વર્ષ 2023ની શરૂઆતથી જ હીરા ઝવેરાત ઉદ્યોગ મંદીનો સામનો કરી રહ્યું છે. યુક્રેન પર રશિયાએ 2022માં હુમલો કર્યો તેની રહી રહીને 2023માં હીરા ઉદ્યોગ પર અસર પડી છે. યુરોપીયન દેશોના રશિયન ડાયમંડ પ્રત્યેના કડક વલણ ઉપરાંત યુરોપીયન દેશોની કથળતી આર્થિક પરિસ્થિતિએ હીરા ઉદ્યોગની કમર ભાંગી નાંખી છે. સુરત-મુંબઈનો હીરા ઉદ્યોગ મુખ્યત્વે યુરોપીયન અને ચીનના બજારો પર નિર્ભર હોય અહીંના વેપારી, દલાલો અને કારીગરો અનેક પડકારોનો સામનો કરી રહ્યાં છે. હવે હીરા ઉદ્યોગની નજર દિવાળી અને ક્રિસમસના તહેવારો પર છે. આ વર્ષે નવેમ્બર મહિનામાં દિવાળી છે. તેથી યુરોપીયન દેશોના ક્રિસમસના ઓર્ડર દિવાળી પહેલાં જ આટોપી લેવાય અને ત્યારે પેમેન્ટની સાયકલનું પૈડું સ્પીડમાં ફરે તેવી આશા રાખવામાં આવી રહી છે. જો દિવાળી સુધરે તો રત્નકલાકાર, દલાલો અને વેપારીઓ રાહતનો શ્વાસ લેશે.
વિશ્વમાં સુરતને ડાયમંડ સિટીની ઓળખ આપી, એ સુરતનો હીરા ઉદ્યોગ તેની ચમક ગુમાવી રહ્યો છે. રશિયા-યુક્રેન યુદ્ધ અને વૈશ્વિક મંદી વચ્ચે ચીન, અમેરિકા, યુરોપ અને મિડલ ઇસ્ટમાં ડાયમંડ જવેલરીની માંગ ઘટી જતાં ડાયમંડ મેન્યુફેક્ચરિંગનાં હબ સુરતનો હીરા ઉદ્યોગ મંદીમાં સપડાયો છે.
હીરા ઉદ્યોગના જાણકારો કહે છે કે, હીરા ઉદ્યોગમાં અચાનક મંદી આવવાનાં ઘણાં કારણો છે. એ પૈકીનું એક કારણ રશિયાએ યુક્રેન સાથે શરૂ કરેલું યુદ્ધ છે. અમેરિકા અને યુરોપિયન યુનિયનના દેશોએ રશિયન રફ પર પ્રતિબંધ મૂક્યો એની વ્યાપક અસર સુરતનાં હીરા ઉદ્યોગને થઈ છે. 29% કાચા હીરાનું ઉત્પાદન રશિયા કરે છે. જેના વેચાણ પર અમેરિકા, બ્રિટન અને યુરોપિયન યુનિયનના કેટલાક દેશોએ પ્રતિબંધ મૂક્યો છે. આ નિર્ણયની ખરાબ અસર ભારત અને બેલ્જિયમ જેવા દેશો પર પડી છે.
રશિયા-યુક્રેન યુદ્ધને લીધે રશિયાથી થતી ઘરેલું અને ઔદ્યોગિક ગેસની કિંમતો વધી ગઈ હતી. બીજી તરફ અમેરિકન બેંકોએ નાદારી નોંધાવતા મંદી ઘેરી બની છે. સુરત અને મુંબઈમાં તૈયાર હીરાનો ભરાવો થયો છે. ડિમાન્ડ નથી એની અસર જોબવર્ક પર ચાલતા સુરતનાં હીરાના કારખાનાઓ પર પડી છે. સિન્થેટીક અથવા લેબગ્રોન ડાયમંડના પ્રમોશને પણ નેચરલ ડાયમંડના વેપારને અસર કરી છે, એને લીધે અવિશ્વાસનો માહોલ ઊભો થયો છે. યુરોપમાં મંદીને લીધે ડાયમંડ જ્વેલરી જેવી હાઈ વૅલ્યુ પ્રોડક્ટ લોકોની પ્રાયોરિટીની વસ્તુ રહી નથી.
તૈયાર હીરા અને જ્વેલરીનું મુખ્ય બજાર ચીન, અમેરિકા અને યુરોપના દેશોમાં છે. અહીં ડાયમંડ જ્વેલરીની માંગ ખૂબ ઘટી ગઈ છે. એની અસર ભારતના એક્સપોર્ટ પર જોવા મળી છે. ભારતની જેમ્સ અને જ્વેલરીની નિકાસ નાણાકીય વર્ષ 2022 માં રૂ. 1.82 લાખ કરોડથી ઘટીને નાણાકીય વર્ષ 2023 માં રૂ. 1.76 લાખ કરોડ થઈ છે.
સુરતમાં ચાર મહિનામાં 21 રત્નકલાકારોએ આત્મહત્યા કરી લીધી છે. ડાયમંડ વર્કર્સ યુનિયન ગુજરાતે આ વખતની મંદીમાં જિલ્લાવાર વિગતો એકત્ર કરવાનું શરૂ કર્યું છે. સુરતમાં છેલ્લા બે દિવસમાં નબળી આર્થિક પરિસ્થિતિને કારણે બે રત્નકલાકારોએ આત્મહત્યા કરી લીધી છે
રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ સુરતના ઘણીવાર વખાણ કર્યા છે. પરંતુ જે સુરતના વખાણ કર્યા તે સુરતને આગળ લઈ જવામાં જેમનું મહત્વનું ‘યોગદાન – પરિશ્રમ- શક્તિ’ છે, એમના પરીવારો માટે ક્યારેય પણ સંવેદના વ્યક્ત કરી નથી. મંદી હોય, કોરોના હોય કે કુદરતી આફત, ગરીબ-મધ્યમ વર્ગના રત્નકલાકારોને ભગવાન ભરોસે છોડી સરકારે કોઈ મદદ કરી નથી. રશિયા-યુક્રેન યુદ્ધ શરૂ થયું ત્યારથી ગુજરાત સરકારને હીરા ઉધોગમાં કામ કરતાં રત્નકલાકારોના મુદ્દે અસંખ્ય વાર રજૂઆત જુદા જુદા તબક્કે થઈ છે. હીરા ઉદ્યોગમાં કામ કરતાં પરંતુ આર્થિક સંકડામણ અને બેરોજગારીથી આત્મહત્યા કરનાર રત્નકલાકારોના પરીવારોને આર્થિક મદદરૂપ થવા રજૂઆત કરવા છતાં પણ સરકાર એ રજૂઆતને ધ્યાને લઈ રહી નથી. ડાયમંડ વર્કર યુનિયનનું એક પ્રતિનિધિ મંડળ ગાંધીનગરમાં રાજ્યના શ્રમ અને રોજગાર મંત્રી બળવંતસિંહ રાજપૂતને રજૂઆત કરી આવ્યું છે, પણ માત્ર આશ્વાસન મળ્યું છે. મંદીનાં માહોલમાં કારીગરોને ચિંતા છે, કે દિવાળીની શરૂ થયેલી સિઝન કેવી રહેશે? દિવાળી અને ક્રિસમસની તહેવારોની સિઝનને લીધે અત્યારે થોડોક સુધારો થવાની અપેક્ષા છે. આ સિઝન સારી રહેશે તો રત્નકલાકારોને રાહત થશે. ડાયમંડ વર્કર યુનિયન ગુજરાત સરકારની બંધ પડેલી કારીગરો માટેની રત્નદીપ યોજના ફરી શરૂ કરવા માંગ કરી રહ્યું છે. તેઓ કારીગર વર્ગ માટે રાહત પેકેજ સરકાર જાહેર કરે એવી રજૂઆત કરી રહ્યાં છે.
______________________________________________________
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM