હીરાઉદ્યોગમાં દિવાળી પછી જે તેજીનો માહોલ હતો અને બજારમાં બધાનો ધંધો જોરમાં ચાલતો હતો. પણ 24 ફેબ્રુઆરી 2022ના દિવસે રશિયાએ યુક્રેન પર હુમલો કર્યો તે પછી ડાયમંડનો ધંધો સ્લો થઇ ગયો. ખાસ કરીને પોલિશ્ડ ડાયમંડમાં વેપારીઓ નીચા ભાવે માલ માંગવા માંડ્યા. રશિયા- યુક્રેન યુદ્ધને આ લખાઇ રહ્યું છે ત્યારે 51 દિવસ પુરા થયા છે અને હજુ સુધી ડાયમંડ ઉદ્યોગમાં સળવળાટ જોવા નથી મળી રહ્યો.
બીજી તરફ બજારમાં એવી અફવા પણ શરૂ થઇ ગઇ છે કે બજારમાં ધંધો ન હોવાને કારણે હીરાના કારખાનાઓમાં વેકેશન પડી રહ્યા છે. ડાયમંડ સિટી ન્યૂઝ પેપરે હીરાઉદ્યોગ સાથે સંકળાયેલા કેટલાંક વેપારીઓ સાથે બજારની રૂખ જાણવાની કોશિશ કરી હતી. અમે સવાલ પુછ્યો હતો કે અત્યારે હીરાઉદ્યોગમાં શું ચાલી રહ્યું છે અને શું વેકેશન પડવું જોઇએ?
તો મોટાભાગના વેપારીઓનું માનવું છે કે અત્યારે હીરાઉદ્યોગમાં વેકેશન પડ્યું છે એ માત્ર અફવા છે અને વેકેશન પડે તેવી કોઇ શક્યતા નથી. જો કે કેટલાંકનો મત એવો પણ છે કે હીરાઉદ્યોગના હીતમાં 15 થી 20 દિવસનું વેકેશન પડવું જોઇએ. જો કે બધા વેપારીઓમાં એક વાત કોમન હતી કે બધા રશિયા-યુક્રેન યુદ્ધના વિરામની રાહ જોઇ રહ્યા છે. જેવું યુદ્ધ બંધ થશે પછી માર્કેટ ફરી દોડવા લાગશે.હીરાઉદ્યોગ માત્ર ઠંડુ પડ્યું છે, બાકી કોઇ મુશ્કેલી નથી.
વેકેશન પડવાની કોઇ વાત નથી અને હીરાબજાર અત્યારે સ્ટેબલ છે : નાનુભાઇ વેકરીયા પ્રમુખ, SDA
સુરત ડાયમંડ એસોસિયેશનના પ્રમુખ નાનુભાઇ વેકરીયાએ કહ્યું હતું કે, અત્યારે હીરાઉદ્યોગ સ્ટેબલ છે. દિવાળી પછી જે તેજી હતી તેવી નથી, પણ બજાર સ્થિર છે. નાનુભાઇએ કહ્યુ કે, અત્યારે હીરાઉદ્યોગમાં વેકેશન પડવાની કોઇ વાત નથી. વેકેશન પાડવાનું કોઇને પોષાય તેમ પણ નથી. કારીગરોને પણ મુશ્કેલી પડી શકે. બજારમાં અત્યારે જે નવી રફો આવી છે, તેમાં પ્રીમિયમ નિકળી ગયું છે એટલે ખાસ વાંધો નથી.
કપરો સમય છે, બધાએ ખર્ચા ઓછા કરીને સાચવીને ચાલવું પડશે હજુ વેકેશન પડ્યું નથી : વિપુલભાઇ લુખી
પૃથા જવેલ્સના વિપુલભાઇ લુખીએ કહ્યુ કે, દિવાળી પછી રફના ભાવ 30થી 35 ટકા ઉછળી ગયા, પરંતુ યુક્રેન યુદ્ધ પછી પોલિશ્ડ ડાયમંડના ભાવ તુટ્યા હતા. વૈશ્વિક લેવલે જવેલરીની ખરીદી અટકી જવાને કારણે ડાયમંડ એક્સ્પોર્ટસ પર બ્રેક લાગી છે. વિપુલભાઇએ કહ્યું કે વેકેશન પડયું નથી, પરંતુ જે નાના કારખાનેદાર છે અને જેમણે નવો ધંધો શરૂ કર્યો છે તેમના મેનેજમેન્ટ ખોરવાશે. મોટા વેપારીઓનો કોઇ ફરક પડવાનો નથી, કારણકે તેમની પાસે લિક્વીડીટી પણ છે અને વેલ મેનેજમેન્ટ પણ છે.
વિપુલભાઇએ કહ્યું કે, રશિયા- યુક્રેન યુદ્ધને કારણે અમેરિકાએ રશિયા પર આર્થિક પ્રતિબંધ મુક્યા છે અને રશિયાની અલરોઝા ડાયમંડ પર પણ પ્રતિબંધ છે. એવા સંજોગોમાં રશિયાએ ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે વાત કરીને હીરાઉદ્યોગને અલરોઝાના ડાયમંડ ટેક્સ ફ્રી આપવાની વાત કરી છે. વિપુલભાઈએ કહ્યુ કે,હીરાઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોએ એક વાત સમજવી પડશે કે અત્યારે કપરો સમય ચાલી રહ્યો છે, તો ખર્ચા પર અંકુશ રાખવો પડવો પડશે અને સાચવીને ચાલવું પડશે.
લેબગ્રોનનો ધંધો જોરમાં છે અને બોર્ડની પરીક્ષા પછી હીરાઉદ્યોગમાં વેકેશન પડી શકે છે : સંજય દોંગા
સિનર્જિ ટેકનોલોજીના સંજયભાઇ દોંગાએ કહ્યું કે, બજારમાં ડર કે ગભરાટ નથી, પરંતુ બધા રશિયા-યુક્રેન યુદ્ધ પતે તેની રાહ જોઇ રહ્યા છે. અત્યારે નેચરલ ડાયમંડમાં પોલિશ્ડ ડાયમંડ માર્કેટ સ્લો છે, પરંતુ તેની સામે લેબગ્રોન ડાયમંડનું માર્કેટ જોરમાં છે. સંજયભાઇએ કહ્યું કે, અત્યારે વેકેશન પડયા નથી, પણ એવું લાગે છે કે બોર્ડની પરીક્ષા પતે પછી શાળાઓમાં વેકેશન પડશે એટલે ઘણા બધા લોકો વતનની વાટ પકડશે એટલે વેકેશન જેવો જ માહોલ ઉભો થશે. બીજુ કે એ સમયગાળામાં સૌરાષ્ટ્રમાં લગ્નસરાંની સિઝન પણ હશે એટલે લગભગ 15થી 20 દિવસ સુધી કોઇ સુરત પાછું નહી ફરે.
10 થી 15 દિવસનું વેકેશન પાડવું એ હીરાઉદ્યોગના હીતમાં છે, પણ બધાને ડર છે : હર્ષદભાઇ નાવડીયા
પ્રાઇમ ડાયમંડ ટૂલ્સના હર્ષદભાઇ નાવડીયાએ કહ્યું હતું કે, અત્યારે સુરત, ભાવનગર કે મહુવા કયાંય પણ વેકેશન પડયું નથી. માત્ર વાતો ચાલે છે.પણ મારું માનવું છે કે પોલિશ્ડ ડાયમંડનો ભરાવો થયો છે એટલે 10-15 દિવસનું વેકેશન પાડવું હીરાઉદ્યોગના હીતમાં છે. જો કે આટલી મોટી ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝમાં બધા એકસાથે ભેગા મળીને વેકેશન પાડે તે શક્ય પણ નથી.કારણકે બધાને ડર લાગે કે આપણે વેકેશન પાડીશું અને જયાં કારખાના ચાલું હશે ત્યાં કારીગરો ચાલ્યાં જશે, તે પાછા આવવા મુશ્કેલ પડે. હર્ષદભાઇએ કહ્યું કે, જેમ શેરબજારમાં ધમધોકાર તેજી હતી અને પછી બજાર ક્રેશ થઇ ગયું હતું તેમ હીરાઉદ્યોગમાં પણ બન્યું છે. દિવાળી પછી રફના ભાવમાં તેજી હતી, પણ હવે પ્રીમીયમ બોલાતા નથી અને નવી રફનો ભાવ વધ્યો પણ નથી.
માહોલ થોડો ખરાબ છે, પણ સુરતની હીરાઉદ્યોગમાં વેકેશન ન પડે : અશ્વીનભાઇ સાકરીયા
હીરાના વેપારી અશ્વીનભાઇ સાકરીયાએ કહ્યુ હતું કે, હીરાબજાર અત્યારે ઠંડુ છે અને રફના ભાવ 5થી 6 ટકા નીચે આવ્યા છે, પણ તેની સામે પોલીશ્ડ ડાયમંડના ભાવ 15થી 20 ટકા નીચે બોલાઇ રહ્યા છે. રશિયા- યુક્રેન યુદ્ધ પછી આમ તો બજાર ઠંડુ જ હતું, પણ છેલ્લાં 15 દિવસથી વાતાવરણ બગડ્યું છે. અશ્વીનભાઇએ કહ્યું કે, સુરતના હીરાઉદ્યોગમાં વેકેશન પડવાની કોઇ શક્યતા દેખાતી નથી.
ઉદ્યોગની પ્રતિક્રિયા આપને કેવી લાગી ?
તમારો ઓપિનિયન અમારા માટે મૂલ્યવાન છે. તમારાં અભિપ્રાયો કે સૂચનો [email protected] પર શૅર કરજો.