ઉદ્યોગની પ્રતિક્રિયા – ડાયમંડ ઉદ્યોગમાં અત્યારે તેજી છે કે મંદી

અત્યારના સમયમાં હીરાનો કારખાનેદાર પણ ખુશ છે, હીરાદલાલ પણ ખુશ છે અને હીરાનો વેપારી પણ ખુશ છે કારણ કે જાડા- પતલાં બધા હીરાનો વેપાર થાય છે.

Industry Response
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE-SIDDHI-VINAYAK-LASER-FEATURED
  • NAROLA MACHINES

કોરોના મહામારી પછી દુનિયા અનેક વેપાર-ધંધાને નુકશાન થયું હતું, પરંતુ ડાયમંડ ઉદ્યોગમાં શરૂઆતની મુશ્કેલી પછી તેજીનો માહોલ જોવા મળ્યો અને તેમાં પણ દિવાળી પછી તો હીરાઉદ્યોગના ઇતિહાસમાં આગઝરતી તેજી હોવાનું ડાયમંડ ઉદ્યોગના લોકો પાસેથી જાણવા મળ્યું છે. હીરાઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોનું કહેવું છે કે અત્યારે બજારમાં ફુલગુલાબી તેજી છે અને બધા પ્રકારના ડાયમંડની ડિમાન્ડ નિકળી છે.
અત્યારના સમયમાં હીરાનો કારખાનેદાર પણ ખુશ છે, હીરાદલાલ પણ ખુશ છે અને હીરાનો વેપારી પણ ખુશ છે કારણ કે જાડા- પતલાં બધા હીરાનો વેપાર થાય છે. બજારના જાણકારોનું કહેવું છે કે અત્યારે બીજી કોઇ સમસ્યા ન આવે તો એપ્રિલ સુધી બજારની તેજીને કોઇ વાંધો ન આવે. કોરોના મહામારી પછી દુનિયાના મોટા ભાગના દેશોમાં હવે પ્રતિબંધો હટાવી દેવામાં આવ્યા છે અને બજારો પણ ખુલી ગયા છે એટલે વિદેશમાં ડાયમંડ જવેલરીનની ડિમાન્ડ નિકળતા હીરાઉદ્યોગમાં તેજી આવી છે. રફ ડાયમંડના ભાવ વધવા છતા ડાયમંડ ઉદ્યોગમાં મોટા પાયે ખરીદી થઇ રહી છે.
સુરતનું અર્થતંત્ર મોટાભાગે બે ઉદ્યોગો પર આધારિત છે એક ડાયમંડ અને બીજું ટેક્સટાઇલ. ડાયમંડ ઉદ્યોગમાં તેજીનો મતલબ એ છે કે સુરતના અર્થંતંત્રને વેગ આપવામાં તેજી ઉપયોગી નિવડશે, કારણ કે જેટલી કમાણી વધે તેટલો ખર્ચ પણ વધે એટલે હીરાઉદ્યોગની તેજીના રૂપિયા અર્થંતંત્રમા ફરતા થશે.

ડાયમંડ સિટી મેગેઝીને સુરતના કેટલાંક વેપારીઓ પાસેથી સુરતના હીરાઉદ્યોગના અત્યારના માહોલ અને તેના કારણો વિશે જાણકારી મેળવી હતી

Pravin-Nanavati

હીરાઉદ્યોગના ઇતિહાસમાં પહેલીવાર આટલી મોટા પાયે ખરીદી જોવા મળી : પ્રવિણ નાણાવટી

હીરાઉદ્યોગમાં અત્યારે જે માહોલ છે તે બેટર કહી શકાય તેવો છે. હીરાઉદ્યોગના ઇતિહાસમાં પહેલીવાર આટલી મોટા પાયે ખરીદી જોવા મળી રહી છે. જો કે આ તેજીનો ફાયદો નાના વેપારીઓ અને જેમની પાસે મર્યાદિત ફાયનાન્સ છે તેમને ઓછો મળી રહ્યો છે, તેની સામે જે મોટા વેપારીઓછે તેમને તેજીનો ભરપૂર ફાયદો મળી રહ્યો છે. નેચરલ ડાયમંડની સાથે સાથે સિન્થેટીક ડાયમંડનું માર્કેટ પણ ઉંચકાયું છે.બજારમાં ફુલગુલાબી તેજીનું કારણ એ છે કે કોરોના મહામારીને કારણે દુનિયાભરના બજારો ઠપ્પ થઇને પડયા હતા હવે ડાયમંડ ઉદ્યોગની જયાં સૌથી વધારે ડિમાન્ડ રહેતી હોય છે તેવા અમેરિકા, યુરોપના માર્કેટ ખુલ્યા છે એટલે ડિમાન્ડ સપ્લાયના ગેપને કારણે પોલિશ્ડ ડાયમંડની ડિમાન્ડ નિકળી છે. વિદેશની જવેલરી કંપનીઓ જે પ્રકારની જવેલરીની ડિઝાઇન બનાવતી હોય છે તે મુજબ હીરાની માંગ રહેતી હોય છે, પણ અત્યારે મોટા ભાગે બધા પ્રકારના હીરા બજારમાં વેચાઇ છે.

Ashokbhai-Dhilakia

લકઝરીની દરેક આઇટમના ભાવ વધ્યા હતા માત્ર ડાયમંડના ભાવ નહોતા વધ્યા : અશોકભાઇ ધોળકીયા

હીરાના વેપારી અશોકભાઇ ઘોળકીયાએ કહ્યુ હતું કે અત્યારે હીરાબજારમાં તેજીનો માહોલ છે, કારણ કે રફ ડાયમંડ અને પોલિશ્ડ ડાયમંડ વચ્ચે ડીમાન્ડ સપ્લાયનો ગેપ ઉભો થયો છે. પોલિશ્ડ ડાયમંડની માગ છે તેની સામે રફ ડાયમંડની એટલી આવક નથી. બીજું કે કોરોના મહામારીને કારણે દુનિયાના બજારો બંધ હતા અને હવે ખુલ્યા ત્યારે મોટાભાગની લકઝરી આઇટમનો ભાવ 3થી 4 ગણાં વધ્યા હતા તેની સામે ડાયમંડના ભાવોમાં જોઇએ એટલો વધારો નહોતો થયો. હવે લકઝરી આઇટમ તરીકે ડાયમંડ જવેલરીની પણ માંગ નિકળી છે.

Kirtibhai-Shah

હીરાબજારમાં તેજી તો છે પણ સાથે રફ ડાયમંડના ઉંચા ભાવે ચિંતા પણ વધારી છે : કિર્તીભાઇ શાહ

હીરાના વેપારી કિર્તીભાઇ શાહે જણાવ્યું હતું કે જાન્યુઆરી 2021થી ફેબ્રુઆરી 2022 સુધીમાં રફ ડાયમંડના ભાવમાં 40 ટકાથી 70 ટકાનો તોતિંગ ઉછાળો જોવા મળ્યો હતો. નો ડાઉટ, અત્યારે ભારતના બજારોમાં અને વિદેશના બજારોમાં પોલીશ્ડ ડાયમંડની ભારે ડિમાન્ડ છે એટલે પોલિશ્ડ ડાયમંડના ભાવો પણ ખાસ્સા વધ્યા છે. પણ બજારના લોકોને એ વાતનો ડર છે કે બજારમાં કોઇ મોટી તકલીફ ઉભી થાય તો પોલિશ્ડ ડાયમંડના ભાવ કયાંક ઠપ્પ ન થઇ જાય. કિર્તીભાઇએ કહ્યું કે કોરોના મહામારીના સમયગાળામાં કોઇ બહાર થઇ શક્તું નહોતું એટલે રફ ડાયમંડની ખરીદી પણ શઇ શકતી નહોતી, એટલે જે કંઇ પણ જુનો સ્ટોક છે તે 10થી 15 ટકા જેટલાં મોટા વેપારીઓ પાસે જ છે. નાના વેપારીઓને તેજીનો ખાસ ફાયદો મળી રહ્યો નથી.

Manharbhai-Sutariya

એપ્રિલ મહિના સુધી હીરાઉદ્યોગમાં તેજી રહેશે એવું લાગે છે, બધા ખુશ છે : મનહરભાઇ સુતરીયા

સુરતના હીરાબજારમાં MPના હુલામણાં નામથી જાણીતા મનહરભાઇ સુતરીયાએ કહ્યું હતું કે હીરાબજારમાં અત્યારે ફુલ તેજી છે અને તેને કારણે હીરા કારખાનેદાર, હીરાદલાલ, હીરાના વેપારી બધાના ચહેરાં પર ખુશી જોવા મળી રહી છે. દિવાળી પછી બજારમાં ભારે માંગ નિકળી છે અને અત્યારે બધા પ્રકારના હીરામાં લેવાલી છે. રફ ડાયમંડની આવક ઘટી છે અને તેની સામે પોલિશ્ડમાં ડિમાન્ડ નિકળી છે. ધારો કે પહેલાં કોઇ વેપારીને 100 કેરેટ રફ ડાયમંડ જોઇતા હતા તેમને આજે 80 કેરેટ મળી રહ્યા છે. બીજી તરફ દુનિયાના બજારો ખુલ્યા છે અને પોલિશ્ડ ડાયમંડની માંગ નિકળી છે. તેમણે કહ્યું કે જે હીરાદલાલ બે વર્ષમાં પણ જેટલી કમાણી નહોતો કરતો તે આજે બેથી ત્રણ મહિનામાં જ એટલી કમાણી કરી લે છે.મનહરભાઇએ કહ્યું કે અત્યારે જે પ્રમાણે બજારનો માહોલ છે એ જોતા એવું લાગી રહ્યું છે કે એપ્રિલ મહિના સુધી તો હીરાબજારમાં તેજી રહેશે એવું લાગી રહ્યું છે. સિવય કે યુક્રેન-રશિયા બોર્ડર પર જે તનાવ ચાલી રહ્યો છે તેમાં રશિયા કઇ હુમલો કરી દે તો ટેમ્પરરી હીરાબજારની તેજી પર બ્રેક લાગી શકે.

જેમની પાસે જુનો સ્ટોક પડ્યો હતો તેઓ આ તેજીમાં માલામાલ થઇ ગયા : કલ્પેશ મોરડીયા

હીરાના વેપારી કલ્પેશ મોરડીયાએ કહ્યું હતું કે આમ તો હીરાઉદ્યોગમાં અત્યારે તેજી છે, પણ જે લોકોએ ઉંચા ભાવે રફ ડાયમંડની ખરીદી કરી છે તેમના માટે પોલિશ્ડ ડાયમંડના ભાવ સેટ થતા નથી, હવે ધીમે ધીમે પોલિશ્ડ ડાયમંડના ભાવ વધી રહ્યો છે તો કદાચ થોડા દિવસોમાં ફાયદો થઇ શકે. પરંતુ એવા લોકોને વધારે ફાયદો થઇ રહ્યો છે જેમની પાસે રફ ડાયમંડનો ઓછી કિંમતના ભાવનો સ્ટોક પડયો હતો. આવા લોકો હીરાબજારની અત્યારની તેજીમાં માલામાલ થઇ ગયા છે. કલ્પેશભાઇએ કહ્યું કે ડાયમંડ માઇનીંગ કંપનીઓએ રફ ડાયમંડનું પ્રોડકશન ઘટાડી દીધું છે એટલે રફ ડાયમંડની ભાવ ખાસ્સા વધ્યા છે એટલે જેમણે ઉંચા ભાવે રફ ખરીદી છે તેમના માટે ફાયદો ઓછો છે. તેમણે કહ્યું કે અત્યારના સમયમાં સ્ટાર મેલે ડાયમંડ અને હાઇ કવોલિટી વાળા પોલિશ્ડ ડાયમંડની માંગ વધારે છે. દિવાળી પછી માઇનસ-2 ડાયમંડની માંગ વધારે હતી. તેની સાથે દિવાળીના સમયે નીચી કવોલિટીવાળા ડાયમંડની માંગ લગભગ 6 મહિના રહી હતી. અત્યારે બધા પ્રકારના ડાયમંડમાં તેજી છે.

ઉદ્યોગની પ્રતિક્રિયા આપને કેવી લાગી ?

તમારો ઓપિનિયન અમારા માટે મૂલ્યવાન છે. તમારાં અભિપ્રાયો કે સૂચનો [email protected] પર શૅર કરજો.

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant