સુરતના મઘ્યમવર્ગીય ઝવેરી પરિવારમાં જન્મેલા રૂપીનભાઇએ પોતાની મહેનત અને સંઘર્ષ કરીને સફળતાની બુલંદી પર પહોંચી ગયા છે. 71 વર્ષની વયે પણ તેઓ પુરા જોશ અને હોશ સાથે કામ કરે છે. તેમની લાઈફ સ્ટોરીને આપણે 4 ભાગમાં સમજીશું. એક તો કિશોરાવસ્થા, યુવાવસ્થા, પ્રૌઢવસ્થા અને અત્યારની તેમની પ્રવૃત્તિ વિશે વાત કરીશું…
નર્મદની નગરી, સૂર્ય પુત્રી તાપી કિનારે વસેલું શહેર, ડાયમંડ- ટેક્સટાઈલની નગરી અને ચાલશે, ફાવશે, ભાવશેની વિચારધારા ધરાવતા શહેર સુરતના એક 71 વર્ષના યુવાન મૂળ સુરતીની આજે તમારી સાથે વાત કરવી છે. યુવાન એટલા માટે કહીએ છીએ કે આજે પણ તેમનામાં યુવાન જેવી સ્ફૂર્તિ છે, એટલું જોશ છે અને આજે પણ એટલાં જ એક્ટિવ છે. તમે તસ્વીર જોશો તો કહેશો કે હેન્ડસમ માણસ છે. હોલીવુડ ફિલ્મના કોઇ અભિનેતા જેવી તેમની પર્સનાલિટી છે. વ્યવસાયે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે, પરંતુ સાહિત્ય, કળા, સંસ્કૃતિ, નાટક અને ગુજરાતની ગરિમા તેમના દિલમાં ઠાંસી ઠાંસીને ભરેલી છે. સ્પષ્ટ વક્તા, સાદગીભર્યું જીવન, સરળ શૈલી, ડાઉન ટૂ અર્થ વ્યક્તિત્વ અને સૌથી અગત્યનો ગુણ એ છે કે તેઓ હંમેશા મૃદુભાષામાં વાત કરે. તેઓ જ્યારે સ્ટેજ પર બોલતાં હોય તો એવું લાગે કે દરેક શબ્દ દિલથી નીકળી રહ્યો છે. એમનું નામ છે રૂપીન રમેશચંદ્ર પચ્ચીગર. રૂપીનભાઇ એવા લોકો માટે માઇલસ્ટોન સાબિત થયા છે કે જેઓ ગુજરાતી માધ્યમમાં ભણવા છતાં સફળતાના શિખરો સર કરવા માંગે છે.
અત્યંત વિનમ્ર મૃદુભાષી, શાંત સરળ, પ્રેમ લાગણીથી છલોછલ, ગીતાના કર્મના સિધ્ધાંતમાં માનનારા કર્મશીલ, જીવનમાં વ્યસ્ત રહેલા છતાં ફેમિલીને પણ પુરતો સમય આપવામાં માનનારા રૂપીન પચ્ચીગર વિશે આ વખતે ડાયમંડ સિટી ન્યૂઝપેપરની ‘વ્યક્તિ વિશેષ’માં વાત કરીશું. રૂપીનભાઇએ શરૂઆતમાં જ એક પંક્તિ સંભળાવી…
‘કોઇ અમને નડ્યા તો ઊભા રહી ગયા,
પણ ઊભા રહી અમે કોઈને ન નડ્યા’
આ એમની જીવન જીવવાની શૈલી છે. એમણે કોઈની પણ લીટી ભુંસવાનો પ્રયત્ન કર્યો નથી. હા, પોતાની કાબેલિયતથી પોતાની લીટી જરૂર લાંબી કરી છે.
રૂપીન પચ્ચીગર એટલે મલ્ટીટેલેન્ટેડ પર્સનાલિટી તેઓ પ્રોફેશનલી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે, પરંતુ સાથે સાથે શિક્ષણ, સાહિત્ય, કલા, ઉદ્યોગ, રાજકારણ અને સમાજ સેવા સાથે સંકળાયેલા છે. તેમણે તેમની જિંદગીના પડાવમાં એવા નિર્ણયો લીધા છે જેને કારણે સુરત શહેર અને ઉદ્યોગના લોકોને લાંબાગાળાનો ફાયદો થયો હોય. રૂપીનભાઇ ધારતે તો પોતે કરોડો અબજો રૂપિયા બનાવીને વૈભવી જીવન જીવી શકતે એટલી તેમનામાં ક્ષમતા છે, પરંતુ એક ઉચ્ચ જીવનધોરણ જીવી શકાય તેટલી કમાણી કરીને તેમણે સાહિત્ય અને સમાજ સેવા પર વધારે ધ્યાન આપ્યું છે. રૂપીનભાઇનો એક સૌથી સારો ગુણ એ છે કે તેમનું કામ સીધી લીટીનું છે, ક્યારેય કોઈને નડતા નથી. બીજો સારો ગુણ એ છે કે હંમેશા તમને અપ ટુ ડેટ જ જોવા મળે. ત્રીજો ગુણ એ છે કે હંમેશા પરફેક્શનમાં માને અને ચીવટાઇપૂર્વક કામ કરે.
સુરતના મધ્યમવર્ગીય ઝવેરી પરિવારમાં જન્મેલાં રૂપીનભાઇએ પોતાની મહેનત અને સંઘર્ષ કરીને સફળતાની બુલંદી પર પહોંચી ગયા છે. 71 વર્ષની વયે પણ તેઓ પુરા જોશ અને હોશ સાથે કામ કરે છે. તેમની લાઇફ સ્ટોરીને આપણે 4 ભાગમાં સમજીશું. એક તો કિશોરાવસ્થા, યુવાવસ્થા, પ્રૌઢાવસ્થા અને અત્યારની તેમની પ્રવૃત્તિ વિશે વાત કરીશું.
રૂપીનભાઇએ જિંદગીના અનુભવો અને જ્ઞાનને સમાજમાં વ્હેંચીને ઉત્તમ કામ કર્યું છે
રૂપીનભાઈએ એમને મળેલી સફળતાઓ પછી ક્યારેય પૂર્ણવિરામ મૂક્યો નથી. દરેક સફળતા બાદ અલ્પવિરામ કરી ફરી એકવાર જીવનની રફતારમાં આગળ દોડતા રહ્યાં છે. એમ કહી શકાય કે રૂપીનભાઈ મરીઝની પંક્તિને હરહમેશ ચરિતાર્થ કરતાં રહ્યાં છે.
“જીદંગીના રસને પીવામાં જલ્દી કરો મરીઝ
એક તો ઓછી મદિરા અને વળી ગળતું જામ છે.”
જિંદગીમાં રૂપીનભાઇને જે પણ જવાબદારી મળી તે તેમણે સુપેરે નિભાવી એટલું નહી પણ, સાથે સાથે તેમના અનુભવો અને જ્ઞાનને તેમણે સમાજમાં વ્હેંચીને ઉત્તમ કામગીરી પણ કરી. તેમણે તેમના જીવનમાં કરેલી ઉત્કૃષ્ટ કામગીરી જોઇએ જેને કારણે શહેર અને સમાજને અનેકગણો ફાયદો થયો. રૂપીનભાઇ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચૅરમૅન હતા ત્યારે તેમણે પાલિકા સંચાલિત 270 શાળાઓને નામ આપવાનો નિર્ણય લીધો અને તે વખતના ગુજરાતના મુખ્યમંત્રી તરીકે રહેલા નરેન્દ્ર મોદીના હસ્તે 270 શાળાઓને એક સાથે નામ આપવામાં આવ્યા. પાલિકાની શાળાઓને સ્વતંત્ર સેનાનીઓ, સાહિત્યકારો, કલામર્મજ્ઞો, સંતો, રાજનિતિજ્ઞોના નામ આપીને શાળાઓ 85 વર્ષથી નંબરથી ઓળખાતી હતી તે પ્રથા નાબૂદ કરી. તેમના સમયમાં મહાનગરપાલિકાની શાળામાં અંગ્રેજી માધ્યમમાં શિક્ષણ આપવાની શરૂઆત થઇ. તેમણે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપ હેઠળ કામગીરી શરૂ કરી તેમાં 27 મ્યુનિસિપલ શાળાઓને જુદા જુદા ટ્રસ્ટો દ્વારા દત્તક લેવામાં આવી. જેને કારણે પાલિકા સંચાલિત શાળાઓને કમ્પ્યુટર લેબોરેટરી, લાયબ્રેરી, ઔષધિના બાગ અને રમતગમતના સાધનો મળી શક્યા. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ઇતિહાસમાં પહેલીવાર શાળાગીત – સ્કૂલ એન્થમની રચના કરી જેની તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ખાસ્સી સરાહના કરી હતી. તેમણે કરેલી કામગીરીની યાદી બહુ લાંબી છે, પણ હવે બીજી સંસ્થાઓની કામગીરી પણ જોઇ લઇએ.
સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી (SES) જે હવે સાર્વજનિક યુનિવર્સિટી બની ગઇ છે તેમાં રૂપીનભાઇએ 20 વર્ષમાં ફાઇનાન્સ કમિટીના ચૅરમૅન, SES વાઈસ ચૅરમૅન અને વર્ષ 2007 થી 2009 સુધી SES ચૅરમૅન તરીકે સેવા આપી હતી. તેમના સમયમાં રામક્રૃષ્ણ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કમ્પ્યુટર એજ્યુકેશન એન્ડ એપ્લાઇડ સાયન્સ – માઇક્રો બાયોલોજી કોલેજના નવા મકાનનું ઉદ્દઘાટન થયું અને તે પણ તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના હસ્તે. તેમણે દક્ષિણ ગુજરાતની એક માત્ર ઇવનિંગ કોલેજની શરૂઆત સર કે. પી. કોલેજના પ્રિમાઈસીસમાં કરી હતી. એ સમયમાં રૂપીનભાઇએ સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત બધી કોલેજોની લાયબ્રેરીઓને કમ્પ્યુટર નેટવર્ક સાથે જોડી જેને કારણે દુર્લભ પુસ્તકો વાંચવા મળ્યા અને આ જ્ઞાનના ભંડારને તેમણે પ્રજા માટે પણ ખુલ્લો મૂક્યો હતો. એમણે ધોરણ ૧ થી ૭ ની કવિતાને સંગીતમાં કંડારી, તેની સીડી બનાવી, વિદ્યાર્થીઓને કવિતા ગાતા કરી દીધા હતા. તો પાઠ્યપુસ્તક આધારિત નાટકોની સ્પર્ધા કરી “એજ્યુકેશન થ્રુ થિયેટર” ની શરૂઆત સોસાયટીની શાળાઓમાં કરી હતી.
રૂપીન પચ્ચીગરની રજૂઆતને પગલે સુરતમાં ચાર્ટર્ડ એકાઉટન્ટની પરીક્ષાના સેન્ટરની શરૂઆત થઇ હતી. 1987 પહેલાં સુરતના વિદ્યાર્થીઓને સી.એ. પરીક્ષા આપવા અમદાવાદ, વડોદરા, મુંબઈ જવું પડતું હતું.
રૂપીનભાઇ SGCCIના પ્રમુખ બન્યા ત્યારે તેમણે તે સમયના નાણાં પ્રધાન ડૉ. મનમોહન સિંહને એક્સાઇઝ અને ઇન્કમટેક્સના પ્રશ્નો વિશે રજૂઆત કરી હતી. તે વર્ષના બજેટમાં યાર્ન પરની એક્સાઇઝ ડ્યુટી 20 ટકા ઘટાડવામાં આવી હતી. તેમણે પવન ચક્કી દ્વારા વીજળી મેળવવા માટે પણ પૂરતા પ્રયાસો કર્યા હતા. એ પછી તેમણે સાઉથ ગુજરાત પ્રોડક્ટિવિટી કાઉન્સિલના પ્રમુખ તરીકે પણ સેવા આપી હતી.
રૂપીનભાઇ અત્યારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) સાથે જોડાયેલી ભારત વિકાસ પરિષદ સુરત મેઇનના પ્રમુખ છે.
તેમણે આ સંસ્થાના માધ્યમથી બાંધકામ સાઇટ પર કામ કરતા શ્રમજીવીઓના બાળકોને શિક્ષણ આપવા માટે મોબાઇલ સ્કૂલની શરૂઆત કરી. તેમણે ‘ભારત કો જાનો’ પુસ્તક આધારિત પરીક્ષા લીધી હતી જેમાં 4,000 બાળકોએ ભાગ લીધો હતો.
રાષ્ટ્રીય કલા કેન્દ્રમાં તેઓ 48 વર્ષથી જોડાયેલા છે. શરૂઆતના 10 વર્ષમાં એમણે સંસ્થાના નેજા હેઠળ અભિનયના ઓજસ પાથર્યા હતા. નાટ્ય કારકિર્દીના દાયકામાં તેમણે 3 ત્રિઅંકી નાટકો અને 9 એકાંકી નાટકોમાં અભિનય કર્યો હતો અને 3 નાટકોનું દિગ્દર્શન પણ સંભાળ્યુ હતું. ૧૯૭૩ માં રૂપીન પચ્ચીગર રોટરેક્ટ કલબ ઓફ સુરત કોલેજીસના પ્રમુખ હતા. ત્યારે એમના આમંત્રણને માન આપી દેશના નામાંકિત જ્યુરીસ્ટ નાની પાલખીવાળા સુરતના મહેમાન બન્યા હતા. પાલખીવાળાને સાંભળવા એક લહાવો હતો. એમનું પ્રવચન સાંભળવા માટે રવિવારે સવારે ૯ વાગે ૪૦૦૦ સુરતીઓ એકત્રિત થયા હતા.
રૂપીનભાઈ મોટીવેશનલ સ્પીકર છે. આજકાલ યુવાનો માટે સફળતા કઈ રીતે પ્રાપ્ત કરવી એ એક યક્ષ પ્રશ્ન છે. આ પ્રશ્નના જવાબ માટે તમારે રૂપીનભાઈની YouTube Channel “મુજે ભી કુછ કહેના હૈ” ને Subscribe કરવી પડે. અત્રે નોંધવું જરૂરી છે કે આ ચેનલ પર તેઓ હિન્દી ભાષામાં જીવન સફળતાનો મંત્ર આપવાનો પ્રયાસ કરે છે.
તેમની કામગીરીના સરાહના પણ થઇ છે અને અનેક એવોર્ડસની નવાજેશ પણ થઇ છે
1973માં સર કે.પી. કોમર્સ દ્વારા દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના યુથ ફેસ્ટીવલમાં ‘ઇશ્વર અલ્લા તેરો નામ’ નાટકમાં તેમણે ઈશ્વરની ભૂમિકા ભજવી હતી અને આ પાત્ર માટે તેમને ‘શ્રેષ્ઠ અભિનેતા’ અને શ્રેષ્ઠ દિગ્દર્શકનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. એ પછી 1978માં રાષ્ટ્રીય કલા કેન્દ્રના ‘રક્ત રંગી સૂર્યાસ્ત’ નાટકમાં દારા શિકોઇની ભૂમિકા માટે ગુજરાત રાજ્ય બેસ્ટ એક્ટર એવોર્ડ મળ્યો હતો. હમણાની જ વાત કરીએ તો કોરોના મહામારીના સમયમાં ‘કોરોનાકાળની સત્યકથાઓ’ પુસ્તક રાષ્ટ્રીય કલા કેન્દ્રના નેજા હેઠળ એમણે નરેશ કાપડીયાના સહયોગથી પ્રકાશિત કર્યું હતું અને તેનું વિમોચન પૂર્વ કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડો. હર્ષવર્ધનના હસ્તે દિલ્હીમાં કરવામાં આવ્યું હતું. ઉપરાંત તેમની અન્ય સિદ્ધિઓની વાત કરીએ તો ગુજરાતના પૂર્વ રાજ્યપાલ ઓ.પી. કોહલીના હસ્તે નાટ્યક્ષેત્રમાં નોંધપાત્ર પ્રદાન બદલ તેમને “સંસ્કાર વિભૂષણ 2018” અને “સંસ્કાર એવોર્ડ 2018″ થી સન્માનિત કરવામાં આવ્યા હતા. રૂપીનભાઇ મોટીવેટર પણ છે અને તેમણે લખેલા ૪ પુસ્તકો પ્રકાશિત થયા છે, જેમા “અસરકારક વક્તા બનો”, “જીવનનું સત્ય”, “મારે સફળ થવું છે” અને “Be An Effective Orator” નો સમાવેશ થાય છે. રૂપીનભાઇ પચ્ચીગરના જીવનની ગાથા અને સિદ્ધિઓની વાત અમે એટલા માટે કરી રહ્યા છીએ કે તમે ધારો તો અનેક સવારી કરીને બૅલેન્સ જાળવી શકો અને સફળતાને વરી શકો. અમે એટલા માટે પણ તેમની વાત લખી રહ્યા છીએ કે, રૂપીનભાઇના પ્રયાસને કારણે શહેરના કલ્ચર, સમાજ અને ઉદ્યોગને ફાયદો થયો છે.
રૂપીનભાઇ લાઇફમાં બિઝી હોવા છતાં પરિવારને પુરતો સમય આપે છે…
રૂપીનભાઇને બે સંતાન છે એમાં તેમના મોટા દીકરી કૃતિકા શાહે પિતાની જેમ શહેરમાં તેમનું નામ રોશન કર્યું છે. કૃતિકા આર્કિટેક્ચર કોલેજમાં પ્રોફેસર છે, પરંતુ તેઓ ગરબા માટે વધારે જાણીતા છે. તેઓ ‘તાલ’ ગ્રુપના પ્રમુખ છે અને ગુજરાતી ગરબાને તેમણે દેશ વિદેશમાં ખ્યાતિ અપાવી છે. ગરબા માટે કૃતિકાનું ડેડીકેશન અદ્દભૂત છે. એમના જમાઈ રાહુલ શાહ આર્કિટેક્ટ છે. તેમનો દીકરો અનુજ પચ્ચીગર પણ સી.એ. થઇ ગયો છે અને રૂપીનભાઇની સાથે પ્રેક્ટિસ કરે છે. અનુજની પત્ની અને રૂપીનભાઇની પુત્રવધૂ સૂચિ પચ્ચીગર ડૉકટર છે.
‘કઠોર પરિશ્રમનો કોઇ વિકલ્પ નથી’ હવે આ સૂત્ર બદલાયું છે.
રૂપીનભાઇ સાથેની વાતચીતમાં અમે પૂછ્યું કે તમે આજની પેઢીને શું મેસેજ આપવા માંગશો? તો તેમણે કહ્યું કે, પહેલાં આપણે ઘણી વખત શાળાઓની દિવાલો પર વાંચતા કે – ‘કઠોર પરિશ્રમનો કોઇ વિકલ્પ નથી’ પરંતુ સમય બદલાયો છે. 20મી સદી મટીરીયલની અને લક્ષ્મીજીની સદી હતી અને 21મી સદી જ્ઞાનની સદી છે. હવે સૂત્ર બદલાયું છે, ‘કુશળ પરિશ્રમનો કોઇ વિકલ્પ નથી’. તેમણે કહ્યું કે, પરિવર્તન સંસારનો નિયમ છે અને જમાના સાથે તમારે બદલાવવું જ પડે. તેમણે યુવાનોને મેસેજ આપતા કહ્યું હતું કે, જે કંઇ પણ કામ કરો તે દિલથી કરો. ઉપર છલ્લું જ્ઞાન કામ લાગતું નથી, બીજું કે પ્રમાણિકતા દરેક બાબતોમા જરૂરી છે, ભલે પછી તે પૈસાની વાત માટે હોય કે સંબંધની વાત હોય. વિશ્વ હવે પારદર્શી બની ગયું છે. રૂપીનભાઇએ કહ્યું કે આજની પેઢીએ કેળવવા જેવો સૌથી અગત્યનો કોઇ ગુણ હોય તો તે ટાઇમ મેનેજમેન્ટ છે. તમે સમયને સાચવશો તો સમય તમને સાચવશે.
યુવાવસ્થામાં નાટક અને કેરીયરની પસંદગી કરવામાં બૅલેન્સ કરવું મુશ્કેલ હતું
હાયર સેકન્ડરીનો અભ્યાસ પુરો કર્યા પછી કોલેજનો અભ્યાસ સુરતની સર્વશ્રેષ્ઠ ગણાતી સર કે.પી. કોલેજ ઓફ કોમર્સમાં કર્યો અને એલ.એલ.બી. નો અભ્યાસ વી.ટી. ચોકસી લો કોલેજમાં કર્યો. તે વખતે અભ્યાસની સાથે Junior Chamber International (JCI) જેવી સંસ્થા સાથે પણ જોડાયા. તે વખતે કેરિયરની પસંદગી કરવામાં ભારે મથામણ થઇ હતી. એક તરફ નાટકમાં કૅરિયર બનાવવાની ઇચ્છા હતી, કારણ કે એ દિલ સાથે જોડાયેલી વાત હતી અને બીજી તરફ CA બનવાનો ધ્યેય હતો. નાટક કરતી વખતે મેં અનેક વખત જોયું હતું કે સ્ટેજના દિગ્ગજ કલાકારો પણ આર્થિક મુશ્કેલીનો અનુભવ કરતા હતા. મારા માટે તે સમયે જીવન નિર્વાહ માટે આર્થિક ઉપાર્જન મહત્વનું હતું. એટલે આખરે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટના વ્યવસાય પર પસંદગી ઉતારી. 20 થી 45વર્ષની વયના સમયગાળામાં રૂપીનભાઇએ ભરપૂર પ્રવૃત્તિઓ કરી, તેઓ 1995-96માં ધી સધર્ન ગુજરાત ચૅમ્બર ઓફ કોમર્સ (SGCCI)ના પ્રમુખ બન્યા હતા, 1990 થી 1992માં તેઓ વેસ્ટર્ન ઇન્ડિયા રીજીયોનલ કાઉન્સિલ ઓફ ધી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયાના વાઈસ ચૅરમૅન હતા. 1982માં ઇન્ડિયન જુનિયર ચેમ્બરના ગુજરાત પ્રમુખ બન્યા હતા.
પ્રૌઢાવસ્થામાં ફેમિલી, બિઝનેસ અને રિલેશન પર ધ્યાન કેન્દ્રિત કર્યુ…
તેમણે પ્રૌઢાવસ્થામાં ફેમિલી, બિઝનેસની સાથે સાથે સમાજમાં રિલેશન પણ ઊભા કર્યા. તેમણે આર. આર. પચ્ચીગર એન્ડ કંપની નામથી તેમની CA ની ઓફિસ શરૂ કરેલી છે અને તેમણે પ્રોફેશનને પણ ન્યાય આપ્યો અને સારા એવા ક્લાયન્ટ ઊભા કર્યા, આ દરમિયાન તેમણે રાજકારણમાં પણ હાથ ઝંપલાવ્યો અને કલા સંસ્થાઓ સાથે પણ કામ કર્યું. આ બધા વચ્ચે ફેમિલી અને બિઝનેસનું બૅલેન્સ પણ તેમણે સારી રીતે જાળવી રાખ્યું. એમ કહી શકીએ કે તેમણે દરેક ઉંમરમાં સચોટ, સફળ, હંમેશા ઊંચુ વિચારવાનું, શ્રેષ્ઠ વિચારધારા રાખવાની, ચીવટાઇપૂર્વક કામ કરવાનું અને સરળ રહેવાની પ્રણાલી સાથે કામ કર્યું.
કિશોરાવસ્થામાં કલા, સંસ્કૃતિનું ભાથું બાળપણથી માતા પિતા પાસેથી મળ્યું…..
રૂપીન પચ્ચીગરનો જન્મ 13 ડિસેમ્બર, 1952માં સુરતમાં થયો હતો અને તેમના પિતાનું નામ રમેશચંદ્ર પચ્ચીગર અને માતાનું નામ કુસુમબેન પચ્ચીગર. રૂપીનભાઇના દાદા ઝવેરી હતા. પિતા રમેશચંદ્ર સુરતમાં કોર્પોરેટર તરીકે પણ રહી ચૂક્યા હતા અને તેઓ ટાઉન પ્લાનીંગ કમિટીના ચૅરમૅન તરીકે પણ કામ કરી ચૂક્યા હતા. માતા કુસુમબેન ગુજરાતી ગરબાના જાણકાર હતા તેમજ પિતાને પણ ગુજરાતની માતબર સંસ્કૃતિમાં રસ હતો. એટલે બાળપણમાં જ રૂપીનભાઇમાં કલાના બીજ રોપાયા હતા. તેઓ 1 થી 4 ધોરણ જીવનભારતી શાળામાં ભણ્યા, 4 થી 7 ધોરણ ગોપીપરા મિડલ સંકુલમાં ભણ્યા અને 8 થી 11 ધોરણ સુધી જૈન હાઈસ્કૂલમાં ભણ્યા અને તે પણ ગુજરાતી માધ્યમમાં. રૂપીનભાઇએ કહ્યું કે શાળામાં ભણતો હતો ત્યારે જ શાળાના વિદ્યાર્થીઓને ગરબા શિખવાડતો અને નાટકનો પણ શોખ હતો. પણ નાટકમાં ચાન્સ મળતો ન હતો. શાળાના વાર્ષિક ઉત્સવમાં નાટક કરવાનું હતું ત્યારે એમણે કહ્યું કે “સર, મારે નાટકમાં ભાગ લેવો છે.” શિક્ષકે કહ્યું કે, “સ્ત્રીનું પાત્ર ભજવવું પડશે,” અને રૂપીનભાઈએ આ પડકાર ઝીલી લીધો અને સ્ત્રીનું પાત્ર ભજવવા તૈયાર થઈ ગયા. અને તેમણે નાટકમાં સ્ત્રીનું પાત્ર બખુબી નિભાવ્યું. કિશોરાવસ્થાનો નાટકનો એ અનુભવ એકદમ અદ્દભૂત હતો. એ પછી તો અનેક નાટકોમાં ભાગ લીધો અને નાટક એમના જીવનનો એક ભાગ બની ગયો.
નિવૃત્તિની ઉંમર થઇ ગઇ છે, પરંતુ કામથી હજુ નિવૃત્ત થયા નથી, સમાજસેવા ચાલુ જ છે…
રૂપીનભાઇ પચ્ચીગર આમ તો 71 વર્ષની વયે પહોંચી ગયા છે, પરંતુ તેમની કામ કરવાની સ્ફૂર્તિ જુઓ તો એમ જ લાગે કે હજુ 50 વર્ષના હશે. રૂપીનભાઇને જોઇને અઝીમ પ્રેમજીની એક વાત યાદ કરવા જેવી છે પ્રેમજીએ કહેલું કે, ‘’જીવન એક સતત ચાલતી દોડ છે, અહીં દોડ જીત્યા પછી કોઇ ઇનામ મળતું નથી, પરંતુ દોડવાનો અનુભવ એ જ સૌથી મોટું અને મહાન ઇનામ છે.’’ રૂપીનભાઇ પાસે આજે અનુભવનો ખજાનો છે. તેઓ છેલ્લાં 45 વર્ષથી ચાર્ટર્ડ એકાઉટન્ટ તરીકે વ્યવસાય કરે છે અને 48 વર્ષથી સુરતની જાણીતી સંસ્થા રાષ્ટ્રીય કલા કેન્દ્ર સાથે સંકળાયેલા છે, હાલમાં મહામંત્રી તરીકે કાર્યરત છે. ઉપરાંત તેઓ અત્યારે ભારત વિકાસ પરિષદ સુરત મેઈનના પ્રમુખ છે, યુટ્યૂબ પર ‘મુજે ભી કુછ કહેના હૈ’ ચેનલ ચલાવે છે. આવી તો અનેક પ્રવૃત્તિઓ પચ્ચીગર કરી રહ્યા છે. હજુ તો થોડા દિવસો પહેલાં જ તેમણે ભગવદ્ ગીતા- મેનેજમેન્ટની શ્રેષ્ઠ માર્ગદર્શિકા, ગીતા પંચામૃત કાર્યક્રમનું ચૅમ્બર સાથે આયોજન કર્યું હતું અને જેમા ગીતા પર ઊંડો અભ્યાસ ધરાવતા 5 વક્તાઓએ ગીતા જ્ઞાન રસની સરવાણી વહાવી હતી.
રૂપીનભાઇએ છેલ્લે જીવનના સાર રૂપે સરસ મજાનું ગીત ગણગણાવતા કહ્યું હતું કે…
મેં જિંદગી કા સાથ નિભાતા ચલા ગયા,
હર ફિક્ર કો ધુએં મેં ઉડાતા ચલા ગયા,
જો મિલ ગયા ઉસી કો મુકદ્દર સમજ લિયા,
જો ખો ગયા ઉસે મે ભુલાતા ચલા ગયા.
ડાયમંડ સિટીના ઈશ્યુ 385માં પ્રિન્ટેડ આર્ટીકલ અહીં વાંચી શકો છો.
______________________________________________________
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM