છેલ્લાં 15 વર્ષમાં પહેલીવાર 2022માં ગ્લોબલ ફાઈનાન્સિયલ વેલ્થ માર્કેટમાં ઘટાડો નોંધાયો છે. 4 ટકાના ઘટાડા સાથે ગ્લોબલ ફાઈનાન્સિયલ વેલ્થ માર્કેટ 255 ટ્રિલિયન ડોલર પર પહોંચ્યું છે. મોંઘવારી, રોજબરોજની જીવન જરૂરિયાતની ચીજવસ્તુના વધતા ભાવ, ઊંચા વ્યાજ દરો અને નબળા આર્થિક પ્રદર્શનના લીધે આ સ્થિતિ ઉદ્દભવી હોવાનું માનવામાં આવી રહ્યું છે. યુક્રેન અને રશિયા વચ્ચેનું યુદ્ધ પણ તેના માટે જવાબદાર માની શકાય. યુક્રેનમાં યુદ્ધને કારણે ભૌગોલિક અને રાજકીય અનિશ્ચિતતાઓ સર્જાઈ હતી જેની ગંભીર અસરો ઈક્વિટી માર્કેટ પર પડી હતી. વર્ષ 2022 ભલે ખરાબ રહ્યું હોય પરંતુ નિષ્ણાતો 2023 માં ગ્લોબલ વેલ્થ માર્કેટ ફરી બમણા જોરથી બેઠું થાય તેવી અપેક્ષા રાખે છે. વર્ષ 2023માં ગ્લોબલ ફાઈનાન્સિયલ વેલ્થ માર્કેટ 5 ટકાના વધારા સાથે 267 ટ્રિલિયન ડોલરને ટચ કરે તેવી અપેક્ષા રાખે છે.
આ તારણો BCG ગ્લોબલ વેલ્થ રિપોર્ટ 2023 : રીસેટિંગ ધ કોર્સનો ભાગ છે, જે બોસ્ટન કન્સલ્ટિંગ ગ્રુપ (BCG) દ્વારા બહાર પાડવામાં આવેલા વૈશ્વિક સંપત્તિ પરનો 23મો વાર્ષિક અહેવાલ છે.
વર્ષ 2022માં ઘટાડા છતાં બજારમાં કેટલાંક પોઝિટિવ ટ્રેન્ડ પણ જોવા મળ્યા હતા. રોકાણકારોએ વધુ જોખમ ઉપાડી વ્યક્તિગત રોકડ અને થાપણોને બજારમાં મુકી મૂલ્ય 6.2% વધાર્યું હતું. રિયલ એસ્ટેટ અને આર્ટ સહિતની રિયલ એસેટ્સનું મૂલ્ય પણ 5.5% વધીને 261 ટ્રિલિયન ડોલર સુધી પહોંચ્યું છે. એકંદરે આ પોઝિટિવ પરિબળોએ ગ્લોબલ વેલ્થમાં 1% નો વધારો કર્યો છે, જે પાછલા વર્ષની સરખામણીમાં 2022 માં 516 ટ્રિલિયન ડોલર સુધી પહોંચી છે.
બીસીજીના મેનેજિંગ ડિરેક્ટર અને પાર્ટનર અને રિપોર્ટના સહ-લેખક માઈકલ કાહલિચે જણાવ્યું હતું કે, 2008ની કટોકટી પછી ગ્લોબલ ફાઈનાન્સિયલ વેલ્થ માર્કેટમાં 2021માં મંદી જોવા મળી હતી. છતાં વેલ્યૂમાં 10% વૃદ્ધિ જોવા મળી હતી. આ એક દાયકામાં સૌથી તીવ્ર હતી. અમે અપેક્ષા રાખીએ છીએ કે 2023 માં મેક્રો ઇકોનોમિક આઉટલૂકમાં સુધારો અને સ્ટોક માર્કેટમાં રિબાઉન્ડ નાણાકીય સંપત્તિમાં વૃદ્ધિ તરફ પાછા ફરશે અને 2027 સુધીની અમારી પાંચ વર્ષની ચક્રવૃદ્ધિ વાર્ષિક વૃદ્ધિ દરની આગાહી તંદુરસ્ત 5.3% રહેશે. જો કે, બજારની તાજેતરની સ્થિતિ દર્શાવે છે કે સતત લાંબા ગાળાની વૃદ્ધિ માટે ઉદ્યોગના ખેલાડીઓ માટે હવે ભવિષ્ય સુરક્ષિત કરવું અતિ આવશ્યક છે.
બોસ્ટન કન્સલ્ટિંગ ગ્રુપના એમડી અને ભાગીદાર મયંક ઝાએ કહ્યું કે, “આંતરરાષ્ટ્રીય સ્તરે સંપત્તિનું સર્જન કરવાની જવાબાદરી ભારતે ઉપાડી છે. ભારતની આગેવાની હેઠળ ઈક્વિટી માર્કેટોએ તેના ગ્લોબલ પાર્ટનર કરતા વધુ સારું પ્રદર્શન ગયા વર્ષે કર્યું છે. જેના કારણે ગયા વર્ષે ફાઈનાન્સિયલ વેલ્થમાં 8%નો વધારો થયો છે. છેલ્લા 20 વર્ષોમાં ભારતમાં નાણાકીય અસ્કયામતોમાં સંપત્તિ 6% ના વૈશ્વિક વૃદ્ધિ દરની સામે 15% CAGR ના દરે વધી છે. ભારતના ઇક્વિટી બજારો આજે નાણાકીય સંપત્તિના 24% નું પ્રતિનિધિત્વ કરતી મજબૂત સંપત્તિ સર્જન તક તરીકે ચાલુ રહેશે, પરંતુ 2027 સુધીમાં તમામ નાણાકીય સંપત્તિના 28% સુધી વધી જશે. તે આશ્ચર્યજનક નથી કે ભારત (8%) અને ચીન (9%) અગ્રણી વૈશ્વિક બજારોમાં સૌથી મજબૂત વૃદ્ધિ દર રેકોર્ડ કરી રહ્યાં છે, જે આગામી પાંચ વર્ષમાં સામૂહિક રીતે 74 ટ્રિલિયન ડોલરની સંપત્તિનું સર્જન કરશે.”
વર્ષ 2022માં એશિયા પેસિફિક, મધ્ય પૂર્વ, આફ્રિકા અને લેટિન અમેરિકામાં નાણાકીય સંપત્તિ સતત વધતી રહી હતી. ઉત્તર અમેરિકા અને યુરોપમાં તેમાં ઘટાડો થયો હતો.
આકર્ષક વેલ્થ મેનેજમેન્ટ અને ફાઇનાન્શિયલ હબ તરીકે જાણીતું સ્વિત્ઝર્લેન્ડ 2025ના અંત સુધીમાં વિશ્વના સૌથી મોટા બુકિંગ સેન્ટર તરીકે હોંગકોંગને પાછળ છોડી દેશે તેવી અપેક્ષા છે.
હોંગકોંગે 13% ના ચક્રવૃદ્ધિ વાર્ષિક વૃદ્ધિ દર (CAGR) સાથે છેલ્લા પાંચ વર્ષમાં ટોચના બુકિંગ કેન્દ્રોમાં અસ્કયામતો અન્ડર મેનેજમેન્ટ (AuM) માં સૌથી વધુ વૃદ્ધિ દર અનુભવ્યો છે. જો કે, તેને સિંગાપોરથી સખત સ્પર્ધાનો સામનો કરવો પડી રહ્યો છે, જે એશિયા પેસિફિક ક્ષેત્રના સલામત પ્રવેશદ્વાર તરીકે વધુને વધુ જોવામાં આવે છે.
સંયુક્ત આરબ અમીરાતે એશિયા પેસિફિક અને પૂર્વી યુરોપ સહિત વિવિધ પ્રદેશોમાંથી અસ્કયામતો આકર્ષ્યા હતા. જેના પરિણામે અન્ય બુકિંગ કેન્દ્રો કરતાં વધુ ઝડપી AuM વૃદ્ધિ થઈ. તેની નાણાકીય સંપત્તિ આગામી પાંચ વર્ષમાં 10%ના તંદુરસ્ત દરે વધવાની અપેક્ષા છે.
______________________________________________________
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM