વિશ્વની મહાસત્તા રશિયાએ પૂર્વ યુરોપના દેશ યુક્રેન પર હુમલો કરી દીધો છે અને બનેં દેંશો વચ્ચે ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે ત્યારે સ્વાભાવિક રીતે જ માનવ ખુંવારી તો થવાની જ છે, પરંતુ સાથો સાથે વેપાર- ઉદ્યોગ પર પણ લાંબા ગાળાની અને ટુંકા ગાળાની અસરો પડી શકે. ડાયમંડ સિટીએ સુરતના જેમ એન્ડ જવેલરી સાથે સંકળાયેલા લોકો સાથે વાત કરીને એ જાણવાની કોશિશ કરી કે શું રશિયા-યુક્રેન યુદ્ધની હીરા અને ઝવેરાત ઉદ્યોગ પર કોઇ અસર પડી શકે? વર્ષે દિવસે લગભગ 2 લાખ કરોડથી વધારેનું ટર્નઓવર કરતા જેમ એન્ડ જવેલરીનો બિઝનેશ આખી દુનિયા સાથે સંકળાયેલો છે. પરતું ઉદ્યોગ સાથે સંકળાયેલા કેટલાંક લોકોનું માનવું છે કે રશિયા- યુક્રેન યુદ્ધને કારણે કોઇ અસર નહીં પડે, તો કેટલાંક વેપારીઓનું માનવું છે કે યુદ્ધ લાંબુ ચાલે તો થોડી અસર ઉભી થઇ શકે. જવેલરી ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારીનું માનવું છે કે યુદ્ધને કારણે સોનાના ભાવો લગભગ 10 ગ્રામ દીઠ 3,000 જેટલાં વધી ગયા છે અને એકસ્પોર્ટ ઓર્ડર વેઇટ એન્ડ વોચ મોડ પર આવી ગયા છે.
ડાયમંડ ઉદ્યોગ પર કોઇ અસર નહીં થાય : દિનેશ નાવડીયા
જેમ એન્ડ જવેલરી એક્સ્પોર્ટ પ્રમોશન કાઉન્સીલ (જીજેઇપીસી)ના રિજિયોનલ ચેરમેન દિનેશભાઇ નાવડીયાએ કહ્યું હતું કે રશિયા- યુક્રેનના યુદ્ધની ડાયમંડ ઉદ્યોગ પર કોઇ અસર નહીં થાય કારણ કે યુક્રેનમાં હીરાઉદ્યોગનું ઝીરો એક્સ્પોર્ટ છે. મતલબ કે આ દેશમાં ડાયમંડ નિકાસ કરવામાં નથી આવતા. બીજું કે અમેરિકાએ રશિયા પર પ્રતિબંધ મુક્યા છે અને રશિયાની ડાયમંડ માઇનીંગ કંપની અલરોઝાના રફ ડાયમંડ બજારમાં આવતા અટકી જાય તો પણ ખાસ અસર નહીં પડે કારણ કે રફ ડાયમંડ માર્કેટમાં અલરોઝાનો હિસ્સો માત્ર 7 ટકા છે.
અત્યારે અસર પડી શકે પણ યુદ્ધ પત્યા પછી તેજી આવી શકે : જીતુભાઇ ચૌધરી
બાપા સીતારામ એક્સ્પોર્ટસની જીતુભાઇ ચૌધરીએ કહ્યુ કે સામાન્ય રીતે એવું જોવા મળ્યું છે કે યુદ્ધ પત્યા પછી હીરાના બિઝનેસમાં તેજી આવી છે. અત્યારની વાત કરીએ તો હીરાની નિકાસના મુખ્ય ત્રણ દેશો અમેરિકા, હોંગકોંગ અને ચીન છે. જો આ દેશો પર અસર થશે તો હીરાઉદ્યોગ પર અસર આવી શકે છે.
બીજા દેશો જોડાશે અને યુદ્ધ લાંબુ ચાલે તો અસર થઇ શકે : જયેશભાઇ કાવથિયા (ફેન્સી)
રેઇનબો સ્ટાર ડાયમંડસના જયેશભાઇ કેવથિયા જેમને બજારમાં લોકો ફેન્સીના નામે ઓળખે છે. તેમણે કહ્યું કે છેલ્લાં દોઢ- બે વર્ષથી ડાયમંડ બિઝનેસ સારી રીતે ચાલી રહ્યો છે. બજારમાં ખાસ્સી તેજી છે, અત્યારે રશિયા સામે યુક્રેન યુદ્ધમાં એકલું લડી રહ્યું છે, પરંતુ જો બીજા દેશો પણ જોડાશે તો પછી ડાયમંડ ઉદ્યોગ પર અસર આવી શકે છે. ડાયમંડ એવો બિઝનેશ છે જેની પર દુનિયાની કોઇ પણ વાતની પહેલી અસર પડતી હોય છે. એટલે એમ કહી શકાય કે નેગેટીવ સેન્ટીમેન્ટ ઉભું થઇ શકે છે. ડાયમંડ અને ડાયમંડ જવેલરી એ લોકોની છેલ્લી પ્રાયોરિટીમાં આવતા હોય છે.
થોડી રફ શોર્ટેજ ઉભી થવાની શક્યતા લાગી રહી છે : રાજેશભાઇ મોરડીયા
મોરડીયા બ્રધ્રર્સના રાજેશભાઇ મોરડીયાએ કહ્યું કે ખાસ અસર તો ન પડે, પરંતુ રફ ડાયમંડની થોડી શોર્ટેજ ઉભી થવાની શક્યતા લાગી રહી છે. બીજું કે જો આખા વર્લ્ડના અર્થંતંત્ર પર અવળી અસર ઉભી થાય તો લોકોની ખરીદ શક્તિમાં પણ ઘટાડો આવી શકે છે.ઓવરઓલ એવું લાગી રહ્યું છે કે રશિયા-યુક્રેન યુદ્ધની બજારના સેન્ટીમેન્ટ પર અસર પડી શકે છે.
જ્વેલરીના એક્સ્પોર્ટ ઓર્ડર અટકી ગયા છે અને સોનાના ભાવ વધ્યા છે : નૈનેશ પચ્ચીગર
ઇન્ડિયા બુલિયન જવેલરી એસોસિયેશનના ગુજરાત એડવાઇઝરી બોર્ડના ચેરમેન અને એસજીસીસીઆઇની બુલિયન જેમ કમિટીના ચેરમેન નૈનેશભાઇ પચ્ચીગરે કહ્યુ કે રશિયા- યુક્રેનનું યુદ્ધ ગુરુવાર 25 ફેબ્રુઆરીથી શરૂ થયું તેના 4 જ દિવસમાં સોના-ચાંદીના ભાવ ભડકે બળી ગયા છે. સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ લગભગ 3,000 જેટલાં વધી ગયા છે એટલે લોકોને મોંઘા સોનાં-ચાંદી ખરીદવા પડશે.બીજું કે અત્યારે એક્સપોર્ટસ અટકી ગયા છે અને જવેલર્સ પણ વેઇટ એન્ડ વોચ રાખવાનું કહી રહ્યા છે. મતલબ કે જવેલરી બિઝનેસ અત્યારે વેઇટ એન્ડ વોચ મોડ પર આવી ગયો છે. ડાયમંડ જવેલરી સેગમેન્ટમાં પણ અત્યારે અનિશ્ચિતતા ભર્યો માહોલ છે. જેમ જેમ દિવસો જશે તેમ તેમ ખબર પડશે કે જવેલરી બિઝનેસ પર શું અસર
પડી રહી છે.
માર્કેટને મોટો ધક્કો તો ન લાગે પરંતુ સેન્ટીમેન્ટ પર અસર તો પડે : હરેશભાઇ નારોલા
રશિયા-યુક્રેનના યુદ્ધની ડાયમંડ માર્કેટ પર કોઇ મોટી અસર થાય એવું તો અત્યારે લાગતું નથી, પરંતુ કોઇ પણ બિઝનેસના સેન્ટીમેન્ટ પર જે રીતે અસર પડતી હોય છે તે રીતે થોડી અસર પડી શકે છે.ડાયમંડના ભાવમાં મોટો ધક્કો ન લાગે પણ બજાર થોડું અટકી જવાની શક્યતા રહી શકે છે.જો અમેરિકા કે ચીન સાથે યુદ્ધ થતે તો ડાયમંડ પર ઘણી મોટી અસર પડશે કારણ કે આ બનેં ડાયમંડના સૌથી મોટા બે માર્કેટ છે.
ખાસ અસર થાય તેવું લાગતું નથી : શૈલેષભાઇ છોટાલા
શ્રી જવેલ્સના શૈલેષભાઇ છોટાલાનું માનવું છે કે રશિયા- યુક્રેન યુદ્ધની ડાયમંડ બજાર પર ખાસ અસર ઉભી નહીં થાય પરતું થોડી બજારના સેન્ટીમેન્ટ પર અસર પડી શકે છે. આમ પણ ઘણા સમયથી ડાયમંડ માર્કેટમાં પોલિશ્ડ ડાયમંડમાં તેજી છે તો કદાચ થોડી બ્રેક લાગી શકે.