સુરતના મીની બજાર ખાતે હીરા ભરેલું પડીકું એક હીરા દલાલને મળ્યું હતું. આ પડીકામાં અંદાજે 7 લાખની કિંમતના હીરા હતા. છતાં હીરા દલાલે તે પોતાની પાસે ન રાખતા સોશિયલ મીડિયાની મદદથી તેના મૂળ માલિક સુધી પહોંચાડવા પ્રયાસ કર્યા હતા. આખરે સુરત ડાયમંડ એસોસિએશનની ઓફિસની મધ્યસ્થીથી હીરા દલાલે તે પડીકું મૂળ માલિક સુધી પહોંચાડી સંતોષ માન્યો હતો.
ભાવનગરના વલ્લભીપુર તાલુકાના હળિયાદ ગામના મુકેશ ભીમજીભાઈ રાબડીયા ઘણા વર્ષોથી સુરતમાં રહે છે. તેઓ હીરા દલાલીનું કામ કરે છે. તેઓને મીની બજાર સરદાર ચોક પાસે આવેલા સરદાર ડાયમંડ માર્કેટ વિ-1 પાસેથી ગઈ તા. 5 જુલાઈના રોજ સાંજે 6 કલાકે એક પડીકું મળ્યું હતું. જેમાં અંદાજે 7 લાખની કિંમતના હીરા હતા. તેમણે પેકેટ જ્યાંથી મળ્યું તે જગ્યાએ લાંબો સમય સુધી રાહ જોઈ. જેથી જેનું પડીકું હોય તે શોધતાં આવે તો ચેક કરીને તેને પરત આપી શકાય. પરંતુ કોઈ ન આવવાથી તે પેકેટ તેમના સેફ વોલ્ટમાં મૂકી આવ્યાં હતાં. ત્યારબાદ તેમણે વેપારીઓના ગ્રુપમાં આ માહિતી ફરતી કરી હતી.
મુકેશભાઈએ એમના જ ગામ હળિયાદના એમના મિત્ર રાજુભાઈ ગોટીને જાણ કરી કે તેમને અંદાજીત સાત લાખના હિરાનું પેકેટ મળ્યું છે, જેમનું પેકેટ છે એ મળે એટલે આપણે ખરાઇ કરી તેમને આપી દેવાનું છે. રાજુભાઈ ગોટીએ કહ્યું કે, ખરાઇ થઇ જાય પછી આપણે સુરત ડાયમંડ એસોસીએશનમાં સંકળાયેલા મારા મિત્ર વિનુભાઈ (દાંતી)ને મળી આપણે બંને પાર્ટીએ સુરત ડાયમંડ એસોસીએશનના હોદ્દેદારોની હાજરીમાં આ પેકેટ આપવું જોઈએ. આખરે ડાયમંડ એસોસિએશનની ઓફિસે આગેવાનોની હાજરીમાં હીરા દલાલે તે પડીકું મૂળ માલિકને સોંપ્યું હતું.
આજે લોકો લાલચમાં આવીને ખોટા કામો કરીને પણ રૂપિયા કમાવી લેતા હોય છે અને બીજાની સાથે છેતરપિંડી કરતા હોય છે. પરંતુ સુરતના હીરા બજારમાં આખું કામ ભરોસા ઉપર ચાલે છે અને તે ભરોસો આજે પણ અકબંધ છે એવા કિસ્સાઓ સામે આવતા રહે છે તે સરાહનીય છે. હીરાનું પેકેટ જેમને મળ્યું તેવા મુકેશ ભીમજીભાઈ રાબડીયાને સુરત ડાયમંડ એસોસિએશનના પ્રમુખ તેમજ અન્ય હોદ્દેદારો દ્વારા પુષ્પ ગુચ્છ આપી સન્માનિત કરવા આવ્યા. પ્રામાણિકતા બતાવવા બદલ મુકેશભાઈ રાબડીયાને સૌ હોદ્દેદારોએ અભિનંદન પાઠવ્યા હતાં અને પેકેટના માલિક બાબુભાઈ ડોબરિયાએ મુકેશભાઈનો આભાર માન્યો હતો.
______________________________________________________
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM