પ્રકૃતિની ગોદમાં પથરાયેલા, જંગલ, ડુંગરા, ખીણ અને વિવિધ સાંસ્કૃતિક વારસાથી હર્યા ભર્યા અને દંડકારણ્યની ભૂમિ તરીકે જાણીતા ડાંગ જિલ્લામાં 19 માર્ચે 11 હનુમાન મંદિરોનો લોકાર્પણ સમારોહ યોજાયો હતો. દુનિયાની જાણીતી ડાયમંડ કંપની SRK દ્વારા થોડા વર્ષ પહેલાં ડાંગ જિલ્લામાં 311 હનુમાન મંદિરોના નિર્માણનો સંકલ્પ કરવામાં આવ્યો હતો. આ મંદિરો નિર્માણ કરવા પાછળ હેતુ એ છે કે, ડાંગવાસીઓમાં એકતા જળવાઇ રહે. લોકો વ્યસનથી દુર રહે.
વિશ્વવિખ્યાત ડાયમંડ કંપની શ્રી રામકૃષ્ણ એકસ્પોર્ટ્સ પ્રા. લી. (SRK)ની CSR આર્મ SRK નોલેજ ફાઉન્ડેશન અને શ્રી રામકૃષ્ણ વેલફેર ટ્રસ્ટે ગુજરાતના ડાંગ જિલ્લામાં 311 હનુમાન મંદિરો બાંધવાના સંકલ્પ સાથે હનુમાનજી મંદિર નિર્માણ યજ્ઞનો પ્રારંભ કર્યો હતો. પાંચમા તબક્કામાં સુસરદા, સાકરપાતળ, સાદડમાળ, ઘાંગડી, ચીંચોડ, ચિખલદા, કુમારબંધ, નાની દાબદર, મોટી દાબદર, વાઘમાળ અને કુન્દા ગામનાં 11 મંદિરોનો લોકાર્પણ સમારોહ 19 માર્ચ રવિવારે સવારે 10 થી 1 વાગ્યા દરમિયાન ડાંગ જિલ્લાના વઘઇ તાલુકાના કુમારબંધ ગામ ખાતે “જગદગુરુ નિમ્બાર્કાચાર્ય શ્રી શ્યામશરણ દેવાચાર્ય નિમ્બાર્કતીર્થ – કિશનગઢ, અજમેરના અધ્યક્ષ સ્થાને રાખવામાં આવ્યો હતો.
આ સમારોહમાં ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક વિજયભાઈ પટેલ, ડાંગ જિલ્લાના પ્રમુખ મંગળભાઈ ગાવિત, મહેશ્વરી ભવન સમિતિના સચિવ સુરેશ આર. તોષનીવાલ, અગ્રવાલ એજ્યુકેશન ફાઉન્ડેશન ટ્રસ્ટ ના સંસ્થાપક ટ્રસ્ટી સુરેશચંદ્ર એસ. અગ્રવાલ, વધઈ તાલુકા પંચાયતના પ્રમુખ શકુંતલાબેન એ. પવાર, ગુજરાત પ્રાંતીય મહેશ્વરી સમિતિના ઉપાધ્યક્ષ સુરેશ સી. કાબરા (CA), નિમ્બાર્કતીર્થના નટવર ગોપાલ છાપરવાલ વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
ડાંગ વિસ્તાર પ્રકૃતિની ગોદમાં પથરાયેલો છે જે જંગલ, ડુંગરા, ખીણ અને વિવિધ સાંસ્કૃતિક વારસાઓથી ભરપુર છે. ભગવાન રામ અને શબરી માતાની ચરણરજથી પાવન થયેલી આ ભૂમિ દંડકારણ્ય તરીકે પણ જાણીતી છે. રામભક્ત હનુમાનજીને સમગ્ર ડાંગવાસીઓ ખૂબ જ માને છે. ડાંગમાં વસેલાં આશરે સવા બે લાખ વનવાસીઓના જીવનની સામાજિક ચેતના માટે “ડાંગ પ્રયાગ હનુમાન યાગ” નામનો હનુમાન યજ્ઞ પણ શરૂ કરવામાં આવ્યો છે. આ હનુમાનજી મંદિર બનાવવા પાછળની બીજી ભાવના એ પણ હતી કે આ મંદિર ભક્તિ, સેવા, સ્મરણ સાથે ગામજનોની એકતા, વ્યસનમુક્તિ અને સંસ્કારધામનું ત્રિવેણિ તીર્થ બની રહેશે.
અત્યાર સુધી, ટોટલ 35 હનુમાન મંદિરોનું નિર્માણ 4 તબક્કામાં સફળતાપૂર્વક પૂર્ણ થયું છે. હજી બીજા 12 મંદિરો પણ પૂર્ણતાના આરે છે. એવું માનવમાં આવી રહ્યું છે કે, આવનારા 2 વર્ષમાં ઘણાખરા મંદિરોની પ્રતિષ્ઠા કરી દેવામાં આવશે.
ડાંગવાસીઓની એકતા જળવાઈ રહે અને આપણી સંસ્કૃતિનું જતન પેઢી દર પેઢી થતું રહે તે હેતુથી આ મંદિરો બાંધવાની પહેલ શરૂ કરવામાં આવી હતી. દાનમાં ફક્ત એક વ્યક્તિ જ નહીં પરંતુ દરેક ગ્રામજનો કઇંક ને કઇંક યોગદાન આપવું જરૂરી છે. જેટલા વધારે લોકો આ પહેલ સાથે જોડાશે, તેટલા વધુ પરિવારો આવા પછાત ગામો સુધી ટ્રાવેલ કરશે અને આ ગામો હજી વધારે વિકસિત થશે.
આ મંદિર નિર્માણ કાર્યમાં રામકૃષ્ણ વેલફેર ટ્રસ્ટની સાથે જે સંસ્થા અથવા વ્યક્તિ હોય તે 50 ટકા દાન આપીને સહભાગી થાય તેના નામની તકતી પણ લગાવવામાં આવે છે. મંદિર બાંધવા માટેની મુખ્ય રકમ વહેંચવામાં આવે છે જ્યારે સમગ્ર પ્રોજેક્ટનું સંચાલન SRK ટીમ દ્વારા કરવામાં આવશે. પ્રાણ પ્રતિષ્ઠા પછી મંદિરનું સંપૂર્ણ સંચાલન ત્યાંના ગામ લોકોને સોંપવામાં આવે છે.
રામકૃષ્ણ વેલફેર ટ્રસ્ટ દ્વારા છેલ્લા 28 વર્ષથી આદિવાસી એરિયામાં 100 જેટલા ડોક્ટર સાથે મેડિકલ કેમ્પ કરેલા છે. ડાંગ જિલ્લાના વિવિધ ગામોમાં મેડિકલ સેવા, વસ્ત્રદાન, શૈક્ષણિક કીટ, બાળકો અને દરેકને જરૂરિયાત મુજબની ચીજવસ્તુઓ પહોંચાડવાનું કામ તો થતું જ હોય છે પરંતુ તેની સાથે સાથે પેઢી દર પેઢી સુધી સંસ્કારો, ગામની એકતા અને આપણી સંસ્કૃતિ સચવાઈ રહે તે હેતુથી આ નિર્માણ યજ્ઞ શરૂ કર્યો છે.
આ બીજ ક્યારથી રોપાયું એ વિશે SRKના ફાઉન્ડર અને ચૅરમૅન ગોવિંદભાઇ ધોળકિયાએ કહ્યું હતું કે, ઓગસ્ટ 2017માં હું અને પી. પી. સ્વામીજી કારમાં એક ગામથી પસાર થતાં હતા ત્યાં હનુમાનજીની મૂર્તિ ઉપર નજર પડી જે ખુલ્લા આકાશમાં ઝાડના ટેકે ઉભેલી હતી. આ મૂર્તિને જોઈ મે કહ્યું કે, સ્વામીજી, આપણા ભગવાન આ રીતે દેખાય તે આપણી સંસ્કૃતિને યોગ્ય ગણાય?
આ સાંભળીને પી. પી. સ્વામીજીનું હ્રદય દ્રવી ઊઠયું અને તેમણે કહ્યું કે, ગોવિંદભાઇ, આ પરિસ્થિતી લગભગ આખા ડાંગ જીલ્લામાં છે. કરવાની જરૂર ઘણી બધી છે કેટલું થઈ શકે…? અને કોણ કરે?
ગોવિંદભાઇએ કહ્યું કે, ત્યારે મે પૂજ્ય પી. પી. સ્વામીજીને નમ્ર ભાવે કહ્યું હતું કે, ભગવાને આપણને ઘણું બધુ આપ્યું છે, તો આપણાથી બની શકે તેટલી મદદ કરીને આ ડાંગ જિલ્લામાં મંદિર બનાવવા જોઇએ. પી. પી. સ્વામીજી રાજી થઈ ગયા અને અમોએ ડાંગ જિલ્લાના આશરે 311 ગામમાં શક્ય હોય ત્યાં હનુમાનજીના મંદિર બનાવવાનો સંકલ્પ કર્યો હતો.
અમે વિચાર્યું કે, આપણે એકલા બનાવશું તો કદાચ અભિમાન આવી જવાની શક્યતા છે. એટલે 50 ટકા જે ખર્ચ પેટે આપે તેઓનું સહયોગી તરીકે નામ આપી શકાય, જેથી આપણે સૌએ સાથે રહીને આ મંદિરો બનાવ્યાં છે એવો ભાવ ઊભો થાય. તેથી આ પ્રમાણે દાતાઓના સહયોગથી મંદિર બનાવી રહ્યાં છે.
આ મંદિરો ઈશ્વરની યોજના મુજબ અને ઈશ્વર ઇચ્છાથી જ બની રહ્યા છે એમ ગોવિંદભાઇએ ઉમેર્યું હતું.
______________________________________________________
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM