DIAMOND CITY NEWS, SURAT
સુરત : કેન્દ્ર સરકારે ઇન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશનની ફરિયાદને પગલે ભારત અને યુએઇ વચ્ચે થયેલા CEPA કરાર હેઠળ માત્ર 78 જ્વેલર્સને 84,000 કરોડનું સોનું દુબઈથી ઇમ્પોર્ટ કરવાની આપેલી મંજૂરી એક નોટિફિકેશનથી રદ કરી દીધી છે. બુલિયન જ્વેલર્સ એસોસિએશનની માંગણીને પગલે સરકારે હવે 140 ટન સોનું દેશનાં 3 લાખ જ્વેલર્સને આયાત કરવા મંજૂરી આપી છે. જેથી એક ટકા કસ્ટમ ડ્યુટી ડિસ્કાઉન્ટ દરેક જ્વેલર્સ, જ્વેલરી મેન્યુફેકચર્સને મળી શકશે.
સરકારના આ નિર્ણયથી નાના જ્વેલર્સને પણ સરળતાથી સોનું આયાત કરવાની તક મળશે. હવે નાના ઝવેરીઓએ સોનાની ખરીદી માટે પ્રિમિયમ ચૂકવવું નહીં પડે, લાભ મળશે. સરકારે UAE CEPA કરાર હેઠળ દુબઈથી 1% ઓછી ડ્યુટી પર 140 ટન સોનું આયાત કરવા માટે માત્ર 78 જ્વેલર્સને ફાળવણી કરી હતી.
IBJA એ સરકારને સમજાવ્યું હતું કે 17/04/2023ના નોટિફિકેશનના આધારે, તમામ 3,00,000 જ્વેલર્સ 84,000 કરોડની કિંમતના આ 140 ટન સોનાના હકદાર છે, તેથી 78 લોકોને ફાળવણી રદ કરવી જોઈએ. IBJAની ફરિયાદને ધ્યાનમાં લઈને સરકારે તાત્કાલિક અસરથી આ 78 લોકોની ફાળવણી રદ કરી દીધી છે.
હવે તમામ 3 લાખ જ્વેલર્સ આ 84,000 કરોડનું સોનું 1% ઓછી આયાત ડ્યુટી સાથે આયાત કરી શકશે. જેના લીધે તમામ જ્વેલર્સને લગભગ 800 કરોડનો નફો થશે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના 2500 જ્વેલર્સમાંથી જે 450 જ્વેલર્સ, જ્વેલરી મેન્યુફેકચર્સ દુબઈથી સોનું ઇમ્પોર્ટ કરે છે. તેમને એક ટકા ડિસ્કાઉન્ટ રેટથી જોઈએ એટલું સોનું મળશે.
ભારત-યુએઈ વચ્ચે થયેલા કોમ્પ્રિહેન્સીવ ઇકોનોમિક પાર્ટનરશીપ એગ્રીમેન્ટ (CEPA) કરાર અંતર્ગત હવે યુનાઈટેડ આરબ અમીરાતના દુબઇ કે અન્ય પ્રાંતમાંથી ભારતમાં સોનું આયાત કરનારને 15 ટકાની જગ્યાએ 14 ટકા ડ્યૂટી લાગુ પડશે. સરકારે સોનાની આયાતમાં એક ટકો રાહત આપવા સાથે સોનાની આયાતમાં નિર્ધારિત જથ્થાની મર્યાદા પણ હટાવી લીધી છે.
______________________________________________________
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM