ભવાની જેમ્સની સ્ટોરી જાણવા માટે અમે કંપનીના યુવાન ડિરેકટર અને મનજીભાઇના પુત્ર રાજ ધોળકીયાને મળ્યા હતા. તેમણે ડાયમંડ સિટી ન્યૂઝ પેપર સાથે કંપનીના A RISE, FALL અને REBOUNDની નિખાલસતાથી વાત કરી. તો 0 થી શરૂ કરીને 1500 કરોડ રૂપિયા સુધીના ટર્નઓવર પહોંચતા સુધીમાં કંપની કેવી રીતે ઉભી થઇ, કેવી રીતે પડી અને ફરી કેવી રીતે ઉભી થઇ ગઇ તેની વાત કરીશું.
બોલીવુડના શહેનશાહ અમિતાભ બચ્ચનની લાઇફ સ્ટોરી ઘણા બધાને ખબર જ છે. તેઓ એક જમાનામાં સફળતાની ટોચ પર પહોંચ્યા હતા અને ફિલ્મઉદ્યોગમાં સુપર સ્ટાર તરીકે છવાઇ ગયા હતા. તેમના જીવનમાં એક તબક્કો એવો આવ્યો કે તેમણે ઉભી કરેલી એબી કોર્પોરશન ખોટના ખાડામાં ગઇ અને તેમના કપરા દિવસો શરૂ થયા હતા.પણ બચ્ચને હાથ પર હાથ રાખીને બેસી રહેવાને બદલે,કે નસીબને દોષ દેવાને બદલે કે તુટી જવાને બદલે મુશ્કેલ પરિસ્થિતિનો સામનો કર્યો, સંજોગો સાથે લડ્યા,ઝઝુમ્યા અને ફરી દિવસ રાત મહેનત કરીને ફિનિક્સ પંખીની જેમ ઉભા થયા.આજે બચ્ચન ફરી સફળતાની ટોચ પર છે અને આટલી ઉંમરે પહોંચવા છતા મહેનત કરીને કરોડો રૂપિયાની કમાણી કરે છે. આ વાત અમે તમને એટલા માટે કરી રહ્યા છીએ કે સુરતની એક ડાયમંડ કંપની ભવાની જેમ્સની સ્ટોરી પણ કઇંક આવી જ છે.
સુરતની ભવાની જેમ્સ ડાયમંડ કંપનીના માલિક મનજીભાઇ ધોળકીયા કે જેમને હીરાઉદ્યોગના લોકો મનજી રૂડાના નામે ઓળખે છે, તેમની સ્ટોરી ફિલ્મીથી કમ નથી. તેઓ પણ એક જમાનામાં ડાયમંડ ઉદ્યોગના સુપર સ્ટાર હતા, 4 જ ચોપડી ભણ્યા હતા, પરંતુ પોતાની કોઠાસૂઝથી કંપનીને એક નવી ઉંચાઇએ પહોંચાડી હતી. તેમના જીવનમાં પણ એક તબક્કો એવો આવ્યો કે બેંક પાસેથી ધિરાણ લીધેલા 600 કરોડ રૂપિયા પાછા આપવાનું નક્કી કર્યું, તેમાં તાત્કાલિક પૈસા ભેગા કરવા માટે અમુક પ્રોપર્ટીસ ભી વેચવી પડે તો એમાં જરા ભી હિચકિચાહટ ના કરી. એમ કહી શકાય કે તેમનો કપરો કાળ શરૂ થયો હતો. અનેક મુશ્કેલીઓ આવી, પરંતુ મજબુત મન અને અડગ વિશ્વાસ ધરાવતા મનજીભાઇ ડગ્યા નહી, હાર્યા નહી અને તુટ્યા પણ નહી.
આજે ભવાની જેમ્સ ફરી ઉભી થઇ ગઇ છે અને દોડવા માંડી છે. તો ભવાની જેમ્સના એ RISE, FALL અને REBOUNDની સ્ટોરી તમારી સાથે શેર કરીશું. તમને કદાચ એમ થશે કે ભવાની જેમ્સની સફળતા, નિષ્ફળતા સાથે અમારે શું લેવાદેવા. તો અમે તમને જણાવીશું કે ભવાની જેમ્સની સ્ટોરી અમે એટલા માટે કરી રહ્યા છે કે, કોઇ પણ ધંધામાં ડાઉનફોલ તો આવે, પરંતુ એ સ્થિતિને જીરવવાની, તેનો સામનો કરીને બહાર આવવાની, સમાજ, મિત્રો, સ્વજનો, પરિવાર સામે ઝઝુમવાની ત્રેવડ બધામાં હોતી નથી. ભવાની જેમ્સના મનજીભાઇ ધોળકીયાની સ્ટોરી એવા લોકોને કામ લાગી શકે જે બિઝનેશમાં મુશ્કેલીમાં મુકાયેલા હતાશ થયેલા છે.
જેમને ફરી ઉભા થવું છે. એવા લાખો યુવાનોને એમની સ્ટોરી કામ લાગી શકે છે જે બિઝનેસમાં ઝંપલાવવના સપનાં જોઇ રહ્યા છે. મનજીભાઇની સ્ટોરીમાં એ વાત પણ છે કે પરિવાર તમારા માટે કેટલો મહત્ત્વનો છે. મનજીભાઇની સ્ટોરીમાં એ વાત પણ છે કે જૂની પેઢી અને નવી પેઢી કેવી રીતે તાલમેલ મેળવીને કામ કરી શકે છે. સામાન્ય રીતે લોકો સફળતાની વાત શેર કરતા હોય છે, પરંતુ મુશ્કેલ સમયની વાત શેર કરવા માટે જીગર જોઇએ.
4 ચોપડી ભણેલા માણસે હીરાઉદ્યોગમાં સામ્રાજ્ય ઉભું કરી દીધું હતું
રાજ ધોળકીયાએ તેમના પિતા મનજીભાઇએ ડાયમંડ ઉદ્યોગમાં કેવી રીતે શરૂઆત કરી તેમની વાત કરી. તેમણે કહ્યું કે મારા પિતાનો જન્મ 1953માં અમરેલી જિલ્લાના લાઠી ગામમાં થયો હતો.તેઓ માત્ર 4 ચોપડી ભણ્યા હતા અને 14 વર્ષની વયે સુરત આવીને હીરા ઘસવાની શરૂઆત કરી હતી. 7 વર્ષ સુધી સુરતમાં હીરા ઘસ્યા પછી ભાવનગર આવ્યા અને નાના પાયે ઘંટી શરૂ કરી હતી. ફરી પિતાજી સુરત આવ્યા અને મોટી ડાયમંડ ફેકટરી શરૂ કરી.1998 સુધીમાં 3000 ઘંટી શરૂ કરી અને તે વખતે લગભગ 17,000 માણસો કામ કરતા હતા.
રાજ ધોળકીયાએ કહ્યું કે, મારા પિતાએ એ જમાનામાં હીરાનું પ્રોડક્શન કેવી રીતે વધારવું તે હીરાઉદ્યોગને શિખવાડ્યું હતું. મતલબ કે રત્નકલાકારોમાં જે ટેલેન્ટ હતું તેને બહાર લાવવાનું કામ મારા પિતા મનજીભાઇએ કહ્યું હતું. એ જમાનામાં અમારી ફેકટરીમાં કામ કરતો રત્નકલાકાર મહિને 50,000 રૂપિયા કમાતો હતો. મારા પિતા ભણ્યા હતા ઓછુ, પરંતુ તેમનામાં ગજબની કોઠાસૂઝ છે. એમ કહી શકાય કે ભણ્યા નહી, પણ ગણ્યાં ખુબ છે. શૂન્યમાંથી સર્જન કરીને મારા પિતા મનજીભાઇએ ભવાની જેમ્સને 1500 કરોડ રૂપિયાના ટર્નઓવર સુધી પહોંચાડી હતી. સાથે રત્નકલાકારોના જીવન ધોરણ સુધારવામાં પણ તેમણે મહત્ત્વનું યોગદાન આપ્યું. તેઓ હમેંશા પોતાની કમાણીમાંથી રત્નકલાકારોના માટે પણ વિચારતા.
એ વખતે રત્નકલાકારોને પ્રોત્સાહન આપવા માટે ઇનામો કે એવી કે અનેક પ્રોત્સાહક સ્કીમ રાખતા. ભવાનીમાં કામ કરનાર કારીગર સારું કામ કરે તો કાર કે મોંઘી ભેટ મેળવતો. રાજ ધોળકીયાએ કહ્યું કે ભવાની જેમ્સનું નામ ઉંચુ કરવા માટે પિતાએ ખુબ મહેનત કરી હતી એ અમે સગી આંખે જોયું છે. સવારે 10 વાગ્યે ઓફિસ આવી ગયા પછી ઘરે આવવાનો કોઇ સમય નક્કી ન હોય. ઘણી વખતે તો રાત્રે 12-12 વાગ્યે ઘરે આવતા. એમના માટેની સૌથી મહત્ત્વની વાત એ હતી કે કંપનીના ટર્નઓવરની સાયકલ પોતાના જ પૈસે ફેરવતા, ધિરાણ કે કોઇની પાસે ઉછીના પૈસા લેવા તેમનું ગમતું નહોતું અને એ રીતે શૂન્યમાંથી તેમણે ભવાની જેમ્સને કરોડો રૂપિયાની ટર્નઓવર સુધી પહોંચાડી.
એ જમાનામાં પણ સમાજ પ્રત્યેનું ઉત્તરદાયિત્વ, મારા પિતા મનજીભાઇ સારી રીતે સમજતા હતા શિક્ષણનું ક્ષેત્ર હોય કે જળસંકટની સમસ્યા હોય, મંદિરનું નિર્માણ હોય કે સ્મશાનગૃહનું નિર્માણ હોય કે ગાગડીયા નદી પર ડેમ બાંધવાની વાત હોય, મારા પિતાએ હમેંશા જન્મભૂમિ અને કર્મભૂમિ માટે ખુલ્લા હાથે સખાવત કરી છે. લાઠીગામમાં પહેલો ચેકડેમ 7 કિ.મી. લાંબો અને 30 ફુટ ઉંડો મારા પિતાએ બંધાવ્યો હતો. લાઠી ગામમાં ઘરે ઘરે નળથી પાણી પહોંચાડવાનું કામ પણ મારા પિતાએ કરાવ્યું. ક્રિક્રેટનું પેવેલિયન હોય કે શાળા, બાગ બગીચા એવી અનેક સુવિધાઓ તેમણે ઉભી કરાવી આપી હતી. આજે લગભગ 67 વર્ષની વયે પહોંચ્યા છે, પણ બિઝનેસ કરવાનો આત્મવિશ્વાસ, જોમ હજું અકબંધ છે. હા, એટલું ખરું કે ઉમંરને કારણે પહેલાં જેવું કામ ન કરી શકે, પરંતુ તેમણે અમારા જેવી નવી પેઢીને પણ તૈયાર કરી દીધી છે.
પિતાનો અનુભવ અને નવી પેઢીનો ટેકનોલોજીનો સ્વીકાર તાલમેલ મેળવવા માટે કામ લાગ્યો
રાજ ધોળકીયાએ કહ્યું કે મારા પિતા નહોતા ભણ્યા, પણ અમને ખુબ ભણાવ્યા. હું 3જા ધોરણથી પંચગીની ભણવા ગયો હતો અને 7 ધોરણ સુધી ત્યાં જ ભણ્યો. એ પછી સ્કુલીંગ અને કોલેજ મુંબઇની સિગ્નમ કોલેજમાં બી.કોમ સુધી ભણ્યો. એ પછી અમેરિકા GIAમાં ડાયમંડનો કોર્ષ કરવા ગયો હતો. GIAમાં જવેલરી બિઝનેસ. ડાયમંડ પ્રોડકશન, માર્કેટીંગ એવું 1 વર્ષમાં શીખ્યો. રાજ ધોળકીયાએ કહ્યું કે પિતા પાસે અનુભવ હતો, કોઠાસૂઝ હતી અને મારી અને મારા ભાઇ હીત પાસે ભણતર હતું.
નવી પેઢીએ ટેકનોલોજીનો સ્વીકાર કરીને કંપનીને 1500 કરોડના ટર્નઓવર સુધી પહોંચાડી હતી. ઉપરાંત નવા નવા માર્કેટ પણ શોધ્યા હતા. રાજ ધોળકીયાએ કહ્યું કે અમારા પિતા મનજીભાઇની પતલાં ડાયમંડની સક્સેસ સ્ટોરી હતી.મતલબ કે તેઓ પતલાં કે નાની સાઇઝના ડાયમંડમાં માસ્ટરી ધરાવતા હતા. અમે નવી પેઢીએ જાડી સાઇઝ એટલે કે મોટી સાઇઝના ડાયમંડ બનાવવા પર ફોકસ કર્યું. ભવાની જેમ્સનો ઉગતો ડાયમંડ પ્રોડક્શન મહિને દિવાળીના સમયે 1.18 લાખ કેરેટ કરોડ ડાયમંડનું પ્રોડકશન કરતા હતા. કંપનીમાં અમારી નવી પેઢી જોડાવવાને કારણે કંપનીનો ગ્રોથ થયો, સોફટવેર ડેવલપ કર્યા, આઉટપૂટ વધાર્યુ, નવી નવી ટેકનોલોજીને સ્વીકારી અને કંપનીના 500 કરોડના ટર્નઓવરને 1500 કરોડ સુધી પહોંચાડ્યું.
ઇન્ટરનેશનલ સોર્સિંગ શોધ્યા. આજે જયારે ફરી લેબગ્રોનમાં ભવાની જેમ્સ પાછી પાટા પર ચઢી ગઇ છે ત્યારે લેબગ્રોનમાં એન્ટર થઈને પહેલાં જ વરસે દિવાળીના મહિનામાં 20000 કેરેટનું પ્રોડક્શન કર્યું. હવે લેબગ્રોનમાં જાડા ડાયમંડનું કામ આગળ વધારી રહ્યા છે. ભવાની જેમ્સનું ગયા વર્ષે લેબગ્રોન ડાયમંડનું 200 કરોડનું ટર્નઓવર હતું. અમે ભેગા થઇને કંપનીને લેબગ્રોનના માધ્યમથી ફરી ઉંચાઇએ પહોંચાડવામાં મહેનત કરી રહ્યા છે.
ભવાની જેમ્સની મુશ્કેલી સમયની વાત
રાજ ધોળકીયાએ કહ્યુ, વાત એમ હતી કે વર્ષ 2004થી કંપનીએ બેંક પાસેથી 500 કરોડનું ધિરાણ મેળવ્યું હતું, એ વાત હમેશા મારા પિતા મનજીભાઇને ખટકતી હતી. 2015માં એક દિવસ તેમણે નક્કી કર્યું કે બેંકના પુરા પૈસા ભરી દેવા છે. મારા પિતા ધારતે તો અનેક ઉદ્યોગકારોની જેમ બેંકોના રૂપિયા એન્જોય કરી શકતે. બેંકો પણ કહેતી, બેંકોના પૈસા લઇ ધંધો વધારો પાછા નહીં આપો, પણ નક્કી કર્યું હતું કે બેંકોના પૈસા પાછા આપી પછી જ ધંધો કરીશું. તેમણે કહ્યું કે બેંકોની પાઇએ પાઇ ભરી દેવાની છે, ભલે અમુક મિલક્તો વેચી દેવી પડે. ઘણા મિત્રોએ, અગ્રણી ઉદ્યોગપતિઓએ મનજીભાઇને સમજાવ્યું કે પુરે પુરી રકમ ભરવાનું આવું પગલું ન ભરો, તમાંરી શાખ પર અસર પડશે. મારા પિતાએ પરિવાર સાથે મિટીંગ કરીને આખરે નક્કી થયું કે બેંકની પુરે પુરી રકમ 1 વર્ષમા ભરી દેવી. હવે બેંકમાં આટલી મોટી રકમ ભરવાની હોય ત્યારે રૂપિયા તો હાથ પર હોય નહી, ક્યાંકને કયાંક પાર્ક થયેલા હોય.
પ્રોપર્ટીમા હોય કે બિઝનેસમાં ફરતા હોય. રાજ ધોળકીયાએ કહ્યું કે, મારા પિતા અને અમે ભેગા થઇને નક્કી કર્યું હતું કે પ્રોપર્ટી ખરીદવાનો એ જ તો હેતું હોય છે કે આપણાં ખરાબ સમયમાં કામ લાગે. પ્રોપર્ટી વેચી નાંખી, ખર્ચ પર કાપ મુકી દીધા, કારીગરો ઘટાડ્યા, નાની ઓફીસમાં કામ ચાલું કર્યું, પણ બેંકની પુરેપુરી 500 કરોડની રકમ જમા કરાવી દીધી. આમ જોવા જઇ તો એ અમારી નિષ્ફળતા નહોતી, પણ જયારે તમે પ્રોપર્ટી વેચતા હો, ફેકટરી વેચી દેતા હોય તો બજારમાં એક પ્રકારની નેગેટીવીટી ફેલાય છે. અમારા કેસમાં પણ એવું જ થયું. જે લોકો અમારી સાથે દિવસ રાત રહેતા હતા તે દુર થવા માંડ્યા હતા.કંપનીનું ટર્નઓવર ઘટવા માંડ્યું હતું. એટલે ભવાની જેમ્સની જે શાખ હતી તે ઘટવા માંડી. અમારો નેચરલ ડાયમંડનો જે ધંધો હતો તે માત્ર 5 ટકા સુધી જ સિમીત રહ્યો. પણ ડાયમંડનો ધંધો ચાલું રાખીને બેંકના રૂપિયા ભર્યા.
કોરોના મહામારી અને લેબગ્રોન ડાયમંડે ભવાની જેમ્સને ફરી ઉંચાઇએ પહોંચાડવાની તક આપી
રાજ ધોળકીયાએ કહ્યું કે કંપનીના કપરા દિવસો હતો, એટલે મારા પિતા, મારો મોટોભાઇ હિત ધોળકીયા અને મેં ભેગા થઇને નક્કી કર્યું કે હું અમેરિકા જઇને કોઇ નવો બિઝનેસ કરીશ, ભાઇ હિત ધોળકીયા નેચરલ ડાયમંડનું કામ સંભાળશે અને તે વખતે લેબગ્રોન ડાયમંડની શરૂઆત હતી એટલે પિતા મનજીભાઇએ લેબગ્રોન ડાયમંડ મેન્યુફેકચરીગંનું કામ સંભાળવાનું નક્કી થયું. અમેરિકા જઇને મેં જોયું કે અહીં પ્રોપર્ટી બિઝનેશમાં સારી કમાણી છે, એટલે મેં પ્રોપર્ટી બિઝનેસમાં ઝંપલાવ્યું.
અમેરિકાના લાસવેગાસમાં બાંધકામ કરીને એક પ્રોપર્ટી ઉભી કરી અને હોટલ MARRIOTની ફ્રેન્ચાઇઝી લીધી. શરૂઆતમાં 200 રૂમ્સથી બિઝનેશ ચાલું કર્યો અને ધીમે ધીમે 6 પ્રોપર્ટી ખરીદીને બીજા 800 રૂમ્સનો હોટલ બિઝનેશ શરૂ કર્યો. આજે કુલ 1000 રૂમ્સ ચાલું કરી દીધા. આ વાત મહત્ત્વ એટલા માટે છે કે અમેરિકામાં વર્ષોથી રહેતાં લોકો પણ 200 રૂમ્સની હોટલના બિઝનેશ સુધી પહોંચી શકતા નથી. ભવાની જેમ્સના રીબાઉન્ડનો પાયો ત્યારે નાંખો જયારે ભારતમાં 2019માં કોરોના મહામારીએ હાહાકાર મચાવ્યો હતો. તે વખતે માર્ચ મહિનામાં હું અમેરિકાથી ફલાઇટમાં સુરત આવ્યો હતો અને લોકડાઉનની શરૂઆત હતી. એ સમયે સુરતમાં ફરજીયાત રોકાઇ જવું પડ્યું.
ફરી ભાઇ, પિતા સાથે મિટીંગ થઇ અને નક્કી થયું કે લેબગ્રોન ડાયમંડ પ્રોડકશનના બિઝનેસને આગળ વધારવો છે. અમે એમાં મંડી પડ્યા અને આજે લેબગ્રોન ડાયમંડ પ્રોડકશનમા ભવાની જેમ્સનું નામ વર્લ્ડ ટોપ થ્રી લીડર્સમાં આવી ગયું છે. પિતાએ પુછ્યું કે બોલ, ફરી અમેરિકા જવું છે કે અહીં જ લેબગ્રોનનો બિઝનેસ સંભાળવો છે? મે નક્કી કર્યું કે અમેરિકાના પ્રોપર્ટી બિઝનેશની સીસ્ટમ સેટ થયેલી છે અને તે અહીં બેઠા બેઠા સંભાળી શકાય તેમ છે એટલે અહીં સુરતમાં જ લેબગ્રોન ડાયમંડના બિઝનેસને આગળ વધારીએ. આજે ફરી ભવાની જેમ્સનું શાખ, નામ ઉજળા થઇ ગયા છે અને અમે કપરા સમયમાં વેચેલી 50 ટકા પ્રોપર્ટી ફરી રિકવર કરી લીધી છે.
પિતાનો લક્ષ્યાંક છે કે થોડા વર્ષમાં વેચેલી બધી 100 ટકા સંપત્તિ રિકવર કરી લેવી છે. આ તો થઇ ભવાની જેમ્સના A RISE, FALL અને REBOUNDની વાત, પરંતુ આ સમયગાળામાં પરિવારનો રોલ શું રહ્યો? નવી પેઢી, જુની પેઢી કેવી રીતે તાલ મેળવી શકે? ધંધો ચલાવવા માટે નીતિમત્તાની કેટલી જરૂર પડે? મુશ્કેલીના સમયમાં લોકોનો વહેવાર કેવો હોય છે? બિઝનેસમાં સંયમની કેટલી જરૂર પડે? આ બધી વાત પણ અમે રાજ ધોળકીયા પાસેથી જાણી
આત્મવિશ્વાસ હોય અને પરિવારનો સાથ હોય તો ગમે તેવી પરિસ્થિતિનો સામનો કરી શકાય છે
રાજ ધોળકીયાને અમે પુછયું કે તમે ચઢતી પણ જોઇ, પડતી પણ જોઇ અને ફરી ઉભા કેમ થવાય તે પણ જોયું તો તમારી દ્રષ્ટિએ લાઇફનો નિચોડ શું? તો રાજ ધોળકીયાએ કહ્યું કે અમારા માતા-પિતાના સંસ્કાર ઘણા કામ લાગ્યા. ધોળકીયાએ કહ્યું કે અમે નાનપણથી પિતાને મહેનત કરતા જોયા હતા. તેમને જયારે પણ સાંભળતા તો સમજણના શબ્દો જ સાંભળવા મળતા, કારીગર હોય કે કોઇ પણ નાનો વ્યકિત હોય દરેકની સાથે પ્રેમથી અને રિસ્પેકટથી વાત કરતા જોયા હતા.
કપરો સમય આવ્યો તો તેમની મક્કમતા પણ જોઇ, તેમની હિંમત પણ જોઇ અને પરિવારને સાચવવાની રીત પણ જોઇ.દુનિયાની કોઇ પણ યુનિવર્સિટીમાં શીખવા ન મળે તેવા જિંદગીના પાઠ તેમની પાસેથી શિખ્યા. કપરા સમયે અમારાથી દુર થઇ જતા લોકોને પણ જોયા હતા, પણ તેની સામે એવા લોકો પણ હતા કે જે એવું કહેતા હતા કે અડધી રાતે પણ કામ પડે તો કહેજો. આવા લોકોનો સાથ પણ મળ્યો. રાજ ધોળકીયાએ કહ્યું કે, જિંદગીની આટલી જર્નીમાં એ વાત સમજ પડી કે કે પૈસા તો મહત્ત્વના છે, પંરંતુ તેનું ગુમાન ન કરાય, દેખાડો ન કરાય.
ગમે તેવી પરિસ્થિતિમાં આત્મવિશ્વાસ ન ગુમાવવો અને પરિવારનો સાથ હમેંશા જાળવી રાખવો. ધોળકીયાએ કહ્યુ કે, જયારે 2004માં મારા લગ્ન થયા હતા ત્યારે અમારી પાસે પૈસાની જાહોજલાલી હતી અને તે વખતે મારી પાસે મર્સિડીઝ SLK ઓવન કાર નંબર-9 હતી બ્લેક કલરની. આ ઓપન કાર જયારે હું લઇને નિકળતો અને પાર્ક કરતો ત્યારે 100થી વધારે લોકોનું ટોળું કાર જોવા માટે એકઠું થતું હતું. કારણકે તે વખતે આવી મોંઘી કાર ઘણાં ઓછા પાસે હતી. પરંતુ કપરાં સમયમાં નાની કારમાં જતા પણ અમને શરમ નથી લાગી.