વિશ્વનું સૌથી મોટું કમર્શિયલ બિલ્ડિંગ એટલે કે સુરત ડાયમંડ બુર્સ સુરતના ખજોદ વિસ્તારમાં બનીને તૈયાર થઈ ગયું છે. આ ડાયમંડ બુર્સની વિશિષ્ટતાઓ વિશે ઘણું લખાઈ ચૂક્યું છે, પરંતુ અહીં આપણે વાત કરવાની છે સુરત ડાયમંડ બુર્સની હીરા ઉદ્યોગ પર પડનારી અસરો વિશે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે સુરત ડાયમંડ બુર્સ કાર્યરત થયા બાદ સુરત હીરાના વેપારનું મુખ્ય કેન્દ્ર બની જશે. મોટી સંખ્યામાં મુંબઈથી હીરાના વેપારીઓ સુરતમાં શિફ્ટ થઈ જશે. દેશ વિદેશના વેપારી, ખરીદદારોની સુરતમાં અવરજવર વધશે. આ દાવા ચોક્કસપણે સુરતીઓને ગમે તેવા છે.
જોકે, આ બાબતે એક વર્ગ એવો પણ છે જે નારાજ થયો છે. અને તે છે મુંબઈના હીરાવાળા. સુરત ડાયમંડ બુર્સને લઈને સુરત અને મુંબઈના વેપારીઓમાં ઊભા ફાંટા પડી ગયા છે. વાત જાણે એમ છે કે સુરત ડાયમંડ બુર્સની કમિટીએ મુંબઈની ઓફિસ બંધ કરી સુરત ડાયમંડ બુર્સમાં ઓફિસ શરૂ કરનારાઓને મેઈન્ટેનન્સમાં રાહતની ઓફર આપી છે, તેના લીધે મુંબઈના હીરાવાળા નારાજ થયા છે.
બજારમાં હિસ્સાના મામલે સુરત અને મુંબઈના હીરાના વેપારી, ઉદ્યોગકારો વચ્ચે ખેંચતાણ શરૂ થઈ ગઈ છે. સુરત ડાયમંડ બુર્સનું નિર્માણ કાર્ય પુરું થઈ ચૂક્યું છે અને હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેને દિવાળી બાદ ખુલ્લું મૂકે તેવી શક્યતા છે. આ વર્ષના અંત સુધીમાં સુરત ડાયમંડ બુર્સ શરૂ થાય તેવી શક્યતા વચ્ચે સુરત ડાયમંડ બુર્સની કમિટિ દ્વારા મુંબઈમાં આક્રમક માર્કેટિંગ શરૂ કરવામાં આવ્યં છે, જે ભારત ડાયમંડ બુર્સના સંચાલકોને પસંદ પડ્યું નથી. કારણ કે સુરત ડાયમંડ બુર્સની કમિટી દ્વારા યુવાન વેપારીઓને એવી ઓફર કરવામાં આવી છે કે જે વેપારી, ઉદ્યોગકારો પોતાની મુંબઈની ઓફિસ સંપૂર્ણપણે બંધ કરી સુરતમાં શિફ્ટ થશે તેઓને એક વર્ષના મેઈન્ટેનન્સમાંથી મુક્તિ મળશે. આ ઉપરાંત સુરત ડાયમંડ બુર્સમાં હીરાના વેપારને વેગ આપવા માટે બીજી અનેક ઓફરો અપાઈ છે, જેમ કે મુંબઈનો વેપાર બંધ કરી સુરતમાં જ પોતાની ઓફિસ શરૂ કરનારનું નામ સુરત ડાયમંડ બુર્સની નેમ પ્લેટમાં મૂકવામાં આવશે.
સુરત ડાયમંડ બુર્સ કમિટીની આ ઓફરથી મુંબઈવાળા નારાજ છે. ભારત ડાયમંડ બોર્સના વાઈસ પ્રેસિડેન્ટ મેહુલ શાહે જણાવ્યું હતું કે, મુંબઈમાં સભ્યો ગભરાઈ ગયા છે. વેપારીઓને આશ્ચર્ય થઈ રહ્યું છે કે એસડીબીના સંચાલકો શા માટે આવી લોભામણી ઑફરો મુંબઈના હીરાના વેપારીઓને આપી રહ્યાં છે. સુરતના લોકો નવું બુર્સ શરૂ કરીને વેપારમાં પ્રગતિ કરી આગળ વધવાના બદલે મુંબઈના વેપારીઓને, બિઝનેસ હાઉસને કેમ આવી ઓફરો મોકલી રહ્યાં છે. મુંબઈના વેપારીઓએ ક્યારેય એવી ઓફર આપી નથી કે તમે સુરતની ફેક્ટરીઓ બંધ કરી મુંબઈ આવતા રહો.
શાહે વધુમાં કહ્યું હતું કે, ભારતીયો વિશ્વના હીરાના વેપારમાં 70-80% હિસ્સો ધરાવે છે તે ધ્યાનમાં રાખવું જોઈએ. ઉદ્યોગમાં હીરાના બે બજારો માટે પૂરતી જગ્યા છે. પરંપરાગત રીતે હીરાના માલિકો બંને શહેરો સાથે ઐતિહાસિક સંબંધો ધરાવે છે. મોટા ભાગના મોટા બિઝનેસ હાઉસ બંને ઠેકાણે ઓફિસો ધરાવે છે. મોટા ઉદ્યોગકારોના પરિવારનો એક ભાગ સુરતમાંથી કામ કરે છે. તો કેટલાક ઉદ્યોગ પરિવારો દાયકાઓ પહેલા મુંબઈમાં શિફ્ટ થઈ ગયા હતા. તેઓ જાણે છે કે આંતરરાષ્ટ્રીય ગ્રાહકોને મુંબઈથી વધુ સારી સર્વિસ આપી શકાય છે. આ ઉદ્યોગમાં વિકાસની વિપુલ તકો રહેલી છે તેથી અમે બંને બુર્સમાં વૃદ્ધિ કરી શકીએ છીએ. ખરેખર કોઈએ ગમે ત્યાં કોઇ પણ ધંધો બંધ કરવાની જરૂર નથી. મુંબઈની બહાર કાર્યરત લક્ષ્મી ડાયમંડના માલિક અશોક ગજેરાએ કહ્યું હતું કે તેમના ભાઈઓ સુરતમાં એક યુનિટ ચલાવે છે અને તેઓ મુંબઈમાં ઓફિસનું સંચાલન કરે છે. પરિવાર બંને ઠેકાણે કાર્યરત છે.
SDB ની મેનેજિંગ કમિટીના સભ્યોએ આ મામલે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, તેમની ઓફરનો હેતુ ફક્ત તેમના પોતાના સભ્યોને પાછા ફરવા માટે સમજાવવાનો હતો. આ યોજના SDB ના સભ્યો માટે છે. બીજા કોઈ માટે નહીં. અમે તેમને મેઈન્ટેનન્સમાં થોડી છૂટછાટ આપવાનું નક્કી કર્યું છે. અમારી કમિટીના નિર્ણયમાં કંઈ ખોટું નથી. કારણ કે અમે ઇચ્છીએ છીએ કે બિઝનેસ હાઉસ આ ઑફરનો લાભ લે અને આગળ વધે.
______________________________________________________
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM