ભારતમાં સોનાની વધતી આયાત અને રૂપિયાના ઘસારાને અટકાવવા માટે સરકારે ઈમ્પોર્ટ ટેક્સમાં વધારો કર્યો છે. અહેવાલ અનુસાર સરકારે સોનાના ઈમ્પોર્ટ ટેક્સમાં 5%નો વધારો કર્યો છે.
સરકારે જાહેર કરેલ નોટિફિકેશન અનુસાર હવે સોનાની આયાત પર 12.5% ટેક્સ વસૂલાશે. હાલમાં આયાતી સોના પર સરકાર 7.5% ટેક્સ વસૂલે છે.
સોનું મોંઘું થશે ?
આયાત જકાત વધતા હવે ભારતમાં સોનું મોંઘું થશે અને તહેવારોની સીઝન પૂર્વે લેવાયેલો આ નિર્ણય માંગને અવરોધશે. સોનાનો રોકાણ ક્રેઝ પણ ઘટશે.
રૂપિયામાં જોવા મળી રહેલ એકતરફી ઘટાડાને રોકવા માટે આરબીઆઈનો સાથ આપતા સરકારે ઈમ્પોર્ટ ટેક્સ વધારવાનો નિર્ણય કર્યો છે. આ સિવાય ગોલ્ડ જ્વેલરી અને દોરા પર પણ આયાત જકાત વધારીને 15% કરવામાં આવી છે.
વિશ્વના બીજા સૌથી મોટા સોનાના વપરાશકાર ભારતમાં હાલ સરેરાશ આયાત વધારે રહેવાને કારણે વેપાર ખાધ અને નાણાંકીય ખાધ વધતી હોવાથી હવે આયાત ઘટાડવા માટેના પગલા સરકારે શરૂ કર્યા છે.
મે મહિનામાં દેશની વેપાર ખાધ 24.29 અબજ ડોલરની રેકોર્ડ સપાટીએ પહોંચી છે. ભારતે મે મહિનામાં 6.03 અબજ ડોલરના સોનાની આયાત કરી હતી, જે એક વર્ષ અગાઉની સરખામણીમાં નવ ગણી વધારે છે.
કોરોના મહામારી બાદ માંગમાં સુધારો થતાં ભારતે ગયા વર્ષે એક દાયકામાં સૌથી વધુ સોનાની આયાત કરી હતી. માલ પર આયાત જકાત વધારવી સોનાની પડતર મોંઘી કરી આયાતને રોકવાનો આ એક રસ્તો હોઈ શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે સરકારે ગત વર્ષે લીધેલ સોનાની આયાત જકાત કરતા આ તદ્દન વિરૂદ્ધનું પગલું છે જ્યાં કેન્દ્ર સરકારે બજેટમાં ટેક્સ ઘટાડીને 7.5 ટકા કર્યો હતો.
રસપ્રદ વાત એ છે કે વર્ષની શરૂઆતમાં દેશના અગ્રણી જ્વેલર્સે સરકારને સોનાની દાણચોરી ઘટાડવા માટે બજેટ 2022માં સોના પરની આયાત ડ્યૂટી 7.5 ટકાથી ઘટાડીને ચાર ટકા કરવા માંગણી કરી હતી.
સામે પક્ષે ચીન, અમેરિકા અને સિંગાપોર જેવા દેશોએ સ્થાનિક બજારને મજબૂત કરવા માટે સોના પરની આયાત જકાત હટાવી દીધી હતી.