દુનિયાની સૌથી મોટી ડાયમંડ માઇનીંગ કંપની ડી બીયર્સ ગ્રુપ અને ભારતની ટોચની જ્વેલરી રિટેલ બ્રાન્ડ્સ તનિષ્કે વધુ ભારતીય ગ્રાહકોને નેચરલ ડાયમંડ દુર્લભતા અને વૅલ્યુ સાથે જોડવા અને તેમની વધતી જતી સંખ્યામાં વધારો કરવા માટે લોંગ ટર્મ કોલોબ્રેશની જાહેરાત કરી છે. જેના ભાગરૂપે તાજેતરમાં ડી બીયર્સ ઇન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર અમિત પ્રતિહારી અને તનિષ્કના ચીફ માર્કેટીંગ ઓફીસર Pelki Tsheringએ સુરતમાં પત્રકારો સાથે ડાયમંડ અને જ્વેલરી ઉદ્યોગ વિશે વાત કરી હતી.
ડી બીયર્સ ઈન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર અમિત પ્રતિહારીએ જણાવ્યું હતું કે, પોલિશ્ડ ડાયમંડ અને જ્વેલરીના વપરાશના સંદર્ભમાં ચીનને પાછળ છોડીને ભારત અમેરિકા પછી વિશ્વમાં બીજા સૌથી મોટા બજાર તરીકે ઉભરી રહ્યું છે.
ભારતના નેચરલ ડાયમંડ જ્વેલરી માર્કેટને વેગ આપવા માટે વ્યૂહાત્મક સહયોગ માટે તનિષ્ક સાથે ડી બીયર્સની ભાગીદારીની જાહેરાત કરવા પ્રતિહારી સુરતમાં હતા.
આ મુલાકાત એવા સમયે મહત્વ ધરાવે છે જ્યારે સુરતનો ડાયમંડ ઉદ્યોગ રશિયા-યુક્રેન યુદ્ધ બાદ અન્ય પરિબળોની સાથે મંદીના તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે.
પત્રકારોને સંબોધતાં, પ્રતિહારીએ કહ્યું હતું કે, વિશ્વનું જેમ એન્ડ જવેલરીનું માર્કેટ 89 અબજ US ડોલરનું છે. યુનાઇટેડ સ્ટેટ્સ પોલિશ્ડ ડાયમંડ અને ડાયમંડ જડિત જ્વેલરીનો સૌથી મોટો ગ્રાહક છે અને ભારત વિશ્વનું બીજું સૌથી મોટું બજાર છે, જ્યારે ચીન અને મિડલ ઇસ્ટ તેને અનુસરે છે.
ડી બીયર્સ ઇન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર અમિત પ્રતિહારીને જ્યારે પૂછવામાં આવ્યું કે, ડી બીયર્સે તાજેતરમાં રફ ડાયમંડના ભાવમાં 10થી 15 ટકાનો ઘટાડો કર્યો હતો તો શું ડી બીયર્સ હજુ રફના ભાવ ઘટાડશે?
જેના જવાબમા પ્રતિહારીએ કહ્યું હતું કે, રફ ડાયમંડના ભાવની વધઘટ વિશ્વની આર્થિક સ્થિતિ પર આધાર રાખે છે, પરંતુ અત્યારે નજીકના સમયમાં રફ ડાયમંડના ભાવમાં વધારે ઘટાડો થવાની શક્યતા નથી.
ચીનમાં અસ્થિરતા છે અને 50 ટકાથી વધુ હીરાનો વપરાશ કરતા યુએસએ માર્કેટમાં પણ કોઈ વૃદ્ધિ નથી. ઑક્ટોબર અને નવેમ્બર મહિનામાં ભાવમાં થતી વધઘટ એ અમારા સાઇટ હોલ્ડર્સને સંતોષવા માટે છે જેના દ્વારા હીરા સ્થાનિક બજારમાં પહોંચે છે.
અમેરિકામાં રાષ્ટ્રપતિ પદની ચૂંટણી પછી અમે હવે ત્યાં ડબલ ડીજીટ ગ્રોથ જોઇ રહ્યા છીએ. પહેલા ચીન જેમ એન્ડ જ્વેલરીનું બીજા નંબરનું સૌથી મોટું બજાર હતું, પરંતુ, કોરોના મહામારી પછી ચીન ડાઉન થઇ ગયું. જોકે, હવે ચીનમાં ધીમે ધીમે સુધારો આવી રહ્યા છે અને અમને ધારણા છે કે, 2025ના અંત સુધીમાં ચીનના બજારમાં સુધારો આવશે.
અમિત પ્રતિહારીએ કહ્યું કે, ભારત હીરાનો વપરાશ કરતું બીજું સૌથી મોટું બજાર છે. જેમ્સ અને જ્વેલરી માર્કેટનો ભારતનો સ્થાનિક વપરાશ 85 બિલિયન ડૉલર છે અને તે 2030 સુધીમાં 120 બિલિયન ડૉલર સુધી પહોંચવાની ધારણા છે. ભારતનું અર્થતંત્ર હાલમાં 3.5 ટ્રિલિયન ડૉલરનું અર્થતંત્ર છે અને 2030 સુધીમાં તે 7.9 ટ્રિલિયન ડૉલર સુધી પહોંચવાની ધારણા છે. ભારતીય બજારમાં મુખ્ય ગ્રોથ ડીઝાયરેબલ પ્રોડક્ટસમાં છે, જેમાં જેમ્સ અને જ્વેલરી ઉદ્યોગનો સમાવેશ થાય છે.
તનિષ્ક સાથેની ભાગીદારી અંગે, પ્રતિહારીએ જણાવ્યું હતું કે, અમે ગ્રાહકોમાં કિંમતી નેચરલ ડાયમંડ વિશે જાગૃતિ ફેલાવીશું, જેથી તેઓ જાણી શકે કે હીરા કેવી રીતે બને છે અને તે વિવિધ હાથમાંથી કેવી રીતે પસાર થાય છે અને તેની કારીગરી અને તેની કિંમત અને વિશિષ્ટતા કેવી રીતે પહોંચે છે.
તનિષ્કના ચીફ માર્કેટિંગ ઓફિસર પેલ્કી શેરિંગે જણાવ્યું હતું કે, અમે સુરતના 1,06,325 પરિવારો દ્વારા આપવામાં આવેલ વિશ્વાસ અને બિનશરતી પ્રેમની ઉજવણી કરવા માટે અહીં છીએ. તેમની સૌથી પ્રિય યાદોનો એક ભાગ બનવા અને ઘણા દાયકાઓથી તેમની બ્રાઇડને શણગારવી એ અમારો વિશેષાધિકાર છે. પેલ્કીએ કહ્યું કે, આજે અમે અમારું લેટેસ્ટ ડાયમંડ જ્વેલરી કલેક્શન, ‘Unbound’ સુરતમાં લૉન્ચ કર્યું છે. તનિષ્ક અનબાઉન્ડ એ માત્ર એક કલેક્શન નથી, પરંતુ દુનિયાને સન્માન છે. ‘અનબાઉન્ડ’ જેવા કલેક્શન અને ડી બીયર્સ ગ્રુપ સાથેના અમારા સહયોગ સાથે, અમારું લક્ષ્ય આજે અને આવનારી પેઢીઓ માટે દરેક મહિલાની વ્યક્તિત્વ અને આકાંક્ષાઓને ઉજવવાનું અને સન્માન આપવાનું છે એમ તનિષ્કના ચીફ માર્કેટીંગ ઓફિસરે કહ્યું હતું.
Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp | YouTube