હીરાબજારનું સેન્ટિમેન્ટ અત્યારે મિશ્ર છે. અમેરિકાની રિટેલ અને હાઇ એન્ડ જ્વેલરીના મજબુત વેચાણને કારણે ડાયમંડ ટ્રેડને સપોર્ટ મળી રહ્યો છે. ચીનમાં બિઝનેસ સ્લો છે, કારણ કે ત્યાં કોરોના મહામારીએ ફરી માથું ઉચકવાને કારણે ડીલરો સાવચેતી રાખી રહ્યાં છે.
રશિયા-યુક્રેન યુદ્ધને કારણે ડીલરને અપેક્ષા છે કે રશિયન પ્રતિબંધો અછત તરફ દોરી જશે, ખાસ કરીને સ્મોલ ડાયમંડ. અમેરિકાએ રશિયન ડાયમંડ પર 35 ટકા ઇમ્પોર્ટ ડ્યૂટી નાંખી છે.
અમેરિકાના બજારનો મૂડ સુધર્યો છે. મેમો માલનું મજબૂત વેચાણ જોવા મળી રહ્યું છે. આગામી મહિનામાં મધર્સ-ડે આવી રહ્યો છે ત્યારે જ્વેલરીના વેચાણ માટે હકારાત્મક અપેક્ષા રાખવામાં આવી રહી છે.
ભારતના ડાયમંડ માર્કેટની વાત કરીએ તો વૈશ્વિક દબાણ વચ્ચે બજાર ધીમી માંગ અને કેટલાક ચુકવણીમાં વિલંબને કારણે લિક્વિડીટી પોઝિશન ટાઇટ જોવા મળી રહી છે. સુરતના હીરાઉદ્યોગની વાત કરીએ તો દિવાળી પહેલાં જબરદસ્ત તેજીનો ધમધમાટ હતો, બધાના ચહેરા ખિલેલા હતા, કારણકે પોલિશ્ડ ડાયમંડ પણ ફટાફટ વેચાઇ જતા હતા.
પરંતુ ફેબ્રુઆરી મહિનામાં રશિયાએ યુક્રેન પર હુમલો કરી દેતા ડાયમંડ માર્કેટ ઠંડુ પડી ગયું હતું. આમ જોવા જઇએ તો યુક્રેન યુદ્ધને સીધી રીતે ડાયમંડ માર્કેટ સાથે લેવા દેવા નહોતું, પણ રશિયાના તેવર જોતા વિશ્વ યુદ્ધના ભણકારાં વાગીરહ્યાં હોય તેવું લાગી રહ્યું હતું એટલે બધા વેઇટ એન્ડ વોચ મોડમાં આવી ગયા હતા.
બીજી તરફ અમેરિકા સહિતના દેશો રશિયા પર આર્થિક પ્રતિબંધ લાદી રહ્યા હતા. આ સમયગાળામાં બન્યું એવું કે રફના ભાવો ઘટયા એટલે જે લોકોએ સટ્ટો કરવાના આશયથી રફનો ધંધો ચાલું કર્યો હતો તેવા અનેક લોકો ફસાઇ ગયા હતા. આમાં મોટાભાગના લોકો એવા હતા જેઓ હીરાઉદ્યોગ સાથે સંકળાયેલા નહોતા, પરંતુ માત્ર તેજીનો લાભ લેવા માટે ઘુસ્યા હતા.
હવે આ બધી સ્થિતિ પછી અત્યારે હીરાબજારનો શું માહોલ છે એ વિશે અમે કેટલાંક વેપારીઓનો અભિપ્રાય લીધો છે. આ વેપારીઓનું કહેવું છે કે આમ તો બજારમાં વેકેશન જેવો માહોલ છે. કેટલાક લોકો દિવસમાં બે-ત્રણ કલાક પ્રોડક્શન ઘટાડી રહ્યા છે તો કેટલાક બે દિવસનું વેકેશન રાખી રહ્યા છે.
પરંતુ સારી વાત એ છે કે બજાર તેના અસલ મૂડમાં આવી ગયું છે. ધંધો થઇ રહ્યો છે. કેટલાંક વેપારીઓએ કહ્યું કે એકાદ મહિનામાં બધુ રાગે પડી જશે.
મંદી તો ન કહી શકાય, બજારમાં પોલિશ્ડ ડાયમંડ વેચાઇ રહ્યા છે : સુરેશભાઇ ચૌધરી
ડીનલ જેમ્સના સુરેશભાઇ ચૌધરીએ કહ્યું હતું કે વર્ષ 2008 જેવી મંદીનો માહોલ નથી, પોલિશ્ડ ડાયમંડ વેચાઇ છે. હા, એટલું ખરુ કે તમને જોઇતો ભાવ કદાચ ન મળે, પરંતુ ધંધો થાય છે ખરો. 2008માં તો એવી સ્થિતિ હતી કે એક હીરો નહોતો વેચાતો. અત્યારે એટલીસ્ટ ધંધો તો થાય જ છે.
પ્રોડકશન ઓછું હોવાને કારણે થોડો વેકેશન જેવો માહોલ છે. તાજેતરમાં હીરાબજારમાં જે તેજી ફાટી નિકળી હતી તેમાં નવા નિશાળિયા જ ભેરવાયા છે, બાકી હીરાઉદ્યોગમાં વર્ષોથી કામ કરતા લોકો સટ્ટામાં પડ્યા નહોતા.
પરિસ્થિતિ થાળે પડતી દેખાઇ રહી છે : નવીનભાઇ મહેતા
ડાયમંડ વેપારી નવીનભાઇ મહેતાએ કહ્યું હતુ કે, સુરતના હીરાબજારમાં અત્યારે પરિસ્થિતિ થાળે પડી રહી છે અને એવું લાગી રહ્યું છે કે એકાદ બે મહિનામાં બધુ યથાવત થઇ જશે. યુક્રેન યુદ્ધ અને રશિયા પરના આર્થિક પ્રતિબંધો પછી બજાર થોડું ઠંડુ થઇ ગયું હતું. બજારમાં અત્યારે વેકેશન જેવો માહોલ છે.
હીરાબજાર હવે ઓરીજનલ મૂડમાં આવી ગયું છે : ચેતનભાઇ મણિયા
ધ્રુવી જેમ્સના ચેતનભાઇ મણિયાનું કહેવું છે કે રશિયા- યુક્રેન યુદ્ધ હીરાબજાર માટે મેટર કરતું નથી. અત્યારે એમ કહી શકાય કે હીરાબજાર તેના અસલ મૂડમાં આવી ગયું છે. ચેતનભાઇએ કહ્યું કે છેલ્લાં 2 વર્ષના સટ્ટાને તમે છોડી દો છેલ્લાં 10 વર્ષમાં રફ ડાયમંડના ભાવ વધતા હતા અને તેની પોલિશ્ડ ડાયમંડના ભાવ વધતા નહોતા.
રફ મોંઘી થાય એટલે પોલિશ્ડ ડાયમંડ પણ મોંઘું પડે. ડાયમંડ ઉદ્યોગમાં ટેક્નોલોજી આવી પછી ડાયમંડ મેન્યુફેકચર્સ વધારે વેલ્યુ મેળવતા થયા. અત્યારે એક જ મુશ્કેલી છે કે હીરાના ધંધામાં 80 ટકા સૌરાષ્ટ્રના લોકો જોડાયેલા છે અને 20 ટકા જૈન સમાજના લોકો છે.
સૌરાષ્ટ્રના લોકો મોટાભાગે સાળા, બનેવી કે માસા, મામા એવા સંબધીઓ સાથે ધંધો કરતા હોય છે એટલે એક પ્રકારની સિન્ડીકેટ બની જાય છે. એટલે ધંધો હવે ઓપન થઇ ગયો છે, તેથી મુશ્કેલી પડી રહી છે.
મંદી તો ન કહી શકાય, બજારમાં પોલિશ્ડ ડાયમંડ વેચાઇ રહ્યા છે : સુરેશહીરાઉદ્યોગમાં અત્યારે બે-બે કલાક કામકાજના સમયમાં ઘટાડો થયો છે : નિલેશભાઇ બોડકીભાઇ ચૌધરી
હીરાના વેપારી નિલેશભાઇ બોડકીએ કહ્યું કે અત્યારે હીરાબજારમાં ઘણા કારખાનેદાર દિવસમાં બેથી ત્રણ કલાક કામકાજ ઘટાડી રહ્યા છે, કારણકે રફનો પુરવઠો ઓછો છે. તેમણે કહ્યું કે અમેરિકાએ યુક્રેન યુદ્ધને કારણે રશિયા પર અનેક આર્થિક પ્રતિબંધોની સાથે અલરોઝા ડાયમંડ માઇન્સ પર પણ પ્રતિબંધ મુક્યો છે.
નિલેશભાઇએ કહ્યું કે રશિયાની ડાયમંડ માઇન્સમાંથી સ્ટાર મેલે, પતલી સાઇઝના ડાયમંડ સહિત નંગ વાઇઝ કુલ રફ ડાયમંડ પ્રોડકશનનો 50 ટકા હિસ્સો રશિયાથી આવતો હોય છે, પરંતુ અત્યારે પ્રોડકશન ઘટી રહ્યું છે.
જ્યાં સુધી રશિયાની ડાયમંડ માઇન્સ પર પ્રતિબંધ રહેશે ત્યાં સુધી રફ પુરવઠામાં અછત રહેશે જેને કારણે પોલિશ્ડ માર્કેટમાં લાંબા ગાળે ફાયદો થઇ શકે, પરંતુ ઉદ્યોગ માટે આ સારી વાત નથી, કારણકે રફના પુરવઠા પર જ રત્નકલાકારોના પરિવાર નભતા હોય છે.