દહેજ અધિનિયમ પ્રમાણે જો કોઈ પણ વ્યક્તિ દહેજ આપે કે તે આપવાની કે લેવાની ઉશ્કેરણા કરે તો તેને ઓછામાં ઓછી છ માસની અને વધુમાં વધુ પાંચ વર્ષની અને પંદર હજાર રૂપિયા દંડ અથવા દહેજની કિંમત કેટલી રકમ બેમાંથી જે વધુ હોય તેટલા દંડની શિક્ષાને પાત્ર થશે.
લગ્ન એક પવિત્ર બંધન છે અને આપણા સમાજમાં આ સંબંધને સંસ્કાર ગણી વિશિષ્ટ સ્થાન આપવામાં આવ્યું છે. આ પવિત્ર બંધન અને સંબંધમાં ધીરે-ધીરે દહેજ જેવા દૂષણે ઘર કર્યું અને જોતજોતામાં ભયંકર સ્વરૂપ ધારણ કર્યું. આના લીધે ભારતીય સમાજ વ્યવસ્થામાં કુટુંબ અને લગ્નજીવન જેવી કુદરતી સંસ્થા અમુક અંશે ખોખલી થઈ ગઈ છે.
૧૯૫૬ની સાલમાં હિન્દુ વારસધારો અમલમાં આવ્યો તે પહેલાં સદીઓથી પુત્રીઓને વારસાઈ મિલકતમાં કોઈ હક ન હતો, એટલે પુત્રીને લગ્ન થાય ત્યારે મા-બાપ યથાશક્તિ ભેટસોગાદ આપતાં.
આ સ્વેચ્છાપૂર્વક અપાતી ભેટસોગાદ કે કરિયાવર પુત્રીનાં સાસરિયા ધીરે-ધીરે પુત્રીના મા–બાપ પાસે હકથી માંગવા માંડ્યા અને જો તે પ્રમાણે ન મળે તો, પુત્રીને ત્રાસ આપવાં લાગ્યાં. આમ, આ પ્રથમ ધીરે-ધીરે અર્વાચીન યુગમાં એક ગંભીર દૂષણ બની ગઈ.
૧૯૬૧માં દહેજ આપવાની કે લેવાની સામાજિક પ્રથા પર પ્રતિબંધ મૂકતો “દહેજ પ્રતિબંધક અધિનિયમ” (Dowry Prohibition Act, 1961) ઘડવામાં આવેલો. તે પછી કાયદાની પરિસ્થિતિ અનુસાર ફેરફારો કરવાનું જરૂરી લાગતાં ૧૯૮૪માં તેને સુધારવામાં આવ્યો અને કાયદા નીચે દહેજની માગણી કરનાર, તે આપનાર અને લેનારને ગુનેગાર ઠરાવી શિક્ષાની જોગવાઈ કરવામાં આવી.
દહેજ પ્રતિબંધક ધારા નીચે દહેજની વ્યાખ્યા આપવામાં આવી છે તે અનુસાર, દહેજ એટલે લગ્નમાં એક પક્ષકારે બીજા પક્ષકારને અથવા બંને પક્ષકારો પૈકી કોઈ પક્ષકારને અથવા બીજી કોઈપણ વ્યક્તિને લગ્ન વખતે અથવા તે પહેલાં કે પછી કોઈ સમયે સદરહુ પક્ષકારોનાં લગ્ન સંબંધ સીધી અથવા આડકતરી રીતે આપેલા અથવા આપવાનું કબૂલ કરેલી હોઈ તેવી મિલકત અથવા કિમતી જામીનગીરી, એ જાણવું જરૂરી છે કે મુસ્લિમ પર્સનલ કાયદા મુજબ દહેજની વ્યાખ્યામાં ‘મહેર’નો સમાવેશ થતો નથી.
દહેજ અધિનિયમ પ્રમાણે, જો કોઈપણ વ્યક્તિ દહેજ આપે કે તે આપવાની કે લેવાની દુષ્પ્રેરણા કરે તો તેને ઓછામાં ઓછી છ માસની અને વધુમાં વધુ પાંચ વર્ષની અને પંદર હજાર રૂપિયા દંડ અથવા દહેજની કિંમત જેટલી રકમ બેમાંથી જે વધુ હોય તેટલા દંડની શિક્ષાને પાત્ર થશે.
આ કાયદામાં એવી પણ જોગવાઈ કરાઈ છે કે, જો કોઈ દહેજ અંગેના કેસમાં અદાલતને ગુનાની ગંભીરતા ઓછી દેખાય તો અદાલત ચુકાદામાં પૂરતાં અને ખાસ કારણોની નોંધ કરીને પાંચ વર્ષથી ઓછી મુદતની સજા કરી શકે છે.
આ કાયદામાં એ પણ સ્પષ્ટતા કરવામાં આવી છે કે, લગ્ન-પ્રસંગે નવવધૂ કે વરરાજાને આપવામાં આવતી ભેટસોગાદો એટલે કે લગ્ન-પ્રસંગે કોઈ માંગણી કરવામાં આવી હોય તે સિવાયની ભેટસોગાદ જે આ અધિનિયમ હેઠળ કરેલા નિયમો અનુસાર હોય તો તેને દહેજ કહી શકાશે નહીં.
આ માટે આ ધારા અન્વયે કરેલા નિયમો પ્રમાણે એક અલગ યાદીમાં ભેટસોગાદો નોંધવી જોઈએ. એ પણ જરૂરી છે કે, આવી ભેટસોગાદો નવવધૂ કે તેની કોઈ સગી વ્યક્તિ કે તેના વતી આવી હોય ત્યારે આ ભેટસોગાદો રિવાજના પ્રકારની હોવી જોઈએ અને તેની કિંમત જેણે અથવા જેના વતી આપવામાં આવી હોય તે વ્યક્તિની આર્થિક સ્થિતિને ધ્યાનમાં લઈ તે પ્રમાણે ગણવી જોઈએ.