વિશ્વની મોંઘી ચીજવસ્તુઓના ઉત્પાદન માટે જાણીતી જેકબ એન્ડ કંપની વધુ એક આલીશાન ચીજ લઈને આવી છે. આ વખતે કંપનીએ હીરા જડિત ઘડિયાળ બનાવી છે. આ ઘડિયાળ દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ હોવાનો કંપનીએ દાવો કર્યો છે.
આ ઘડિયાળની ખાસિયત એ છે કે તેમાં સંખ્યાબંધ પીળા હીરા છે. તે ઉપરાંત તેમાં દુર્લભ રત્નો જડવામાં આવ્યા છે. પહેલી નજરે જોતાં ઘડિયાળ સોના-હીરા જડિત બંગડી જેવી દેખાય છે, પરંતુ તે ખરેખર એક આકર્ષક અને અદ્દભૂત ઘડિયાળ છે.
સ્વિત્ઝરલેન્ડના જીનીવામાં યોજાનારા એક એક્ઝિબિશનમાં આ ઘડિયાળને લૉન્ચ કરવામાં આવશે. તેની કિંમત 20 મિલિયન ડોલર એટલે કે 164 કરોડ રૂપિયા નક્કી કરવામાં આવી છે. આટલી મોંઘી ઘડિયાળ કોણ ખરીદશે તે એક સવાલ છે. કારણ કે આટલા રૂપિયા એટલે કે 164 કરોડ રૂપિયામાં તો 10 વીઆઈપી હેલિકોપ્ટર ખરીદી લેવાય. એક હેલિકોપ્ટરની કિંમત 16 કરોડ હોય છે.
આ ઘડિયાળની આટલી બધી કિંમત મૂકવામાં આવી તેની પાછળ કારીગરોની સખ્ત મહેનત અને ઘડિયાળ બનાવવા માટે તેમાં ઉપયોગમાં લેવાયેલા દુર્લભ રત્નો છે. આ ઘડિયાળમાં જે ડાયમંડ અને સ્ટોન જડવામાં આવ્યા છે તેને પોલિશ્ડ કરી ઘડિયાળમાં મૂકવા પાછળ 3 વર્ષનો સમય લાગ્યો છે.
કંપની અનુસાર ફૅન્સી યલો અને ફેન્સી ઈન્ટેન્સ યલો રંગના 425 હીરાથી ઘડિયાળનું ડાયલ તૈયાર કરવામાં આવ્યું છે. તે ઉપરાંત ઘડિયાળના અન્ય અંદરના ભાગોમાં 57 હીરા જડવામાં આવ્યા છે.
કંપનીના સીઈઓએ કહ્યું કે આ ઘડિયાળમાં જડવામાં આવેલા સ્ટોન શોધવા માટે આખાય વિશ્વમાં શોધ ચલાવવામાં આવી હતી. તેની પાછળ સાડા ત્રણ વર્ષનો સમય લાગ્યો હતો. તમામ સ્ટોનને જીનીવાના હેડક્વાર્ટરમાં ભેગા કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ દરેક સ્ટોન ચેક કરવામાં આવ્યા હતા. લેબોરેટરીમાં તે ચેક કરાયા હતા. ત્યાર બાદ ઘડીયાળનું કામ શરૂ કરાયું હતું. હવે તે તૈયાર છે.
જોકે, કંપનીએ કહ્યું કે, એવું નથી કે પહેલીવાર કોઈ આવી મોંઘી ઘડિયાળ બનાવાઈ છે. આ પહેલાં કંપનીએ હીરા જડિત એક ઘડિયાળ 2015માં બનાવી માર્કેટમાં લૉન્ચ કરી હતી, જેની કિંમત 18 મિલિયન ડોલર હતી. તે ઉપરાંત જૈકબ એન્ડ કંપનીની જેમ જ ગ્રાફ ડાયમંડ્સ કંપની વિન્ટેજ ઘડિયાળ બનાવે છે, તેની કિંમત પણ કરોડોમાં હોય છે.
______________________________________________________
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM