હીરા ઉદ્યોગમાં મંદી : સુરતના હીરાના કારખાનાઓમાં સામી દિવાળીએ 3 રજા જાહેર

રત્નકલાકારોને નોકરીમાંથી છૂટા કરાઈ રહ્યાંનો આક્ષેપ, સરકાર રત્નકલાકારો માટે આર્થિક પેકેજ જાહેર કરે, ડાયમંડ વર્કર યુનિયનનું કલેક્ટરને આવેદનપત્ર

Recession in diamond industry 3 holidays declares for Diwali in diamond factories of Surat
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE SIDDHI VINAYAK LASER

DIAMOND CITY NEWS, SURAT

લેબગ્રોન ડાયમંડના વધેલા ચલણ, અમેરિકા, ચીન, ઇઝરાયલ, યુરોપ અને મિડલ ઇસ્ટનાં દેશોમાં નેચરલ એટલે કે, કુદરતી હીરાની નબળી ડિમાન્ડને પગલે સુરત સહિત ગુજરાતમાં 6 લાખથી વધુ રત્નકલાકારો આર્થિક ભીંસમાં સપડાયા છે.

ગુજરાત ડાયમંડ વર્કર યુનિયનનાં પ્રમુખ રમેશ જીલારિયા અને ઉપપ્રમુખ ભાવેશ ટાંકનાં નેતૃત્વમાં રત્નકલાકારોનાં એક પ્રતિનિધિ મંડળે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ જોગ લખેલું આવેદનપત્ર જિલ્લા કલેક્ટર સૌરભ પારધીને સુપ્રત કર્યું હતું.

બંને આગેવાનોએ આવેદનપત્રમાં જણાવ્યું છે કે, હીરાઉદ્યોગમા મંદીના કારણે રત્નકલાકારો ભારે આર્થિક સંકટમાં ફસાયા છે. ઉદ્યોગમાં બેરોજગારીનું પ્રમાણ સતત વધી રહ્યું છે, જેના કારણે આપઘાતના બનાવો સતત ચિંતાજનક રીતે વધી રહ્યા છે. છેલ્લાં 18 મહિનામાં અંદાજે 60 જેટલા રત્નકલાકારોએ આપઘાત કરી જીવન ટુંકાવી લીધા છે.

સરકાર અને ઉદ્યોગકારોએ સાથે મળી આ કપરા સમયે રત્નકલાકારોને મદદ કરવી જોઈએ, જો એવું નહીં થાય તો હજી વિકટ દિવસ આવશે. યુનિયને કરાવેલા સર્વેમાં મોટી સંખ્યામાં રત્નકલાકારો બેરોજગાર થયા છે.

રત્નકલાકારોને નોકરીમાંથી છૂટા કરાઈ રહ્યાં છે, મોટી સંખ્યામાં નાના અને મધ્યમ હરોળના કારખાનાઓમાં 3 દિવસની રજા જાહેર કરવામાં આવી છે. એ સ્થિતિમાં સરકાર રત્નકલાકારો માટે આર્થિક પૅકેજ જાહેર નહીં કરે તો કારીગરોને સાચવવા મુશ્કેલ બનશે.

ઉપપ્રમુખ ભાવેશ ટાંકે જણાવ્યું હતું કે, હીરાઉદ્યોગમાં રત્નકલાકારોના પગાર ખૂબ ઘટી ગયા છે. કેટલાંક કારખાનાઓમાં કારીગરોને નોકરી પરથી છુટા કરવાના બનાવો પણ વધી રહ્યા છે. એક તરફ મોંઘવારી સતત વધી રહી છે ત્યારે કારીગરોના પગાર વધવાને બદલે સાવ તળિયે પહોંચી ગયા છે જેના કારણે રત્નકલાકારોને ઘર ગુજરાન ચલાવવા માટે અસમર્થ બની રહ્યા છે. હવે જ્યારે તહેવારોની સિઝન નજીક આવી રહી છે ત્યારે રત્નકલાકારોને દિવાળી ટાણે હોળીના થાય તે દિશામાં સરકાર કદમ ઉઠાવે તેવી માંગ ગુજરાત ડાયમંડ વર્કર યુનિયન દ્વારા કરવામાં આવી છે.

યુનિયને સુરત જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપી રત્નકલાકારોના હિતમાં કાર્ય કરવા રજૂઆત કરી કહ્યું કે, હીરાઉદ્યોગના રત્નકલાકારો બાબતે સરકારને અનેક વખત રજૂઆતો કરવા છતાં રત્નકલાકારોની રજૂઆતો સરકારના બહેરા કાને પહોંચી રહી નથી.

હીરાઉદ્યોગ હવે ભાંગવાના આરે છે ત્યારે સરકારે રત્નકલાકારોની ધીરજની કસોટી કરવી જોઈએ નહીં અને તાત્કાલિક તેમની માંગણી સ્વીકારી અને હીરાઉદ્યોગને ભાંગતો બચાવવો જોઈએ, નહિતર 2008 જેવી પરિસ્થિતિનું નિર્માણ થશે જેના માટે સરકાર જ જવાબદાર હશે.

ગુજરાત ડાયમંડ વર્કર યુનિયન દ્વારા આ માંગણી કરાઈ

ગુજરાત ડાયમંડ વર્કર યુનિયનના હોદ્દેદારોએ સુરત જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર સોંપી રત્નકલાકારો માટે આર્થિક પૅકેજ જાહેર કરવા માંગ કરી હતી. તે ઉપરાંત રત્નદીપ યોજના શરૂ કરવા, વ્યવસાય વેરો નાબૂદ કરવા, આપઘાત કરતા રત્નકલાકારોના પરિવારોને આર્થિક મદદ કરવા તેમજ રત્નકલાકાર કલ્યાણ બોર્ડ બનાવવા રજૂઆત કરી હતી.

______________________________________________________

Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp | YouTube

વધુ સમાચાર વાંચો :

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant
  • Nippon Rare Metal Inc
  • SGL LABS