જેમ એન્ડ જવેલરી ઉદ્યોગની નિકાસ અને પ્રોત્સાહન માટે કામ કરતી જેમ એન્ડ જવેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સીલ (GJEPC)ની ગુજરાત રિજિયોનલ બ્રાન્ચે નાના નિકાસકારોને પ્લેટફોર્મ આપવા માટે અભૂતપૂર્વ સિધ્ધી હાંસલ કરી છે. ઇ-કોમર્સ દ્વારા વેચાતા નાના પાર્સલની સીધી નિકાસ થઇ શકે તેના માટે રસ્તો શોધી કાઢ્યો છે અને એના માટે 30થી વધારે નાના નિકાસકારોએ રજિસ્ટ્રેશન કરાવી દીધું છે.
GJEPCના રિજિયોનલ ચેરમેન વિજય માંગુકીયાએ જણાવ્યું હતું કે, આમ તો જેમ એન્ડ જવેલરી ઉદ્યોગમાં સુરત અને ગુજરાત વર્ષોથી અગ્રેસર છે, સાથે જ સુરતમાં લેબગ્રોન ડાયમંડ અને ડાયમંડ જડિત જવેલરીનું ઉત્પાદન પણ ખાસ્સુ વધી રહ્યું છે. નવી પેઢીના જવેલરી ઉત્પાદકો ઇ-કોમર્સના માધ્યમથી સીધો વિદેશ વ્યાપાર કરવા માટે સક્ષમ છે. પરંતુ સમસ્યા એ હતી કે ઇ-કોમર્સ દ્વારા વેચાતા નાના પાર્સલનું સીધુ એકસ્પોર્ટ થઇ શકે તેવો કોઇ વિકલ્પ નહોતો. જેને કારણે જવેલરી મેન્યુફેકચર્સ સીધી નિકાસ કરી શકતા નહોતા.
માંગુકીયાએ કહ્યું કે, આ વાત અમારા ધ્યાન પર આવતા અમે પ્રયાસ શરૂ કર્યા અને લોજિસ્ટિક પાર્ટનર Shypmax સાથે જેમ એન્ડ જવેલરી ઇન્ડસ્ટ્રીઝ સ્પેસિફીક સર્વિસ શરૂ કરવા માટે વાટાઘાટો કરી. આનું પરિણામ એ આવ્યું કે આ કંપનીએ ગુજરાતના જેમ એન્ડ જવેલરી ઉદ્યોગ માટે પોતાની સેવા આપવા માટે સંમતિ દર્શાવી.
GJEPCના રિજિયોનલ ચેરમેન વિજય માંગુકીયાએ કહ્યું કે, આ બાબતે GJEPC દ્વારા 8 દિવસ પહેલાં એક વેબિનારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 500થી વધુ નિકાસકારો જોડાયા હતા. એ પછી જે મેમ્બર્સ રીટેલ કે ઇ-કોમર્સનું કામ હાલ શરૂ કરવા માંગતા હોય એમને સહાય કરવાના હેતુથી GJEPCની રિંગરોડ પર આવેલી સુરત ઓફીસમાં Shypmaxના અધિકારીઓને આમંત્રણ આપીને બધા મેમ્બર્સની ઓનબોર્ડ રજિસ્ટ્રેશનની કામગીરી 30 અને 31 જાન્યુઆરી દરમિયાન હાથ ધરવામાં આવી છે.
માંગુકીયાએ કહ્યું કે, 30મીએ રજિસ્ટ્રેશનની શરૂઆત થઇ અને પહેલાં જ દિવસે 30 જેટલા નોન એક્સપોર્ટસે રજિસ્ટ્રેશન કરાવી દીધા. આ એક ઐતિહાસક દિવસ છે અને GJEPC અને ટીમની મહેનત ફળી છે.
વિજય માંગુકીયા GJEPCના રિજિયોનલ ચેરમેન બન્યા પછી ઉદ્યોગને વેગ આપવા માટે પરીણામલક્ષી પગલાં ભરી રહ્યા છે. માંગુકીયાએ મહત્ત્વની વાત કરતા કહ્યું હતું કે, અમારું લક્ષ્યાંક છે કે આવનારા 5 વર્ષમાં સુરતની નિકાસ મુંબઇ કરતા આગળ નિકળી જાય.
____________________________________________________________
ઈન્ડસ્ટ્રીના લેટેસ્ટ ન્યૂઝ માટે ડાયમંડ સિટી ન્યુઝપેપરના સોશ્યિલ મીડિયા સાથે જોડાઓ
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM