DIAMOND CITY NEWS, SURAT
અમેરિકામાં રહેતી Cherish Nortez નામની મહિલાએ પોલીસ સ્ટેશનમાં જયપુરના એક ઝવેરી વિરુદ્ધ કેસ નોંધાવ્યો છે. ફરિયાદમાં રામા રોડિયમ જ્વેલર્સના રાજેન્દ્ર સોની અને તેના પુત્ર ગૌરવનું નામ નોંધવામાં આવ્યું છે. મહિલાનો આરોપ છે કે તેને 6 કરોડ રૂપિયાની જ્વેલરી હોવાનું કહીને માત્ર 300 રૂપિયાની સ્ટોન સાથેની જ્વેલરી આપીને છેતરપિંડી કરી છે.
દેશ કે સંસ્કૃતિ કોઈ પણ હોય, જ્વેલરી પ્રત્યે મહિલાઓનો પ્રેમ જાણીતો છે. ઘણી મહિલા ઘરેણાં પહેરવાની શોખીન હોય છે અને ઘણા લોકો તેની સંપત્તિ વધારવા માટે તેનો ઉપયોગ કરે છે. પણ એવો ઠગ લોકો હોય છે જે સાચા ડાયમંડ કે સાચું સોનું બતાવીને ફેક વસ્તુ પધરાવીને ગ્રાહકો સાથે છેતરપિંડી કરતા હોય છે. જયપુરના ઝવેરીએ અમેરિકાની મહિલાને નકલી જ્વેલરી વેંચી હતી તે પણ સર્ટિફિકેટ સાથે. હવે સ્વાભાવિક છે કે જ્યારે તમને સર્ટિફિકેટ સાથે જ્વલેરી આપવામાં આવતી હોય તો ગ્રાહક શંકા કરવાનો જ નથી. જયપુરના આ જ્વેલરે માત્ર 300 રૂપિયાના દાગીનાને 6 કરોડમાં વેંચી દીધા હોવાના કિસ્સાએ જેમ એન્ડ જ્વેલરી ઉદ્યોગમાં ભારે ચકચાર મચાવી દીધી છે.
વાત એમ બની હતી કે અમેરિકામાં રહેતી ચેરીશે જયપુરના રાજેન્દ્ર સોની પાસેથી એક જ્વેલરી ખરીદી હતી અને એ પછી ચેરીશ અમેરિકા ચાલી ગઇ હતી. ચેરીશે અમેરિકામાં જ્યારે એક એક્ઝિબિશનમાં આ જ્વેલરી બતાવી તો ખબર પડી કે આ તો નકલી જ્વેલરી છે અને તેની કિંમત માત્ર 300 રૂપિયા છે. ચેરીશ આ જાણીને ફસડાઇ પડી હતી અને તેણીએ જયપુર આવીને ઝવેરી રાજેન્દ્ર સોની અને તેના પુત્ર ગૌરવ સોનીને વાત કરી હતી. તો બંને પિતા-પુત્રએ ચેરિશને દુકાનમાંથી ધક્કા મારીને કાઢી મુકી હતી. જ્યારે ચેરીશે જયપુરમાં માણેક ચોક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી તો રાજેન્દ્ર સોની અને ગૌરવ સોનીએ ઉલટાં ચોર કોતવાલ કો ડાંટે જેવો ઘાટ કર્યો હતો. રાજેન્દ્ર સોનીએ પોલીસમાં ફરિયાદ કરી કે અમેરિકન મહિલા અમારી દુકાનમાંથી ઘરેણાં ચોરી ગઇ હતી. પોલીસે દુકાનના CCTV તપાસ્યા તો રાજેન્દ્ર સોનીની પોલ ખુલી ગઇ. ચેરીસે પુરું પેમેન્ટ આપીને જ્વેલરી ખરીદી હતી. બીજી તરફ પોલીસે આ ઘરેણાંને ચકાસણી માટે મોકલ્યા તો સાબિત થઇ ગયું કે તે નકલી ઘરેણાં હતા. પોલીસે કહ્યું કે, ઘરેણાં 9 ગ્રામ સોનાને બદલે માત્ર 2 ગ્રામ જ સોનું હતું.
પોલીસે નકલી સર્ટિફિકેટ બનાવનાર નંદકિશોરની ધરપકડ કરી લીધી છે, પરંતુ રાજેન્દ્ર સોની અને ગૌરવ સોની ફરાર થઇ ગયા છે. પોલીસે બંને પિતા-પુત્રને પકડવા માટે રેડ કોર્નર નોટીસ જારી કરી છે.
જાણવા મળેલી વિગત મુજબ રાજેન્દ્ર સોની અને ગૌરવ સોનીનો આ રીતે છેતરપિંડી કરવાનો રીતસરનો ધંધો કરતા હતા અનેક લોકો સાથે તેમણે ઠગાઇ કરી છે. ચેરીશના પૈસાથી રાજેન્દ્ર સોનીએ જયપુરમાં એક ફ્લૅટ પણ ખરીદી લીધો છે.
ડાયમંડ અને ગોલ્ડ એવી કિંમતી ધાતુઓ છે જેમાં વિશ્વાસ જ મુખ્ય બાબત છે, કારણ કે હીરાની વૅલ્યુ કે સોનાની શુદ્ધતા વિશે ગ્રાહકોને જાણકારી હોતી નથી એટલે પારદર્શિતા લાવવા માટે હવે ડાયમંડ જ્વેલરી કે ગોલ્ડ જ્વેલરીની સાથે સર્ટિફિકેટ આપવામાં આવે છે, જેથી ગ્રાહકને વિશ્વાસ આવે. પરંતુ આવા એકાદ બે લેભાગુઓને કારણે આખો ઉદ્યોગ બદનામ થઇ જાય છે.
______________________________________________________
Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp