રશિયાએ યુક્રેન સામે યુદ્ધ છેડ્યું ત્યાર બાદથી વૈશ્વિક સ્તરે સમીકરણો બદલાયા છે. યુરોપિયન દેશો રશિયા સાથે વ્યાપારિક વ્યવહાર કાપી નાંખવા કટીબદ્ધ બન્યા છે. તાજેતરમાં બેલ્જિયન સંસદે રશિયન ખાણમાંથી નીકળતા ડાયમંડ નહીં ખરીદવા માટે ઠરાવ પસાર કર્યો છે. જો બેલ્જિયન સંસદમાં આ ઠરાવને મંજૂરી મળે તો એન્ટવર્પમાં રશિયન ડાયમંડ માટે નો એન્ટ્રીના બોર્ડ લાગી જશે.
રશિયન ડાયમંડ પ્રત્યે યુરોપિયન પ્રજાની વધતી સૂગના લીધે ભારતીય હીરા ઉદ્યોગ પર માઠી અસર પડી રહી છે. રશિયા યુક્રેન વચ્ચે યુદ્ધ શરૂ થયું તે પહેલાં ભારતીય હીરાવાળા રશિયાથી 27 ટકા જેટલી રફ આયાત કરતા હતા, જે યુરોપિયન દેશોના પ્રતિબંધોને લીધે ઘટીને 10 ટકા જેટલી રહી ગઈ છે. એકંદરે વેપારમાં પણ ઘટાડો થયો છે. તેમ છતાં ભારતીય સરકારના અમેરિકા અને રશિયાની માથાકૂટમાં તટસ્થ વલણ રહ્યું હોવાના લીધે ભારતીય હીરાવાળા પણ ધીમે પણ મક્કમતાથી પોતાનો રશિયન ડાયમંડનો વેપાર ચલાવી રહ્યાં છે.
જોકે, તેની અસર રશિયન ડાયમંડ માઈન્સ કંપનીના વેપાર પર પડી છે. કારણ કે વિશ્વમાં ડાયમંડ કટીંગ એન્ડ પોલિશિંગનું સૌથી મોટું સેન્ટર ભારત છે. ભારત દ્વારા રફની આયાત ઘટાડી દેવાના પગલાની અસરરૂપે રશિયન ડાયમંડ માઈન્સને ફટકો પડ્યો છે, તેથી જ હવે રશિયન ડાયમંડ માઈનર્સ ભારતીય હીરા ઉદ્યોગકારોને આકર્ષવા માટે પ્રયાસો હાથ ધર્યા છે, તેના ભાગરૂપે તાજેતરમાં રશિયાના યાકુતિયાનું એક પ્રતિનિધિમંડળે સુરતની મુલાકાત લીધી હતી.
રશિયાના ગણરાજ્ય યાકુટિયાના પ્રતિનિધિમંડળે સુરતના હીરાઉદ્યોગની મુલાકાત દરમિયાન તા. 16 મેના રોજ જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ ખાતે હીરાઉદ્યોગકારો સાથે મિટીંગ કરી હતી અને સુરતના ઉદ્યોગકારોને યાકુતિયામાં હીરાઉદ્યોગમાં રોકાણ કરવા માટે આમંત્રણ આપ્યું હતું અને તેમના માટે ફ્રી ટ્રેડ ઝોનમાં આપવામાં આવેલી તમામ સવલતોથી માહિતગાર કર્યા હતા.
સખા રિપબ્લિક (યાકુટિયા)ના કીમ બોરીસોવના નેતૃત્વમાં 7 મેમ્બર્સના પ્રતિનિધમંડળ અને જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના પદાધિકારીઓ સાથે મિટીંગ કરી સુરતના હીરાઉદ્યોગ વિશે ચર્ચા કરી હતી. કીમ બોરીસોવે જણાવ્યું હતું કે, રશિયામાં ઉત્પાદિત 90 ટકા હીરા યાકુતિયાની માઇન્સના હોય છે. ત્યાં વાતાવરણની અસ્થિરતાને લીધે ત્યાંની જનસંખ્યા ફક્ત 1 મિલિયન છે.
સખા રિપબ્લિકના રોકાણ અને નિકાસ વિકાસ એજન્સીના યુલિયાના ઇ ડિર્યાખોવાએ ત્યાંના ફ્રી ટ્રેડ ઝોન વિશે માહિતી આપી હતી અને ઉદ્યોગકારો માટે અનેક સુવિધાઓ ઊભી કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું. ત્યાં રફ હીરાની માઇનિંગ કરવામાં આવતી હોવાથી રોકાણ કરનારાઓ મોટો ફાયદો થાય તેમ જણાવ્યું હતું.
વધુમાં તેમણે ઉદ્યોગકારોને યાકુટિયામાં હીરા ઉદ્યોગમાં વિકાસની મોટી તકો રહેલી હોવાથી રોકાણ કરી શકાય છે તે વિશે સમજ પૂરી પાડી હતી અને ત્યાંની સ્થાનિક પ્રાઇવેટ સેક્ટરની કંપની સેબીએમ એલએલસી સાથે ભાગીદારીમાં સુરતના ઉદ્યોગકારોને હીરાઉદ્યોગમાં રોકાણ કરવા માટે પણ આગ્રહ કર્યો હતો.
જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના ચેરમેન વિજય માંગુકિયાએ ડેલિગેશનના સદસ્યોને સુરતના હીરાઉદ્યોગના વિકાસ વિશેની તમામ માહિતી આપતા જણાવ્યું હતું કે, કટ અને પોલિશ્ડ ડાયમંડ માટે જાણીતો સુરતનો હીરાઉદ્યોગ હવે દુનિયામાં ડાયમંડ જ્વેલરી મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે પણ ઝડપથી આગળ વધી રહ્યું છે. સાથે જ નેચરલ હીરાની સાથે હવે લેબગ્રોન ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં પણ મોટું કેન્દ્ર બનવા તરફ આગળ વધી રહ્યું છે.
યાકુતિયાના ફ્રી ટ્રેડ ઝોનમાં હીરાના કારખાના શરૂ કરવા ચર્ચા થઈ
જીજેઇપીસી ગુજરાત રિજનલના ચૅરમૅન વિજય માગુંકિયાએ જણાવ્યું હતું કે, રિપબ્લિક ઓફ સખા યાકુતિયાના 7 મંત્રીઓએ કિમ બોરીસોવનાં નેતૃત્વમાં GJEPC સુરત ઓફિસમાં હીરા, ઝવેરાતનાં ટ્રેડને લગતી બેઠક યોજી હતી. સખા રિપબ્લિક (યાકુતિયા) – રશિયન ફેડરેશનનો એક પ્રભાગ છે. બોરિસોવએ યાકુતિયાનાં ફ્રી ટ્રેડ ઝોનમાં હીરાના કારખાનાઓ શરૂ કરવા, હીરાના વેચાણ માટે ટ્રેડિંગ ઓફિસ શરૂ કરવા અને માઈનિંગ વ્યવસાયમાં જોઈન્ટ વેંચરમાં જોડાવા સહિતની ચર્ચા વિચારણા કરી હતી. સખા રિપબ્લિક (યાકુતિયા) સરકારના 7 મંત્રીઓનું પ્રતિનિધિમંડળ 2 દેશો સાથેના મજબૂત દ્વિપક્ષીય વેપાર સંબંધોની શોધ કરવા માટે સુરતની મુલાકાતે આવ્યું હતું. GJEPCનાં આસિસ્ટન્ટ ડાયરેક્ટરે ભારતમાંથી જેમ એન્ડ જ્વેલરી ઉત્પાદનોની નિકાસને પ્રોત્સાહન આપવા માટે તેની વિવિધ પ્રવૃત્તિઓની ઝાંખી આપી હતી.
સુરતના હીરા ઉદ્યોગની ઝાંખી દરમિયાન કેવી રીતે સુરત શહેરે હીરા કટીંગ અને પોલિશિંગમાં તેનું આગવું નેતૃત્વ સ્થાન જાળવી રાખ્યું છે. સુરત હવે ડાયમંડ જ્વેલરી ઉત્પાદનમાં વિશ્વ અગ્રણી બનવાના માર્ગે છે. સુરત સીવીડી પ્રકારના લેબગ્રોન ડાયમંડ મેન્યુફેક્ચરિંગનું હબ પણ બની રહ્યું છે, એની વિગતો પણ રજૂ કરી હતી.
રશિયાના કુલ જથ્થામાંથી 90 ટકા રફ ડાયમંડ યાકુતિયાની ખાણમાંથી મળે છે
કિમે તેમની ટીમનો સંક્ષિપ્ત પરિચય આપ્યા પછી તેમના પ્રદેશનો સર્વાંગી ખ્યાલ આપ્યો. તેમણે સુરતનાં ઉદ્યોગકારોને જણાવ્યું હતું કે યાકુતિયા પ્રદેશ કુદરતી સંશાધનોની પહોંચ ધરાવે છે, તેમણે એ પણ જણાવ્યું કે 90% રશિયન હીરાનું ખાણ યાકુતિયામાં થાય છે. આ પ્રદેશ હવામાનમાં મોટા ઉતાર-ચઢાવ જુએ છે અને તેથી વિશાળ વિસ્તાર હોવા છતાં યાકુટિયાની વસ્તી માત્ર 1 મિલિયન છે. યુલિયાના ઇ. ડીર્યાખોવાએ રોકાણ અને એક્સપોર્ટ સંદર્ભમાં સમર્થન આકર્ષવા યાકુટિયાના ફ્રી ટ્રેડ ઝોન પર પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું. તેમણે ફ્રી ટ્રેડ ઝોનમાં આપવામાં આવતા લાભો ગણાવ્યા હતા. SAYBM LLC નામની નવી ખાનગી ક્ષેત્રની કંપની મારફત યાકુટિયાના રફ ડાયમંડ રિસોર્સની મફત ઍક્સેસનો મુખ્ય ફાયદો પણ ગણાવ્યો હતો. સભ્યોને યાકુતિયાના ‘ડાયમંડ ક્લસ્ટર’માં પ્રવેશ મેળવવા માટે SAYBM સાથે સંયુક્ત સાહસ કરવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. તેમણે સુરતનાં ઉદ્યોગકારોને પ્રશ્નોના ઉત્તરો આપ્યા હતા. પ્રતિનિધિ મંડળે સુરતના ઉદ્યોગ સાહસિકોને ૨ફ હીરાના ખાણકામમાં ભાગીદાર બનવા યાકુતિયાની ઓફર કરી હતી.
પ્રતિનિધિ મંડળે સુરતનાં આ સ્થળોની મુલાકાત લીધી
- પ્રતિનિધિ મંડળે ઈચ્છાપોર જવેલરી પાર્ક સ્થિત સુરત ઇન્ટરનેશનલ ડાય-ટ્રેડ સેન્ટરની પણ મુલાકાત લીધી હતી.
- સુરતની ટોચની ડાયમંડ કંપનીઓની મુલાકાત લઈ રશિયન રફમાંથી પોલિશડ કઈ રીતે તૈયાર થાય છે. એની વિગતો મેળવી હતી.
- સુરતમાં હીરાબજારોની મુલાકાત લઈ ડોમેસ્ટિક માર્કેટમાં હીરા કેવી રીતે વેચાણ થાય છે એની માહિતી મેળવી હતી.
- સુરતનાં વેસુમાં મેડિકલ ઇન્સ્ટિટ્યૂટની મુલાકાત લીધી હતી.
- સુરત મહાનગર પાલિકાના મેયર હેમાલી બોઘાવાળાની મુલાકાત લઈ રિપબ્લિક ઓફ સખા યાકુટિયા અને સુરત વચ્ચે ટ્વીનસિટી એમઓયુ કરવા તૈયારી દર્શાવી હતી.
2 બિલિયન રશિયન રફ ડાયમંડનું વેચાણ ભારતમાં થાય છે
રશિયન ફેડરેશન અને ભારત વચ્ચે મૈત્રી ભર્યા સંબંધો છે. રશિયન રફ ડાયમંડનું સૌથી વધુ વેચાણ ભારતમાં થાય છે. જે અત્યારે 2 બિલિયન યુએસ.ડોલર જેટલું છે. રશિયન માઈનિંગ કંપની અલ રોસા આ વેપારને બમણો કરવાની ઈચ્છા વ્યક્ત કરી ચૂક્યું છે. અમેરિકા અને યુરોપિયન યુનિયનના કેટલાક અંકુશોને લીધે હીરા ઉદ્યોગને થયેલી અસર અંગે પણ ટોચના હીરા ઉદ્યોગકારોએ ચર્ચા કરી હોવાનું જાણવા મળ્યું છે.
ઇન્ડસ્ટ્રી શરૂ કરવા માટે જે પણ રો મટિરિયલની જરૂર
માંગુકિયાએ વધુમાં જણાવ્યું હતું કે, સ્પેશિયલ ઇકોનોમિક્સ ઝોન અંગે તેમણે પોલિસી તૈયાર કરી છે. જેમાં સુરતના વધુમાં વધુ જ્વેલરી ઉદ્યોગ સાથે સંકળાયેલા કંપની માલિકો ત્યાં આગળ જઈને કંપની શરૂ કરે ત્યારની સરકારે ટેક્ષથી લઈને ઘણી બધી રાહત આપવાની વાત કરી છે. ત્યાં તમામ પ્રકારની સુવિધા મળી રહે તેમ છે. પુષ્કળ પ્રમાણમાં જે પ્રકારની ડાયમંડની જરૂરિયાત ઇન્ડસ્ટ્રીને છે, તે તમામ ત્યાં જ પૂરતા પ્રમાણમાં મળી રહે તેમ છે તે સિવાય ઇન્ડસ્ટ્રી શરૂ કરવા માટે જે પણ રો મટિરિયલની જરૂર છે તે તમામ વ્યવસ્થા ત્યાં સરળતાથી થઈ જાય તેવી ભૌગોલિક પરિસ્થિતિ પણ છે. જેથી વધુમાં વધુ ડાયમંડ જ્વેલરી ફેક્ટરી ત્યાં શરૂ થાય તે પ્રકારની પોલિસી હેઠળ આમંત્રણ આપવામાં આવ્યું છે.
ફ્રી ટ્રેડ ઝોનના લાભ
સખા પ્રજાસત્તાકના રોકાણ અને નિકાસ સહાયને આ કરવા માટેની એજન્સિના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ યુલિયાના ઇ. દીર્યાખોવાએ યાકુટિયાના ફ્રી ટ્રેડ ઝોન પર પ્રેઝન્ટેશન આપી ફ્રી ટ્રેડ ઝોનમાં રોકાણ કરવાના ફાયદાઓ સમજાવ્યા હતા. સુરતના ઉદ્યોગ સાહસિકોને રફ હીરાના ખાણકામમાં ભાગીદાર બનવા ઓફર આપી હતી. તેમણે ઉમેર્યુ કે, SAYBM LLC નામની નવી ખાનગી ક્ષેત્રની કંપની દ્વારા યાકુટિયાના રફ ડાયમંડ રિસોર્સનો ફાયદો ઉઠાવી શકાય છે. સભ્યોને યાકુતિયાના ‘ડાયમંડ ક્લસ્ટર’માં પ્રવેશ મેળવવા માટે SAYBM સાથે સંયુક્ત સાહસ કરવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. સભ્યોએ ફ્રી ટ્રેડ ઝોન અંગે વિવિધ પ્રશ્નો પૂછ્યા હતા તો પ્રતિનિધિ મંડળે સુરત ઇન્ટરનેશનલ ડાયાટેડ સેન્ટરની પણ મુલાકાત લીધી હતી.
______________________________________________________
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM