થાય છે કે પિતાએ ના પાડી તો સારું થયું, સુરતમાં જ એક સફળ કારકિર્દી બની શકી.
મિસ્ત્રીએ કહ્યું કે, ઇલેક્ટ્રોનિક્સ અને કોમ્પ્યુટર એન્જિનિયરિંગ પ્રોફેશનલ્સ માટે એ સમય બોલબાલાનો સમય હતો. તેથી મને કોર્પોરેટ સેક્ટર તરફથી ઓફર મળવા લાગી. ગાંધીનગરની ESSEN COMPUTERS ના R&D વિભાગમાં એક વર્ષ કામ કર્યા પછી, હું વિપ્રો કોમ્પ્યુટર્સને પૂરી પાડવામાં આવતી પ્રથમ 3.5 ઇંચ 1.44 MB ફ્લોપી ડ્રાઈવ રજૂ કરવા માટે જવાબદાર મેનેજર બન્યો હતો. આમ મેં TIAC, જાપાનના સહયોગથી ભારતની પ્રથમ 1.44 ઇંચની ફ્લોપી ડ્રાઇવના વિકાસમાં ભૂમિકા ભજવી છે. પાછળથી, મને મારા બોસ દ્વારા દગો થયો હોવાનું લાગવા માંડ્યું હતું. તેઓ મને ઇગ્નોર કરી રહ્યા હોય તેવું લાગતું હતું. મને ઓવરસિઝ એસાઇમેન્ટની તક આપવાનો પણ ઇનકાર કર્યો હતો. તેમણે મારા બદલે ચાપલૂસી કરનાર એક કર્મચારીને પસંદ કર્યો હતો. આ વાતથી મને એટલો ગુસ્સો આવ્યો કે મેં વગર વિચારે પ્રતિષ્ઠિત નોકરીમાંથી રાજીનામું આપી દીધું હતું. મારા આ નિર્ણયથી પરિવારના લોકો ચોંકી ગયા હતા. પરંતુ મને વિશ્વાસ હતો કે When God Closes One Door, He Opens Another.
મારી નોકરી છોડ્યા પછી, મેં સ્નાતક થયાના 2 વર્ષ પછી, વર્ષ 1991માં ડીજીલોગ કોમ્પ્યુટર નામની કોમ્પ્યુટર એસેમ્બલિંગ ફર્મ જે મારું પ્રથમ સ્ટાર્ટ-અપની સ્થાપના કરી. વાર્ષિક જાળવણી સેવા ચાર્જ અને ખામીયુક્ત હાર્ડ ડિસ્કના કિસ્સામાં પુનઃચુકવણીની શરત સાથેની તાલીમ એ ગ્રાહકો સાથે સંબંધ બનાવવાની સારી શરૂઆત હતી.
કોલેજમાં પહેલી વાર કમ્પ્યુટર આવેલું તેના પર C++ & Assembly Languageમાં પ્રોગામીંગ કરતા શીખી ગયો
ઉત્પલે પોતાના કોલેજ કાળનો પ્રસંગ યાદ કરતા કહ્યું હતું કે, મારે ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન એન્જિનિયરિંગમાં જવું હતું. પરંતુ મને એડમિશન મિકેનિકલમાં મળ્યું, અહીં પણ નસીબે મને સાથ આપ્યો હતો. એ જમાનામાં કોલેજમાં રેગિંગની ઘટનાઓ ખૂબ બનતી હતી. રેગિંગને કારણે ઇલેક્ટ્રોનિક્સ ડિપાર્ટમેન્ટના ચારેક વિદ્યાર્થીઓ પોતાના વતન ભાગી ગયા હતા અને મને ECમાં પ્રવેશ મળી ગયો. તે વખતે કોલેજમાં પહેલું કમ્પ્યુટર આવ્યું અને તેને એસી રૂમમાં મૂકવામાં આવ્યું હતું. અમે એ કમ્પ્યુટર પર ગેમ રમતાં હતા. અમારા હેડ ઓફ ડિપાર્ટમેન્ટ તરીકે દિવંગત પ્રોફેસર કે.યુ. જોશી હતા અને અમને તેમના બાળકોની જેમ જ ટ્રીટ કરતા. તેમણે અમને કમ્પ્યુટર પર ખુલ્લું મેદાન આપ્યું અને ધીમે ધીમે તેમાંથી અમે પ્રોગામીંગ કરતા શીખી ગયો. તે વખતે ન તો ઇન્ટરનેટ હતું કે ન તો ગૂગલ હતું. અમારો SVNITનો બ્રિલિયન્ટ બેચ અને લાયબ્રેરી જરૂર હતા.
મારી સફળતા પાછળ બે મહિલાઓનો હાથ ઘણો મોટો છે
એવું કહેવાય છે કે બિહાઇન્ડ એવરી સક્સેસફુલ મેન, ધેર ઇઝ એ વુમન, પરંતુ હું તો કહીશ કે મારી સફળતા પાછળ એક નહીં, પરંતુ બે મહિલાઓના હાથ છે. એક મારી માતા, જેણે મને હંમેશા ભણવા માટે પ્રેરિત કર્યો અને બીજી મારી પત્ની દીપા મિસ્ત્રી. દીપા, મારી ખરી ટીકાકાર છે, મને હંમેશા સાચી સલાહ આપે અને મારી ક્ષમતા તેને મારા કરતા વધારે ખબર છે. એટલે હંમેશા મને કહે તે You Can Do it. દીપાને કારણે જ હું સ્નાતકના 10 વર્ષ પછી Master ડિગ્રી ભણી શક્યો.
આ ડાયમંડ ઉદ્યોગકારને કારણે આખી જિંદગી બદલાઈ ગઇ
ઉત્પલે કહ્યું, ઈશ્વરે એક દરવાજો બંધ કર્યો તો બીજો ખોલી નાંખ્યો હતો. અમારા પરિવારમાં દુર દુર સુધી ડાયમંડ ઉદ્યોગ સાથે કોઇ નાતો નહોતો. એ સમયે શિવાભાઇ પટેલ નામના હીરાઉદ્યોગના એક સજ્જનની મુલાકાત થઇ અને આખી જિંદગી બદલાઈ ગઇ. તેઓ 4 ભાઇઓ હતા. ભીમજીભાઇ, શિવાભાઇ, ખુરજીભાઇ અને ધીરુભાઇ. તેમની પાસે ઘણી એકર જમીન હતી, જે આજે પણ સુરતથી 25 કિમી દૂર કામરેજ લસકાણામાં ડાયમંડ નગર તરીકે પ્રખ્યાત છે. પટેલ બંધુઓ મફતલાલ મહેતા (મફત કાકા તરીકે ઓળખાતા) માટે હીરા કટિંગ એન્ડ પોલીશીંગ કરવાનું કામ કરતા હતા. મફત કાકાની મુંબઇમાં સમીર ડાયમંડ નામથી કંપની હતી અને તેઓ એ સમયના હીરા ઉદ્યોગમાં સૌથી મોટા નામો પૈકીના એક હતા. મારા કોમ્પ્યુટર કૌશલ્યને કારણે મને શિવભાઈએ ડાયમંડ નગર બોલાવ્યો હતો. મેં તેમના માટે ઈલેક્ટ્રોનિક સર્કિટ કરવાનું કામ કર્યું. તેમણે મને તેમના કમ્પ્યુટર IBM PC-AT પર વિડિયો ઇમેજ પ્રદર્શિત કરવા કહ્યું જે DOS આધારિત હતી. શિવાભાઇ તે કેપ્ટિવ ઉપયોગ માટે સંપૂર્ણપણે ઇલેક્ટ્રિકલ-ઇલેક્ટ્રોનિક્સ નિયંત્રણ પર આધારિત પોતાના આઇડિયાથી ઓરિજનલ અને મેક ઇન ઇન્ડિયા બ્રુટીંગ મશીનને ડેવલપ કરવા આતુર હતા. તેમણે અમારા પર વિશ્વાસ મુકીને મશીનના ઇલેક્ટ્રોનિક્સ માટે જરૂરી તમામ ટેકનિકલ કમ્પોનન્ટ્સની ખરીદી કરી. પાછળથી, જ્યારે તેઓએ અમને તેમની સંપૂર્ણ મશીનરી ડિઝાઈન અને ઉત્પાદન કરવાનું કહ્યું, ત્યારે મારા મોટા ભાઈ જનકના આવવાથી 1992 એપ્રિલ મહિનામાં લેક્સસ ગ્રુપનો જન્મ થયો અને તેની સ્થાપના થઈ. પટેલ પરિવારે અમારો હાથ પકડ્યો હતો એ વાત આજ સુધી અમે ભુલ્યા નથી. આજે જે કંઇ પણ સફળતા મળી છે તેમાં શિવાભાઇ પરિવારનો મોટો ફાળો છે કારણ કે, શિવાભાઈના પ્રોત્સાહન અને સમર્થનથી અમે હીરા ઉદ્યોગમાં પ્રવેશ્યા.
ડાયમંડ ઉદ્યોગના મોટા દિવ્યાત્માએ મદદ કરી તો અમે આગળ વધી શક્યા
ઉત્પલે કહ્યું કે, ડાયમંડ ઉદ્યોગના અનેક મોટા ઉદ્યોગકારોએ અમને મદદ કરી, એમને હું દિવ્યાત્માઓ જ કહું છું, મારો સંપૂર્ણ પરિવાર, માતા-પિતા, હોંશિયાર અને કાબેલ ભાઇઓ, સમજદાર પત્ની, બુદ્ધિશાળી પુત્ર અને પુત્રવધૂ, લેક્સસના કર્મચારીઓનો પરિવાર હોય કે પછી ડાયમંડ ઉદ્યોગકારો બધાનો સહયોગ મળ્યો. ડાયમંડ ઉદ્યોગમાં KARP DIAMONDS ના કિશોરભાઇ વિરાણી (માલદાર), SRK ડાયમંડના ગોવિંદભાઇ ધોળકીયા, વિનસ જ્વેલના સેવંતીભાઇ, કિરણ જેમ્સના વલ્લભભાઇ લખાણી, Ankit Gemsના પ્રવિણભાઇ શાહ, Shairu Gemsના સિદ્ધાર્થ મહેતા, K Girdharlal ના પરાગ શાહ, Blue Star Diamondsના આશિતભાઇ મહેતા (મુન્નાભાઇ), ધર્મનંદન ડાયમંડના લાલજીભાઇ અને હિતેશભાઇ પટેલ, Star Raysના દિલીપભાઇ શાહ, Twinkle Diamondsના દિવગંત જયંતિભાઇ શાહ, Harekrishna Exportsના સવજીભાઇ ધોળકીયા, KGKના નિતીનભાઇ ઢઢ્ઢા પ્રતિષ્ઠિત ડાયમંડ ગ્રેડીંગ લેબ જેવી કે GIA અને DTC- De Beers અને માર્ટિન રેપાપોર્ટ આવા અનેક લોકોની મદદને કારણે જ અમે આગળ વધી શક્યા, તેમાં પણ કિશોર માલદારે અમને ઘણો સહયોગ આપ્યો. હું મારી જાતને નસીબદાર માનું છું કે મને સારો પરિવાર મળ્યો, સારી પત્ની, સંતાનો, મિત્રો મળ્યા જેને કારણે હું ક્યારેય પાછો ન પડ્યો.
આજે Lexus – Octonus Group બેલ્જીયમ, રશિયા, ચીન, ઇઝરાયલ, અમેરિકા, બ્રિટન અને આફ્રિકન દેશો સહિત અનેક દેશોમાં ટેક્નોલૉજીથી સપોર્ટ કરે છે
મિસ્ત્રીએ કહ્યું કે, ઓક્ટોનસ ગ્રૂપ ફિનલેન્ડ અમારા ભાગીદાર બન્યા અને પછી સમગ્ર હીરા જગત માટે ભારતમાં ગર્વથી ઉત્પાદિત કરાયેલા ઘણા ડાયમંડ પ્રોસેસિંગ ઉત્પાદનો વિકસાવ્યા, ક્રિએટ કર્યા, ઇન્વેન્ટ કર્યા/શોધ/ભાગીદારી કરી. મિસ્ત્રીએ કહ્યું, Lexus – Octonus Group બેલ્જીયમ, રશિયા, ચીન ઇઝરાયલ, અમેરિકા,બ્રિટન અને આફ્રિકન દેશો સહિત અનેક દેશોમાં ટેક્નોલૉજીથી સપોર્ટ કરે છે. 1992-1993માં ઓક્ટોનસ દ્વારા શોધાયેલ PACOR, વિશ્વની સૌપ્રથમ હીરા આયોજન પ્રણાલી હતી જેમાં DOS આધારિત કમ્પ્યુટર સિસ્ટમ પર માઇક્રોસ્કોપિક લેન્સ અને લેસર માર્કિંગ દ્વારા કાચા હીરાના સંપૂર્ણ કમ્પ્યુટરાઇઝ્ડ પ્લાનીંગનો સમાવેશનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યારે માઇક્રોસોફ્ટ દ્વારા પ્રથમ વિન્ડોઝ 3.1 રજૂ કરવામાં આવ્યું ત્યારે અમારી મહત્વપૂર્ણ શોધ અમારા ઓટોબ્રુઅર્સને વિન્ડોઝ-આધારિત મશીનોમાં રૂપાંતરિત કરવાની હતી.
આ એક વાત શિખ્યો એટલે હું હમેંશા હસતો ચહેરો રાખી શકું છું.
મિસ્ત્રીને અમે પૂછ્યું કે આટલું કામ કરવા છતા હસતો ચહેરો કેવી રીતે રાખી શકો છો? તો તેમણે કહ્યું કે, “You Can Only Spread Happiness And Peace In Others, If You Yourself Are Full Bundle Of Happiness And Are Entirely At Peace within Because It’s Simple You Can Only Give What You Have !!! સરળ ભાષામાં વાત કરી તો તમારી પાસે જે હશે તે જ તમે બીજાને આપશો. તમારી પાસે ખુશી હશે તો ખુશી આપશો અને ગુસ્સો ભરેલો હશે તો ગુસ્સો આપશો. મિસ્ત્રીએ કહ્યું, હું પણ માણસ છું મને પણ ગુસ્સો અને નિરાશા આવે છે, પરંતુ તરત જ ગીતાના એ શબ્દો યાદ કરી લઉં કે કશું પરમેનન્ટ નથી અને તરત જ ચહેરાં પર સ્માઇલ આવી જાય છે.
તે સમયમાં અમે 50,000 રૂપિયાનો સૌથી મોંઘો કમ્પોનન્ટ ઓર્ડર કર્યો હતો…
તે સમયના સૌથી મોંઘા કમ્પોનન્ટ “વિડિયો કાર્ડ” રૂ. 50,000 રૂપિયામાં ઓર્ડર કર્યા હતા. અમે આ મશીન બનાવવા માટે દિવસ-રાત મહેનત કરી અને તેને સફળતાપૂર્વક પૂરું પણ કર્યું અને તેને ઓટોબ્રુટર નામ આપ્યું. જે વિશ્વનું સૌપ્રથમ કોમ્પ્યુટરાઈઝ્ડ ઓટોમેટિક બ્રુટીંગ મશીન હતું. જેમ અમારું બજાર ઝડપથી વિકસતું ગયું તેમ, અમારા નાના ભાઈ કમલ મિસ્ત્રી પણ અમારી સાથે જોડાયા, જેમની પાસે જોબ-વર્ક માટે પોતાની મિકેનિકલ વર્કશૉપ હતું.
ભગવદ્ ગીતા જિંદગીમાં દરેક પળે કામ લાગી
જ્યારે હું 5માં ધોરણમાં હતો ત્યારે પિતાએ ગુજરાતી ભાષામાં ભગવદ્ ગીતા મને વાંચવા આપી, હું અંગ્રેજી મિડિયમમાં ભણતો એટલે ગુજરાતી ભાષા તો સમજ જ નહોતી આવી, પરંતુ સમય જતા સમજાયું માતૃભાષા જાણવી જરૂરી છે. લાંબા સમય પછી ભગવદ્ ગીતા સમજાવવા માંડી અને એમ લાગ્યું કે આ ગીતા તો આખી યુનિવર્સિટી છે, જીવન જીવવાની જડીબુટ્ટી છે, કારણ કે, કોઇ પણ માણસને સફળતા કે નિષ્ફળતા મળી શકે છે, પરંતુ ગીતા જીવનમાં બૅલેન્સ રાખીને કેવી રીતે જીવવું તે શિખવાડે છે. તમારી દરેક સમસ્યાનું સમાધાન તેમાંથી મળી જાય. ભગવાને જેમ અજૂર્નને માધ્યમ બનાવીને સમગ્ર સૃષ્ટિની જીવન જીવવાની શીખ આપી છે તેવી રીતે તમે અર્જૂન બની જાવ તો પરમાત્મા તમને 100 ટકા ગાઈડ કરે અને તમારું ભલું કરે. ગીતા ખરેખર, એક મહામૂલો અને અમૂલ્ય જિંદગી જીવવાનો ગ્રંથ છે. તમારો જન્મ કયા થશે, તમારા માતા-પિતા કોણ બનશે,પુત્ર- પુત્રી કોણ થશે એ તમારા હાથમાં હોતું નથી એ તમારા ભાગ્યને કારણે તમને મળતું હોય છે. પરંતુ એ પછી કર્મોને કારણે તમે ખુશ થશો કે દુખી થશો. કોઇની પણ સાથે સ્પર્ધા કર્યા વગર સારું જીવન કેવી રીતે જીવી શકો તેનો માર્ગ ગીતા બતાવે છે. Bill Gatesએ કહેલું If You Born Poor, It Is Not Your Mistake, But If you Die Poor, It Is Your mistake
નવી પેઢીને એટલું જ કહીશ કે કોઇની કોપી ન કરતા, જે કરો તે પોતાનું જ ક્રિએટીવ કરજો
ઉત્પલ મિસ્ત્રીને અમે પૂછ્યું કે નવી પેઢીને અને યંગ એન્ટરપ્રિન્યોરને શું મેસેજ આપશો? તો તેમણે કહ્યું કે, મારો પુત્ર ઝુબિન IIT કાનપુરથી એરોસ્પેસમાં ભણ્યો અને પછી અમેરિકાના Purdueમાં તેણે PhD કર્યું, સાથે ઝુબિનની અર્ધાંગિની પિઆ પણ એરોસ્પેસમાં PhD થઇ છે અને અત્યારે અમેરિકામાં પ્રોફેસર બની છે. આ વાત એટલા માટે કરી કે આજની નવી પેઢીમાં ઘણું ટેલેન્ટ છે. નવી પેઢીને મારે કહેવું છે કે, આજનો જમાનો જુદો છે, તમારી પાસે ગૂગલ અને ઇન્ટરનેટ જેવો જ્ઞાનનો ખજાનો છે, તેનો સારી દિશામાં ઉપયોગ કરજો, કોઈકની કોપી નહીં કરતા જે કરો તે તમારા કૌશલ્યમાંથી ક્રિએટ કરજો. ગીતાનો કર્મનો સિધ્ધાંત યાદ રાખજો અને કામ કરવાથી ક્યારેય કંટાળતા નહીં, નિષ્ફળતાથી ડરતા નહીં, એમ માનજો કે ભગવાન મને કોઇક સારો રસ્તો બતાવી રહ્યા છે. યુવાનો માટે ઇન્ડિયા અને વર્લ્ડ માં તો હજુ હેલ્થ સેક્ટર, Air Mobility, Space Application અને ઇન્ફ્રાસ્ટ્રકચરમાં વૅલ્યુ બેઇઝ્ડ ક્વોલીટી પ્રોડક્ટસમાં મોટી તક પડેલી છે.
______________________________________________________
Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp Channel