DIAMOND CITY NEWS, SURAT
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) મે મહિનામાં વિશ્વની ત્રીજી સૌથી મોટી સોનાની ખરીદદાર હતી. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ (WGC)ના એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે,ગયા મહિને ભારતે લગભગ 722 કરોડ રૂપિયાનું સોનું ખરીદ્યું હતું. માત્ર સ્વિટ્ઝર્લેન્ડ અને ચીને ભારત કરતાં વધુ સોનું ખરીદ્યું છે.
છેલ્લા 5 નાણાકીય વર્ષોમાં, ભારતે તેના સોનાના ભંડારમાં લગભગ 204 ટનનો વધારો કર્યો છે. માર્ચ 2019માં દેશનું ગોલ્ડ રિઝર્વ 618.2 ટન હતું, જે 31 માર્ચ, 2024ના રોજ 33 ટકા વધીને 822.1 ટન થયું હતું. જોકે આ સમયગાળા દરમિયાન સોનાના ભાવમાં લગભગ 70 ટકાનો વધારો થયો છે.
સોનાના વધતા ભાવને કારણે ગયા મહિને વૈશ્વિક સોનાના બજારમાં સરેરાશ દૈનિક ટ્રેડિંગ વોલ્યુમ રૂ. 18 લાખ કરોડ હતું. આ એપ્રિલ 2024 કરતાં 13 ટકા ઓછું છે, પરંતુ 2023માં રોજના 13.6 લાખ કરોડ રૂપિયાની સરેરાશ કરતાં 32.51 ટકા વધુ છે.
ભારતનું ગોલ્ડ રિઝર્વ છેલ્લાં 5 વર્ષમાં 203.9 ટન વધ્યું છે. 2019માં ભારતનું ગોલ્ડ રિઝર્વ 618.2 ટન હતુ, 2020માં 661.4 ટન,2021માં 695.3 ટન, 2022માં 760.3 ટન, 2023માં 794.6 ટન અને 2024માં 822.10 ટન પર પહોંચ્યું છે.
વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના રિપોર્ટમાં જણાવ્યા મુજબ મે મહિનામાં સ્વીટ્ઝરલેન્ડે 2461 ટન, ચીન 2109 ટન, ભારત 722 ટન,જર્મની 556 ટન, સાઉથ આફ્રીકા459 ટન, આયરલેન્ડ 459 ટન, જાપાન 376 ટન, ફ્રાંસ 247 ટન, તુર્કી 107 ટન સોનું ખરીદ્યું હતું.
ફોર્બ્સ ઇન્ડિયાના રિપોર્ટ મુજબ ગોલ્ડ રિઝર્વમાં અમેરિકા પહેલા નંબર પર છે અને ભારત 9મા નંબર પર આવે છે. અમેરિકાનું ગોલ્ડ રિઝર્વ 8133.46 ટન, જર્મની3352.65 ટન, ઇટાલી 2451.84 ટન, ફ્રાંસ 2436.88 ટન, રશિયા 2332.74 ટન, ચીન 2262.45 ટન, સ્વિટ્ઝરલેન્ડ 1040 ટન, જાપાન 845.97 ટન, ભારત 822.09 ટન, નેધરલેન્ડ 612.45 ટન
મે મહિનામાં વૈશ્વિક ગોલ્ડ ETFમાં રોકાણ વધ્યું. આ સાથે જ છેલ્લા 12 મહિનાથી ચાલી રહેલા ઘટાડાનો ટ્રેન્ડનો અંત આવ્યો. યુરોપ અને એશિયાએ ગોલ્ડ ETF ના પ્રવાહમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી, જ્યારે યુએસ અને અન્ય પ્રદેશોમાંથી નજીવો ઉપાડ થયો હતો. મે મહિનામાં કુલ AUM 2 ટકા મહિને-દર-મહિને વધીને 234 બિલિયન ડોલર (આશરે રૂ. 19.5 લાખ કરોડ રૂપિયા) પર પહોંચી, જે રોકાણપ્રવાહ અને સોનાના ઊંચા ભાવને કારણે છે.
જો કોઈ દેશનું ચલણ આંતરરાષ્ટ્રીય સ્તરે નબળું પડે છે, તો સોનાનો ભંડાર તે દેશની ખરીદ શક્તિ અને તેની આર્થિક સ્થિરતા જાળવવામાં મદદ કરે છે. 1991માં, જ્યારે ભારતની અર્થવ્યવસ્થા ડૂબી રહી હતી અને તેની પાસે માલની આયાત કરવા માટે ડોલર ન હતા, ત્યારે સોનું ગીરો મૂકીને નાણાં એકત્ર કર્યા અને આ નાણાકીય કટોકટીમાંથી બહાર આવ્યું હતું.
પુષ્કળ અનામત હોવાનો અર્થ એ છે કે દેશની અર્થવ્યવસ્થા મજબૂત છે. તે એ પણ દર્શાવે છે કે દેશ તેના નાણાનું સારી રીતે સંચાલન કરે છે. આવી સ્થિતિમાં, અન્ય દેશો અને વૈશ્વિક નાણાકીય સંસ્થાઓ તે દેશ પર વધુ વિશ્વાસ કરે છે. ગોલ્ડ રિઝર્વ કોઈપણ દેશના ચલણ મૂલ્યને ટેકો આપવા માટે નક્કર સંપત્તિ પ્રદાન કરે છે.
ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA) અનુસાર, આ વર્ષે અત્યાર સુધીમાં સોનાની કિંમતમાં રૂ. 8,561નો વધારો થયો છે. 1 જાન્યુઆરીએ સોનું 63,352 રૂપિયા હતું, જે હવે 71,913 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયું છે. એક કિલો ચાંદીની કિંમત 73,395 રૂપિયાથી વધીને 90,535 રૂપિયા થઈ ગઈ છે.
______________________________________________________
Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp