DIAMOND CITY NEWS, SURAT
ડાયમંડ સિટીની વ્યક્તિ વિશેષ કોલમમાં આજે એક એવા ખાસ ડાયમંડ ઉદ્યોગકારની વાત કરવી છે જેઓ સફળતાના શિખરો સર કરી રહ્યા છે, પરંતુ તેમના ચહેરા પર ઘમંડનો છાંટોય નથી, સાવ સરળ, નિખાલસ અને ડાઉન ટુ અર્થ વ્યક્તિત્વ. એમ કહી શકાય કે ચહેરા પર જરા પણ મંદીની ચિંતા નહી, એકદમ શાંત અને બાળકોને ખુલ્લું મેદાન આપનારા પિતા. સુરતમાં ભાગ્યે જ કોઇ ડાયમંડ વેપારી હશે જેમણે જયકાર ગ્રુપ સાથે કામ ન કર્યું હોય. તો આજે જયકાર ગ્રુપના ચૅરમૅન નરેશભાઇ પરીખની લાઈફ સ્ટોરી વિશે જાણીશું. આજની તારીખે પણ ડાયમંડ ઉદ્યોગમાં આવતી કોઇ પણ નવી ટેક્નોલૉજી સાથે તેઓ અપડેટ રહે છે.
लहरो से डर कर नौका पार नहि होती…
कोशिश करने वालों की कभी हार नहीं होती…।
नन्ही चींटी जब दाना लेकर चलती है ।।
चढ़ती दीवारों पर, सौ बार फिसलती है ।
मन का विश्वास रंगों में साहस भरता है ।।
चढ़कर गिरना, गिरकर चढ़ना न अखरता है ।
आखिर उसकी मेहनत बेकार नहीं होती ।।
कोशिश करने वालों की कभी हार नहीं होती ।
डुबकियां सिंधु में गोताखोर लगाता है ।।
जा जाकर खाली हाथ लौटकर आता है ।
मिलते नहीं सहज ही मोती गहरे पानी में ।।
बढ़ता दुगना उत्साह इसी हैरानी में ।
मुट्ठी उसकी खाली हर बार नहीं होती ।।
कोशिश करने वालों की कभी हार नहीं होती ।
असफलता एक चुनौती है, स्वीकार करो ।।
क्या कमी रह गई, देखो और सुधार करो ।
जब तक न सफल हो, नींद चैन को त्यागो तुम ।
संघर्ष का मैदान छोड़ मत भागो तुम ।।
कुछ किये बिना ही जय जयकार नहीं होती ।
कोशिश करने वालों की कभी हार नहीं होती ।।
સુરતના કતારગામ વિસ્તારમાં આવેલી જયકાર ગ્રુપની ફેક્ટરીમાં જ્યારે અમે નરેશભાઇ પરીખનો ઇન્ટરવ્યૂ લેવા ગયા તો તેમની ઓફિસમાં બધું જ વ્હાઇટ કલરનું જોયું. ટેબલ વ્હાઇટ દિવાલનો કલર વ્હાઇટ. ઓફિસમાં પ્રવેશ્યા તેની સાથે જ આંખો અંજાઇ ગઇ.
એ પછી નરેશભાઇ પરીખને મળ્યા પછી વધારે ખુશી થઇ, કારણ કે તેમના ચહેરા પર સફળતાનો કોઇ ઘમંડ નહોતો અને અમારી સાથે એકદમ નિરાંતથી તેમની સફળતાની સ્ટોરી વિશે વાત કરી. તેમની જિંદગીની સફળતાની વાત જાણતા પહેલા તેમના વિશે જાણી લઇએ.
ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં પાકિસ્તાન બોર્ડર પર આવેલું છેલ્લું ગામ માવસરીમાં તેમનો જન્મ થયો હતો. પરિવારની આર્થિક સ્થિતિ એટલી સધ્ધર નહોતી કે વધારે આગળ ભણી શકે. તેઓ માત્ર 9 ચોપડી સુધી જ ભણ્યા. તેમાં પણ 6 થી 9 ધોરણ સુધી અમદાવાદમાં ભણ્યા.
તેમની જિંદગીમાં અનેક સંઘર્ષ આવ્યા. ડાયમંડ ઉદ્યોગમાં શરૂઆત કરી પરંતુ ન જામ્યું તો શેરબજારમાં ગયા, પરંતુ શેરબજારમાં નુકસાન કર્યું અને ફલેટ વેંચી દેવાની નોબત આવી એ પછી શેરબજારની ઓફિસમાં નોકરી શરૂ કરી.
ફરી ડાયમંડ ઉદ્યોગમાં મહેનત કરી અને આજે જયકાર એ ભારતની એકમાત્ર અને ડાયમંડ જોબ વર્ક કંપની છે જેની પાસે રફ થી પોલિશ્ડ સુધી હીરાને પ્રોસેસ કરવા માટેની તમામ નવીનતમ ટેક્નોલૉજી છે. તેઓ ઉચ્ચ અનુભવી અને કુશળ કામદારો સાથે કામ કરી રહ્યા છે.
જયકાર લેસર કેર, જયકાર માર્ક ટેક્નો અને જય-જયકાર એન્ટરપ્રાઇઝ જેવી અનેક કંપનીઓ ચલાવે છે અને ડાયમંડને લગતી 24 જેટલી સેવાઓ જયકાર પૂરી પાડે છે.
નરેશભાઇએ કહ્યું કે, એ જમાનામાં અમારા ગામમાં બે જ ઓપ્શન હતા. ક્યા તો અમદાવાદના રતનપોળમાં જઇને કાપડનો ધંધો કરવો ક્યાં તો સુરતમાં હીરાના ધંધામાં જવું. મેં હીરાઉદ્યોગમાં જવાનો વિકલ્પ પસંદ કર્યો.
હું 16 વર્ષની ઉંમરથી 1983 થી હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલો છું. ઈન્ડસ્ટ્રીમાં મેં કલેક્શન એજન્ટથી લઈને ચૅરમૅન સુધીના તમામ સ્તરે કામ કર્યું છે. મેં મારા મૂલ્યવાન અને વ્યાપક અનુભવને ડાયમંડ પ્રોસેસિંગ અને તેના કામમાં ફેરવવાનું નક્કી કર્યું.
1995થી, હીરા ઉદ્યોગમાં નવી અને અદ્યતન ટેક્નોલૉજી આવવા લાગી અને મોટા હીરા વેપારી ગૃહોએ આ અદ્યતન તકનીકોનો લાભ લેવાનું શરૂ કર્યું. પછી મેં ઉદ્યોગોની જરૂરિયાતો અનુસાર જોબવર્કનો મારો વ્યવસાય શરૂ કર્યો અને યોગ્ય ખંત, શ્રેષ્ઠ સેવાઓ અને ટૂંકી સમયમર્યાદામાં શ્રેષ્ઠ ગુણવત્તાયુક્ત કાર્યના સૂત્રને પણ અનુસર્યું.
જયકાર નામ રાખવા પાછળ આ છે કારણ
નરેશભાઇએ કહ્યું કે, અમારા કુળદેવીનું નામ ઝમકાર દેવી છે. અમે પહેલા ઝમકાર નામ રાખવાનું વિચારતાં હતા, પરંતુ પછી વિચાર આવ્યો કે, આપણાથી કઇંક ધંધામાં ખોટું થાય અને બદનામી થાય તો કુળદેવીની આસાતના થાય એટલે અમે ઝમકારને બદલે જયકાર નામ રાખવાનું નક્કી કર્યું.
સુરતમાં ડાયમંડ ટેક્નોલૉજીમાં મોટું યોગદાન અને નવી ટેક્નોલૉજી વિશે સતત અપડેટ રહે છે…
મારા પિતાએ સુરત નહોતું જોયું અને મને મોકલ્યો એટલે હું વિદેશ નહોતો ગયો અને મારા સંતાનોને વિદેશ મોકલ્યા. નરેશભાઇએ એક મહત્ત્વની એ વાત પણ અમારી સાથે શેર કરી કે, જ્યાં સુધી સંતાનો પૂછે નહીં ત્યાં સુધી સામેથી સલાહ આપવી નહીં.
તેમણે કહ્યું કે, મારા પિતાએ ક્યારેય સુરત જોયું નહોતું એ જમાનામાં તેમણે મને સુરત મોકલ્યો હતો. હવે આજે જ્યારે હું બધી રીતે સંપન્ન છું તો મેં પણ નક્કી કર્યું કે ભલે હું વિદેશ નહોતો ગયો, પરંતુ સંતાનોને પહેલા વિદેશ મોકલીશ એટલે મેં મારા સંતાનોને જાણવા, શિખવા માટે વિદેશમાં મોકલ્યા. પેલી ગુજરાતીમાં કહેવત છે ને કે ફરે તે ચરે. તમે બહાર નિકળો તો જ તમને ખબર પડે કે દુનિયા કેવી છે.
હીરાઉદ્યોગમાં 1000ના પગારે 4 વર્ષ સુધી નોકરી કરી
વર્ષ 1983માં સુરતમાં આવ્યા પછી હીરાને ઘીસી પાડવાનું કામ શરૂ કર્યું અને એ જમાનામાં મહિને 1000 રૂપિયા પગાર મળતો હતો. 4 વર્ષ સુધી કામ કર્યું પછી હીરાનો ધંધો કર્યો પણ ન જામ્યું તો શેરબજારમાં ધંધો કરવાનું વિચાર્યું.
બે વર્ષમાં શેરબજારમાં એટલી મોટી નુકસાની કરી કે, ફલેટ વેંચી નાંખવો પડ્યો અને પરિવાર પણ વિખુટો પડી ગયો. અમદાવાદમાં સપરિવાર રહેવું પોસાય તેમ નહોતું એટલે પત્ની અને બાળકો ગામ રહેતા અને હું એકલો અમદાવાદમાં રહેતા.
શેરબજારમાં રૂપિયા તોડ્યા પછી અમદાવાદમાં એક શેરબજારની ઓફિસમાં 750 રૂપિયાના પગારથી નોકરી કરવા માંડી. પરંતુ મારા મનમાં સતત વિચારો ચાલ્યા કરતા હતા કે ભલે નિષ્ફળતા મળી, પરંતુ હાર માનવી નથી આગળ જઇને મોટો ધંધો તો કરવો જ છે.
સુરત પાછો ફર્યો પછી દિવસમાં 16-18 કલાક મહેનત કરતો
અમદાવાદમાં શેરબજારની નોકરી છોડીને પાછો સુરત આવ્યો. તે વખતે મનોમંથન કર્યું કે જ્યાંથી રૂપિયા ખોયા છે ત્યાંથી જ પાછા મેળવવા છે. 1996માં સુરત આવીને લેસરમાં નોકરી શરૂ કરી અને તે વખતે 3,000 રૂપિયા પગાર હતો. પરંતુ મેં મહેનત કરવાનો સંકલ્પ કરી લીધો હતો. હું રોજના 16-18 કલાક કામ કરતો અને તે વખતે ક્યારેય રજા લેતો નહીં, આખું સપ્તાહ કામ કરતો રહેતો.
જયકાર ગ્રુપ પાસે અનુભવી અને કુશળ ટીમ છે જેમની પર આંખો બંધ કરીને વિશ્વાસ રાખું છું
નરેશભાઇએ કહ્યું કે, આજે મારી કંપનીમાં જે અનુભવી અને કુશળ ટીમ છે તેવી હીરાઉદ્યોગમાં કોઇની પાસે નથી. મારી કંપનીમાં 50 માણસો એવા છે જેમની પર હું આંખ બંધ કરીને વિશ્વાસ કરી શકું છું.
હું ઓફિસમાં ન હોવું કોઇ પરિવારનો સભ્ય પણ ઓફિસમાં ન હોય તો મને ક્યારેય કોઇ ચિંતા થતી નથી. એક વાર તો એવું પણ બન્યું છે કે મહિના સુધી અમે ઓફિસમાં હાજરી આપી શક્યા નહોતા છતા સ્ટાફને ફોન કરવાની પણ જરૂર ન પડે એટલી સ્મૂથ રીતે કામ ચાલતું રહ્યું હતું.
ઓફીસમાં કરોડો રૂપિયાનું જોખમ હોય, પરંતુ સ્ટાફ પર એટલો અતૂટ વિશ્વાસ છે કે હું શાંતિથી ઊંઘી શકું છું. તેમણે કહ્યું કે, લોકો એવું માને છે કે કંપની શેઠ ચલાવે છે એ વાત ખોટી છે, કંપની તો સ્ટાફ ચલાવે અને તમારી કંપનીને આગળ લઇ જવામાં સ્ટાફનો જ સૌથી મોટો ફાળો હોય છે.
જયકાર ગ્રુપ એ વન સ્ટોપ શોપ જોબ વર્ક સર્વિસ પ્રોવાઇડર કંપની છે
જયકાર એક એવી કંપની છે જે હીરા ઉદ્યોગમાં “વન સ્ટોપ શોપ” જોબ વર્ક સર્વિસ પ્રોવાઈડર કંપની કહી શકાય, જે તમામ નવીનતમ ટેક્નોલૉજી, અત્યંત અનુભવી અને કુશળ સ્ટાફ અને ટ્રેડિંગ પ્લેટફોર્મથી સજ્જ છે. હીરા ઉદ્યોગમાં પ્રથમ એવી કંપની છીએ જે માર્કેટમાં ઉપલબ્ધ સૌથી અદ્યતન અને વિશ્વસનીય ટેક્નોલૉજી સાથે ડાયમંડ જોબ વર્ક પ્રક્રિયાની સર્વિસની ઓફર કરે છે.
જયકારનું આજ હીરાઉદ્યોગમાં સન્માનીય નામ એટલા માટે છે કે, એકવાર પરીક્ષણના તબક્કામાં તેમને સંતોષકારક પરિણામો મળ્યા પછી તેને મોટા પાયે અમલમાં મૂકે છે જેને લીધી ગ્રાહકો તેનો મહત્તમ લાભ મેળવી શકે.
નરેશભાઇએ કહ્યું કે,, ટ્રસ્ટ, ગુણવત્તા અને સેવા એ કંપનીની કામગીરીના સ્થાપક સિદ્ધાંતો છે. અમારા મજબૂત મૂલ્યો અને ગ્રાહક સંતોષ પ્રત્યે સમર્પણ અમને વિશ્વભરમાં ટોચના ડાયમંડ જોબવર્ક સેવા પ્રદાતાઓમાંના એક બનવા તરફ દોરી ગયા છે.
સુખી થવું છે કે સંપન્ન થવું છે – સંપન્ન થવું છે પણ સુખના ભોગે નહીં, સુખનો મૂળ આધાર લક્ષ્મી છે.
નરેશભાઇએ જિંદગીમાં અનેક તડકા-છાંયડા જોયા છે, તેમની પાસે જિદંગીનું અદ્દભૂત ભાથું છે. તેમણે અમારી સાથે અનેક એવી વાત કરી જે અનેક લોકોની જિંદગીમાં પ્રેરણા પુરી પાડી શકે તેમ છે. તેમણે કહ્યું કે મને ખૂબ જ સંપન્ન થવું છે પણ સુખના ભોગે નહીં.
લોકો સુખનો મૂળ આધાર પૂર્વજન્મના કર્મો કે આ ભવમાં કરેલ કર્મો કે પૂર્વજોની પુણ્યાઈ કહેતા હશે. આ બધુ હશે પણ હું માનું છું કે, સુખનો મૂળ આધાર લક્ષ્મી છે.
એ જે રીતે આવી હશે તેવું સુખ આવશે. મેં પહેલેથી જ નક્કી કરેલું કે મારે સંપન્ન થવું છે પણ સુખના ભોગે નહીં. તેમણે અમને સમજાવ્યું કે ધંધાના જુદા-જુદા પ્રકાર છે. જે બિઝનેસ એવા હોય, જેમાં તમે કમાણી કરો પણ તમારી આગળ-પાછળ વાળા બધા જ કમાણી કરે અને જેમાં ઓછામાં ઓછી જીવ હિંસા હોય, તેવા ધંધામાં ડાયમંડ બિઝનેસ સૌથી મોખરે હશે, તેથી ડાયમંડ બિઝનેસમાં આટલી બધી જાહોજલાલી આવી છે. મેં પણ એટલે જ આ બિઝનેસને મહત્વ આપ્યું છે. હું શેર-બજાર, સટ્ટા-બજાર, કોમોડિટીઝ ટ્રેડિંગ જેવા ધંધામાં માનતો નથી, મારા પરિવારમાં આજે પણ કોઈ ડિમેટ એકાઉન્ટ નથી.
નરેશભાઇની આ સોનેરી સલાહ યંગ જનરેશન અને ઉગતા એન્ટરપ્રિન્યોરે ખાસ જાણવા જેવી છે
નરેશભાઇને અમે કહ્યું કે, તમે યંગ જનરેશન અને યંગ એન્ટરપ્રિન્યોરને તમે શું કહેશો? તેમણે જે કહ્યું તે સોનેરી સલાહ છે જે દરેક લોકોએ ગાંઠે બાંધી લેવા જેવી છે. તેમણે કહ્યું કે, દરેક વ્યક્તિએ જિંદગીમાં એકવાર પછડાટનો અનુભવ જરૂર કરવો એ તમારા વ્યક્તિત્વને સાચો નિખાર આપશે, તો જ તમે પરિપક્વ બનશો. સોનું પણ અનેક વખત ટીપાયા પછી જ ચમક આપે છે. તેમણે બીજી સલાહ એ આપી કે જે કંઇ પણ કરો તેમાં તમારી ભાવના એકદમ શુદ્ધ રાખો. એવો કોઇ ધંધો ન અપનાવો જેમાં મહેનત ન હોય.
એક વાત લખી રાખજો કે મહેનત વગર કશું મળતું નથી. રાતો રાત ક્યારેય સફળ થવાતું નથી અને જે ખોટા રસ્તે ઝડપથી ચઢે છે એ એટલા જ ઝડપથી પડે પણ છે. ધંધો સારો ચાલે તો દર બે મહિને 10% થી 15% જ કામ વધારો. કામ સીધું જ ડબલ કરવાનું નહીં કરો. ટેકનોલોજીની વધુમાં વધુ ઉપયોગ કરો. ધંધામાંથી કરેલી કમાણી ધંધામાં જ રાખજો તો ફાવશો. ધંધાની કમાણી બીજે રોકવા જશો તો ઊંધા પડી શકો છો. મુખ્ય ધંધાને સાઈડ બિઝનેસ નહીં કરો.
નરેશભાઈ આજે પણ ભાગીદાર કરતા નાના ભાઈની જેમ વર્તે છે : હિમાંશુભાઈ (પાર્ટનર)
હું જયકારની શરૂઆત થઈ ત્યારથી જોડાયો છું. તે પહેલા હું નરેશભાઈને જાણતો ન હતો. આટલા વર્ષોમાં ઘણીવાર મંદીનો સમય જોયો. હું ત્યારે કામ ઘટાડવાનું વિચારતો અને નરેશભાઈ નવું કામ વધારવાનું વિચારતાં હતા. તેઓ કહેતા કે કોઈ ધંધાની શરૂઆત કરવી હોય તો મંદીમાં જ કરવી જેથી તમે તે ધંધાને ન્યાય આપી શકો. આટલા લાંબા સમય દરમ્યાન અમારે કોઈપણ વખત વિવાદ થયો નથી એમનો ક્વોલિટી અને ઉત્તમ સર્વિસ નો આગ્રહ અમને ઘણું બધું શીખવાડી ગયો. નરેશભાઈ આજે પણ ભાગીદાર કરતા નાના ભાઈની જેમ વર્તે છે. અમે એક પરિવારની જેમ રહીએ છીએ.
મારા પિતા પાસેથી ધંધામાં નીતિ કેવી રીતે રાખવી તેનો મોટો ગુણ શિખવા મળ્યો : ચિંતન પરીખ
નરેશભાઇના બે પુત્ર ચિંતન અને કવિત પણ તેમની સાથે બિઝનેસમાં ભાગીદાર છે. અમે ચિંતન પરીખને પૂછ્યું કે તમારા પિતા પાસેથી તમને શું શિખવા મળ્યું? ચિંતન પરીખે બી. કોમ સુધીનો અભ્યાસ કર્યો છે.
તેમણે કહ્યું કે મારા પિતા પાસેથી હું ધંધામાં નીતિ કેવી રીતે રાખવી તે સૌથી મોટો ગુણ શીખ્યો છું. અમારા પિતાએ અમને ખુલ્લું મેદાન પુરું પાડ્યું હતું. ઘણી વખત હું જુદા જુદા પ્રોજેક્ટ શિખવા માટે ચીન ગયો હતો અને આફ્રિકાથી મોટું કામ કર્યું અને મોટું નુકસાન થયું હતું, મને ચિંતા હતી કે પિતાને આ વાત હું કેવી રીતે કરીશ.
પરંતુ તેમણે મારા ચહેરા પરની ચિંતા વાંચી લીધી અને જરાયે ઠપકો આપ્યા વગર સલાહ આપી કે રૂપિયાનું નુકસાન મગજમાં ન રાખતો. જેટલું નુકસાન કરે તેટલું વધારે સારુ આ વાતથી મને એટલી હળવાશ થઇ, મને પ્રેરણા મળી. એ પછી મને સારી સમજ કેળવાઈ.
______________________________________________________
Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp Channel