ભારત સરકાર દ્વારા ગઈ તા. 12મી જુલાઈએ એક પરિપત્ર જાહેર કરી ચોક્કસ કેટેગરીના સોનાની આયાત પર અંકુશ મુક્યા છે : સરકારનો હેતુ આયાત પર નિયંત્રણ લાવવા સાથે બિનજરૂરી વસ્તુઓની આયાત ઘટાડવાનો છે, આ નવા પ્રતિબંધોના લીધે આયાતકારોએ હવે સોનાના ઉત્પાદનોની આયાત માટે સરકારની પરવાનગી લેવાની જરૂર પડશે
ઊંચી આયાત ડ્યૂટીના લીધે દેશમાં સોનાની દાણચોરીનું પ્રમાણ ઉત્તરોત્તર વધી રહ્યું છે તો બીજી તરફ સરકાર સોનાની આયાત પર વધુમાં વધુ નિયંત્રણો લાદી રહી છે. ભારત સરકારે ગઈ તા. 12 જુલાઈના રોજ કેટલીક સોનાની જ્વેલરી અને વસ્તુઓની આયાત પર કેટલાંક નિયંત્રણો લાદ્યા છે.
એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, સરકારના આ મહત્વપૂર્ણ પગલાથી બિનજરૂરી વસ્તુઓની આયાત ઘટાડવામાં મદદ મળશે. આયાતકારોને હવે આ સોનાના ઉત્પાદનોની આયાત કરવા માટે સરકારની પરવાનગીની જરૂર પડશે. જો કે, ડાયરેક્ટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ (DGFT) એ કહ્યું કે ભારત-UAE મુક્ત વેપાર કરાર હેઠળ આયાત પર કોઈ પ્રતિબંધ રહેશે નહીં.
ડિરેક્ટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ, વાણિજ્ય વિભાગ, વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે ભારતમાં સોનાની અમુક શ્રેણીઓ માટે આયાત નીતિ અને નીતિ શરતોમાં સુધારાની જાહેરાત ગઈ તા. 12મી જુલાઈના રોજ કરી છે. નવા પરિપત્ર અનુસાર ભારતના ગેઝેટ અસાધારણ ભાગ-II, વિભાગ-3, પેટા-વિભાગ (ii) માં પ્રકાશિત સોના સંબંધિત ચોક્કસ HS કોડ્સ માટે “મુક્ત” થી હવે “પ્રતિબંધિત” આયાતની સ્થિતિને દર્શાવે છે.
નવા સુધારેલા નિયમો હેઠળ HS કોડ 71131911, જે અનસ્ટડેડ સોનાથી સંબંધિત છે, તે આયાત પરના નિયંત્રણોને આધીન રહેશે. જો કે, ભારત-યુએઈ વ્યાપક આર્થિક ભાગીદારી કરાર (CEPA) ટેરિફ રેટ ક્વોટા (TRQ) હેઠળ કાર્યરત આયાતકારો માટે તે અપવાદરૂપ રહેશે. આવા આયાતકારોને આયાત લાઈસન્સની જરૂરિયાત વિના અનસ્ટેડેડ સોનું મુક્તપણે લાવવાની મંજૂરી આપવામાં આવશે.
આ નવા પરિપત્ર અનુસાર અન્ય અસરગ્રસ્ત HS કોડ 71131919 અને 71141910 છે, જે અનુક્રમે સોનાના અન્ય સ્વરૂપો અને વસ્તુઓને આવરી લે છે. આ કેટેગરીઓ પણ હવે “પ્રતિબંધિત” આયાત નીતિ હેઠળ આવશે.
ITC (HS) 2022ના શેડ્યૂલ-I (આયાત નીતિ)ના પ્રકરણ 71માં નિર્ધારિત આયાત નીતિ અને સોના માટેની નીતિ શરતોમાંના આ સુધારાઓ તાત્કાલિક અમલમાં આવે છે.
એક સૂચનામાં, ડીજીએફટીએ જણાવ્યું હતું કે આ ઉત્પાદનોની આયાત નીતિને તત્કાલ પ્રભાવથી મુક્તથી પ્રતિબંધિત તરીકે સુધારી દેવામાં આવી છે.
ચાલુ નાણાકીય વર્ષમાં એપ્રિલ-મે દરમિયાન મોતી, કિંમતી અને અર્ધ-કિંમતી પથ્થરોની આયાત 25.36 ટકા ઘટીને આશરે US $4 બિલિયન થઈ છે. આ જ સમયગાળામાં સોનાની આયાત પણ લગભગ 40 ટકા ઘટીને US$ 4.7 બિલિયન થઈ છે.
તે જ સમયે, ચાલુ નાણાકીય વર્ષમાં એપ્રિલ-મે દરમિયાન, કુલ મર્ચેન્ડાઇઝ આયાત 10.24 ટકા ઘટીને 107 અબજ યુએસ ડોલર થઈ છે. એપ્રિલ-મે 2023 માટે મર્ચેન્ડાઇઝ વેપાર ખાધ 37.26 અબજ યુએસ ડોલર હતી જે એપ્રિલ-મે 2022 દરમિયાન યુએસ ડોલર 40.48 અબજ હતી.
સોનાની આયાત નીતિમાં થયેલા સુધારા અંગે ટિપ્પણી કરતા જીજેઈપીસીના ચેરમેન વિપુલ શાહે કહ્યું કે, “અમે સોનાની આયાતની અમુક કેટેગરી પર નિયંત્રણો લાગુ કરવાના ભારત સરકારના નિર્ણયને સ્વીકારીએ છીએ. સરકારના આ પગલાનો હેતુ સોનાની આયાતને નિયંત્રિત કરવાનો છે. અમે સમજીએ છીએ કે સોનાના વેપાર સાથે સંકળાયેલા વ્યવસાયો પર તેની અસર પડી શકે છે. એક ઉદ્યોગ તરીકે અમે આ ફેરફારોની અસર પર નજીકથી નજર રાખીશું અને જ્વેલરીની નિકાસ મજબૂત રહે તેની ખાતરી કરવા સંબંધિત તંત્ર સાથે કામ કરીશું.”
કામા જ્વેલરીના MD અને GJEPCના ભૂતપૂર્વ ચેરમેન કોલિન શાહે જણાવ્યું હતું કે, “સરકારે ચોક્કસ શરતો સાથે સોનાની આયાત પર અંકુશ મૂક્યો છે. સોનાની આયાત વેપાર ખાધ પર નકારાત્મક અસર કરે છે. 22 અબજ ડોલરનો તાજેતરનો વેપાર 5 મહિનામાં સૌથી વધુ હતો. સોનાની આયાતમાં ઘટાડો થવાથી સમાન સંતુલન રાખવામાં મદદ મળશે. સોનાની ભારે આયાત પણ ભારતીય રૂપિયા પર અસર કરે છે. કરાર હેઠળ વેપાર સંબંધોને વેગ આપવા માટે યુએઈમાંથી સોનાની આયાતને CEPA હેઠળ મંજૂરી આપવામાં આવી છે. સંધિ હોવા છતાં યુએઈમાંથી આયાત નિરાશાજનક રહી છે. જો કે સરકારના પગલાં મેક્રો ઇકોનોમિક્સને સંતુલિત કરવાના છે. નિકાસ માટે સ્પર્ધાત્મક ધાર જાળવી રાખવા માટે કાચા માલ તરીકે સોનું જેમ્સ એન્ડ જ્વેલરી ઉદ્યોગ માટે વાજબી ભાવે ઉપલબ્ધ હોવું જોઈએ.”
______________________________________________________
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM