DIAMOND CITY NEWS, SURAT
G7 દેશોની સાથે હવે યુરોપિયન યુનિયનના દેશોએ પણ રશિયન હીરા અને એમાંથી બનેલી જવેલરીના વેચાણ પર પ્રતિબંધ મૂકયાની જાહેરાત કરી છે. ભારત માટે વિશ્વના સૌથી મોટા જેમ એન્ડ જવેલરી માર્કેટના બે મુખ્ય નિર્ણાયક સંગઠનોએ આ એલાન કરતા તેની વ્યાપક અસર સુરત સહિતના રાજ્યના હીરા ઉદ્યોગ પર પડશે. સુરતના હીરા ઉદ્યોગ માટે આ મોટું નુકસાન છે કારણ કે 35% રફ હીરા રશિયાથી આવે છે. 2014માં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રશિયન પ્રેસિડેન્ટ પુતિનની હાજરીમાં રશિયન ડાયમંડ માઇનિંગ કંપની અલરોસા સાથે ભારતીય ડાયમંડ કંપનીઓએ 2 બિલિયન ડોલરનો કરાર કરી રફ ડાયમંડની ખરીદી વાર્ષિક 4 બિલિયન ડોલર પર લઈ જવાની ખાતરી આપી હતી.
એ દર્શાવે છે કે, રશિયન રફ ડાયમંડ પર ભારતની નિર્ભરતા કુલ રફની ખરીદીનાં ત્રીજા ભાગ જેટલી છે. આવી સ્થિતિમાં કેન્દ્ર અને રાજ્ય સરકાર નહીં જાગે તો સુરતનાં રત્નકલાકારોની હાલત કફોડી થશે. યુરોપિયન યુનિયન (EU)એ તેના નિવેદનમાં રશિયન નેચરલ અને લેબગ્રોન રફ, પોલિશ્ડ ડાયમંડ અને ડાયમંડ જ્વેલરી પર G7 પ્રતિબંધની રૂપરેખા મુજબ કરવાનું નક્કી કર્યું છે.
યુરોપિયન યુનિયનની કાઉન્સિલે યુક્રેનમાં તેના અસ્થિર પગલાંના જવાબમાં રશિયા પર દબાણ વધારવા માટે નિર્ણાયક પગલું ભર્યું છે. યુરોપિયન યુનિયનના અધિકૃત જર્નલમાં 18મી ડિસેમ્બર 2023ના રોજ બહાર પાડવામાં આવેલ સત્તાવાર નિવેદનમાં રશિયા સાથેના હીરાના વેપાર પર પ્રતિબંધ સહિતના કડક પગલાંની ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. યુક્રેનના સાર્વભૌમત્વ માટે અટલ સમર્થનની પુનઃપુષ્ટિ કરતા, કાઉન્સિલનો નિર્ણય રશિયાના ચાલુ આક્રમણને પગલે આવ્યો હોવાનું જણાવાયું છે. યુરોપિયન કાઉન્સિલે તેના ઓક્ટોબર 2023ના નિષ્કર્ષમાં યુક્રેન સામે રશિયાના આક્રમણના યુદ્ધની નિંદા કરી, યુક્રેનની સ્વતંત્રતા માટે સંઘની પ્રતિબદ્ધતા અને રશિયા સામે મજબૂત પ્રતિબંધોની જરૂરિયાત પર ભાર મૂક્યો.
EU કાઉન્સિલે રશિયામાંથી ડાયમંડની પ્રત્યક્ષ કે પરોક્ષ આયાત, ખરીદી અથવા ટ્રાન્સફર પર પ્રતિબંધ જાહેર કર્યો છે. આ પ્રતિબંધ રશિયાની ખાણમાંથી નીકળતા કાચા હીરા, રશિયામાંથી નિકાસ કરાયેલા હીરા, રશિયામાંથી પસાર થતા હીરા અને ભારત જેવા ત્રીજા દેશોમાં કટિંગ પોલિશીંગ કરાયેલા રશિયન હીરાનો સમાવેશ થાય છે. G7 પ્રતિબંધ 1લી જાન્યુઆરી 2024 થી તબક્કાવાર અમલીકરણ સાથે, રશિયન મૂળના હીરા અને હીરાના ઉત્પાદનોની ખરીદી, આયાત અથવા ટ્રાન્સફર પર પ્રતિબંધ મૂકે છે. તેમાં નોન ઇન્ડસ્ટ્રીયલ નેચરલ અને કૃત્રિમ હીરા, તેમજ હીરાના દાગીનાનો સમાવેશ થાય છે.પ્રતિબંધને અસરકારક અમલીકરણ માટે ટ્રેસીબિલિટી મિકેનિઝમ ઊભું કરવામાં આવી રહયું છે.જેમાં ભારતથી એક્સપોર્ટ થતા હીરા અને જવેલરી સાથે હીરા કાયા દેશમાંથી નીકળ્યા છે, એનું ઓરિજિન લેબ સર્ટિફિકેટ મૂકવું પડશે.
યુરોપિયન કાઉન્સિલે પ્રતિબંધોની સમયરેખા પણ નક્કી કરી છે. તે મુજબ તા.1 જાન્યુઆરી 2024 થી એવા રશિયન હીરાની આયાત અથવા ટ્રાન્સફર નહીં થાય જેનું વજન 1.0 કેરેટ પ્રતિ હીરા જેટલું અથવા તેનાથી વધુ છે. પરંતુ 1લી સપ્ટેમ્બર 2024 સુધીમાં ત્રીજા દેશમાં કટિંગ પોલિશીંગ થયેલા એવા હીરા જે રશિયાથી મળ્યાં હોય જેનું વજન 0.5 કેરેટ અથવા હીરા દીઠ 0.1 ગ્રામ જેટલું હોય છે એને પ્રતિબંધમાંથી છૂટ આપી છે. એટલે કે 8 મહિનાનો સમય આપ્યો છે. જોકે આ બાબત હજી સ્પષ્ટ નથી કારણકે, આગળ નોંધવામાં આવ્યું છે કે આ પ્રકારની છૂટ જે યુરોપિયન યુનિયનમાં મુસાફરી કરતી વ્યક્તિઓ અને તેમના નજીકના પરિવારના સભ્યો દ્વારા વ્યક્તિગત ઉપયોગ માટે પરવાનગી આપે છે.
Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.
______________________________________________________
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM