ભારતમાં સોનાના દાગીનાનો વપરાશ ઘટ્યો

સોનાની કિંમતમાં વધારો થયો હોવા છતાં 2022ના સમાન સમયગાળાની તુલનામાં ત્રિમાસિક ગાળામાં સોનાના કુલ વપરાશમાં 7%નો ઘટાડો જોવા મળ્યો

Gold jewellery consumption in India has declined
સૌજન્ય : © વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE-SIDDHI-VINAYAK-LASER-FEATURED
  • NAROLA MACHINES

DIAMOND CITY NEWS, SURAT

સોનાની વધતી કિંમતો વચ્ચે ભારતમાં ચાલુ વર્ષના બીજા ત્રિમાસિક ગાળામાં સોનાના દાગીનાનો વપરાશ ઘટ્યો હોવાના અહેવાલ સામે આવ્યા છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ (WGC) દ્વારા તેના ગોલ્ડ ડિમાન્ડ ટ્રેન્ડ રિપોર્ટમાં બહાર પાડવામાં આવેલા તાજેતરના આંકડા મુજબ 2023ના બીજા ક્વાર્ટરમાં ભારતની સોનાની માંગમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે.  સોનાની કિંમતમાં વધારો થયો હોવા છતાં 2022ના સમાન સમયગાળાની તુલનામાં ત્રિમાસિક ગાળામાં સોનાના કુલ વપરાશમાં 7%નો ઘટાડો જોવા મળ્યો છે.

એપ્રિલથી જૂન 2023ના સમયગાળા દરમિયાન ભારતમાં સોનાની માંગ 158.1 ટન રહી હતી, જે 2022ના બીજા ક્વાર્ટરમાં 170.7 ટન હતી. જો કે, સોનાની માંગનું મૂલ્ય 4% વધીને 82,530 કરોડ સુધી પહોંચ્યું છે જે ગયા વર્ષે 2022માં 79,270 કરોડ હતું.

અહેવાલમાં જણાવાયું છે કે સોનાના વપરાશમાં ઘટાડો મુખ્યત્વે સોનાના દાગીનાની માંગમાં નોંધપાત્ર ઘટાડો થવાને કારણે થયો હતો. 2023ના બીજા ક્વાર્ટરમાં જ્વેલરીની માંગ 128.6 ટન નોંધાઈ હતી, જે 2022ના બીજા ક્વાર્ટરમાં નોંધાયેલી 140.3 ટન કરતાં 8% ઘટાડો દર્શાવે છે. વોલ્યુમમાં ઘટાડો થવા છતાં જ્વેલરીની માંગનું મૂલ્ય 3% વધીને 67,120 કરોડે પહોંચ્યું છે જે અગાઉના વર્ષમાં 65,140 કરોડ હતું.

સોનામાં રોકાણની ડિમાન્ડમાં પણ 3%નો થોડો ઘટાડો થયો છે, જે 2022ના બીજા ક્વાર્ટરમાં 30.4 ટનની સરખામણીએ 2023 બીજા ક્વાર્ટરમાં 29.5 ટન રહ્યો છે. તેમ છતાં સોનાના રોકાણનું મૂલ્ય સમાન સમયગાળા દરમિયાન 9% વધીને 15,410 કરોડે પહોંચ્યું છે, જે અગાઉના વર્ષના 14,140 કરોડથી વધુ છે.

ગોલ્ડ જ્વેલરીની માંગમાં ઘટાડા માટે ફાળો આપનાર પરિબળોમાંનું એક હતું રેકોર્ડ સોનાની ઊંચી કિંમતો. સોનાની ઊંચી કિંમતોએ ગ્રાહકોના સેન્ટિમેન્ટ પર નકારાત્મક અસર કરી હતી. વધુમાં ત્રિમાસિક ગાળા દરમિયાન 2,000ની નોટો પર પ્રતિબંધને પગલે સોનાની માંગ પર ટૂંકી પરંતુ નોંધપાત્ર અસર જોવા મળી હતી.

વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના ભારત ખાતેના રિજનલ સીઈઓ સોમસુંદરમ પીઆરએ કહ્યું કે, આ સ્થિતિ પોલીસીમાં ફેરફારો પ્રત્યે ભારતીય ગ્રાહકોની સંવેદનશીલતાને દર્શાવે છે, જે સોનાની માંગ પર ટૂંકા ગાળાની અસર કરી શકે છે. જ્યારે સોનાના ઊંચા ભાવ અને ફુગાવા સંબંધિત પડકારો યથાવત રહ્યા હતા, ત્યારે બજારની સ્થિતિસ્થાપકતાને વધારવામાં નોંધપાત્ર ભૂમિકા ભજવી હતી.

પોઝિટિવ પાસું જોઈએ તો સોનાના રિસાયક્લિંગમાં તીવ્ર વધારો જોવા મળ્યો છે, જેમાં અગાઉના વર્ષના સમાન સમયગાળાની તુલનામાં 2023 ક્વાર્ટરમાં નોંધપાત્ર 61% નો વધારો થયો છે. રિસાયક્લિંગમાં આ વધારો કુલ 37.6 ટન છે. જે ઘણા ગ્રાહકો દ્વારા સોનાના ઐતિહાસિક ઊંચા ભાવને મૂડી બનાવવાનું પસંદ કરવાને કારણે સંભવ બન્યું છે.

સોમસુંદરમે ઉમેર્યું હતું કે, વર્ષના આગામી મહિનાઓ માટે સોનાની માંગ વિશે સાવચેત રહેવું પડશે. કારણ કે સ્થાનિક ભાવમાં વધારો અને ખર્ચમાં ઘટાડાને કારણે સોનું અનિશ્ચિતતાનો સામનો કરી રહ્યું છે. જો કે, ચોમાસાની સિઝનની સફળતા દિવાળીની સિઝન પહેલા સેન્ટિમેન્ટને મજબૂત બનાવી શકે છે અને પોઝિટિવ સરપ્રાઈઝ આપી શકે છે. 2023ની એચ 1ની માંગ 271 ટન સાથે 2023માં આખા વર્ષની સોનાની માંગનો અમારો અંદાજ 650-750 ટનની રેન્જમાં છે.

______________________________________________________

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM

વધુ સમાચાર વાંચો :

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant