એક યુગલ હતું, વહાલા પ્રેમી પંખીડા જેવું પણ રેયાનને હંમેશા એમ લાગ્યા કરતું કે તે વિશેષ ખૂબસૂરત નથી. એ બહુ દેખાવડી લાગતી નથી બસ આ તો તેનો પ્રેમી મુરાન જ છે કે તે તેની પ્રસંશા કર્યા રાખે છે, વાસ્તવમાં હું એવી કંઈ નાર નવેલી નથી. તે લગભગ રોજે જ એવા કોઈ ઓરનામેન્ટ્સ કે એસેસરીની શોધ કર્યા કરતી કે જેના વડે તે અત્યંત સ્વરૂપવાન જણાય.
એક દિવસ જ્યારે રેયાનનો જન્મ દિવસ હતો, બીજી એક મજાની પાર્ટી પણ અને ઓફિસમાં ફંક્શન પણ ત્યારે સવારે તેનો અચાનક શોપિંગનો મૂડ થયો તેનો પ્રેમી મુરાન તેને એક સ્ટોરમાં લઈ ગયો મોડું થતું હોવાથી મુરાને કહ્યું કે હું કારમાં બેસુ છું, તું ફટાફટ કંઈક લઈ લેજે, તારા માટે.
રેયાન એ મોટા સ્ટોરમાં ગઈને તેણે શોધતા-શોધતા એક સરસ મજાની કેપ જોઈ જે તેના વસ્ત્રો અને શણગાર સાથે મેચીંગમાં લાગતી હતી ને વળી, હતી પણ સાવ હળવી ફૂલ. તેનો તેને ભાર જ જણાયો નહીં. તેણે સેલ્સમેનને પૂછ્યું કે આ કેપ મારા પર કેવી લાગે છે? સેલ્સમેને દિલથી તારીફ કરી. એણે બીજું પણ ઘણું જોયું પણ કેપથી વધારે તેને શેનાય સેટિટફેક્શન લાગ્યું નહીં. તેણે કેપને કાઉન્ટર પર મૂકી હતી પછી ઉતાવળે તેણે પેમેન્ટ ચૂકવ્યું ને પછી સ્ટોરરૂમમાંથી અત્યંત ખુશી સાથે તે બહાર આવી કે આજે તેને એવું કંઈક સ્પેશિયલ મળી ગયું છે જેના કારણે તે અતિશય રૂપાળી દેખાઈ રહી છે, રેયાન આજે જેટલી ખુશ હતી, પહેલાં ક્યારે ન હતી. એ ફ્રૉક ઝુલાવતી નાના બાળકની જેમ ખુશ થતી મુરાનની કારમાં આવી બેસી ગઈ. મુરાને તેની સામે જોયા વગર જ કાર હંકારી મૂકી. બંને પહેલા એક ફંક્શનમાં જવાના હતા, બિલ્કુલ નાનું એવું ગેટ ટુ ગેધર હતું. રેયાનએ છણકો કર્યો, ” જો તો, જોતો પણ નથી કે મેં આજે એ વસ્તુ શોધી જ કાઢી કે મારું રૂપ પણ ઝગમગી ઉઠે! છતાં તું તો મારી જરાય પ્રસંશા કરતો નથી, કે નથી સામુ જોઈ કોઈ ઈશારા કરતો. તમે પુરુષો એવા જ હોવ છો, પ્રેમીકા ન મળે બસ ત્યાં સુધી જ રૂપાળા-રૂપાળા વાક્યો બોલો છો! પછી કંઈ નહીં! ટ્રાફિક હતો છતાં મુરાને તેની સામે જોયું રેયાન બોલી “મારી કેપ બ્યૂટીફૂલ છે ને ?” રેયાનએ કહ્યું, ” મારી મનગનતી વસ્તુ તરીકે મને આ કેપ મળી છે. સેલ્સમેન કહેતો હતો કે મારા પર તે ખૂબ શોભે છે, તું જો તો તને ખબર પડે ને…” પ્રેમીએ નજર કરી, એ જરાક મલકાયો અને બોલ્યો, ” અરે! વાહ તો અંતે તો તને એ વસ્તુ જડી જ ગઈ, જેને કારણે તું હવે સર્વાંગ સુંદરી લાગે છે.”
રેયાન ખુશખુશાલ થઈ ગઈ. તેઓ ફંક્શનમાં ગયા, પ્રેમી જરાક આગળ હતો, તેણે સૌને જણાવ્યું કે ” જુઓ આજે મારી લવર તેની કેપને કારણે કેટલી સુપર્બ લાગે છે.” ફંક્શનમાં હાજર દસ-બાર જણાએ પણ તે છોકરીની ખૂબ પ્રશંસા કરી.
રેયાન સ્વભાવે મળતાવડી, નિખાલસ અને હ્રદયની ભીનાશવાળી છોકરી હતી. એક સ્ત્રીમાં હોવા જોઈએ એવા ગુણો તેનામાં સુપેરે હતા, પણ એ જ લઘુતા ગ્રંથિમાં એ ગાયા કરતી કે પોતે હોવી જોઈએ તેટલી રૂડી-રૂપાળી નથી. અને આજે એ કસર પણ પૂરી થઈ ગઈ, તેવું તેને લાગતું હતુ, માટે તે ધાર્યા કરતા ક્યાંય વધારે હસતી હતી, ખુશખુશાલ જણાતી હતી.
ફંક્શન પછી બંન્ને જણા રેયાનના ઘરે ગયા. પ્રેમીએ ડોરબેલ ખખડાવી અને રેયાનની માને જણાવ્યું. ” આજે આ છોકરી કેટલી રમણીય દેખાય છે ! કેપ ખરેખર મસ્ત મજાની છે, હેને?” મા પણ રાજીરાજી થઈ ગયા કારણ કે તેમની દિકરીની ખુશીનો આજે કોઈ પાર ન્હોતો. તેમણે પણ રેયાનની કેપ વિશે સરસ સરસ કમેન્ટ્સ કરી.
રેયાન અને મુરાન એ પછી ઓફિસે ગયા, કાંઈક નવા આવનારા સી.ઈ.ઓ.ની વેલકમ પાર્ટી હતી ત્યાં પણ એ જ બન્યું. સૌએ કેપના ખૂબ વખાણ કર્યા અને મુરાનને જણાવ્યું કે આજે તારી પ્રેમિકાનો આત્મવિશ્વાસ ટેંક ફૂલ છે. તે જાણે થનગની રહી છે અને છોકરી તો જાણે સાતમા આસમાને હતી, નજીવી કિંમતમાં મળેલી હળવી ફૂલ માત્ર એક કેપના કારણે.
રાત્રે બંને જણા પોતપોતાના ઘરે જવા ગયા ત્યારે રેયાનની મુરાને કહ્યું, “હવે તું આ કેપ સાચવીને મૂકી દેજે, જોજે એ ક્યાંય ખોવાય નહીં, તેના કારણે તારું રૂપ અદ્વિતીય લાગી રહ્યું છે.” છોકરી તો શરમથી સફરજન જેવી લાલ થઈ ગઈ. તેણે પોતાની ચાવીથી ઘરનો ડોર ખોલ્યો ને અંદર આવીને જોયું તો તેની મા સૂઈ ગઈ હતી. રેયાન પોતાના કમરામાં ગઈ તેણે પોતાનુ પર્સ બેડ પર ફેક્યું, સેન્ડલ ઉતાર્યા, વોચ કાઢીને લગભગ ફેંકી આજ તો તે ઝૂમતી હતી, એટલે બેફિકરી થઈ ફરતી હતી છેલ્લે તેને થયું કે લાવને એકવાર ફરી આઈનામાં જોઈ લઉ સવારે તેણે કેપ સાથે પોતાને અરીસામાં જોઈ હતી. પછી આખો દિવસ તો જાણે પવનથી પાલખી પર પસાર થઈ ગયો. તેને થયું સૂતા પહેલા એકવાર ફરી પોતાને દર્પણમાં નિહાળી લઇને એ આવીને મીરર સામે ઊભી પણ આ શું તેના માથા પર તો કેપ જ ન્હોતી! એ છેક અંદર સુધી કંપી ગઈ કે મારી કેપ ક્યાં ગઈ?! હજુ પાંચેક મિનિટ પહેલાં તો તેની તારીફમાં તેના દિલબર કહેલું કે આને સાચવીને રાખજે, ખોઈ ન બેસતી તો આટલી વારમાં કેપ ક્યાં ખોવાઈ ગઈ હશે?! એ રડમસ થઈ ગઈ, કોને પૂછે ઘર બંધ કરીને એ પાછી ગઈ છેક કાર સુધીના રસ્તે તેણે જોયા કર્યુ. કોઈ કેપ ત્યાં તેને ન દેખાઈ. ત્યાં કોઈ માણસ પણ ન્હોતો, એ હવે શું કરે? તેનાથી રડી પડાયું એ ઘરે પાછી આવી. હવે સૂઈ જવા સિવાય તેની પાસે કોઈ વિકલ્પ ન્હોતો.
એ મોડે સુધ કેપ વિશે વિચારતા જાગતી રહી ને અર્ધી રાત વીત્યા બાદ તેને માંડ ઊંઘ આવી. સવારે એ જાગી ત્યારે પણ ચિંતિત જ હતી. ફ્રેશ થઈને બાહર આવી ત્યારે તેનો પ્રેમી મુરાન તેના ઘરે આવી બેઠેલો જોયો, તે તેને ઓફિસ લઈ જવા રોજ આવતો પણ નીચેથી જતો રહેતો, આજે તે ઉપર તેના ઘરે આવેલો હતો. તેને જોતોવેંત રેયાન તેને વળગી પડી, અને રડતા-રડતા જ તેણે કેપ ખોવાયાની વાત મુરાનને કરી દીધી. મુરાન તેનો વાંસો પસવારતા તેને ચૂપ કરાવવા લાગ્યો.
એટલામાં રેયાનના મમ્મી આવ્યા ને બોલ્યા, “કેવી કેપ ને કેવી વાત?! તારા માથા પર તો કોઈ કેપ હતી જ નહીં…” રેયાન એકદમ સરપ્રાઈઝ થઈ મુરાન સામે જોવા લાગી કે મારી મમ્મી આ શું બોલે છે?!
ત્યારે મુરાને જણાવવા લાગ્યો કે, “આ વાત સાચી છે. સવારે કેપ ખરીદતા પહેલા તે કેપ પહેરી હશે પણ તું કારમાં આવીને બેઠી ત્યારે તારા માથા પર કોઈ કેપ ન્હોતી!
પ્રેમિકાને તો જાણે આંચકો લાગ્યો એ ઝડપભેર બોલી ગઈ, “તો દિવસભર જુદી-જુદી જગ્યાએ, જુદા-જુદા લોકોએ મારી કેપના અને મારા વખાણ કર્યા તે ખોટા હતા, એ શું હતું ?!
પ્રેમી યુવક ખૂબ મેચ્યોર હતો તેણે તેને બંને ખભા પકડી સોફા પર બેસાડતા કહ્યું, “ડિઅર ! તું જેવી છે એવી જ અમેઝિંગ છે, ખૂબસૂરત છે, કોઈને ગમી જાય એવી છે. તારે કોઈ વિશેષ એસેસરી કે વસ્તુની જરૂર નથી. ફક્ત તારે તો તારામાં વિશ્વાસ રાખવાની જરૂર છે. તું મને ગમે તેવા વસ્ત્રો કે બનાવ-શૃંગારથી પણ અત્યંત પ્રિય છે.”
રેયાનના મમ્મીએ પણ હોંકારો પૂરાવતા કહ્યું, ” કોઈ વસ્તુઓ તમને સુંદર બનાવતી નથી, તમને જે ચાહે છે તેનો પ્રેમ જ તને સુંદર બનાવી મૂકે છે, આ માણસ સાચું કહે છે કે તું તારામાં ભરોસો રાખ કે તું જેવી છે, અમને સૌને ગમે છે.”
રેયાન ધીમે મરકી ઉઠી અને બોલી, ” કે જે કેપ મેં પહેરી જ ન્હોતી, તે મારા પર કેટલી સ્યૂટ કરે છે તેમ જ્યારે તેમે સૌ મને કહેતા હતા ત્યારે મારા પગ ધરતી પર ન્હોતો રહેતા, હું આસમાનમાં ઉઠતી હતી કે મને મારા અધૂરાપણાંને પૂર્ણ કરનારું કંઈક મળી ગયું છે… આ વિચાર જ મને ભીતરથી આવતો હતો, પણ હવે હું તમારી બધાની ચાલબાઝી સમજી ચૂકી છું અને જાણી ચૂકી છું કે હું સાચ્ચે જ ખૂબસૂરત છું, એકદમ બ્યુટીફુલ છું.”
સૌએ ખાધું, પીધુંને રાજ કર્યુ, એ ઘાટ થયો.
-x-x-x-x-x-x-x-x-x-x-x-x-x-x-
કલ્પનાને નથી ખબર કે આ વાર્તા સાચી છે કે લેખકની કલ્પના? પણ એટલી ખબર છે કે લઘુતાગ્રંથિ માણસને ધીમેધીમે અંદરથી ખતમ કરી નાખે છે ને માણસ ખુવાર થતો જાય છે. પણ જો માણસને સાચો પ્રેમ હોય તો ગમે તેવી અગવડો અને અભાવો વચ્ચે પણ માણસ ખુશખુશાલ અને સંતોષવાન બની રહે છે.
માણસ પાસે શું છે, અને શું નથી એ બાબત કરતા મહત્વપૂર્ણ એ છે કે કાંઈ હોવાથી કે કાંઈ ન હોવાથી તેનો પોતાનો હેપ્પીનેસ ઈન્ડેક્સ કેટલો ઊંચો રહે છે!
આ વાર્તામાં પ્રેમી યુવતીની જે સ્થિતિ છે તે લગભગ દરેક વ્યક્તિની મનોસ્થિતિ છે કે જે નથી તેના પર જ નજર છે, જે છે તે કેટલું પૂરતું છે તે દેખાતું નથી. પરંતુ જો આપણી આસપાસ બસ થોડાક જ જણ એવા હોય જેમને આપણી ખુશીમાં રસ હોય, આપણને પ્રસન્ન રાખવા માટે તેઓ કાળજી લેતા હોય એવા બે-પાંચ જણ પણ જિંદગીએ આપણને આપ્યા છે તો આપણે રઈસ છીએ! પ્રેમનો તહેવાર હોય કે ન હોય વ્યવહાર પ્રેમનો હશે તો ડૂબતી નૈયા પણ તરી જશે. કોઈ એક માણસ પણ તમારા પ્રેમને કારણે તરી જતો હોય તો એ તમારા જીવનના સોનામાં સુગંધ ભળે છે. આ વાર્તામાં પ્રેમીએ પોતાની જે ભૂમિકા નિભાવી છે, એ અત્યંત ગહન પ્રેમની નિશાની છે. એ એણે કેવી રીતે કર્યું તે કરતા મહત્વનું એ છે કે આમ તે કરી શક્યો, અને પોતાની પ્રેમિકાને એ સમજાવવામાં સફળ રહ્યો કે જો તારામાં કંઈ ખામી કે ત્રુટિ હોય તો પણ તું મારે માટે કોઈ વિશ્વ સુંદરીથી કમ નથી. પ્રેમમાં હોવું એનો અર્થ જ એ છે કે સામેવાળા પાત્રના સુખનો વિચાર કરવો. તેને સુખી અને પ્રસન્ન કરવા મથવું. તેને કમ્ફર્ટેબલ લાગે તે રીતે જીવન જીવવું, અને જ્યારે બંને પરસ્પર આ રીતે જીવવા લાગે છે ત્યારે સ્વર્ગ એ કોઈ કલ્પના નથી બની રહતું એ તો કોઈ પ્રેમી યુગલની બાંહોમાં સર્જાઈ જતું બની જાય છે. સો વીઅર યોર અનવિઝુએબલ ક્રાઉન ઓલવેઝ…
ગોલ્ડન કી
અતિ બુદ્ધિએ જે કેટલીક અનમોલ ચીજો નષ્ટ પ્રાયઃ કરી નાખી, તેમાંથી એક છે, પ્રેમ…!
____________________________________________________________
ઈન્ડસ્ટ્રીના લેટેસ્ટ ન્યૂઝ માટે ડાયમંડ સિટી ન્યુઝપેપરના સોશ્યિલ મીડિયા સાથે જોડાઓ
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM