વિશ્વના સૌથી મોટા ડાયમંડ ટ્રેડિંગ હબનું સુરતમાં 5 જૂને ગણેશ પૂજા અને મહા આરતી સાથે ઉદ્ઘાટન થશે. આ સુરત ડાયમંડ બુર્સ (SDB) વિશ્વનું સૌથી મોટું છે, જ્યાં વિશ્વના 175 દેશો વેપારમાં ભાગ લઈ શકે છે.
આ રેકોર્ડ અત્યાર સુધી શિકાગોના વિલિસ ટાવર પાસે હતો, જેનું ક્ષેત્રફળ 4,16,000 ચોરસ મીટર છે. વિશ્વની સૌથી ઊંચી ઇમારત બુર્જ ખલીફા પણ સુરત ડાયમંડ બુર્સથી પાછળ રહેશે.
ડાયમંડ બુર્સની વિશેષતાની વાત કરવામાં આવે તો સુરત ડાયમંડ બુર્સનું વર્ષ 2017 થી માંડી વર્ષ 2022 સુધી બાંધકામ ચાલ્યું હતું. આ ગગનચૂંબી બાંધકામ માટે 6000 કારીગરો અને 9 મહાકાય ક્રેઈનની મદદ લેવામાં આવી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.
આ બાંધકામમાં 10 હજારથી વધુ ટુ વ્હીલર અને 4500થી વધુ ફોર વ્હીલર પાર્કિંગની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. તેમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ડાયમંડ વેપારીઓ માટે 4,200 ઓફિસો છે.
તેમાં વેપારીઓ અને અન્ય લોકો માટે રહેવાની સુવિધા તેમજ હાઉસિંગ કોલોની પણ હશે. 15 એકરને ગ્રીન એરિયા તરીકે ડેવલોપ કરવામાં આવશે અને તમામ લેન્ડસ્કેપ પંચ તત્વ થીમ પર ડિઝાઈન કરવામાં આવશે.
ટાવર વચ્ચેની 3 વીઘા જગ્યામાં પણ લેન્ડસ્કેપીંગ ડિઝાઈન કરાશે. 9 ટાવરની હાઈટ વધવાની સાથે તમામ એકબીજા સાથે જોડાયેલા હશે.
આ ઉપરાંત બિલ્ડિંગમાં કુલ 128 ડેસ્ટિનેશન કંટ્રોલ લિફ્ટ મૂકવામાં આવશે અને અમેરિકાના પેન્ટાગોન કરતાં પણ વધુ 66 લાખ ચોરસ ફૂટમાં નિર્માણ થયું સહિતની ખાસિયતથી ભરપૂર છે.
આ સુરત ડાયમંડ બુર્સ પર લગભગ 100% કામ પૂર્ણ થઈ ગયું છે અને વહેલામાં વહેલી તકે વેપાર શરૂ થાય તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
SDBના ચેરમેન વલ્લભ લાખાણી કહે છે, “ડાયમંડ બુર્સનું બાંધકામ 100% પૂર્ણ થઈ ગયું છે. તમામ સભ્યો માટે પુનઃમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ડાયમંડ બુર્સ શક્ય તેટલી વહેલી તકે શરૂ થાય તે માટે અમે સખત મહેનત કરી રહ્યા છીએ.”
આગામી તા. 5 જુન ના રોજ ગણેશ સ્થાપના બાદ 4200 ઓફિસોના માલિક દ્વારા 4200 જેટલા દિવડા પ્રગટાવી એક સાથે મહાઆરતી કરવામાં આવશે. ત્યારબાદ સભાસદોના સ્નેહમિલનનું આયોજન સાંજે 5 વાગ્યે સુરત ડાયમંડ બુર્સ ખજોદ ખાતે કરવામાં આવ્યું છે.
મહત્વનું છે કે, 5મી ડિસેમ્બર 2017થી ડાયમંડ બુર્સના નિર્માણ કાર્યના શ્રી ગણેશ કરવામાં આવ્યા હતા. જે કામ 2022માં પૂર્ણ થયું છે. દેશ અને વિદેશના 4,000થી વધુ વેપારીઓએ મળીને આ પ્રોજેક્ટને પૂર્ણ કર્યો છે.
એટલું જ નહી આ પ્રોજેક્ટ અંતરરાષ્ટ્રીય ગ્રીન બિલ્ડિંગના માપદંડ હેઠળ તૈયાર કરવામાં આવ્યુ હોવાનું પણ જાહેર થયું છે.
દેશ-વિદેશના 4,000થી વધુ વેપારીઓ આ પ્રોજેક્ટનો ભાગ છે. આ પ્રોજેક્ટ ઇન્ટરનેશનલ ગ્રીન બિલ્ડીંગના માપદંડોનું પાલન કરે છે. આ પ્રોજેક્ટમાં સૌર ઉર્જાથી લઈને ઈકો ફ્રેન્ડલી વસ્તુઓ સુધીની દરેક વસ્તુ જોવા મળશે.