આજથી લગભગ 57 વર્ષ પહેલાં સૌરાષ્ટ્રથી આવીને સુરતમા પગલાં પાડનાર 13 વર્ષના કિશોરને સપનેય પણ ખ્યાલ નહોતો કે આ ધરતી તેને સફળતાની આટલી ઉંચાઇએ પહોંચાડશે. 100 રૂપિયાની કમાણીથી શરૂઆત કરનાર આ કિશોર 57 વર્ષ પછી કરોડો રૂપિયાનું ટર્નઓવર કરે છે. સ્લોલી સ્લોલી વિન ધ રેસ, મતલબ કે ધીમે ધીમે પણ એકધારી મહેનત કરવાથી સફળતા મળે જ છે એવું માનનારા આ વ્યકિતનું નામ છે નાનુભાઇ વેકરીયા. નાનુભાઇ અત્યારે હીરાઉદ્યોગની પ્રતિષ્ઠિત સંસ્થા સુરત ડાયમંડ એસોસિયેશનના પ્રમુખ તરીકે સેવા આપી રહ્યા છે.
કરોડો રૂપિયાની કમાણી, અપાર સફળતા છતા સાવ સાદા અને નિખાલસ વ્યકિત નાનુભાઇ વેકરીયાએ ડાયમંડ સિટી સાથે દિલ ખોલીને પોતાની જિંદગી વિશે વાત કરી હતી. તેમણે કરેલી તેમના જિંદગીના અનુભવની વાત બિઝનેસમાં આગળ વધવા માંગતા અનેક યુવાનોએ જાણવા જેવી અને પચાવવા જેવી છે. રૂપિયા કમાવવા અને તેને કેવી રીતે જાળવવા તે વાત નાનુભાઇ પાસેથી શીખવા જેવી છે. તો તેમણે સુરતમાં જયારથી પગ મુક્યો ત્યારથી અત્યાર સુધીની તેમની સફર વિશે જાણીએ.
અમરેલી જિલ્લામાં આવેલા હરિપર ગામમાં જન્મેલા નાનુભાઇ વેકરીયા માત્ર 7 ધોરણ જ ભણ્યા છે. પણ તેમની ધગશ, મહેનત અને કોઠાસુઝે તેમણે સફળતાના અનેક શિખર પાર કર્યા છે. નાનુભાઇએ કહ્યું કે 57 વર્ષ પહેલાં તો ગામમાં કોઇ સાધન, સુવિધા હોતી નહોતી અને દુનિયાની ભવ્યતા વિશે પણ અજાણ હતા. તે વખતે સુરતમાં કામ કરતાં લોકો જયારે ગામડે આવતા ત્યારે તેમના પહેરવેશ, તેમની સ્ટાઇલ, તેમની જીવનશૈલી જોઇને હું અંજાઇ ગયો હતો. તે વખતે 7માં ધોરણમાં ભણતો હતો અને સુરત શહેર વિશે માત્ર એટલી ખબર હતી કે ડુમસનો દરિયો કિનારો છે અને ત્યાં જઇએ તો મજા આવે.
નાનુભાઇને અમે પુછ્યું કે જયારે 2008માં વૈશ્વિક મંદી હતી અને અનેક લોકોએ હીરાનો ધંધો છોડી દીધો હતો તે સમયે તમે કેવી રીતે સર્વાઇ થયા?
તો નાનુભાઇ કહ્યું હા, સાચી વાત છે, 2008ની મંદીએ ભલભલાના મનોબળ તોડી નાંખ્યા હતા. અમે પણ એક વખત તો હાલી ગયા હતા, પરંતુ જિંદગીનો અનુભવોએ સંયમ રાખતા શિખવાડ્યું હતું. તે વખતે પોલિશ્ડ ડાયમંડના ભાવોમાં જબરદસ્ત કડાકો બોલી ગયો હતો અને અમારી પાસે જે સ્ટોક હતો તેમાં મોટું નુકશાન થાય તેમ હતું. ધંધાના ભાગીદાર સાથે મિટીંગ કરીને નક્કી કર્યું કે આપણે થોભો અને રાહ જુઓની નીતિ અપનાવીએ. 3-4 મહિના ખુબ જ ખરાબ રહ્યા, પરંતુ તે પછી રફના ભાવમાં પણ 50 ટકા ભાવ તૂટી ગયા અને ફરી એકવાર હીરાઉદ્યોગની ગાડી પાટા પર ચઢી ગઇ. નાનુભાઇએ કહ્યું કે જિંદગીમાં પડકારો તો આવવા જ જોઇએ, તો જ માણસ ટીપાઇ અને ઘડાઇ શકે છે. જિદગીની એ મુશ્કેલીઓ માણસને અનેક બોધપાઠ શીખવી જતી હોય છે.
1965ની વાત છે તે વખતે સુરત કામ કરતા એક સ્વજને પુછ્યું કે બોલ નાનુ, સુરત આવવું છે. પળવારનો વિચાર કર્યા વગર મેં હા પાડી દીધી, કારણકે તે વખતે મગજમા અને સપનામાં સુરતનો જ વિચાર ચાલતો હતો. 1965માં સુરત આવ્યો અને શરૂઆતમાં હીરા ઘસવાનું કામ શરૂ કર્યું, આ શહેરમાં રહીને બીજા લોકોની જેમ કમાવવું છે અને સારું જીવન જીવવું એટલું તે સમયે વિચાર્યું હતું, પરંતુ આ શહેર આટલું બધું આપશે તેનો મને સપનેય ખ્યાલ નહોતો.
1965માં સુરત આવીને 5 વર્ષ સુધી હીરા ઘસવાનું કામ કર્યું. 1971 સુધી ડાયમંડ કટીંગ એન્ડ પોલિશીંગનો અનુભવ મેળવી લીધો હતો. તે સમયની વાત કરતી વખતે નાનુભાઇની આંખમાં રીતસરની ખુશી દેખાતી હતી. તેમણે કહ્યું કે 1965માં જયારે સુરત આવ્યો ત્યારે સુરતમાં ખાસ વસ્તી નહોતી. તે જમાનામાં હીરાના કારખાના માત્ર મહીધરપરા અને સૈયદપરામાં જ ચાલતા હતા. એ વખતે માંડ 100 જેટલાં હીરાના કારખાના ચાલતા હતા અને મોટાભાગે સૌરાષ્ટ્રમાંથી આવેલા યુવાનો જ હીરાના કારખાનામાં કામ કરતા હતા. નાનુભાઇએ કહ્યું કે તે વખતે 100ની કમાણીથી શરૂઆત કરેલી. એક નાનકડી ઓરડીમાં રહેતા અને રૂમનું ભાડું હતું માત્ર 10 રૂપિયા.કામ પર જવા કે આમ તે રખડવા માટે સાયકલનો ઉપયોગ કરતો. પણ, એ 100 રૂપિયાની કમાણી અને સાયકલ ચલાવવાની જે મજા હતી, જે ખુશી હતી, જે સંતોષ હતો તે અપરંપાર હતો. આજે ભગવાને આપેલું બધું જ છે. ઘર છે,વૈભવી કાર છે, બધી સુવિઘા છે, પણ સાયકલ ચલાવવાની જે મજા આવતી હતી તે લાખો રૂપિયાની ઓડી કારમાંથી પણ મળતી નથી.
નાનુભાઇએ પોતાની વાત આગળ વધારતા કહ્યું કે 1971 સુધી રત્નકલાકાર તરીકે કામ કર્યા પછી સુરતમાં હીરાની 2 ઘંટી શરૂ કરી હતી.બચતના પૈસામાંથી ધંધાની શરૂઆત કરી હતી. તે જમાનામાં જૈન વેપારીઓ રફ ડાયમંડ, કટીંગ એન્ડ પોલીશીંગ કરવા માટે આપતા જે અમારી ઘંટી પર પોલિશ્ડ કરીને અમે તેમને આપતા. આ કામના બદલામાં અમને જૈન વેપારી મજૂરી ચુકવતા. નસીબે યારી આપીને ધંધો સારો ચાલ્યો તો અમરેલીના ચિતલ ગામમાં 20 ઘંટી શરૂ કરી હતી.
લગભગ 1980 સુરતના હીરાઉદ્યોગમાં એવો ટ્રેન્ડ હતો કે રફ ડાયમંડ અને પોલિશ્ડ ડાયમંડના ટ્રેડીંગનું કામ જૈન વેપારી કરતા અને સૌરાષ્ટ્રના લોકો માત્ર હીરા બનાવવાનું કામ કરતા હતા. 1980 પછી આ ટ્રેન્ડ બદલાયો અને સૌરાષ્ટ્રના વેપારીઓએ પણ ડાયમંડ ટ્રેડીંગનું કામ કરવાનું શરૂ કર્યું. મેં પણ તે વખતે ડાયમંડ ટ્રેડીગંના કામ ચાલું કર્યું.
નાનુભાઇએ કહ્યું કે 1980થી 2014 એટલે કે 34 વર્ષ સુધી હીરામાં ટ્રેડીંગનું કામ કર્યું. વર્ષ 2014 પછી કામકાજ ઘટાડ્યું અને શહેરની સેવાકીય પ્રવુતિમાં જોડાયો. આજે સૌરાષ્ટ્ર પાટીદાર સોશિયલ ટ્રસ્ટમાં ખજાનચી છું અને છેલ્લાં 2 વર્ષથી સુરત ડાયમંડ એસોસિયેશનના પ્રમુખ તરીકે સેવા આપું છું.
નાનુભાઇ વેકરીયાએ કહ્યું કે સુરત શહેરમાં મને આવ્યાને 57 વર્ષ થઇ ગયા. દુનિયાના અનેક દેશોમાં ફર્યો છુ, પરંતુ સુરતની અને સુરતના લોકોની તોલે કોઇ ન આવે. સુરતના લોકો ખૂબ લાગણીશીલ, દયાળુ, માયાળુ અને ચલાવી લેવાની ભાવનાવાળા છે. સુરતના લોકોને હું દિલથી સલામ કરવા માંગુ છે કે આ શહેરના લોકોએ સૌરાષ્ટ્રના અનેક લોકોને સ્વીકાર્યા, રોજગારીનો મોકો આપ્યો. આ શહેરે મને મારી ક્ષમતા કરતા અનેક ઘણું વધારે આપ્યું છે.મારા જેવા સેંકડો લોકો સુરતની ધરતી પર આવીને લાખો-કરોડો રૂપિયા કમાયા છે. આ શહેરની ધરતીની બરકત જ એવી છે કે અહીં આવીને મહેનત કરનાર નિરાશ થતો નથી.
વેકરીયાએ કહ્યું કે મેં મારી જિંદગીમાં જોયું છે કે જેમની પાસે ગજવામાં એક રૂપિયો પણ ન હોય એવા અનેક લોકો સુરતમાં આવીને તડનોડ મહેનત દ્વારા કરોડો રૂપિયાના આસામી બન્યા છે.
મેં મારી જિંદગીમાં જોયું છે કે જેમની પાસે ગજવામાં એક રૂપિયો પણ ન હોય એવા અનેક લોકો સુરતમાં આવીને તનતોડ મહેનત દ્વારા કરોડો રૂપિયાના આસામી બન્યા છે.
નાનુભાઇ વેકરીયાએ કહ્યું કે સુરત શહેરમાં મને આવ્યાને 57 વર્ષ થઇ ગયા. દુનિયાના અનેક દેશોમાં ફર્યો છુ, પરંતુ સુરતની અને સુરતના લોકોની તોલે કોઇ ન આવે. સુરતના લોકો ખૂબ લાગણીશીલ, દયાળુ, માયાળુ અને ચલાવી લેવાની ભાવનાવાળા છે. સુરતના લોકોને હું દિલથી સલામ કરવા માંગુ છે કે આ શહેરના લોકોએ સૌરાષ્ટ્રના અનેક લોકોને સ્વીકાર્યા, રોજગારીનો
મોકો આપ્યો….
નાનુભાઇએ 1965ના જમાનાની સુરતના હીરાઉદ્યોગની વાત કરતાં કહ્યું હતું કે તે વખતે હીરાના કારખાના નાની નાની જગ્યામાં ચાલું કરવા પડતા હતા અમુક તો અંધારીયા રૂમમાં પણ ચાલતા. તે જમાનામાં બેસીને હીરાનું કામ કરવું પડતુ હતુ અને ઘંટી માટે જરૂરી સરણ 300થી 400 રૂપિયાની આવતી. પણ તે વખતે માહોલ ખુબ જ સારો હતો. બધા સાથે મળીને કામ કરે, એકબીજાને છેતરવાનું કે દગાખોરીના કોઇ વાત જ નહી. બધું નીતીમત્તાથી કામ ચાલતું. તે વખતે કારખાનામાં દર શનિવારે અથવા મહિનામાં એક વાર નારિયેળ ફોડવાની પરંપરા હતી. કારખાનામાં કોઇક વાર નાસ્તો મંગાવવામાં આવે અને બધા ભેગા મળીને જયાફત ઉડાવે એ કઇંક અલગ જ મજા હતી.
અમે સુરત આવીને થોડા રૂપિયા કમાતા થયા પછી, સૌરાષ્ટ્રથી જે યુવાનો સુરતમાં હીરાનું કામ શીખવા આવતા તેમને અમારા ઘરે જ રાખતા અને અમારા ઘરની સ્ત્રીઓ તેમને જમાડતી.
નાનુભાઇએ કહ્યું કે સુરતમાં 57 વર્ષથી હીરાઉદ્યોગ સાથે જોડાયેલો છુ અને આ સમયગાળામાં હીરાઉદ્યોગની અનેક ચઢતી પડતી જોઇ. અદભૂત દિવસો પણ જોયા અને કપરાં દિવસો પણ જોયા, પરંતુ હીરાઉદ્યોગની ચમક દિન પ્રતિદિન વધતી જ ગઇ. આજે દુનિયાના નકશામાં સુરતના હીરાઉદ્યોગની ઝળહળાટ વિખ્યાત છે. કોઇ પણ ધંધામાં તેજી- મંદી આવે તેમ હીરાઉદ્યોગમાં પણ અનેક વખત મંદીનો સમય જોયો. 1966માં અને 1972માં પણ હીરાઉદ્યોગમાં મંદીનો સમય હતો પણ વર્ષ 2008ની જે મંદી હતી તે સૌથી ખતરનાક સમયગાળો હતો.
નાનુભાઇને અમે પુછ્યું કે તમારી જિંદગીના એ 57 વર્ષનો નિચોડ શું અને આજની નવી પેઢી જે વેપાર ધંધો કરવા માંગે છે તેમના માટે શું સંદેશો આપશો?
નાનુભાઇ કહ્યું કે મારી જિંદગીના અનુભવ પરથી એટલું ચોકકસ કહી શકું કે સૌથી પહેલું પ્રાધાન્ય આરોગ્યને આપવું જોઇએ. આપણું શરીર અને હાથ-પગ સલામત હશે તો જ કંઇક કરી શકીશું, બાકી કરોડો રૂપિયા પણ કામ ન લાગે જો તમારી તંદુરસ્તી સારી ન હોય તો. બીજું કે અનુભવો પરથી અને દુનિયના સફળ લોકોને જોયા પછી એ પણ શિખ્યો કે સફળતા રાતોરાત મળતી નથી. એના માટે ધીરજ અને સ્ટેપ બાય સ્ટેપ જ પગથિયા ચઢવા પડે. ગમે તેટલી મુશ્કેલીઓ, અડચણો રસ્તામાં આવે તેનો હિંમતપૂર્વક સામનો કરવાથી સફળતાના પગથિયાં ચઢી શકાય છે.
નાનુભાઇ જિંદગીમાં હાડવર્ક કર્યું અને 100 રૂપિયાની કમાણીમાંથી કરોડો રૂપિયાની સફર સુધી પહોંચ્યા, પરંતુ તેમણે જિંદગીમાં સાદગીનો અને નિયમનો મંત્ર જાળવી રાખ્યો છે. આજે પણ નાનુભાઇ નિયમિત અને સાદો ખોરાક આરોગે છે અને સમયસર ઉંઘી જાય છે અને સવારે વહેલાં ઉઠી જાય છે.
નાનુભાઇ વેકરીયાએ આજના યુવાનોને સંદેશ આપતા 3 મુદ્દા પર ભાર આપ્યો. તેમણે કહ્યું કે પહેલું અને સૌથી અગત્યનું,પ્રમાણિકતા. જિંદગીમાં સફળ થવું હોય અને આગળ આવવું હોય તો પ્રમાણિકતા અને નીતિમત્તા જાળવી રાખવી પડશે.
બીજુ છે વિઝન. જો તમારે ખરેખર સફળ થવું હોય તો વિઝન રાખવું પડશે કે તમારે કઇ દિશામાં જવુ છે. ભટકશો તો મંઝીલ સુધી નહીં પહોંચી શકો. આ માત્ર હીરાઉદ્યોગની વાત નથી તમે કોઇ પણ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા માંગતા હો, તો પણ તમારે વિઝન કલીયર રાખવું પડશે.
ત્રીજું છે મહેનત. મહેનતનો કોઇ વિકલ્પ નથી. તમે વિઝન નક્કી કરી લો પછી તેની પાછળ યોગ્ય દિશામાં મહેનત કરો. શક્ય છે કે તમારું મનોબળ તુટી શકે એવો પણ સમય આવે, પરંતુ ડગશો નહી અને મહેનત કરવાનું ચાલું રાખજો.સફળતા તમારા કદમો ચુમશે એ વાત નક્કી છે.