DIAMOND CITY NEWS, SURAT
ઇતના આગે, ઇતના આગે, જીસકા કોઇ છૌર નહી
જહા પૂર્ણતા હી મર્યાદા હો, સીમાઓકી ડોર નહી.
આ પંક્તિ તાજેતરમાં રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘ (RSS)ના વડા મોહન ભાગવતે કહી હતી. તેમણે કહ્યું કે વિકાસનો કોઇ અંત નથી. માણસે જિંદગીભર કામ કરતા રહેવું જોઇએ. આ વાત અમે એટલા માટે કહી રહ્યા છીએ કે તાજેતરમાં ધી સધર્ન ગુજરાત ચૅમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (SGCCI)ના નવા વરાયેલા યુવાન અને તરવરિયા પ્રમુખની વિચારધારા પણ કંઇક આવી જ છે. પરિવાર બિલ્ડીંગ મટીરીયલ્સના બિઝનેસ સાથે વર્ષોથી સંકળાયેલો હતો, પરંતુ તેમણે પોતાની નવી જ કેડી કંડારવી હતી અને તેમણે ટેક્સટાઈલ બિઝનેસમાં જવાનું વિચાર્યું.
6 વિવિંગ મશીનથી શરૂઆત કરી અને આજે ટોચના ઉદ્યોગપતિઓમાં સ્થાન પામ્યા છે. આજે તેમની પાસે ટેક્સટાઈલ ઉદ્યોગને જે સૌથી આધુનિક મશીનો કહેવાય છે તેવા એરજેટ, વોટરજેટ વગેરે કસ્ટમાઈઝ ચલાવે છે અને તેમનું પોતાનું એક ટેક્સટાઈલ હાઉસ પણ છે.
આ બધું એમણે પોતાની મહેનત અને સંઘર્ષથી મેળવ્યું અને હવે સામાજિક સંસ્થામાં યોગદાન પણ આપી રહ્યા છે. એમનું માનવું છે કે માત્ર પૈસા કમાવવા માટે નહીં, પરંતુ વિકાસ માટે માણસે હંમેશા કામ કરતા રહેવું જોઇએ. એમની લાઈફ જર્ની અનેક યુવાનોને પ્રેરણા આપે તેવી છે.
ડાયમંડ સિટી ન્યુઝ પેપરની ‘વ્યક્તિ વિશેષ’ કોલમમાં આજે SGCCIના 78મા પ્રમુખ બનેલા વિજય મેવાવાલાની વાત કરીશું. એકદમ સ્ટેટ ફોરવર્ડ માણસ, ખોટું ચલાવે નહી, કોઇ ચાપલૂસી કરે તો ગમે નહી અને ફેમિલી સાથે હંમેશા જોડાયેલા માણસ. તેમણે એક પંક્તિ શેર કરી જે યુવાનો માટે પ્રેરણારૂપ બને તેવી છે.
ખુદ સે વાદા, મજબૂત ઇરાદા, મહેનત જ્યાદા
વિજય મેવાવાલાનો જન્મ સુરતમાં જ થયો અને મૂળ સુરતી છે. આમ તો એમ કહી શકાય કે વિજય ઇઝ બોર્ન વિથ ગોલ્ડન સ્પૂન. સમૃદ્ધ પરિવારમાં જન્મ થયો અને પરિવારનું સૌથી પહેલું બાળક. સુરતના હરિપરા મસિદિયા શેરીમાં એમનો પરિવાર રહેતો અને એક મોટું સંયુક્ત કુટુંબ. માતા- પિતા, કાકા-કાકી બધા મળીને લગભગ 17 લોકો બે મકાનમાં રહેતા હતા. સંયુક્ત કુટુંબમાં રહેવાના કારણે તેઓ જિંદગીના ઘણા પાઠ શીખ્યા. સંયમમાં કેવી રીતે રહેવું? પૈસાનું મહત્વ, પરિવારની તાકાત આ બધું તેમને ભાથામાં મળ્યું.
વિજય મેવાવાળા પોતે ગુજરાતી માધ્યમમાં જ ગોપીપરા મિડલ સ્કૂલ અને પછી કે. પી. કોમર્સ કોલેજમાં બી.કોમ થયા. તેમના પરિવારમાં એકાદને બાદ કરતા બધા જ ગુજરાતી મીડિયમમાં ભણીને ટોચ પર પહોંચ્યા છે. આ જ પ્રેરણા વિજય મેવાવાળા પાસેથી મેળવવા જેવી છે કે અંગ્રેજી માધ્યમ ભણવાથી જ સફળતા કે ટોચ પર પહોંચી શકાય છે એવી વિચારધારા ખોટી છે. માતૃભાષામાં ભણીને પણ આગળ વધી શકાય છે.
અઢી વર્ષ ફેમિલી બિઝનેસમાં રહ્યા પછી ટેક્સટાઈલ ઉદ્યોગમાં ઝંપલાવ્યું
વિજય મેવાવાળા પરિવારનો કલરનો, ટાઇલ્સનો એવો બિલ્ડીંગ મટીરીયલ્સનો ધંધો હતો. કોલેજ પૂરી થયા પછી તેઓ એક વર્ષ કલરની દુકાને બેઠા અને દોઢ વર્ષ ફેક્ટરીમાં કામ કર્યું. મેવાવાળાએ કહ્યું કે, મેં અઢી વર્ષ કામ કર્યું પરંતુ મને મજા નહોતી આવતી. અંદરથી કંઈક નવું કરવાનો થનગનાટ હતો. એ સમયગાળામાં ટેક્સટાઈલ ઉદ્યોગ પીક પર હતો, એટલે મેં વિચાર્યું કે ટેક્સટાઈલ ઉદ્યોગનો બિઝનેસ શરૂ કરું. પરિવારમાં ટેક્સટાઈલ સાથે કોઇ સંકળાયેલું નહોતું, એટલે શરૂઆતમાં થોડો ડર હતો, પરંતુ સાથે સાથે સાહસ કરવાની ક્ષમતા પણ સાથે હતી. 1982માં ટેક્સટાઈલ ઉદ્યોગમાં એન્ટ્રી કરી અને 2 વર્ષ થોડી જાણકારી મેળવી. 1984માં સૌ પ્રથમ 6 વીવિંગ મશીનથી કતારગામમાં બિઝનેસ શરૂ કર્યો, 1987માં 48 મશીન કર્યા. એ પછી બમરોલીમાં 1996માં એક ફૅક્ટરી ખરીદી અને એમાં 24 મશીન શરૂ કર્યા. 1999માં સચીનમાં ફૅક્ટરી શરૂ કરી. આજે હોજીવાળામાં જ 12 વોટરજેટ મશીન, 6 રેપિયર અને 6 એરજેટ મશીન છે, જે કસ્ટમાઇઝ ચલાવે છે.
શરૂઆતમાં જાતે જ તાકા ઊંચકતા અને ઉઘરાણી કરતા
વિજય મેવાવાળાનું ફેમિલી પૈસે ટકે સુખી હતું એટલે રૂપિયાનો તેમને પ્રોબ્લેમ નહોતો, પરંતુ એમની વિચારધારા એવી હતી કે માલિકને બધું કામ આવડવું જોઇએ, કાલે ઉઠીને માણસ ગેરહાજર રહે તો કામ અટકી ન જાય. મેવાવાળા જાતે જ તાકા ઊંચકતા અને પૈસાની ઉઘરાણી પણ જાતે જ કરવા જતા હતા.
પિતાની ધંધા માટેની સોનેરી સલાહ જબરદસ્ત કામમાં આવી
વિજય મેવાવાળાએ કહ્યું કે, 1985માં મને એક વખત થયું કે ધંધો આગળ ચાલે તેમ લાગતું નથી, ચાલો બંધ કરી દઈએ. તે વખતે પિતા કનૈયાલાલ મેવાવાળાએ એક ગોલ્ડન ટિપ્સ આપેલી કે, કોઇ પણ ધંધાને ચલાવવા કે સેટ થવામાં ઓછામાં ઓછા 1000 દિવસ થાય. 1000 દિવસ સુધી જો તમે ધંધાને પોષો તો 1000 દિવસ પછી ધંધો તમને પોષશે. પિતાના આ વાક્યએ મારામાં એટલી એનર્જી ભરી દીધી કે પછી તો હું આગળ જ વધતો ગયો. બીજી એક વખત એવું બન્યું કે, મેં ટેક્સટાઈલ માર્કેટમાં ટ્રેડીંગ માટે દુકાન લીધેલી, પરંતુ દુકાનમાં ધંધો થતો જ નહોતો. 3 વર્ષ રાહ જોઇ, પરંતુ ધંધો વધતો નહોતો. તે વખતે મારા દીકરાએ કહ્યું કે, પપ્પા, આપણે ટેક્સટાઈલ માર્કેટની દુકાન બંધ કરી દેવી જોઇએ. તે વખતે મેં મારા દીકરાને મારા પિતાની 1000 દિવસ વાળી યાદ અપાવી અને 3 વર્ષ પછી મારો ટેક્સટાઈલ માર્કેટનો ધંધો પણ ધમધોકાર ચાલવા માંડ્યો. વિજ્યભાઇના પિતાની શીખ બીજા અનેક ઉદ્યોગકારોને કામ લાગે તેવી છે.
પિતા કનૈયાલાલ પણ બિઝનેસ અને સામાજિક કાર્યમાં એક્ટીવ હતા
વિજયભાઇના પિતા કનૈયાલાલ પણ બિઝનેસ અને સામાજિક કામમાં હંમેશા એક્ટીવ રહ્યા હતા. તેઓ સુરત સિટી જીમખાના, સુરત ટેનિસ કલબ, લાયન્સ કલબ નોર્થના પ્રમુખ અને SGCCIમાં પણ પ્રવૃત્ત રહ્યા હતા.
મારા માટે ભગવાન ગણો, દેવતા ગણો કે મંદિર ગણો બધું મારા માતા-પિતા જ છે.
SGCCIના પ્રમુખે કહ્યું કે, આમ તો હું ભગવાનમાં માનું છું, પરંતુ મને નિયમિત મંદિર જવાની જરૂર નથી પડતી, કારણ કે, મારા માટે ભગવાન ગણો, દેવતા ગણો કે મંદિર ગણો બધું મારા માતા-પિતા જ છે. અમને પરિવારમાંથી સંસ્કાર મળેલા છે કે ઘરની બહાર નીકળીએ એટલે માતા-પિતાને પગે લાગીને જ નીકળવાનું. માતા આજે હયાત નથી, પરંતુ તેમની તસવીરને વંદન કરીને અને પિતાને પગે લાગીને જ ઘરની બહાર નીકળીએ. આ પરંપરા મારા દીકરા અને વહુએ પણ જાળવી છે. તેઓ પણ ઘરની બહાર જાય એટલે મને અને મારી પત્નીને પગે લાગીને જ નીકળે.
પત્નીના પગલાએ સફળતાની ઝડપ વધારી દીધી
મેવાવાળાએ કહ્યું કે, જ્યારે મારા લગ્ન નક્કી થયા તે પહેલા જ્યોતિષને જન્માક્ષર મેળવવા આપેલા, તો તેમણે કહ્યું કે, આ કન્યાના પગલાથી તમને ઝડપથી સફળતા મળશે. મારા મયૂરી સાથે લગ્ન થયા પછી મારી સફળતાની ગાડી સડસડાટ દોડવા માંડી, મયૂરી અત્યારે ઘર તો સંભાળે જ છે, પરંતુ ચૅમ્બરની લેડીઝ વિંગમાં પણ એક્ટીવ છે.
પ્રમુખ તરીકે આ વર્ષમાં ઉદ્યોગની સમસ્યા પર ફોકસ કરીશ
SGCCI દેશની પ્રતિષ્ઠિત મહાજનોની સંસ્થા તરીકે જાણીતી છે. ચૅમ્બરમાં 12,500 મેમ્બર્સ અને 150થી વધારે એસોસિએશનો જોડાયેલા છે એટલે આડકતરી રીતે ભરૂચથી માંડીને ઉંમરગામ સુધી લગભગ 2 લાખ લોકો જોડાયેલા છે. મારા આ વર્ષના કાર્યકાળમાં ઉદ્યોગોના જે પ્રશ્નો છે તેની પર જ વધારે ભાર આપીશ. લોકલ બોડી, સ્ટેટ બોડી કે કેન્દ્ર સરકારને કોઇ રજૂઆત કરવાની હશે તો ચૅમ્બરના નેજા હેઠળ અને સ્થાનિક નેતાઓને સાથે રાખીને કરીશું. મારા આ વર્ષના કાર્યકાળમાં સુરતને બ્રાન્ડ સિટી બનાવવા પર પણ ફોકસ રહેશે. ઉપરાંત ચૅમ્બર આખા વર્ષમાં અનેક એક્ઝિબીશન કરે છે. 2005-06માં જ્યારે ચૅમ્બરે એમ્બ્રોઇડરી એક્ઝિબિશનની શરૂઆત કરેલી ત્યારે એમ્બ્રોઇડરીના લગભગ 8થી 9 બજાર મશીનો જ હતા, એ પછી આજે 2 લાખ પર પહોંચી ગયા છે. ચૅમ્બરનું સિટેક્ષ પ્રદર્શન એટલું પોપ્યુલર થયું છે કે હવે વર્ષમાં 2 વખત કરવું પડે છે. ગયા વર્ષે સિટેક્ષ એક્ઝિબિશનમાં 600 થી 700 કરોડ રૂપિયાના બુકિંગ થયા હતા, આ વખતે એનાથી વધારે થવાની અપેક્ષા છે.
મારા કાર્યકાળમાં ચૅમ્બરનું ફલેગશીપ એક્ઝિબશન ઉદ્યોગ પણ આવશે. જેમાં મોટી મોટી કંપનીઓ અને નાના ઉદ્યોગકારો પણ ભાગ લેશે. ઓટો એક્સ્પો દર 2 વર્ષે કરવામાં આવે છે, પરંતુ આ વખતે મારા કાર્યકાળમાં ઓટો એક્સ્પો થવાનું છે અને આ વખતે અમે નવી થીમ લાવવાના છે. ઉપરાંત સ્ટાર્ટઅપ એક્ઝિબિશન, આઇટી એક્ઝિબિશન અને સોલાર એક્ઝિબિશન પણ મારા કાર્યકાળમાં શરૂ કરવાની યોજના છે. સુરતનો ઉત્રાણ વિસ્તાર હવે આઇ.ટી. હબ તરીકે ઓળખાય છે. જેમ એન્ડ જ્વેલરીનું સ્પાર્કલ એક્ઝિબિશન પણ થશે. આ વર્ષમાં સુરત સિવાય અન્ય રાજ્યોમાં પણ SGCCIના પ્રદર્શનોનું આયોજન કરવાની યોજના છે.
પ્રમુખ બનવાની તક વર્ષો પહેલા પણ સામે આવી હતી, પરંતુ તે વખતે નહોતી સ્વીકારી
વિજય મેવાવાળા વર્ષ 2004થી એક્ટીવ છે, મતલબ કે છેલ્લાં 20 વર્ષથી તેઓ SGCCI સાથે જોડાયેલા છે. આ સમયગાળા દરમિયાન તેઓ અનેક કમિટીમાં ચૅરમૅન, કો. ચૅરમૅન, એક્ઝિબિશન કમિટીના ચૅરમૅન, ગ્રુપ ચૅરમૅન પણ બન્યા, સેક્રેટરી તરીકેની જવાબદારી પણ સંભાળી. ગયા વર્ષે ઉપપ્રમુખ હતા અને આ વખતે જૂન 2024માં પ્રમુખ બન્યા. તેમને ચૅમ્બરનો ઘણો અનુભવો હોવાને કારણે આ પહેલા પણ પ્રમુખ બનવાની તક મળી હતી, પરંતુ તે વખતે તેમણે ઇન્કાર કર્યો હતો. તેમનું માનવું હતું કે જ્યાં સુધી પોતાનો બિઝનેસ કોઇ બીજું વ્યવસ્થિત રીતે સંભાળી ન લે ત્યાં સુધી પ્રમુખ તરીકેની જવાબદારી સ્વીકારવાનો કોઇ મતલબ નથી. મેવાવાળાએ કહ્યું કે, હવે મારો દીકરો તૈયાર થઇ ગયો છે અને બધો બિઝનેસ સંભાળી શકે તેવી ક્ષમતા છે એટલે મેં ચૅમ્બરનું પ્રમુખ પદ સ્વીકાર્યું.
મેવાવાળા બધાને સાથે લઇને ચાલનારા લીડર છે, તેમનું કોઇ દુશ્મન નથી
અમે ચૅમ્બરના કેટલાક સભ્યો પાસેથી વિજય મેવાવાળાની કાર્યશેલી વિશે જાણકારી મેળવી તો ખબર પડી કે તેમને કોઇ ખોટું બોલે તો બિલકુલ પસંદ નથી, કોઇ ચાપલુસી કરતું હોય તો તેમને તરત ખબર પડી જાય છે. આડેધડ કામ કરતા નથી, બિલકુલ તેમની પાસે આખી યોજનાની બ્લુપ્રિન્ટ તૈયાર હોય છે. જ્યારે ઉપપ્રમુખ હતા ત્યારથી તેમણે પોતાના પ્રમુખ તરીકેની રૂપરેખા બનાવી દીધી હતી. તેમની પાસે આખા વર્ષનો પ્લાન રેડી છે. બધાને સાથે લઇને ચાલનારા લીડર છે અને તેમનું ચૅમ્બર કે બહાર કોઇ દુશ્મન નથી. એકદમ એનર્જેટીક પ્રમુખ છે અને હંમેશા સુઘડ વસ્ત્રો પહેરવાનું પસંદ કરે છે. તેમની એક ખાસિયત એ પણ છે કે તેઓ વર્ષોથી રોજ ડાયરી લખે છે અને તેમાં આખા દિવસની નાની નાની ઘટનાઓની નોંધ કરે છે.
સાયકલિંગ ક્લબ ઓફ સુરતની સ્થાપના તેમણે કરેલી, 225 મેમ્બર્સ છે.
વિજય મેવાવાળા માત્ર બિઝનેસ અને સામાજિક સેવા સાથે જ સંકળાયેલા એવું નથી તેમને સ્પોર્ટસમાં પણ એટલો જ રસ છે. તેમણે સુરતમાં સાયકલિંગ ક્લબ ઓફ સુરતની સ્થાપના કરેલી. 20 વર્ષથી તેઓ સાયકલિંગ કરે છે. સાયકલિંગ ક્લબમાં 225 મેમ્બર્સ છે અને તેમાંથી 50 લોકો દર બુધવારે અને રવિવારે સાયકલ પર 40 થી 50 કિ.મિ. નીકળી પડે અને શિયાળામાં તો 70. કિ.મિ. સુધી સાયકલ ચલાવે. મેવાવાળાની તંદુરસ્તીનો આ રાઝ છે.
યુવાનો અને યંગ એન્ટરપ્રિન્યોરને શીખ, ધંધાને પ્રેમ કરતા શીખજો તો ધંધો તમને કમાઇ આપશે.
અમે વિજયભાઇને પૂછ્યું કે, યુવાનો અને યંગ એન્ટરપ્રિન્યોરને શું સલાહ આપશો? તેમણે કહ્યું કે, આજ કાલના યુવાનોને ઇન્સ્ટન્ટ ફળ જોઇએ છે. જે રીતે ઘણા લોકો શેરબજારમાં રાતોરાત કમાણી કરે છે એવી જ રીતે યુવાનોને રાતોરાત કરોડપતિ થવું છે. એવું ક્યારેય બનતું નથી, હા, અપવાદ રૂપ હોય શકે. પરંતુ જો તમે ધંધાને પ્રેમ કરશો તો ધંધો જાતે તમને કમાઈને આપશે. બીજું કે કોઇ પણ કામમાં સફળતા ડેડીકેશન વગર શક્ય નથી, સાથે શિસ્ત પણ એટલું જ જરૂરી છે. મેવાવાળાએ કહ્યું કે, હું પોતે મારા કામના સ્થળે સવારે 8-30 વાગ્યે અચૂક પહોંચી જતો. બીજું કે સાતત્ય જાળવવું પડશે, વચ્ચે વચ્ચે કંટાળો, થાક લાગશે, પરંતુ તેને હાવી ન થવા દેશો.
______________________________________________________
Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp Channel