કોરોના મહામારીના સમયમાં આમ તો બધા ધંધા- ઉદ્યોગો ઠપ્પ થઇ ગયા હતા. પરંતુ હીરાઉદ્યોગ એક એવો હતો જેમાં ભરપૂર તેજી આવી હતી. ખાસ કરીને દિવાળી પછીના 4 મહિનાતો બજારમાં આગઝરતી તેજી જોવા મળી હતી. બધાના ચહેરા ખુશ હતા, કારણકે બધાને કમાવવા મળતું હતું. કોઇ પણ ધંધામાં તેજીનો માહોલ હોય તો બધાને ગમતો હોય છે. મંદી લોકોને પંસદ પડતી નથી.
દિવાળી પછીના 4 મહિનામાં બજારમાં એટલી લાવ લાવ હતી કે હીરાના પડીકાં ફટાફટ વેચાઇ જતા હતા.દલાલો, હીરાના વેપારી, કારખાનેદાર બધાના ચહેરા પર લાલી હતી. પણ ફેબ્રુઆરી મહિનામાં રશિયાએ યુક્રેન પર હુમલો કર્યો એ પછી હીરાઉદ્યોગનો માહોલ બગાડયો. હીરાઉદ્યોગના જાણકારો તે વખતે કહેતા હતા કે યુક્રેન યુદ્ધની ડાયમંડ ઉદ્યોગ પર કોઇ અસર ન પડે. પરંતુ હવે ધીમે ધીમે હીરાઉદ્યોગમાં તેજીના વાદળો વિખેરાતા નજરે પડી રહ્યા છે.
હીરાબજારમાં માલ વેચાતો નથી, સાવ નીચા ભાવે માલ મંગાઇ રહ્યો છે એવી બુમરાણ મચી ગઇ છે.હીરાઉદ્યોગ સાથે સંકળાયેલા કેટલાંક જાણકારોનું કહેવું છે કે ધંધો જબરદસ્ત સ્લો થઇ ગયો છે.પણ સાથો સાથે બજારમાં હવે એવી ચર્ચા ઉઠી છે કે શું દિવાળી પછી 4 મહિના જે તેજી જોવા મળી હતી તે સટ્ટો હતો. મતલબ કે વાસ્તવિક તેજી નહોતી.
કેટલાંક વેપારીઓ એવું માની રહ્યા છે કે એ 4 મહિનાની તેજી કૃત્રિમ તેજી હતી અને તેનો ફુગ્ગો ફુટી ગયો છે એટલે નાના વેપારીઓ અને રત્નકલાકારો મુશ્કેલીમાં મુકાઇ ગયા છે. સામાન્ય રીતે હીરાઉદ્યોગમાં રફ ડાયમંડની ખરીદી કરીને કટીંગ એન્ડ પોલિશીંગ કર્યા પછી તેની નિકાસ થાય છે અથવા બજારમાં પોલિશ્ડ ડાયમંડ વેચવામાં આવે છે. પરંતુ આ વખતે રફ ડાયમંડમાં મોટા પાયે સટ્ટો થયો અને તેમાં હીરાઉદ્યોગ સાથે નહાવા-નિચોવવાનો સંબધ ન હોય તેવા લોકો પણ હીરાની ખરીદી કરવા માંડયા અને રફના ભાવો આસમાને પહોંચી ગયા.
બજારમાંથી જાણવા મળેલી વિગત મુજબ તે વખતે હીરાબજારમાં એવો ક્રેઝ હતો કે કેટલાંક લોકો કમાવવાની લ્હાયમાં વીડિયો અને ફોટા જોઇને હીરાની ખરીદી કરવા માંડ્યા હતા. વિદેશમાં હીરાની એટલી માંગ ન હતી છતા લોકો રફ ડાયમંડ અને પોલિશ્ડ ડાયમંડનો સંગ્રહ કરીને ભાવ ઉંચે લઇ જતા હતા. આ તેજીમાં ડોકટર્સ, બિલ્ડર્સ, ટેક્સટાઇલના વેપારીઓએ પણ હીરાના સટ્ટામાં ઝુકાવ્યું હતું અને કેટલાંક લોકોએ ધૂમ કમાણી પણ કરી.પણ રશિયા-યુક્રેન વચ્ચે યુદ્ધ શરૂ થયું પછી બજારમાં ખરીદી અટકી અને ઘણા બધા નવા નિશાળિયાઓ સટ્ટામાં ભેરવાઇ ગયા.હવે તેમની હાલત મા મને કોઠીમાંથી કાઢ જેવી થઇ ગઇ છે.
કેટલાંક વેપારીઓએ કહ્યું કે કોરોના મહામારીના સમયમાં ડોકટરોએ ધૂમ કમાણી કરી હતી, તો રૂપિયા નાંખવા કયા? એટલે કેટલાંક ડોકટર્સે ડાયમંડમાં રૂપિયા નાંખ્યા હતા, પરંતુ માલ વેચી શક્યા નહોતી અને ભેરવાઇ ગયા છે.હીરાઉદ્યોગનો અત્યાર સુધી જેન્યૂઇન બિઝનેસ હતો. પરંતુ જો તેમાં સટ્ટો ઘુસ્યો હોય તો તે ગંભીર બાબત છે.
હીરાબજારમાં સટ્ટાની જ તેજી હતી, હવે રશિયા- યુક્રેન વોરની મંદી છે : દેવાંગભાઇ બલર
SHK ડાયમંડના દેવાંગભાઇ બલરે કહ્યું હતું કે હીરાબજારમાં જે તેજી હતી તે સટ્ટાને કારણે જ હતી. દેવાંગભાઇએ ઉદાહરણ તરીકે સમજાવતા કહ્યું કે, ધારો કે એન્ટવર્પના બજારમાં રાત્રે રફ ડાયમંડનો ભાવ 100 ડોલર હોય તો બીજે દિવસે સવારે 15 ટકા વધીને 115 થઇ જાય. વચ્ચે તો એવી સ્થિત હતી કે ગમે તે ભાવ હોય રફ ડાયમંડ વેચાઇ જતા હતા.
બજારમાં રીતસર ખોટી રીતે ભાવ વધ્યા હતા. હવે રશિયા- યુક્રેન વોરની મંદી આવી છે. બલરે કહ્યું કે, મંદી એટલે લોકો સાવચેતી રાખી રહ્યા છે કે કઇંક વર્લ્ડવોર જેવી સ્થિતિ ઉદભવે તો ફસાઇ ન જવાય. જેવું યુદ્ધ સમાપ્ત થશે એટલે હીરાબજાર ફરી દોડવા માંડશે.
દેવાંગભાઇએ કહ્યું કે હીરાબજારમાં જે તેજી આવી હતી તેમાં ડોકટર્સ, બિલ્ડર્સ કે અન્ય વ્યવસાયના લોકોએ પણ સટ્ટામાં ઝંપલાવી દીધું હતું. મારા જાણકારમાં એક તબીબ છે જેમણે કોરોના મહામારીના સમયમાં ભારે કમાણી કરી હતી. તેમને એક રશિયનનો ભેટો થઇ ગયો હતો અને તેમણે 1 કરોડ રૂપિયાની રફ ખરીદી લીધી હતી.
તે વખતે તબીબને 23 લાખ રૂપિયા નફો થતો હતો, પરંતુ વધારે કમાણીની લાલચમાં તેમણે રફ ન વેચી. એ પછી બજારમાંથી સટ્ટો ઓછો થઇ ગયો એટલે ભાવ ધબાય નમાહ થઇ ગયા. આજે એ તબીબની એવી હાલત છે કે 23 લાખ રૂપિયા નફો તો ગુમાવ્યો જ છે, પરંતુ 15 લાખ રૂપિયાનું નુકશાન થઇ ગયું છે. માલ ગળે ભેરવાઇ ગયો છે.
બજાર તૂટી જતા હવે 40 ટકા ભાવ ઓછા થઇ ગયા છે : અજય મહેતા
રાહીલ ડાયમંડના અજયભાઇ મહેતાએ કહ્યું કે, દિવાળી પછી હીરાબજારમાં જે તેજીનો પવન ફુંકાયો હતો, તેમાં કેટલાંક વેપારીઓએ રફ ડાયમંડનો સ્ટોક કરીને કૃત્રિમ તેજી ઉભી કરી હતી. દર મહિના 5થી 10 ટકા ભાવ વધતા હતા. કેટલાંક લોકોએ હીરાબજાર સાથે સંકળાયેલા લોકોને એવી સલાહ આપી હતી કે તમારા બે નંબરના રૂપિયાનું રોકાણ કરો તો નફેથી રફ વેચી આપીશ.
પૈસાના લોભમાં ઘણાં લોકોએ રફ ડાયમંડમાં રૂપિયા રોકી દીધા હતા, જેને કારણે ખોટી રીતે ભાવો ઉપર ગયા હતા. જો કે હવે રફના ભાવ 40 ટકા જેટલાં ઓછા થઇ ગયા છે. ઘણા વેપારીઓ પાસે ઉંચા ભાવનો પોલિશ્ડ માલ પડ્યો છે, પરંતુ પોલિશ્ડની જોઇએ તેવી ખરીદી નિકળતી નથી.
શેરબજારની જેમ હીરાબજારમાં રોજેરોજ ભાવ ઉછળતા હતા, તેમાં કેટલાંક ભેરવાયા : કિશોરભાઇ વઘાસિયા
PANSY JEWELS ના કિશોરભાઇ વઘાસિયાએ કહ્યું હતું કે, હીરાબજારમાં છેલ્લાં કેટલાંક સમયથી શેરબજાર જેવો માહોલ થઇ ગયો હતો. શેરબજારમાં જેમ પળવારમાં ભાવો ઉછળી જતા હતા તેમ હીરાના ભાવો પણ રોજેરોજ નવી ઉંચાઇએ જતા હતા. તેમાં અન્ય વ્યવસાય સાથે સંકળાયેલો લોકો પણ ઇન્વેસ્ટમેન્ટ કરવા માંડયા હતા. હવે ભાવ રોજે રોજ ઉપર જતા હોવાથી જેમની પાસે રફ પડી હતી તેમણે ઉંચા ભાવ મળવાની આશાએ માલ વેચ્યો નહી.
કારણ કે તે વખતે વનસાઇડ માર્કેટ ચાલતું હતું. હવે રફના ભાવ 20થી 40 ટકા જેટલાં તૂટી ગયા છે ત્યારે જેમની પાસે ઉંચા ભાવે માલ પડ્યો છે અને બજારમાં નીચા ભાવે માલની ડિમાન્ડ છે એટલે અત્યારે મંદીનો માહોલ છે. મતલબ કે એવા ઘણા લોકો છે જે તેજીના સમયે માલ વેચી શકયા નહી અને મંદીમાં ખોટ કરીને વેચી શકતા નથી એટલે બરાબરના ભેરવાઇ ગયા છે.
ઉદ્યોગની પ્રતિક્રિયા આપને કેવી લાગી ?
તમારો ઓપિનિયન અમારા માટે મૂલ્યવાન છે. તમારાં અભિપ્રાયો કે સૂચનો [email protected] પર શૅર કરજો.