સુરતમાં ડાયમંડ બુર્સનું નિર્માણ પૂર્ણ થયું છે અને હવે દિવાળી બાદ અહીં ઓફિસો શરૂ થવા જઈ રહી છે. આ અંગેની જાહેરાતો જોરશોરથી થઈ છે. ઓફિસોની ફાળવણી થઈ ચૂકી છે. ફર્નિચરના કામકાજ ચાલી રહ્યાં છે. છેલ્લાં એક દાયકાથી સુરતના હીરાવાળા જે સપનું જોઈ રહ્યાં છે તે હવે સાકાર થવાની તૈયારીમાં છે ત્યારે એક વિવાદના લીધે હીરાવાળા ખિન્ન જણાઈ રહ્યાં છે. વાત એમ છે કે સુરત ડાયમંડ બુર્સ અને મુંબઈના બીકેસી સ્થિત ભારત ડાયમંડ બુર્સના હોદ્દેદારો વચ્ચે હાલમાં કશું બરાબર ચાલી રહ્યું નથી.
વાત એમ છે કે સુરત ડાયમંડ બુર્સની કમિટીના હોદ્દેદારોએ જે કોઈ હીરાના વેપારી મુંબઈની ઓફિસ બંધ કરી પહેલાં ફેઝમાં સુરત ડાયમંડ બુર્સમાં ઓફિસ શરૂ કરે તેઓને મેઈન્ટેનન્સમાં રાહતની લલચામણી ઓફર આપી હતી. આ ઓફરના લીધે મુંબઈના હીરાવાળા ગુસ્સે ભરાયા અને બંને પક્ષો વચ્ચે મામલો લેટર યુદ્ધ સુધી પહોંચી ગયો છે. મીડિયામાં આમનેસામને નિવેદનબાજી કરાયા બાદ બીડીબીના ચેરમેને સુરત ડાયમંડ બુર્સમાં ઓફિસો ખરીદનારા વેપારીઓને પત્રો મોકલ્યા તેથી સુરત ડાયમંડ બુર્સના ચેરમેન રોષે ભરાયા અને તેઓએ પણ બીડીબીના ચેરમેનને સંબોધીને સણસણતો જવાબ આપતો પત્ર ઠપકારી દીધો. પરિણામે હવે આ કોલ્ડ વોર લેટર યુદ્ધ સુધી પહોંચી ગઈ છે.
એસડીબીના ચેરમેન વલ્લભ લાખાણીએ પત્રમાં શું લખ્યું તે જાણવા પહેલાં જણાવી દઈએ કે સુરતમાં ડાયમંડ બુર્સ શરૂ કરવા પાછળ મુંબઈના હીરા ઉદ્યોગમાં ચાલતો જ્ઞાતિવાદ પણ ક્યાંક ને ક્યાંક જવાબદાર છે. મુંબઈમાં જૈન અને કાઠિયાવાડી સમાજના હીરાના વેપારીઓ વચ્ચે ચાલતો જૂથવાદને પરિણામે જ સુરતમાં હીરાના વેપાર શિફ્ટ કરવાના બીજ રોપાયા હતા. કહી દઈએ કે મુંબઈમાં જૈન જ્ઞાતિના હીરાના વેપારીઓનો પ્રભુત્વ વધારે છે. તેથી કાઠિયાવાડી વેપારીઓએ સુરતમાં ડાયમંડનો વેપાર ખસેડવાની તજવીજ આજથી એક દાયકા પહેલાં કરી હતી. વળી, સુરતમાં હીરાની ફેક્ટરીઓ આવેલી છે, તેમાં કાઠિયાવાડીઓનું પ્રભુત્વ છે. તેથી સુરતમાં હીરાના કારખાનાની જેમ ઓફિસો ધમધમતી થાય તો મુંબઈના હીરાવાળા પર નિર્ભર નહીં રહેવો પડે તેવો વિચાર ખરો. એ સિવાય મુંબઈના ટ્રાફિકને એ બધી સમસ્યા તો ખરી જ. જોકે, હવે જ્યારે સુરતમાં ડાયમંડ બુર્સ બની ગયું છે ત્યારે આ બંને જુથોના મનમાં છુપાયેલો ગુસ્સો બહાર આવી રહ્યો છે. તેથી જ મુંબઈ અને સુરતના હીરાના વેપારીઓ વચ્ચે છેલ્લાં કેટલાંક સમયથી કોલ્ડ વોર શરૂ થઈ છે. હવે એસડીબીના ચૅરમૅન વલ્લભ લાખાણીએ પત્ર કેમ લખવો પડ્યો અને તે પત્રમાં શું લખ્યું છે તે જાણીએ.
મુંબઇનાં બીકેસી સ્થિત ભારત ડાયમંડ બુર્સના ચેરમેને સુરત ડાયમંડ બુર્સનાં કમીટી મેમ્બર, પદાધિકારી અને ડિરેક્ટર્સને પત્ર લખી ઉચ્ચારવામાં આવેલી ગર્ભિત ચેતવણી અને ફૂટ કરાવતી બાબતોને લઈ સુરત ડાયમંડ બુર્સના ચૅરમૅન વલ્લભભાઈ લાખાણી (પટેલ)એ BDBનાં ચેરમેનને પત્ર લખી વિરોધ નોંધાવ્યો છે. લાખાણી પત્રમાં લખ્યું છે કે, ‘આપ (બીડીબીના ચૅરમૅન) દ્વારા તા. ૦૬-૦૭-૨૦૨૩ના રોજ લખાયેલો પત્ર મળ્યો. આપના પત્રમાં લખેલી કેટલીક બાબતો એવી છે જે તદ્દન ગેરવ્યાજબી તેમજ પાયા વિહોણી છે. BDB જેવી જવાબદાર સંસ્થાએ પોતાની જવાબદારીને ધ્યાનમાં રાખ્યા વગર લખવામાં આવેલા મુદ્દા તેમજ તેના પાછળના હેતુ સાથે અમે સંપૂર્ણ પણે અસહમત છીએ. અમે આ પત્ર દ્વારા આપને સ્પષ્ટ રીતે આપની ગેરસમજ સુધારવા માંગીએ છીએ. આપણી ઇન્ડસ્ટ્રીની એકતાના નામે કોઈ સંસ્થા બીજી સંસ્થાની કાર્યપદ્ધતિ અને સ્વતંત્રતા પર પ્રશ્ન ઉઠાવે એ કોઈ પણ સંસ્થાને સ્વીકાર્ય હોય નહીં.
આપએ પત્ર SDB ના ચૅરમૅનને લખવાને બદલે દરેક કમિટી મેમ્બર, પદાધિકારી તેમજ ડિરેક્ટર્સને વ્યક્તિગત લખ્યા છે. જેના પાછળનો મુખ્ય હેતુ કમિટીમાં ભાગલા પાડવા તેમજ કમિટીમાં મતભેદ ઊભો કરવાનો છે. SDB માં લેવાતા નિર્ણયો કમિટીના સામુહિક નિર્ણયો હોય છે. આ બાબતે આપને સ્પષ્ટ જણાવવા માંગીએ છીએ કે BDB જેવી જવાબદાર સંસ્થા દ્વારા આવા ગેરજવાબદાર પત્ર વ્યવહાર નિંદનીય છે.
વલ્લભ લાખાણીએ પત્રમાં વધુમાં લખ્યું છે કે, આપને (બીડીબીના ચૅરમૅન) ખાસ ધ્યાન દોરાવવાનું છે કે તા. ૨૭-૫-૨૩ના રોજ જેવો પત્ર SDB દ્વારા મેમ્બરોને મોકલવામાં આવ્યો છે તેવા પત્ર અગાઉ પણ અનેકવાર અમે SDB મેમ્બરને મોકલવામાં આવ્યા છે. SDBના મેમ્બર સાથેના કોઈપણ પત્રમાં ક્યાંય પણ ભારત ડાયમંડ બુર્સનો ક્યારેય ઉલ્લેખ પણ કરવામાં આવ્યો નથી. SDB દ્વારા કોઈપણ ડાયમંડ ટ્રેડર્સને ભારત ડાયમંડ બુર્સમાં તેમના તમામ ઓપરેશન બંધ કરવા માટેનો આગ્રહ પણ SDBના પત્રમાં અમે ક્યારેય કર્યો નથી. તેમજ આવનાર સમયમાં પણ આવો કોઈ ઉલ્લેખ SDB જેવી જવાબદાર સંસ્થા દ્વારા કરવામાં આવશે નહી.
SDBના સભ્યો સાથે પત્ર વ્યવહાર કરવો એ અમારી ફરજ તેમજ અમારો હક છે જેમાં કોઈપણ સંસ્થા કે વ્યક્તિને વાંધો હોવો જોઈએ નહીં. તેમજ કોઈપણ બહારની વ્યક્તિ કે સંસ્થાની અમારે ક્યારે અને કેવો પત્ર વ્યવહાર કરવો તેમજ કેવો ટોન વાપરવો એ વિશેની સલાહ કે સંમતિની જરૂર નથી. સુરત ડાયમંડ બુર્સ એ ડાયમંડ ઇન્ડસ્ટ્રીનું ભવિષ્ય છે, તેમાં ૪,૦૦૦ કંપનીઓએ પોતાની મૂડી રોકીને બનાવ્યું છે. તેમજ જો ભારત ડાયમંડ બુર્સને આનાથી સંતોષ ના થતો હોય તો આપ SDBના ૪,૦૦૦ મેમ્બરને પત્ર લખી શકો છે.
સુરત ડાયમંડ બુર્સ એ કોઈ વ્યાપારના હેતુથી બનેલી કે ચાલતી સંસ્થા નથી તેમજ SDBના મેમ્બર અમારા માટે કોઈ ગ્રાહક નથી, કે જેને ધ્યાનમાં રાખીને એડવર્ટાઇઝમેન્ટ કે ફ્રી-બ્રી જેવી સ્કીમની જરૂર પડે. આપના મતે SDBના મેમ્બર એક ગ્રાહક છે. પરંતુ, અમારા માટે SDBના દરેક મેમ્બર SDBનો જ એક ભાગ છે. માટે, આપના દ્વારા ઉપયોગમાં લેવાયેલા આ પ્રકારના શબ્દો કોઈપણ દ્રષ્ટિકોણથી યોગ્ય નથી. SDB આંતરરાષ્ટ્રીય ટ્રેડીંગ હબ તરીકે ઝડપથી ધમધમતું થશે એ ઇન્ડસ્ટ્રી માટે ખૂબ લાભદાયક છે, અને SDB વતી અમે આપને ખાત્રી આપીએ છીએ કે SDBના મેમ્બર્સ અને ઇન્ડ્સ્ટ્રીના હીત માટે અમે જવાબદારીપૂર્વકના અમારા પ્રયાસોમાં કોઈપણ કચાશ ક્યારેય પણ છોડીશું નહી. આપના આ બાબતે કોઈ સકારાત્મક સુચન હોય તો જરૂરથી જણાવશો. પરંતુ આપને બે હાથ જોડીને નમ્ર વિનંતી છે કે આ પ્રકારના પત્રવ્યવહાર કરી SDBના વિકાસમાં અવરોધ ઉત્પન્ન કરવાનું પાપ તમે ના કરો તો વધારે સારું.
આમ, સુરત અને મુંબઈના હીરાવાળા વચ્ચે કોલ્ડવોર શરૂ થઈ છે અને આ કોલ્ડવોર ક્યાં પહોંચે છે તે તો સમય કહેશે! પરંતુ એ વાત ચોક્કસ છે કે મુંબઈ અને સુરતના હીરાવાળા વચ્ચેનું યુદ્ધ ઉદ્યોગના હિતમાં રહેશે નહીં. એ વાત ભૂલવી નહીં જોઈએ કે હીરાનું સૌથી મોટું કટિંગ એન્ડ પોલિશિંગ સેન્ટર જેમ સુરત છે તેમ એન્ટવર્પ બાદ દુનિયાનું સૌથી મોટું હીરાના વેપારનું કેન્દ્ર મુંબઈ છે. મુંબઈની ઓફિસોમાં કરોડો રૂપિયાના હીરાના દાયકાઓથી સુરક્ષિત રીતે વેપાર થતો રહ્યો છે. એ દિવસો ભૂલ ન જવાય જ્યારે સુરત અને મુંબઈ વચ્ચે ટ્રેનોમાં જોખમ લઈને હીરાના વેપારી, દલાલો સતત અવરજવર કરતા હતા. હીરા ઉદ્યોગના વિકાસ માટે સુરત અને મુંબઈ એક બીજાના પૂરક છે. એકના વિના બીજા અધૂરા છે. ખરેખર તો હીરા ઉદ્યોગના વિકાસ માટે બંને શહેરના હીરાના વેપારીઓએ ભેગા મળીને ભારતીય હીરા ઉદ્યોગના વિકાસ માટે કાર્ય કરવું જોઈએ. એવું કેમ નહીં બની શકે કે સુરત ડાયમંડ બુર્સના ઓપનિંગમાં ભારત ડાયમંડ બુર્સના વેપારીઓ પણ પધારે!
મુંબઈથી ઓફિસ બંધ કરીને સુરત જવાની વાત કરવી અયોગ્ય : મેહુલ શાહ, બીડીબીના ચેરમેન
“આ અગાઉ બીડીબીના ચેરમેન મેહુલ શાહે પત્રમાં લખ્યું હતું કે, આપડે એવું કહીએ છીએ કે, આપડે ભાઈઓ છીએ, વસૂદેવ કુટુંબકમ, વન દેશ, વન અર્થની વાતો કરીએ છીએ. સુરત ડાયમંડ બુર્સને ઉભું કરવામાં ભારત ડાયમંડ બુર્સે તમામ મદદ કરી છે. સુરતમાં 10 હજાર હીરાની ઓફિસો છે અમે તો કહીએ છીએ તમામને ડાયમંડ બુર્સમાં સ્થાન આપો. પરંતુ સુરત ડાયમંડ બુર્સે એવો એક પત્ર જાહેર કર્યો છે કે, જે મુંબઈથી ઓફિસ બંધ કરીને આવશે તેમને 1 વર્ષ મેઈન્ટેન્સ લેવામાં આવશે નહીં. સૌ-પ્રથમ આવનારી કંપનીઓનું નામ રિસેપ્શન પર લખવામાં આવશે. મુંબઈથી ઓફિસ બંધ કરીને આવવાની વાત કરવી અયોગ્ય છે. જૂન મહિનામાં સુરત ડાયમંડ બુર્સે જે સર્ક્યુલર જાહેર કર્યો હતો તેની નીચે સુરત ડાયમંડ બુર્સના ચેરમેનની જગ્યાએ કમિટી મેમ્બર લખ્યું હતું. એટલા માટે અમે કમિટી મેમ્બરને ઉદ્દેશીને લખ્યું છે.”
______________________________________________________
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM