ભારતીય જ્વેલરી રિટેલ માર્કેટમાં પીળી ધાતુ સોનું હંમેશા આગેવાની કરતું હોય છે. ભારતીય લોકો સોનાના ઘરેણાં પહેરવાનું વધુ પસંદ કરે છે. વળી, રોકાણની દ્રષ્ટિએ પણ સોનાને ભારતીય પ્રજા ઉચ્ચ સ્થાને રાખે છે. જૂની પેઢી સોનાને સંકટ સમયની સાંકળ સમાન ગણતા હતા, તેથી જ ભારતીય પરિવારોમાં સોનાનો સંગ્રહ મોટાપાયે થતો હોય છે, પરંતુ હવે 21મી સદીની યુવાન પેઢીની વિચારસરણી બદલાઈ છે.
તિજોરીમાં સોનું સાચવવા કરતા યુવાન પેઢી લક્ઝુરીયસ લાઈફસ્ટાઈલ જીવી લેવામાં વધુ વિશ્વાસ ધરાવે છે. તેથી જ આજની યુવા પેઢી સોનાના ઘરેણાં કરતા અન્ય ધાતુમાંથી બનતા ઝવેરાત પહેરવાનું વધુ પસંદ કરતા થયા છે, તેના જ પરિણામે હવે ભારતીય જ્વેલર્સના શો રૂમમાં સોના ઉપરાંત અન્ય ધાતુના ઘરેણાં ડિસ્પ્લે થવા માંડ્યા છે. એટલું જ નહીં હવે સોના ઉપરાંત અન્ય ધાતુઓમાંથી બનતા ઝવેરાતનું વેચાણ પણ ઝડપથી વધવા માંડ્યું છે. વર્ષ 2022માં ભારતીય રિટેલ માર્કેટમાં પ્લેટિનમ જ્વેલરીની ડિમાન્ડ સારી રહી હતી, જેના લીધે પ્લેટિનમ જ્વેલરીના વેચાણમાં 22 ટકાનો તોતિંગ વધારો નોંધાયો હતો.
પ્લેટિનમ ગિલ્ડ ઇન્ટરનેશનલ (PGI) ભારતની શાખાના એક નિવેદન અનુસાર વર્ષ 2022ની તહેવારોની સિઝનમાં ભારતીય જ્વેલરી રિટેલ માર્કેટમાં પ્લેટિનમ જ્વેલરીની ડિમાન્ડ સારી જોવા મળી હતી. ભારતીય ગ્રાહકોએ પ્લેટિનમ જ્વેલરીની ખરીદી મોટા પ્રમાણમાં કરી હતી. આ સિઝન ખરેખર તો સોનાના ઝવેરાતની ખરીદીની સિઝન હોય છે. સારા વરસાદ બાદ ભારતીય ખેડૂતો સોનાના ઝવેરાતનો મોટો જથ્થો ખરીદતા હોય છે, તે ઉપરાંત દિવાળી, નવું વર્ષ અને લગ્નસરાના લીધે પણ ઝવેરાત બજારમાં સોનાના ઘરેણાંની ખરીદી સારી જોવા મળતી હોય છે, પરંતુ વર્ષ 2022ના ચોથા ક્વાર્ટરમાંએટલે કે ઓક્ટોબર થી ડિસેમ્બરના ત્રણ મહિનામાં પ્લેટિનમ જ્વેલરીનું સારું માર્કેટ જોવા મળ્યું હતું. આ ત્રણ મહિનામાં પ્લેટિનમ જ્વેલરીના રિટેલ વેચાણમાં 22 ટકાનો વધારો નોંધાયો હતો.
પીજીઆઈના તારણ અનુસાર ગ્રાહકોમાં પ્લેટિનમ જ્વેલરી પ્રત્યેનો ઝોક વધવા ઉપરાંત ગ્રાહકોની ખરીદીની ક્ષમતામાં વધારો તેમજ ઈ-કોમર્સની વધતી લોકપ્રિયતાના લીધે પ્લેટિનમ જ્વેલરીના બજારનું કદ વધ્યું છે. પ્લેટિનમની ગુણવત્તા ઉચ્ચ હોય છે. તેની શુદ્ધતા અને ટકાઉપણું પણ હવે ગ્રાહકોને આકર્ષી રહ્યું છે.
ભારતમાં ઓક્ટોબર 2022માં તહેવારોની સિઝન શરૂ થઈ ત્યારે જ્વેલરી માર્કેટમાં ડિમાન્ડમાં ભારે ઉછાળો થયો હતો. તેની પાછળનું એક કારણ કોરોના મહામારી પણ છે. વર્ષ 2020 અને 2021માં કોરોના મહામારીના લીધે ભારતીય ગ્રાહકો છૂટથી બહાર નીકળી શક્યા નહોતા. તહેવારો ઉજવી શકાતા નહોતા, લગ્નસરા પર આંશિક પ્રતિબંધો હતા, જેના લીધે ભારતીય પ્રજા અકળાયેલી હતી. વર્ષ 2022માં સરકાર દ્વારા કોરોના સંબંધિત તમામ પ્રતિબંધો હટાવી લેતા ભારતીય પ્રજાએ બજારમાં દોટ મુકી હતી.
તહેવારો ઉજવી લેવા અને લગ્નપ્રસંગ ધામધૂમથી ઉજવવાના આયોજનો થયા હતા, તેના પરિણામે જ્વેલરી માર્કેટમાં પણ ઘરાકી વધી ગઈ હતી. ધનતેરસ, દિવાળીના શુભ તહેવારમાં ગ્રાહકોએ પ્લેટિનમ સહિત કિંમતી ધાતુના ઘરેણાં ખરીદવા બજારમાં દોટ મુકી હતી. ધનતેરસ, પુષ્યનક્ષત્રના દિવસોમાં તો જ્વેલર્સે ટોકન આપી ગ્રાહકોને લાંબી કતારોમાં ઉભા રાખવા પડ્યા હતા. દિવાળી બાદ તરત જ લગ્નસરા શરૂ થતા જ્વેલરીનું રિટેલ માર્કેટમાં ઘરાકી સારી રહી હતી. નવેમ્બર થોડું ઠંડુ રહ્યા બાદ ડિસેમ્બરમાં માંગમાં બમ્પર ઉછાળો થયો હતો. ખાસ કરીને સુરત સહિત દક્ષિણ ગુજરાતના જ્વેલરી શો રૂમમાં એનઆરઆઈ ગ્રાહકોની ખરીદી વધી હતી. એનઆરઆઈ સિઝન દક્ષિણ ગુજરાતના જ્વેલર્સ માટે ખૂબ જ મહત્ત્વની હોય છે. બે વર્ષથી કોરોનાના લીધે વિદેશમાં રહેતા ભારતીયો ભારત આવ્યા નહોતા. એનઆરઆઈ લગ્નો પણ પાછળ ઠેલાયા હતા. જે બધા 2022ના ડિસેમ્બરમાં આવતા દક્ષિણ ગુજરાતમાં એનઆરઆઈ લગ્ન સિઝન પૂરબહારમાં ખીલી હતી, જેના લીધે સુરત સહિત દક્ષિણ ગુજરાતના જ્વેલર્સ માટે આ સિઝન ખૂબ જ શુકનવંતી અને ફાયદાકારક રહી હતી.
પીજીઆઈ ઈન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર વૈશાલી બેનર્જીએ જણાવ્યું હતું કે, “આજે, ભારતમાં પ્લેટિનમ જ્વેલરી યુવા, સમજદાર ગ્રાહકોમાં ખૂબ જ વિશિષ્ટ સ્થાન ધરાવે છે. તે નવો માઈલસ્ટોન બની રહી છે. ઘણા ગ્રાહકો પ્લેટિનમની શુદ્ધતા પસંદ કરી રહ્યાં છે. વળી, સોનાની સરખામણીએ પ્લેટિનમની ડિઝાઈન યુવાનોને વધુ આકર્ષે છે, તેથી યંગ કેટેગરીમાં પ્લેટિનમ જ્વેલરીનું વેચાણ વધ્યું છે.”
“PGI અને અમારા રિટેલ પાર્ટનર્સ દ્વારા સતત પ્રયાસોને કારણે 2022ના ચોથા ક્વાર્ટરમાં આ ક્ષેત્રમાં વૃદ્ધિ જોવા મળી. પ્લેટિનમમાં ગ્રાહકોનો વિશ્વાસ વધારવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. 2023માં, PGIના વ્યૂહાત્મક અભિગમ, કાર્યક્રમો અને ભાગીદારોના સતત સમર્થન સાથે, અમે દેશમાં પ્લેટિનમ જ્વેલરી માર્કેટના ફૂટપ્રિન્ટને આગળ વધારવા અને વિસ્તરણ કરવાનો પ્રયત્ન કરતા રહીશું,” તેમ બેનર્જીએ ઉમેર્યું હતું.
કલ્યાણ જ્વેલર્સના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર રાજેશ કલ્યાણરામે જણાવ્યું હતું કે, “પ્લેટિનમ લવ બેન્ડ્સ અને મેન ઓફ પ્લેટિનમ માટેની અમારી Q4 પહેલથી અમને એવા ગ્રાહકોમાં રસ અને વેચાણ વધારવામાં મદદ મળી છે કે જેઓ તહેવારોની સિઝન માટે અલગ-અલગ ઑફર મેળવવા માંગતા હતા. હકીકતમાં, અમે પ્લેટિનમના પુરુષો માટે ચેન અને બ્રેસલેટ સહિતની નવી પ્રોડક્ટ લાઇન રજૂ કરી છે. તે રાષ્ટ્રીય સ્તરે અમારા પુરૂષ પ્રેક્ષકોમાં ખૂબ જ લોકપ્રિય હતું. આનાથી અમે 2023 માટે સકારાત્મક શરૂઆત કરી અને પ્લેટિનમ જ્વેલરી માટે વૃદ્ધિ પણ કરી.”
વમ્મીદી બંગારુ જ્વેલર્સના ભાગીદાર અમરેન્દ્રન વુમ્મીદીએ કહ્યું કે, “2022ના ચોથા ક્વાર્ટરમાં લગ્ન અને NRI સિઝન સારી રહી હતી. આ દિવસોમાં પુરુષ ગ્રાહકોએ પ્લેટિનમ જ્વેલરી ખરીદવામાં વધુ રસ બતાવ્યો હતો. અમારું ‘ઇન્ફિનિટી’ કલેક્શન જે પ્લેટિનમ અને સિરામિકમાંથી રચાયેલ ડિઝાઇન ઇનોવેશન હતું તે ગ્રાહકોને ખુબ પસંદ પડી હતી. અમે માનીએ છીએ કે આગામી ક્વાર્ટરમાં આ માંગ મજબૂત રહેશે.”
સેન્કો ગોલ્ડ એન્ડ ડાયમંડ્સના સીઈઓ અને એમડી સુવંકર સેને ઉમેર્યું હતું કે, “અમે નવા ઈવારા કલેક્શનને લોન્ચ કર્યું હતું જે દિવાળીની હાઈ-ઓક્ટેન સિઝન દરમિયાન પ્લેટિનમના વેચાણમાં વધારો કરવામાં મહત્ત્વપૂર્ણ હતું. આ સંગ્રહ માટે દૃશ્યતા અને જાગરૂકતા લાવવા માટે અમે જે પ્રવૃત્તિઓનું આયોજન કર્યું હતું તે અમારા ગ્રાહકોમાં ખૂબ જ રસ દાખવે છે અને આ રીતે બાકીના ક્વાર્ટર માટે ઉત્સાહ વધ્યો છે.”
____________________________________________________________
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM