DIAMOND CITY NEWS, SURAT
ભારત ડાયમંડ કટિંગ એન્ડ પોલિશીંગમાં નંબર વન હોવા છતા પોલિશ્ડ ડાયમંડના ભાવ અમેરિકાની કંપની પાડતી રહી છે અને એની સામે હીરાઉદ્યોગમાં ઘણા સમયથી વિરોધનો સૂર ઊઠી રહ્યો હતો. હવે ભારતમાંથી જ ભાવ પડે તેનું કોંક્રીટ પગલું શરૂ થયું છે.
પોલિશ્ડ ડાયમંડના ભાવ ભારતમાંથી પડે અને દુનિયાભરના વેપારીઓ સ્વીકારે તેના માટે તાજેતર મુંબઈમાં આવેલા ભારત ડાયમંડ બૂર્સમાં જેમ એન્ડ જ્વેલરી એક્સ્પોર્ટ પ્રમોશન કાઉન્સિલ (GJEPC), ભારત ડાયમંડ બૂર્સ (BDB) અને મુંબઈ ડાયમડ મરચન્ટ એસોસિયેશનના સંયુક્ત ઉપક્રમે ‘Key Pricing Challenges Faced By Diamond Industry’ પર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
ડાયમંડ પ્રાઇસ ઇન્ડેક્સ તૈયાર કરનાર સુરતની ડાયાસેન્સ કંપનીના માલિક પ્રતિક શાહે પ્રેઝન્ટેશન આપ્યું હતું, મોટી સંખ્યામાં હાજર રહેલા ડાયમંડના વેપારીઓમાં ભારતમાંથી જ પોલિશ્ડ ડાયમંડના ભાવ પડે તે બાબતે ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.
બધાએ સંમતિ આપી, પરંતુ સાથે એવું પણ સૂચન કરવામાં આવ્યું કે, GJEPC, BDB જેવી સંસ્થાના નેજા હેઠળ ભાવ પાડવામાં આવે તે ઇચ્છનીય છે. પ્રતિક શાહે પણ કહ્યું હતું કે, સંસ્થા ભાવ પાડે અને હું એનાલિસિસ કરી આપું એ માટે તૈયાર છું. વેપારીઓના સવાલાનો પ્રતિક શાહે જવાબ આપ્યા હતા.
આ પ્રસંગે હાજર રહેલા ભારત ડાયમંડ બુર્સના ચૅરમૅન અનૂપ મહેતાએ કહ્યું હતું કે, ડાયાસેન્સે ભાવ પાડવા માટે જે સોફ્ટવેર તૈયાર કર્યું છે તે અત્યારે સુધીનું બેસ્ટ છે, પરંતુ આપણે જ્યારે મંદી આવે ત્યારે જ વિરોધ કરવા માટે ઊભા થઇએ છીએ, પરંતુ તેજીના સમયે બધા ભૂલી જાય છે.
મુંબઈ ડાયમંડ મરચન્ટ એસોસીયેશનના વાઈસ પ્રેસિડન્ટ પ્રકાશ સંઘવીએ જણાવ્યું હતું કે, ભારતે હવે પોલિશ્ડ ડાયમંડના ભાવ પાડવા માટે વિકલ્પ શોધવો જ પડશે. આ તો દર ગુરુવારે રાત્રે એ વાતની ચિંતા રહે છે કે વિદેશી કંપની શુક્રવારે ભાવ પાડશે તો ક્યાંક વધારે તોડી ન નાંખે.
ભારત ડાયમંડ બૂર્સમાં યોજાયેલા સેમિનારમાં રેપાપોર્ટના ભાવ સામે સૌથી પહેલા વીડિયો વાયરલ કરનાર મુંબઇના હીરાના વેપારી રાકેશ શાહે પણ ઉત્સાહ વધાર્યો હતો અને કહ્યું હતું કે, પરિવર્તનને સ્વીકારવું એ વૃદ્ધિ માટે મહત્વપૂર્ણ છે. ચાલો એક ન્યાયી, પારદર્શક અને લોકશાહી ભાવ પ્રણાલી બનાવવા માટે એક થઈએ. હીરાની કિંમતનું ભવિષ્ય હવે શરૂ થાય છે.
ડાયમંડ ઉદ્યોગ વિશ્વભરમાં મોખરે છે, પરંતુ બલિહારી એ વાતની છે કે રફ ડાયમંડ માટે વિદેશી કંપની પર આધાર રાખવો પડે, પોલિશ્ડ ડાયમંડના ભાવ પણ વિદેશી કંપની નક્કી કરે અને ડાયમંડનું ગ્રેડિંગ પણ વિદેશમાં થાય.
વિદેશી કંપની ભાવ પાડે તેમાં આમ તો કોઇ વાંધો ન હોય શકે, પરંતુ ડાયમંડ ઉદ્યોગમાં રશિયા-યુક્રેન યુદ્ધ સમયથી મંદીનો દૌર ચાલી રહ્યો છે. બે વર્ષથી બજાર સાવ સ્લો ડાઉન થઇ ગયું હતું.
ડાયમંડના કારખાનાઓ બંધ થવાની કગાર પર ચાલી રહ્યા હતા તેવા સમયે આ વિદેશી કંપનીએ જુલાઇ મહિનામાં પોલિશ્ડ ડાયમંડના ભાવમાં 10 થી 12 ટકાનો ઘટાડો કરી નાંખ્યો. માંડ માંડ બેઠું થવાનો પ્રયાસ કરી રહેલા ડાયમંડ ઉદ્યોગને ફરી મોટો ફટકો પડ્યો. એ પછી ઓગસ્ટ મહિનામાં ફરી પોલિશ્ડ ડાયમંડના ભાવમાં 5 થી 7 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો.
આ પહેલાં પણ 2008ની વૈશ્વિક મંદી વખતે આ જ કંપનીએ પોલિશ્ડ ડાયમંડના ભાવમાં કડાકો બોલાવી દીધો હતો ત્યારે ભારતના ડાયમંડ ઉદ્યોગકારો નારાજ થયા હતા અને આ કંપની સામે ભારતમાંથી જ ભાવ પ઼ડે તેવો એક પ્રયાસ થયો હતો, પરંતુ એ લાંબો ચાલ્યો નહીં.
હીરામાં તેજી આવતાની સાથે બધા ભૂલી ગયા. પરંતુ આ વખતે ભારત ડાયમંડ બુર્સમાં જે બેઠક મળી તેમાં ડાયમંડ વેપારીઓનો ભારતમાંથી જ ભાવ પડે તેવો મજબુત ઇરાદો જોવા મળ્યો.
જોકે, બધા જાણે છે કે આ જલ્દી શક્ય બનવાનું નથી એના માટે સતત પ્રયાસ ચાલુ રાખવા પડશે. ડાયમંડના વેપારી રાકેશ શાહ અને સોફ્ટવેર બનાવનાર પ્રતિક શાહ અત્યારે સખત મહેનત કરી રહ્યા છે. પહેલી બેઠક મળી પછી જો કોઇ સંસ્થા ભારતમાંથી પોલિશ્ડ ડાયમંડના ભાવ પાડવા માટે સંમતિ આપશે તો કામ જલ્દીથી આગળ વધશે.
______________________________________________________
Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp | YouTube