ભગવાન બુદ્ધ એક જંગલમાંથી પસાર થઈ રહ્યા હતા. દિવસ તપી રહ્યો હતો. સૂર્ય મધ્યાહ્ને હતો. તેમને તરસ લાગી તો તેમણે પોતાના શિષ્યને કહ્યું કે થોડી વાર પહેલાં આપણે જે ઝરણાં પાસેથી પસાર થયા હતાં, ત્યાંથી પાણી ભરી લાવ.
આનંદ ત્યાં પાછો ગયો પાણી લાવવા, પરંતુ ઝરણું ખૂબ નાનું હતું. જ્યાંથી હમણાં – હમણાં થોડીક બળદગાડીઓ પસાર થવાથી ઝરણું ગંદુ થઈ ગયું હતું.
પાણી હલબલી ગયેલું અને ડહોળું થઈ ગયેલું, કાદવ ઉપર આવી ગયો હોવાથી હવે પાણી પીવાલાયક રહ્યું ન હતું. આનંદે વિચાર કર્યો કે આ પાણી તો પીવા જેવું નથી એટલે એ પાછો ફરી અને તેણે ભગવાન બુદ્ધને વિગતવાર વાત સમજાવી.
વળી આનંદે કહ્યું કે મને આગળ બાજુ જવાની આજ્ઞા આપો, ત્યાં મોટી નદી છે, ત્યાંથી હું તમારે માટે સ્વચ્છ પાણી ભરીને લાવી આપીશ પણ ભગવાન બુદ્ધે કહ્યું કે તું એ ઝરણાં પાસે જ ફરીથી જા અને ત્યાંથી પાણી લાવ.
આનંદ કમને પાછો ફર્યો. બુદ્ધના કહેવાથી તેને જવું તો પડ્યું પણ એ જાણતો હતો કે ઝરણાંનું પાણી પીવા યોગ્ય નહીં જ હોય ને તેણે ધરમનો ધક્કો ખાવો પડશે, જેવું કે આપણે સૌ પણ જાણતા જ હોઈએ છીએ અને ખરેખર આનંદ ઝરણાં પાસે આવ્યો ને તેણે જોયું કે મેં સાવ ખોટો સમય વેડફ્યો!
જેવું કે આપણને પણ લાગે જ. કારણ કે ઝરણાંમાંથી કાદવ હજુ વહેતો હતો ને પાણી અશુદ્ધ જ હતું. એ પાછો ફરતો હતો, ત્યારે તેણે વિચાર કર્યો બુદ્ધે નાહક જીદ કરી, એ પાછો ફર્યો અને બુદ્ધને કહ્યું કે ઝરણાંનું પાણી તમારે પીવાને અનુકૂળ નથી. ભગવાન મને નદી સુધી જવાની આજ્ઞા આપી દો ને!
ભગવાન ફરી બોલ્યા કે આનંદ જવું તો તારે પાછું ઝરણાં સુધી જ પડશે. તું પાછો ફર, પાણી તો ત્યાંથી જ મળશે. હવે આનંદ ત્રીજી વાર જવા ચાલ્યો (આપણે જઈએ?!)
છેવટે આનંદ ઝરણાં પાસે પહોંચ્યો તો ઝરણું સાવ નિર્મળ જળથી ખળખળ વહ્યે જ જતું હતું. બધા કાદવ-કીચડ ક્યાંય ધોવાઈ ગયો હતો.
સૂકાં પાંદડાઓ વહી ગયા હતા. પાણી વિશુદ્ધપણે ભેખડો ચીરી રહ્યું હતું. આનંદ પાણીની પાવનધારા જોઈ પ્રસન્ન થઈ ગયો. તેણે પાણી ભર્યું ને તથાગત પાસે લઈ ચાલ્યો.
આવીને તેણે ભગવાન બુદ્ધના ચરણમાં બેસીને કહ્યું, “આપની શિખવાડવાની રીતે અદ્દભુત છે. આજે તમે મને એક મહાન પાઠ ભણાવી દીધો. કંઈ પણ નિત્ય નથી રહેતું. બધું સતત બદલાયા કરે છે. બસ ધૈર્ય જોઈએ, પ્રતિક્ષા જોઈએ, સમતા જોઈએ, સ્વીકાર જોઈએ.”
ભગવાન બુદ્ધ આનંદને ત્રણ વખત ઝરણાં સુધી મોકલીને એક પાઠ શીખવ્યો, પ્રતિક્ષા જોઈએ, સમય જરૂર બદલાય છે, કશું સ્થિર નથી રહેતું.
અહીં પાણી જ નથી વહી રહ્યું, પ્રત્યેક પળ પણ વહી રહી છે અને બદલાતી જતી દરેક ક્ષણ સાથે બીજું ઘણું બધું બદલાઈ રહ્યું છે. માણસ પાસે પોતાનું જે ઝરણું હોય એ વહેતું જ રહેવાનું છે.
અત્યારે તેમાંથી જે પસાર થઈ રહ્યું હોય, અત્યારે તેમાં કકળાટ, કલેશ, ઈર્ષા, ક્રોધ, ઉદાસીનતા, નિરાશા, નારાજગી, આક્ષેપો, લાચારી, મજબૂરી, પીડા, મુશ્કેલી, પરેશાની, બેચેની, સમસ્યા, ઉધામા, અશાંતિ, દુઃખ, દર્દ કે જે કાંઈ વાંધાજનક પસાર થઈ રહ્યું હોય એ રોકાયેલું નથી, થંભી ગયેલું નથી, અટકી ગયેલું નથી, ચક્કાજામ નથી એ સરકી રહ્યું છે!
ઝરણાંમાં જેમ કાદવ ધોવાઈ જવાનો છે તેમ આ બધા વાંધવચકા ધોવાઈ જવાના છે, પાણીને સ્વચ્છ થવાનું છે તો થવાનું જ છે! આનંદ જ્યારે બીજીવાર પાણી પાસે જઈ રહ્યો હતો ત્યારે તેણે દલીલ કરી હતી કે શું હું ઝરણાંના પાણીને સ્વચ્છ કરવા માટે હાથપગ મારી શકું? કાંઈ કરી શકું?
ક્યારેક ભાવનાત્મક પરિસ્થિત એટલી હદે ગૂંચવાઈ ગઈ હોય છે કે કોઈ તાર તાણ્યો તણાય એમ હોતો નથી, ત્યારે બસ શાંતિથી, ધૈર્યપૂર્વક, સમતાથી પ્રતિક્ષા કરવામાં જ ભલાઈ છે!
શક્ય છે કે દોર ખેંચવા જતા તૂટી જાય, એક સાંધવા જતાં ત્રણ ભાંગી જાય પણ મૌન પ્રતિક્ષા કશું ભાંગવા-તૂટવા નથી દેતી. મૌન શાંતિપૂર્ણ, સૌહાદપૂર્ણ, વહાલપૂર્ણ હોવું એ અનિવાર્ય છે.
રીસભરી ખટાશવાળી બોલચાલ બંધની અહીં વાત નથી. એ તો વહેતા ઝરણાંમાં તાણી-તાણીને પથરાં નાંખવા જેવું થયું ગણાય! જે કદિયે પાણીને શાંત-સ્થિર ન થવા દે. બલ્કે ઘડીયે વારે નવા વમળ જગાવે.
તેમાં પ્રસન્નતાનું કમળ કેમ કરીને ખીલે?! અત્યારે તો પરિસ્થિતિને સ્વીકારી લેવાની છે, જેવી છે તેવી. જે તથ્ય છે, તે સ્વીકાર છે, તેવો ભાવ કેળવવાનો છે. દુઃખ છે તો છે, ભોગવવાનું છે તો ભોગવવાનું જ છે.
છટકબારી નથી શોધવાની તો નથી જ શોધવાની. આ દુઃખ મારા ગજાનું છે તે શ્રદ્ધા રાખવાની છે તો રાખવાની જ છે. હિંમત ટકાવવાની છે તો ટકાવવાની જ છે. સમય વહેવાનો છે તો વહેવાનો જ છે, એ જાણી રાખવાનું છે, તો જાણી જ રાખવાનું છે!
બુદ્ધના સમગ્ર ઉપદેશ-જ્ઞાનનો સાર છે – કશું જ સ્થાયી નથી – બધું અનિત્ય છે. જીવન એક પ્રવાહ છે. આ પ્રવાહમાન જીવનમાં શાશ્વત તત્ત્વ એક શાંતિ જ છે.
એ શાંતિની ખોજની ગુરૂચાવી સમતામાં છૂપાયેલી છે અને સમતાને સિદ્ધ કરવા માટે ધૈર્ય અને પ્રતિક્ષાની કેળવણી જરૂરી છે. તો બ્લુ લોટ્સ જરૂર ફળે છે, મળે છે!
સમય કે સંજોગો ગમે તેવા વિપરીત કે દુઃખદાયી કેમ ન હોય, રૂપાંતરણ પ્રતિક્ષા થકી જ આવે છે.
વિસામો
જો મુશ્કેલીમાં એ યાદ રહે કે
આ સમય પણ પસાર થઈ જશે
કારણ કે સમય પસાર થઈ જ રહ્યો છે
તો દુઃખ રહે ખરું પણ લાગે ઓછું!