નેચરલ ડાયમંડ કટિંગ એન્ડ પોલીશીંગમાં સુરત આખી દુનિયામાં નંબર વન છે. દુનિયામાં કટીંગ એન્ડ પોલીશીંગ થતા 10માંથી 8 હીરા સુરતમાં બને છે. નેચરલ ડાયમંડ એટલે ધરતીના પેટાળમાં કુદરતી રીતે તૈયાર થતા હીરા.
હવે સુરતમાં લેબગ્રોન ડાયમંડનો બિઝનેસ છેલ્લાં કેટલાંક વર્ષોથી વિકસ્યો છે અને લેબગ્રોન ડાયમંડમાં પણ સુરત દુનિયાભરમાં નંબર વન છે. લેબગ્રોન ડાયમંડ એટલે લેબોરેટરીમાં કૃત્રિમ રીતે તૈયાર થતા હીરા. આમ જોવા જઇએ તો નેચરલ ડાયમંડ અને લેબગ્રોન ડાયમંડ એક નજરે જોઇએ તો સરખા જ લાગે.
પરંતુ નેચરલ ડાયમંડની ઇમોશનલ અને રીયલ વૅલ્યુ વધારે છે જ્યારે લેબગ્રોન ડાયમંડ પ્રમાણમાં સસ્તાં હોય છે. લેબગ્રોન ડાયમંડ જ્વેલરીનું માર્કેટ પણ અલગથી વિસ્તરવું જોઇએ.
ગ્રાહક અત્યારે હીરા ખરીદતી વખતે ગ્રાહકને એ જણાવવામાં આવતું નથી કે તે લેબમાં બનેલો છે કે નેચરલ. પરંતુ નવા નિયમ મુજબ હવે લેબગ્રોન હીરા વેચનારને તેની સંપૂર્ણ માહિતી આપવી પડશે.
ભારતનું ગ્રાહક મંત્રાલય નવા નિયમો બનાવી રહ્યું છે. લેબગ્રોન હીરાના ઉત્પાદકો ‘સિન્થેટીક ડાયમંડ’ સિવાય અન્ય કોઈ શબ્દનો ઉપયોગ કરીને માર્કેટીંગ કરી શકશે નહીં.
આ અંગે ટૂંક સમયમાં માર્ગદર્શિકા તૈયાર કરવામાં આવશે. ગ્રાહક મામલાના સચિવ નિધી ખરેએ ઉદ્યોગના લોકો સાથે એક મિટીંગ પણ કરી હતી.
છેલ્લાં ઘણા સમયથી નેચરલ ડાયમંડ વર્સીસ લેબગ્રોન ડાયમંડની ચર્ચાએ જોર પકડ્યું છે ત્યારે ડાયમંડ સિટીની ઉદ્યોગની પ્રતિક્રિયા કોલમમાં આ વખતે અમે ઉદ્યોગકારોને એક સવાલ પૂછ્યો છે કે શું લેબગ્રોન ડાયમંડ અને નેચરલ ડાયમંડ બંને અલગ બિઝનેસ તરીકે પ્રસ્થાપિત થવા જોઇએ?
મોટા ભાગના ડાયમંડ વેપારીઓનું કહેવું છે કે, નેચરલ ડાયમંડ અને લેબગ્રોન ડાયમંડ બિલકુલ અલગ ઉદ્યોગ થઇ જવા જોઇએ. કેટલાંક ઉદ્યોગકારોનું કહેવું છે કે, અઢી લાખ કરોડના નેચરલ ડાયમંડ ઉદ્યોગને બચાવવા માટે પણ લેબગ્રોનને અલગ રાખવું જરૂરી છે.
ભારત સરકારે લેબગ્રોન ડાયમંડનો અલગ કોડ આપ્યો છે : બાબુ વાઘાણી
સુરતના લેબગ્રોન ડાયમંડ એસોસિયેશનના પ્રમુખ બાબુ વાઘાણીએ કહ્યું કે, જે રીતે નેચરલ ડાયમંડની આયાત-નિકાસ માટે કોડ છે એ રીતે ભારત સરકારે લેબગ્રોન ડાયમંડને પણ અલગ કોડ આપ્યો છે. GJEPCએ પણ લેબગ્રોન ઉદ્યોગના સભ્યોનો સમાવેશ કર્યો છે.
GJEPCમાં લેબગ્રોન ડાયમંડ માટે અલગ પેનલ બનવી જોઇએ : રાકેશ શાહ
મુંબઇના ડાયમંડ વેપારી રાકેશ શાહે કહ્યું હતું કે, કોઇપણ ધંધો ક્યારેય ખરાબ હોતો નથી. એક પરિવારમાં પણ લોકો અલગ અલગ બિઝનેસ કરતા હોય છે.
આખા હીરાઉદ્યોગની યુનિટી માટે પણ લેબગ્રોન અને નેચરલ ડાયમંડ બંને અલગ અલગ કરી દેવા જોઇએ. GJEPCમાં પણ લેબગ્રોન ડાયમંડ માટે અલગ પેનલ બનવી જોઇએ અને ધારાધોરણ જુદા નક્કી કરવા જોઇએ.
2.50 લાખ કરોડના નેચરલ ડાયમંડ ઉદ્યોગને બચાવવા આ જરૂરી છે : મિત્તલ દોશી
મુંબઇના ડાયમંડ વેપારી મિત્તલ દોશીએ કહ્યું હતું કે, 2.50 લાખ કરોડના ડાયમંડ બિઝનેસને બચાવવા માટે લેબગ્રોનનો બિઝનેસ અલગ કરવો જરૂરી છે.
તાજેતરમાં દુનિયાના ડાયમંડ બૂર્સની મળેલી બેઠકમાં પણ નક્કી કરવામાં આવ્યું હતું કે, લેબગ્રોન સાથે ડાયમંડ શબ્દ લખશો તો નહીં ચાલે. લેબ સ્ટોન લખવું પડશે. નેચરલ ડાયમંડની એક અલગ વૅલ્યુ છે.
દોશીએ કહ્યું કે, લેબગ્રોન માટે કસ્ટમ ડિપાર્ટમેન્ટ પણ અલગ હોવું જોઇએ. પરંતુ આ બધું બધાએ એક મંચ પર ભેગા થઇને કરવું પડશે.
બન્ને બિઝનેસ અલગ થઇ જવા જરૂરી છે : ઘનશ્યામ ખૂંટ
ડીસન્ટ ઇમ્પેક્સના ઘનશ્યામ ખૂંટે કહ્યું કે, બધા બિઝનેસનો મૂળ આશય પૈસા કમાવવાનો હોય છે. લેબગ્રોન ડાયમંડ અને નેચરલ ડાયમંડ બંનેને અલગ કરી દેવા જોઇએ જેથી બધા યોગ્ય રીતે કમાણી કરી શકે.
ગ્રાહકોના હિતમાં પણ જરૂરી છે : રાજેન્દ્ર દિહોરા
BKB ઇમ્પેકસના રાજેન્દ્ર દિહોરાએ જણાવ્યું હતું કે, હવે સમય આવી ગયો છે કે લેબગ્રોન અને નેચરલ ડાયમંડ બંને અલગ અલગ થઇ જવા જોઇએ.
ઘણા ગ્રાહકો ડાયમંડ ખરીદવામાં મુંઝવણ અનુભવે છે તો ગ્રાહકોને પણ ખબર પડવી જોઇએ કે આ લેબગ્રોન છે અને આ નેચરલ ડાયમંડ છે. નેચરલ ડાયમંડ કુદરતી રીતે બને છે અને લેબગ્રોન ડાયમંડ કૃત્રિમ રીતે પ્રયોગશાળામાં તૈયાર થાય છે.
Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp | YouTube