વર્ષે દિવસે 2 લાખ કરોડ રૂપિયાનો ધંધો કરતો અને લાખો લોકોને રોજગારી પુરી પાડતો ડાયમંડ ઉદ્યોગ છેલ્લા અઢી વર્ષથી મંદીના અજગર ભરડામાં સપડાયો છે. જેની સૌથી મોટી અસર ડાયમંડને ચમકાવીને દુનિયાભરમાં સુરતનું નામ રોશન કરનારા રત્નકલાકારો પર પડી છે.
વિકરાળ અને લાંબી મંદીને કારણે લાખો રત્નકલાકારોએ નોકરી ગુમાવવાનો વારો આવ્યો છે અથવા ઓછા પગારે નોકરી કરવા મજબૂર બન્યા છે. ઘણા બધા રત્નકલાકારો તો નોકરી છોડીને બીજા ધંધામાં પડી ગયા છે. બીજી તરફ ડાયમંડ માર્કેટમાં કોઇ સુધારો આવે તેવા આસાર પણ દેખાતા નથી.
એવા સમયે રાજ્યસભા સાંસદ ગોવિંદભાઈ ધોળકીયાએ રાજ્યસભામાં રત્નકલાકારો માટે કલ્યાણ બોર્ડ બનાવવાની માંગ કરી છે. સુરતના જાણીતા ડાયમંડ કિંગ અને રાજ્યસભા સાંસદ ગોવિંદભાઈ ધોળકીયા રાજ્યસભામાં રત્નકલાકારો માટે કેટલીક માંગ કરી છે.
ધોળકીયાએ વેપાર મંત્રાલય અને ઉદ્યોગ મંત્રાલયને રજૂઆત કરતા રાજ્યસભામાં કહ્યું હતું કે, જેમ ગુજરાતમાં શ્રમયોગી કલ્યાણ બોર્ડ છે એ રીતે રત્નકલાકારોના કલ્યાણ માટે એક બોર્ડ બનાવવામાં આવે. તેમણે કહ્યું કે, સુરતના હીરાઉદ્યોગ સીધી રીતે 10 લાખ લોકોને અને આડકતરી રીતે 50 લાખ લોકોને રોજગારી પુરી પાડી છે.
ગોવિંદભાઇએ કહ્યું કે, હીરાઉદ્યોગ હાલ ગંભીર સંક્ટમાંથી પસાર થઇ રહ્યો છે અને 2 થી 3 લાખ રત્નકલાકારો મંદીથી પ્રભાવિત થયા છે. રત્નકલાકાર કલ્યાણ બોર્ડથી તેમના આરોગ્ય, શિક્ષણ અને સુરક્ષિત ભવિષ્યની વ્યવસ્થા થઇ શકશે.
તેમણે રત્નકલાકારો માટે પ્રોફેશનલ ટેક્સ નાબૂદ કરવાની પણ માંગ કરી હતી. ગોવિંદભાઇએ કહ્યું કે, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની યોજના રત્નકલાકારો સુધી પહોંચે તેના માટે અભિયાન શરૂ કરવું જોઇએ. તેમને બેંકમાંથી સસ્તાં દરે લોન મળે તેવી વ્યવસ્થા કરવી જોઇએ. રત્નકલાકારોને હાઉસીંગ લોનના વ્યાજમાં પણ છૂટ આપવી જોઇએ.
રત્નકલાકારો માટે ડાયમંડ વર્કર યુનિયન ગુજરાતે અનેક વખતે રાજ્ય સરકારને રજૂઆત કરી છે, પરંતુ રત્નકલાકારોને સંગઠિત ડેટા ન હોવાને કારણે રાજ્ય સરકાર પણ મદદ કરી શકતી નથી. હવે જો ગોવિંદભાઈ ધોળકીયાની રાજ્યસભામાં રજૂઆત પછી કેન્દ્ર સરકાર બોર્ડ બનાવે તો લાખો રત્નકલાકારોને ફાયદો થઇ શકે.
Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp | YouTube