દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ અમેરિકાના પ્રવાસે છે. તેઓ અધિકૃત રીતે સ્ટેટ ગેસ્ટ તરીકે અમેરિકાનો પ્રવાસ માણી રહ્યાં છે. એક સમય હતો જ્યારે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે અમેરિકાએ નરેન્દ્ર મોદીને વિઝા આપવાની ના પાડી દીધી હતી. અને આજે જુઓ એ જ નરેન્દ્ર મોદીની વિશ્વના સૌથી શક્તિશાળી વ્યક્તિ અમેરિકાના રાષ્ટ્રપતિ દુનિયાના સૌથી સુરક્ષિત અને સૌથી શક્તિશાળી સ્થળ એવા વ્હાઈટ હાઉસમાં બે હાથ ફેલાવીને આવકાર આપી રહ્યાં છે. તેમનું સન્માન કરી રહ્યાં છે. આ માત્ર મોદીની જ નહીં પરંતુ ભારતની તાકાત દર્શાવે છે. ભારત પ્રત્યેના યુરોપીયન દેશોના બદલાયેલા વલણની સાબિતી આ વાત પૂરે છે. ખેર આ બધી વાતો તો જૂની થઈ.
આજે તો આપણે સુરતના ગૌરવની વાત કરીએ. સુરતનું ગૌરવ એટલા માટે કારણ કે નરેન્દ્ર મોદીએ સુરતની ફેક્ટરીમાં તૈયાર થયેલો લેબગ્રોન ડાયમંડ અમેરિકાના ફર્સ્ટ લેડી જીલ બાઈડનને ભેટમાં આપ્યો છે.
અમેરિકાના પ્રવાસે ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે તા. 22 જૂનના રોજ વ્હાઈટ હાઉસમાં રાષ્ટ્રપતિ જો બાઈડન સાથે મુલાકાત કરી હતી. જો બાઈડન અને તેમના પત્ની જીલ બાઈડને વ્હાઇટ હાઉસમાં પીએમ મોદીનું ભવ્ય સ્વાગત કર્યું હતું. બાઈડને પીએમ મોદી માટે ખાનગી ડિનરનું આયોજન કર્યું છે. વ્હાઇટ હાઉસના જણાવ્યા અનુસાર, અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડન અને ફર્સ્ટ લેડી જીલ બાઈડન તરફથી પીએમ મોદીને ઘણી ભેટ આપવામાં આવી હતી. તો સામા પક્ષે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ બાઈડન દંપતિને વિશેષ ભેટો આપી હતી.
પીએમ મોદીએ અમેરિકાના ફર્સ્ટ લેડી જીલ બાઈડનને પણ ખાસ ભેટ આપી હતી. પીએમ વતી જીલ બાઈડનને લેબમાં તૈયાર થયેલો 7.5 કેરેટનો ગ્રીન ડાયમંડ ભેટમાં આપવામાં આવ્યો હતો. આ લેબગ્રોન ડાયમંડ પૃથ્વીના પેટાળમાંથી શોધી કાઢવામાં આવેલા કુદરતી ડાયમંડ જેવા જ રાસાયણિક અને ઓપ્ટિકલ ગુણધર્મો ધરાવે છે. ડાયમંડ પણ પર્યાવરણને અનુકૂળ છે, તે વિશ્વને બતાવવા માટે પીએમ મોદીએ લેબગ્રોન ગ્રીન ડાયમંડ મિસિસ બાઈડનને ભેટમાં આપ્યો હતો. કારણ કે તેના ઉત્પાદનમાં સૌર અને પવન ઉર્જા જેવા પર્યાવરણીય વૈવિધ્યસભર સંસાધનોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ગ્રીન ડાયમંડને અત્યાધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરીને ચોકસાઇ સાથે બનાવવામાં આવે છે.
ડાયમંડ મેકિંગમાં બે મહિના લાગ્યા
અમેરિકાના પ્રવાસ દરમિયાન બાઈડન દંપતીને લેબગ્રોન ડાયમંડ આપવાનું ભારત સરકાર દ્વારા નક્કી કરાયું હોય ઘણા સમય પહેલાં ડાયમંડનો ઓર્ડર સુરતની ગ્રીન લેબ ડાયમંડ ફેક્ટરીના માલિકોને મળ્યો હતો. આઝાદીના 75 વર્ષ પૂર્ણ થતા હોય અમૃતોત્સવના ભાગરૂપે સરકાર તરફથી 7.5 કેરેટના ડાયમંડના મેકિંગનો ઓર્ડર મળ્યો હતો.
ઈચ્છાપોર ખાતે આવેલી ગ્રીન લેબ લેબગ્રોન ડાયમંડ ફેક્ટરીમાં 109 રત્નકલાકારોએ બે મહિનાની મહેનતના અંતે આ વિશિષ્ટ રાઉન્ડ કટનો 7.5 કેરેટનો ગ્રીન ડાયમંડ બનાવ્યો છે. આ ડાયમંડ ટાઈપ ટુ-એ ક્વોલિટીનો છે. તે કેમિકલ અને ઓપ્ટીકલી નેચરલ ડાયમંડ જેટલો જ શુદ્ધ છે. આઈજીઆઈ દ્વારા સર્ટિફાઈડ આ ડાયમંડ 4 C’s કટ, કલર, કેરેટ એન્ડ ક્લેરિટી ધરાવે છે. તે સોલાર અને વિન્ડ પાવર જેવા ઈકો એનર્જીના ઉપયોગથી બનાવવામાં આવ્યો છે. યુનેસ્કોના એન્વાયરમેન્ટલ સસ્ટેનિબિલિટના તમામ પરિણામો પર તે ખરું ઉતરે છે. સંપૂર્ણપણે મેક ઇન ઈન્ડિયા, આ ડાયમંડ આત્મનિર્ભર ભારતની સ્ટોરી વૈશ્વિક સ્તરે રજૂ કરે છે. વળી, આ ડાયમંડ સંપૂર્ણપણે ઈકો ફ્રેન્ડલી પદ્ધતિથી તૈયાર થયો હોય તેને ગ્રીન ડાયમંડ કહેવામાં આવે છે.
લેબગ્રોન ડાયમંડ એ આત્મનિર્ભર ભારતનું ઉદાહરણ
લેબગ્રોન ડાયમંડ ઈન્ડસ્ટ્રી ઝડપથી વિકસી રહી છે. સુરતમાં લેબગ્રોન ડાયમંડનું ઉત્પાદન કરતી અનેક ફેક્ટરીઓ છે. આ ઈન્ડસ્ટ્રી હાલમાં સુરતમાં 5 લાખ લોકોને રોજગારી આપતી થઈ છે. સંપૂર્ણપણે આત્મનિર્ભર ભારતના કન્સેપ્ટને સાર્થક કરતી આ ઈન્ડસ્ટ્રીને આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રોત્સાહન આપ્યું છે.
પીએમ દ્વારા અમેરિકાના ફર્સ્ટ લેડી જીલ બાઈડનને આ ભેટ આપવામાં આવી છે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ભારતના અલગ અલગ પ્રાંતની વિશિષ્ટ ચીજવસ્તુઓ, વાનગીઓ બાઈડન દંપતિને ભેટ સ્વરૂપે આપવામાં આવી હતી, જેમાં પંજાબનું ઘી, મહારાષ્ટ્રનો ગોળ જેવી વિશેષ વસ્તુઓ સામેલ છે. વળી તે વસ્તુઓના દાન પાછળનું પણ મહત્ત્વ છે. જેમ કે પંજાબનું ઘી અજ્યદાન (ઘીનું દાન) માટે આપવામાં આવે છે. મહારાષ્ટ્રમાં તૈયાર કરેલ ગોળ આપવામાં આવે છે જેનો ઉપયોગ ગુડદાન (ગોળનું દાન) માટે થાય છે.
ઉત્તરાખંડના લાંબા અનાજના ચોખા, જે ધાનદાન (અનાજનું દાન) માટે આપવામાં આવે છે. રાજસ્થાનમાં હસ્તકલા, આ 24K શુદ્ધ અને હોલમાર્કેડ સોનાનો સિક્કો, જે સુવર્ણ દાન માટે આપવામાં આવે છે . ગુજરાતમાં તૈયાર કરેલું મીઠું (મીઠું દાન), જે મીઠાના દાન માટે આપવામાં આવે છે. એક બોક્સમાં 99.5% શુદ્ધ અને હોલમાર્કવાળો ચાંદીનો સિક્કો પણ છે જે રાજસ્થાનના કારીગરો દ્વારા સૌંદર્યલક્ષી રીતે તૈયાર કરવામાં આવ્યો છે અને તેને રૌપ્યદાન (ચાંદીનું દાન) તરીકે આપવામાં આવે છે. તમિલનાડુના તિલ (તલના બીજનું દાન) આપવામાં આવે છે જેમાં તિલદાન હેઠળ સફેદ તલ આપવામાં આવે છે. મૈસૂર, કર્ણાટકમાંથી મેળવેલ ચંદનનો સુગંધિત ટુકડો ભૂદાન (જમીનનું દાન) માટે આપવામાં આવ્યો હતો જે ભૂદાન માટે જમીન પર ચઢાવવામાં આવે છે.
પશ્ચિમ બંગાળના કુશળ કારીગરો દ્વારા હાથથી બનાવેલું ચાંદીનું નાળિયેર જે ગૌદાન (ગાયનું દાન, ગૌદાન) માટે ગાયની જગ્યાએ આપવામાં આવે છે. બોક્સમાં ભગવાન ગણેશની મૂર્તિ અને દીવો છે. જે ભગવાન વિઘ્નોનો નાશ કરનાર માનવામાં આવે છે અને કોઈપણ કાર્ય શરૂ કરતા પહેલા તમામ દેવતાઓમાં સૌથી પહેલા તેમની પૂજા કરવામાં આવે છે. ગણેશની આ ચાંદીની મૂર્તિ અને ચાંદીના દીવાને કોલકાતાના પાંચમી પેઢીના ચાંદીના કારીગરોના પરિવાર દ્વારા હસ્તકળા કરવામાં આવી છે. ઉત્તર પ્રદેશમાં બનેલી તાંબાની પ્લેટ, જેને તમરા-પત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે. તેના પર એક શ્લોક લખાયેલો છે. પ્રાચીન સમયમાં, તાંબાની પ્લેટનો વ્યાપકપણે લેખન અને રેકોર્ડ રાખવાના માધ્યમ તરીકે ઉપયોગ થતો હતો.
______________________________________________________
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM