યુક્રેન પર રશીયાએ કરેલા હુમલા બાદ આંતર રાષ્ટ્રીય સ્તરે હીરા ઉદ્યોગમાં કાચા હીરાનો સપ્લાય ખોરંભાયો હતો. પરંતુ, એ પછી તાજેતરમાં અમેરીકાએ રશીયાની ડાયમંડ સપ્લાયર કંપની અલરોસા પર પ્રતિબંધ મૂકી દેતા સુરત, ગુજરાત સહિત સમગ્ર ભારતના હીરા ઉદ્યોગમાં આગામી દિવસોમાં કાચા હીરાની અછત સર્જાશે. પ્રતિબંધમાં આવેલી અલરોસા કંપની વિશ્વમાં 30 ટકા જેટલા જથ્થામાં કાચા હીરાનો સપ્લાય કરે છે, તેના સૌથી મોટા ગ્રાહકોમાં સુરત, મુંબઇના હીરા ઉધોગપતિઓ પણ આવે છે.
હવે મુંબઇ-ગુજરાતના હીરા ઉદ્યોગમાં આગામી દિવસોમાં કાચા હીરાની અછત વર્તાશે અને તેના ભાવો અસાધારણ રીતે વધી જવાની શક્યતા જોવાય રહી છે. બીજી તરફ કાચા હીરાને સમાંતર તૈયાર હીરાના ભાવો પણ આ જ કારણથી ઉંચકાશે જેને લઇને સમગ્ર હીરા બજારમાં મંદીનો માહોલ પણ સર્જાવાની ભીંતી છે.
હીરા ઉદ્યોગે હાલમાં પેમેન્ટ ક્રાઇસીસનો પણ સામનો કરવો પડી રહ્યો છે. યુક્રેન પર રશીયાએ કરેલા હુમલા બાદ વિશ્વની મોટા ભાગની કંપનીઓએ રશીયાની કંપનાના બેંકીંગ વ્યવહારો સ્થગિત કરી દીધા છે. ભારતના હીરા ઉદ્યોગપતિઓ દુબઇ, બેલ્જિયમ તેમજ ભારતની જ કેટલીક પ્રાઇવેટ સેક્ટર બેંક થકી પેમેન્ટ કરીને કાચા હીરાનો સપ્લાય મેળવી શક્તા હતા. પરંતુ, કેટલાક દિવસોથી દુબઇ, બેલ્જિયમ અને ભારતની બેંકોમાંથી થતાં પેમેન્ટ પણ બંધ થયા હોઇ હીરા ઉદ્યોગપતિઓ મોટી મુશ્કેલીમાં મૂકાયા છે.
હીરા ઉદ્યોગની ક્રાઇસીસને કારણે ગુજરાતના આર્થિક વિકાસમાં સહયોગ આપતા હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા 15 લાખથી વધુ લોકો નાણાંભીડમાં મૂકાશે
ભારત અને રશીયા વચ્ચે રૂપિઝ-રૂબલમાં આર્થિક વ્યવહારો થવા જોઇએ એવી વાતો છેલ્લા પખવાડીયાથી થઇ રહી છે પરંતુ, હજુ સુધી આ દિશામાં કોઇ નક્કર નિર્ણય જાહેર થયો નથી. આથી હીરા ઉદ્યોગકારો ઇચ્છે તો પણ કાચા હીરાની ખરીદી કરી શકે તેવી સ્થિતિમાં નથી.
જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના રિજિયોનલ ચેરમેન દિનેશ નાવડીયાએ જણાવ્યું કે સુરત, સૌરાષ્ટ્રમાં વિકસેલા હીરા ઉદ્યોગમાં આવી પડેલી આ વિકટ પરિસ્થિતિને કારણે હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા 15 લાખથી વધુ લોકોને સીધી યા આડકતરી રીતે અસર પહોંચે તેમ છે. આ પરિસ્થિતિ લાંબું ચાલશે તો ગુજરાતના અર્થતંત્રને પણ વિપરીત અસર થશે. આગામી ડિસેમ્બરમાં વિધાનસભાની ચૂંટણીઓ પણ આવી રહી છે. ગુજરાત સરકારને અપીલ કરી છે કે સરકારે દરમિયાનગીરી કરીને હીરા ઉધોગને ક્રાઇસીસમાંથી ઉગારવા માટે તાકીદના પગલાં ભરવા જોઇએ.